|
અમેરિકાનાં ૭ રાજ્યોમાં બરફનું અભૂતપૂર્વ તોફાન ઃ બેનાં મૃત્યુ |
|
|
|
આંતરરાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
રવિવાર, 07 ફેબ્રુઆરી 2010 |
(પીટીઆઇ) વોશિંગ્ટન, તા. ૭
અતિ વિપુલ માત્રામાં બરફના કરાંના વરસાદે યુ.એસ.ની રાજધાની અને આસપાસના રાજ્યોમાં સફેદ ચાદરનું સામ્રાજ્ય પાથરી દીધું હતું. હજારો લોકોએ અતિશય ઠંડા વાતાવરણમાં વીજળી વિના રહેવાની ફરજ પડી હતી. પ્રમુખ બરાક ઓબામાએ વિક્રમસર્જક કરાંની પરિસ્થિતિને ''સ્નોમેગેડોન'' તરીકે ઓળખાવી હતી. અમેરિકન શહેરોમાં જનજીવન ખોરવાઇ ગયું હતું. ઓછામાં ઓછાં સાત રાજ્યોમાં બરફના તોફાનના કારણે કટોકટી જાહેર કરવામાં આવી હતી. સંખ્યાબંધ હવાઇ ઉડ્ડયનો અને ટ્રેનો રદ કરાઇ હતી.
વોશિંગ્ટન, ન્યૂ જર્સી, ઓહાયોમા અંધારપટ ઃ અકસ્માતોની હારમાળા ઃ ઓબામાએ પરિસ્થિતિને 'સ્નોમેગેડોન' તરીકે ગણાવી
વોશિંગ્ટન અને આસપાસના મધ્ય એટલાન્ટિક રાજ્યો મેરિલેન્ડ, વર્જિનિયા, પેન્સિલ્વાનિયા, ન્યુ જર્સી, ઓહાયો, નોર્થ કેરોલિના અને ડેલાવેરમાં વિપુલ માત્રામાં બરફ છવાઇ ગયો હતો અને શ્વેત, જાડી ચાદર પથરાઇ ગઇ હતી.
વર્જિનિયા રાજ્યમાંથી ઓછામાં ઓછી બે વ્યક્તિનાં મોત બરફના વરસાદના કારણે થયા હતા. વોશિંગ્ટનમાં તો અંધારપટ છવાયો હતો અને હજારો લોકોએ વીજળી વિના ઠંડીમાં ઠૂંઠવાવું પડયું હતું.
બરફના તોફાનની અસરગ્રસ્ત રાજ્યોમાં સેંકડો અકસ્માતો થયાના અહેવાલ મળ્યા હતા. યુ.એસ. પ્રમુખ ઓબામાએ ડેમોક્રેટિક પક્ષની સમિતિ સમક્ષ આજે સવારે કરેલા જોશપૂર્ણ પ્રવચનમાં વાવાઝોડાં સાથેની વિક્રમજનક હિમવર્ષાને ''સ્નોમેગેડોન'' તરીકે ઓળખાવી હતી. પ્રમુખના વાહનકાફલાનું એક વાહન આ હિમવર્ષામાં માર્ગ ભૂલીને અન્ય વાહન સાથે અથડાયું હતું.
તમામ અસરગ્રસ્ત રાજ્યોમાં બરફને ખસેડવા તાકીદની સેવાઓને કામે લગાવાઇ હતી.
સોમવારે શાળાઓ અને ઓફિસો ખુલશે ત્યારે મુખ્ય માર્ગો અને ધોરીમાર્ગો પરથી બરફને ખસેડી શકવા અંગે પણ સત્તાવાળાઓ શંકાશીલ છે, કારણ કે બરફના જાડાં થર ચોતરફ પથરાયેલા છે.
તાજેતરના ઈતિહાસમાં આ રાજ્યોમાં સૌથી ખરાબ હિમવર્ષા જોવા મળી હોવાનું હજારો લોકોએ જણાવ્યું હતું.
ફિલાડેલ્ફીઆ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, ડલેસ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સહિત અનેક એરપોર્ટસ પરથી સંખ્યાબંધ વિમાની ઉડ્ડયનો રદ કરાયા હતા. એમટ્રેક દ્વારા ગઇકાલે તેની મોટાભાગની ટ્રેનસેવા રદ થઇ હતી. આજે પણ ચાવીરૃપ રૃટસ પર થોડી ટ્રેનો દોડતી હતી.
|