ભારતના વિના વિકેટે ૨૫ ઃ અમલા અને કાલીસ વચ્ચે ૩૪૦ રનની ભાગીદારી
નાગપુર,તા.૭
અમલાની અણનમ ૨૫૩ રનની મેરેથોન ઇનિંગ તેમજ કાલીસના ૧૭૩ રનના સહારે સાઉથ આફ્રિકાએ ભારત સામેની પ્રથમ ટેસ્ટમાં પ્રથમ ઇનિંગમાં ૫૫૮ રનનો જંગી જુમલો ખડક્યો હતો. અમલા, કાલીસ(૧૭૩),ડી વિલિયર્સે (૫૬) ભારતીય બોલરોને હતાશ કરનારી બેટીંગ કરતાં સાઉથ આફ્રિકાએ ૧૭૬ ઓવરમાં ૬ વિકેેેટે ૫૫૮ રને ઇનિંગ ડિકલેર કરી હતી. ભારતે તેની પ્રથમ ઇનિંગમાં બીજા દિવસની રમતના અંતે વિના વિકેેેટે ૨૫ રન કર્યા હતા. ગંભીર ૧૨ રને અને સેહવાગ ૯ રને રમતમાં હતાં.
સાઉથ આફ્રિકાના મીડલ ઓર્ડરના બેટ્સમેન અમલાએ કારકિર્દીની સૌ પ્રથમ બેવડી સદી ફટકારતાં ૪૭૩ બોલનો સામનો કરતાં ૨૨ ચોગ્ગા સાથે અણનમ ૨૫૩ રન ફટકાર્યા હતા. અમલાએ ૧૧ કલાકથી પણ વધુ સમય ક્રિઝ પર ટકી રહેતાં સાઉથ આફ્રિકાને મુશ્કેલીમાંથી ઉગારીને જંગી જુમલા સુધી પહોંચાડયુ હતુ. ભારતની નબળી ફિલ્ડીંગનો લાભ પણ અમલાને મળ્યો હતો. તે ૬૧ રને હતો ત્યારે ઝહીરની બોલીંગમાં બોલ તેના બેટને સ્પર્શીને વિકેટની પાછળ ગયો હતો. જો કે કેપ્ટન ધોની કે ફર્સ્ટ સ્લીપમાં ઉભેલા એમ.વિજયે કેચ પકડવાનો પ્રયાસ સુદ્ધા કર્યો નહતો. અમલાએ ૮૨ રને ફરી કેચ ઉછાળ્યો હતો. જો કે એસ.બદ્રિનાથે ખોટી ડાઇવ લગાવતા તેને જીવતદાન મળ્યુ હતુ, જે પછી તેણે પાછુ વળીને જોયુ સુદ્ધાં નહતું.
સાઉથ આફ્રિકાએ છ રને બીજી વિકેટ ગુમાવી ત્યારે અમલા સાથે જોડાયેલો કાલીસ બેવડી સદી ફટકારવાની તક ચુકી ગયો હતો. કાલીસની ૩૫૧ બોલમાં ૧૫ ચોગ્ગા અને ૨ છગ્ગા સાથેની ક્લાસિક ઇનિંગનો અંત હરભજન સિંઘે આણ્યો હતો. ભારતને હરભજને સફળતા અપાવી તે પહેલા જ અમલા અને કાલીસની જોડીએ ૩૪૦ રનની મેરેથોન ભાગીદારી નોંધાવી સાઉથ આફ્રિકાને સંગીન સ્થિતીમાં લાવી દીધું હતુ. કાલીસના આઉટ થયાં બાદ અમલા સાથે જોડાયેલા ડી વિલિયર્સે પણ ૫૩ રન ફટકારતાં ૧૦૮ રનની ભાગીદારી નોંધાવતા સ્કોરને ૪૫૦ની પાર પહોંચાડયો હતો. અમલા છેક છેવટ સુધી આઉટ થઇ શક્યો નહતો. ભારતીય બોલરો માટે આજનો બીજો દિવસ પણ ભારે નિરાશાજનક રહ્યો હતો. ઝહીરે ૩૧ ઓવરમાં ૯૬ રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે હરભજને ૪૬ ઓવરમાં એક મેડન નાંખતાં ૧૬૬ રન આપી બે વિકેટો ઝડપી હતી. સ્પિનર મિશ્રાએ ૫ મેડન સહિત ૫૩ ઓવર નાંખી હતી, જેમાં તેણે ૧૪૦ રન આપ્યાહતા અને તેને એક પણ વિકેટ મળી શકી નહતી.
ગંભીર અને સેહવાગની જોડીએ તેમની આગવી શૈલીમાં બેટીંગ કરતાં ૪ ઓવરમાં વિના વિકેટે ૨૫ રન કરી સાઉથ આફ્રિકાને આક્રમક જવાબ આપવાની તૈયારી દર્શાવી દીધી હતી. ભારતે પણ હવે જબરદસ્ત લડત આપતી બેટીંગ કરતાં સાઉથ આફ્રિકાને જવાબ આપવો પડશે. ગંભીર પાસે સતત છઠ્ઠી ટેસ્ટમાં સદી ફટકારીને બ્રેડમેનના રેકોર્ડની બરોબરી કરવાની તક છે.