Last Updated:19 ડિસેમ્બર 2011

વીજળીનો સંગ્રહ કરતાં કાગળ જેવા પાતળા પ્લાસ્ટિકનું સર્જન છાપો ઈ-મેલ
આંતરરાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GSNEWS   
રવિવાર, 07 ફેબ્રુઆરી 2010

ભારેખમ બેટરી ઇતિહાસ બની જશે

 (પીટીઆઇ)    લંડન, તા.૭
અનેક પેઢીઓને વીજ પ્રવાહ પુરો પાડનાર ભારેખમ બેટરી હવે નજીકના ભવિષ્યમાં કાયમ માટે ઇતિહાસની કચરા ટોપલીમાં ફેંકાઇ જશે. બ્રિટનના વિજ્ઞાાનીઓએ એક એવું પ્લાસ્ટિક બનાવ્યું છે જે વીજળીનો સંગ્રહ કરી શકશે. આ અદભુત શોધની ભવિષ્યમાં અનેક દૂરગામી પરિણામો સામે આવશે. વિજ્ઞાાનીઓના મતે માત્ર કાગળ જેટલી પાતળી સાઇઝનું આ પ્લાસ્ટિક આગામી ૧૦ વર્ષમાં વર્તમાન બેટરીનું સ્થાન લઇ લેશે.

સુપર કેપેસીટરથી મોબાઇલનું કદ ક્રેડિટ કાર્ડ જેટલું થઇ જશે અને કોમ્પ્યુટર સ્ક્રીન વાળીને ખિસામાં રાખી શકાશે

વિજ્ઞાાનીઓએ પ્રાથમિક ધોરણે તૈયાર કરેલા સુપરકેપેસીટરને કારણે નજીકના ભવિષ્યમાં મોબાઇલ ફોન અને આઇ-પોડની સાઇઝ ક્રેડીટ કાર્ડ જેવી પાતળી થઇ જશે અને તેની ક્ષમતામાં અનેકગણો વધારો થઇ જશે. આ સાથે આ ટેકનોલોજીને કારણે કોમ્પ્યુટર સ્ક્રીનને ફોલ્ડ કરીને કાગળના ટુકડાની જેમ ખિસ્સામાં રાખી શકાશે.
એટલું જ નહિ નવી પ્લાસ્ટિક બેટરીની મદદથી 'ઇલેક્ટ્રીક વસ્ત્રો' બનાવી શકાશે. આ પ્રકારના વસ્ત્રો ધારણ કરનાર વ્યક્તિ જ્યારે ચાલશે ત્યારે તે ચાર્જ થતા રહેશે અને વાતાવરણ ઠંડુ હોય ત્યારે વસ્ત્રમાંથી આપમેળે શરીરને ગરમાવો મળતો રહેશે.

લંડનની ઇમ્પીરિયલ કોલેજના એરોનોટીક્સ વિભાગના ડૉ.એમીલી ગ્રીનહાલ્મે જણાવ્યું હતું કે આ મટીરીયલ હકીકતમાં બેટરી નહિ પણ સુપરકેપેસીટર છે. તેની સરખામણી સામાન્ય ઇલેક્ટ્રીક સર્કિટમાં જોવા મળતા કેપેસીટર સમાન છે. તેમની ટીમે બનાવેલું સુપરકેપેસીટર માત્ર પાંચ ચોરસ ઇંચની સાઇઝ અને વેફર જેટલું પાતળું છે. સામાન્ય વીજ પ્રવાહ દ્વારા તેને માત્ર પાંચ સેકન્ડમાં ચાર્જ કરી શકાય છે જેની મદદથી તે ૨૦ મીનીટ સુધી એલઇડી પ્રકાશ આપી શકે છે. કાર કંપની વોલ્વો સાથે ત્રણ વર્ષના પ્રોજેક્ટ પર કામ કરી રહેલા ડૉ.ગ્રીનહાલ્મે જણાવ્યું હતું કે અમારા સુપરકેપેસીટરની મદદથી ભવિષ્યની કાર તેની છત તથા દરવાજામાંથી જ વીજપ્રવાહ મેળવી શકશે. ગ્રીનહાલ્મે જણાવ્યું હતું કે નવા પ્લાસ્ટિકક સુપરકેપેસીટરની ખાસિયતો માત્ર આટલી જ નથી, તેના કારણે ભવિષ્યમાં ક્રેડીટ કાર્ડ જેટલા પાતળા મોબાઇલ ફોન હશે, તથા વજનદાર બેટરીની જરૃર નહિ પડે, એટલું જ નહિ લેપટોપ પણ લાંબો સમય સુધી ચાલી શકશે. નવું સુપરકેપેસીટર પરંપરાગત બેટરીની સરખામણીએ ઝડપથી ચાર્જ પણ થઇ જશે, અને તેમાં કેમીકલ પ્રોસેસની જરૃર નહિ હોવાથી તેની આવરદા પણ લાંબી રહેશે. ગ્રીનહાલ્મે દાવો કર્યો હતો કે અગાઉ કોઇપણ વિજ્ઞાાનીએ આ પ્રકારનું સુપરકેપેસીટર બનાવ્યું નથી. તેમણે એમપણ જણાવ્યું હતું કે આગામી ૧૦ વર્ષમાં તે પરંપરાગત બેટરીનું સ્થાન લઇ લેશે. વિજ્ઞાાનીઓએ કારના મેટલ ફ્લોરના સ્થાને પ્લાસ્ટિકના સુપરકેપેસીટરનો ઉપયોગ કરવાની યોજના બનાવી છે. જેના કારણે કારની વર્તમાન હાઇબ્રીડ બેટરીની સાઇઝ પણ ઘટી જશે, તથા કારનું વજન પણ ઓછું થઇ જશે, જેથી તે વધુ કાર્યક્ષમ બની જશે. આ યોજના સાકાર કરવા માટે ૩૦ લાખ પાઉન્ડના ખર્ચે પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

મનોરંજન સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી