Last Updated:19 ડિસેમ્બર 2011

ફિટનેસ - મોટી ઉંમરે થતી માંદગીથી બચવાના ઉપાય છાપો ઈ-મેલ
રવિપૂર્તિ
આના લેખક છે GSNEWS   
શુક્રવાર, 15 જાન્યુઆરી 2010
11Old+man.gifજેમ નાનાં બાળકોને અમુક રોગો થાય જ તેવી જ રીતે જેમ જેમ મોટી ઉંમર થાય તેમ અમુક રોગો થાય, એવી સામાન્ય માન્યતા છે. રોગો થાય એટલે શારીરિક, માનસિક, કૌટુંબિક અને આર્થિક પરેશાનીઓ વધે એ પણ સ્વાભાવિક છે.

વધારામાં મૃત્યુનો ડર લાગે એ પણ એટલું જ સ્વાભાવિક છે. જે તારીખની ખબર નથી એ તારીખે જેમ જેમ ઉમર થાય ત્યારે મૃત્યુનો ડર કારણ વગર વધતો જાય અને તે પ્રમાણે માનસિક તનાવ અને ગભરામણ વધતા જાય.

આમાં પણ અસાઘ્ય એવી ક્રોનીક બિમારી (દા.ત. કંપવા) હોય તો આવી બિમારીથી કંટાળીને કોઈકવાર આપઘાત પણ કરી બેસે. ઉંમર લાયક વ્યક્તિને રોગ થવાનાં ઘણાં કારણો હશે પણ સમાજમાં તમે એવા અનેક લોકો જોશો જે મોટી ઉંમર હોવા છતાં રોગરહિત અને તનાવ રહિત હોય છે. આનું કાંઈ કારણ તો હશે ને ? મારી દ્રષ્ટિએ આવા લોકો, જેને થોડા નસિબદાર લોકો ગણીએ, તેમને કદાચ વારસામાં લાંબી ઉંમર અને રોગરહિત સારૂં શરીર મળ્યું હોય પણ આવા લોકોના થોડા ટકા બાદ કરતાં બાકીના મોટી ઉંમરે સ્વસ્થ રોગરહિત હોય

તેવા લોકો શરીરની જાળવણી (મેઈનટેઈનન્સ) કરે છે અને સાથે સાથે અગમચેતીનાં પગલાં, રોગ ના થાય તે માટે લે છે તો આજે આપણે રોગ ના થાય માટેના અગમચેતીનાં પગલાં વિષે વાત કરીશું. મેઈનટેઈનન્સની તો બધાને ખબર હોય પણ તેની પણ ચર્ચા કરીશું.
મોટી ઉંમરે શરીરને થતા રોગો કયા ?
લાંબું લીસ્ટ છે પણ તે જોઈને ગભરાશો નહીં. દરેકનો ઉપાય છે.
(૧) કેન્સર (૨) હાર્ટએટેક (૩) સ્ટ્રોક (૪) બ્રેઈન ફેલ્યોર (૫) આથ્રરઇટીસ (૬) ગાઉટ (૭) ઓસ્ટીઓપોટોસીસ (૮) ઓસ્ટીઓમેલેશીઆ (૯) એનેમીઆ (૧૦) ડાયાબીટીસ (૧૧) પાર્કિન્સન્સ ડીસીઝ (૧૨) થાઇરોઇડ (૧૩) અલ્સર (૧૪) હાર્થરસહર્નીઆ (૧૫) કમળો (૧૬) સીરોસીસ લીવર (૧૭) ગોલબ્લેડરમાં પથરી (૧૮) કબજીયાત (૧૯) પાઈલ્સ (૨૦) મોતીમો (૨૧) ઝામર (૨૨) વેરીકોસવેઈન (૨૩) વારેવારે પડી જવું (૨૪) માથાનો દુઃખાવો (૨૫) ફીટ (૨૬) ચક્કર આવવાં. (૨૭) ઍક્સીડંટ, જેમાં હાડકાં ભાગવાં, દાઝવું. (૨૮) ઓપરેશન (૨૯) ક્રોનીક બિમારીઓ (૩૦) બધા જ પ્રકારના ચેપી રોગ.
અગમચેતીનાં પગલાં
આટલા બધા રોગો માટે અગમચેતીના પગલાં દરેક રોગ માટે આ સ્થળે આપવા શક્ય નથી પણ બધા જ રોગ માટેના સામાન્ય એવા અગમચેતીના પગલાની વાત કરીશું. આ માટે તમને ‘ફ્રીરેડીકલ’ અને ‘એન્ટીઑક્સીડંટ’ વિષે વાત કરવી પડશે. કારણ મોટા ભાગના રોગો જે ગમે તે ઉંમરે થાય તેનાથી શરીરનું રક્ષણ કરવા આ બાબતની માહિતી તમને હોય તો તમે તેનો અમલ કરો તો મોટી ઉંમરે પણ તમે ઉપર જણાવેલા રોગોને તમારાથી દૂર રાખી શકશો.
ફ્રીરેડીકલ એટલે શું ?
ઘરના દરવાજા ખુલ્લા હોય તો અનિષ્ટ તત્ત્વો ગમે ત્યારે ઘરમાં પેસી જાય તે રીતે તમારા શરીરના સાત દરવાજા (આંખ, નાક, કાન, ગળું, મળદ્વાર, મૂત્રદ્વાર અને ચામડી)નું તમે પૂરેપૂરી રીતે રક્ષણ ના કરો તો હવા, પાણી, ખોરાકમાં રહેલા અનિષ્ટ (દૂષિત) તત્ત્વો તમારા શરીરમાં પ્રવેશ કરે. આ અનિષ્ટ તત્ત્વોનું નામ વૈજ્ઞાનિકોએ ‘ફ્રીરેડીકલ’ પાડેલું છે. આ સિવાય તમે જે ખોરાક ખાઓ કે પ્રવાહી લો તેનું પાચન થયા પછી જે કચરો વધે તે શરીરમાંથી પૂરેપૂરો બહાર નીકળે નહીં તો તે વધેલા કચરાને પણ ‘ફ્રીરેડીકલ’ કહેવાય. વૈજ્ઞાનિકો એને ‘સીંગલ ઓ’ કહે છે.
એન્ટીઓક્સીડંટ એટલે શું ?
ઉપર જણાવેલા ફ્રીરેડીકલનો સમયસર નાશ કરવામાં ના આવે તો શરીરમાં અનેક રોગો ઉત્પન્ન થાય આવું વૈજ્ઞાનિકોએ નક્કી કર્યું છે. તેઓએ આ ફ્રીરેડીકલ નાશ કરનારાં તત્ત્વોનું નામ ‘એન્ટી ઓક્સીડંટ’ પાડ્યું છે. હજારો પ્રયોગ પછી સીધા સાદા અને જટિલ કોમ્પોઝીશનવાળા અનેક ‘એન્ટી ઑક્સીડંટ’ શોધી કાઢ્યા છે, જેમાં મુખ્યત્વે પાંચની વાત કરીશું. ફ્રીરેડીકલનો નાશ કરવાની એન્ટીઓકસીડંટની ક્રિયા માટે પૂરતી સમજ માટે એક સરખામણી યાદ રાખશો. કોઈ નાઈટ કલબની કલ્પના કરો. કલબના મેનેજર પોતાની કલબમાં આવતાં લોકોને કોઈ તોફાની તત્ત્વો પરેશાન ના કરે તે માટે મજબૂત માણસો જેને ‘બાઉન્સર્સ’ કહેવાય તેમને હાજર રાખે છે.

તોફાની તત્ત્વોને આ બાઉન્સર્સ કલબમાં આવવા નથી દેતા અને કદાચ આવી ગયા હોય તો તેમને ઉચકીને બહાર મૂકી આવે છે. આ સરખામણીમાં ‘ફ્રીરેડીકલ’ તોફાની તત્ત્વો અને ‘એન્ટી ઓક્સીડંટ’ બાઉન્સર્સ ગણાય. મુખ્ય પાંચ એન્ટી ઓક્સીડંટમાં ત્રણ વિટામીન અને એક મિનરલ છે, જે તમને હવે જણાવીશ તે ખોરાકની વસ્તુઓમાંથી લેવાના છે. પણ ખૂબ અગત્યનો એન્ટીઓક્સીડંટ છે તે ‘કસરત’ આ ખાસ યાદ રાખશો. નિયમિત કસરત ૩૦ થી ૪૦ મિનિટની કરવાથી તમારા શરીરમાં ખૂબ ઓક્સીજન એટલે કે ‘ડબલ ઓ’ અથવા ‘ઓ-ટુ’ જાય છે. આ ઓ-ટુ શક્તિશાળી એન્ટીઑક્સીડંટ છે, જે સીંગલ ઓ જેને આ પહેલાં ફ્રીરેડીકલ નામ આપ્યું છે તેનો સંપૂર્ણ નાશ કરે છે.


૧. વિટામિન-એ. જે તમને ખોરાકની બધી વાનગીઓ જે આપણે ખાઈએ છે તેમાં ગાજર, પીળી હળદર, પપૈયું, કોળું, ટેટી, કેળાં, સફરજન, રાયણમાં મળે છે. આ બધામાં વિટામિન એ તમને બીટા કેરોટીન તરીકે મળે છે, જેનું રૂપાંતર લીવર વિટામિન-એ તરીકે કરે છે.


૨. વિટામિન-સી ઃ જે તમને આંબળા, લીંબુ, નારંગી, મોસંબી, પપૈયું, જામફળ, આંબલી, સફરજન, લીલાં મરચાં વગેરેમાંથી મળે છે.


૩. વિટામિન-ઈ ઃ જે તમને બદામ, મકાઈ, હેઝલનટ, કેરી, શીંગ, સૂર્યમુખીનું તેલ, ઓલીવઓઈલ, પીનટ બટર, મકાઈનું તેલ, વ્હીટજર્મ, શક્કરીઆ, વ્હીટજર્મ ઓઈલ, સફરજન, એસ્પારેગસ વગેરેમાં મળે છે.


૪. સેલેનીઅમ ઃ જે તમને આખા અનાજ (ચાળ્યા વગરનો લોટ), કઠોળ, લાલ ચોખા, ઓરમીલમાંથી મળે છે.


૫. કસરત ઃ પહેલાં જણાવ્યું તે પ્રમાણે જેટલી નિષ્ઠાથી, નિયમિત રીતે તમે રોજ ૪૦ મિનિટની કસરત કરો તો શરીરમાં ઓક્સીજન વધારે પ્રમાણમાં જાય અને પરિણામે એન્ટી ઓક્સીડન્ટનું પ્રમાણ વધે.


ઉપરના ચાર પદાર્થો ખોરાકમાં લો અને કસરત કરો તો તમને મોટી ઉંમરે થનારા રોગો પરેશાન નહીં કરે તે ક્રોનીક થતા અટકશે. હવે આ સિવાય બીજી કઈ વસ્તુ તમારે કરવાની છે, જેને લીધે તમારા શરીરમાં મોટી ઉંમરે કોઈ રોગ ના થાય. અગત્યના રોગો માટેની અગમચેતી પણ જાણી લો.


અગત્યના રોગો મોટી ઉંમરે ના થાય તે માટેની અગમચેતીનાં પગલાં

જેમ જેમ ઉંમર વધે તેમ કેન્સર તેમજ બીજા રોગો થવાની શક્યતા વધારે એ તમે જાણ્યું. અત્યારે અગત્યના રોગોની વાત કરીશું કે જેને માટે તમારે અગમચેતીના કયાં પગલાં લેવાં જોઈએ.

કેન્સર ઃ સ્ત્રીઓમાં સ્તનના કેન્સર અને પુરૂષોમાં પ્રોસ્ટેટના કેન્સર બહુ સામાન્ય છે. અગમચેતીના પગલાંના (

૧) નિયમિત ૪૦ મિનિટ કસરત જેવી કે ચાલવું, દોડવું, તરવું, સાયકલ ચલાવવી. આમ કરવાથી ફેફસાની ક્ષમતા વધશે. શરીરમાં વધારે ઓક્સીજન (જેને શ્રેષ્ઠ એન્ટીઓક્સીડંટ ગણેલ છે તે) તમારા શરીરમાં જાય. શરીરમાં ખૂણે ખૂણે લોહી પહોંચાડવાની હૃદયની ક્ષમતા વધે.

(૨) ખોરાકમાં ઉપર બતાવેલા ચાર એન્ટી ઓક્સીડંટ લેવા માટે ખોરાકમાં ફળો, શાકભાજી, આખું અનાજ, દૂધ વગેરે લેવાથી ઉપર જણાવેલ ખોરાકમાંથી મળતાં બીજા ચાર એન્ટીઓક્સીડંટ મળશે. (

૩) શરીરના સાત દરવાજામાંથી પ્રદૂષિત પદાર્થો ના જાય તેની ખાસ કાળજી રાખવી પણ જરૂરી છે. ચામડી ઉપર સૂર્યનાં ઉગ્ર કિરણો પડે તો શરીરમાં કેન્સર થવાની શક્યતા વધે. શ્વાસમાં ઝેરી વાયુઓ જાય તો પણ કેન્સર થાય. ખોરાકમાં પ્રદૂષિત પદાર્થો ના જાય માટે વાસી ખોરાક ના ખાવો જોઈએ. વધારે પડતી સાકર, વધારે પડતું મીઠું, વધારે પડતી ચરબીથી શરીરમાં ઘણા ફ્રીરેડીકલ ઉત્પન્ન થશે. જંકફૂડમાં નાખેલા અને તૈયાર ખોરાકમાં નાખેલા પ્રિઝર્વેટીવ અને શરીરના અગત્યના અંગ લીવરને નુકશાન પહોંચાડે તેવા ઘણા પદાર્થો હોય છે તે ઓછા લેવાથી કેન્સર નહીં થાય.

આ ઉપરાંત કેફી દ્રવ્યો, દારૂ, તમાકુ, વધારે પડતી ચા અને કોફીથી પણ શરીરમાં ઘણા ફ્રીરેડીકલ ઉત્પન્ન થાય છે. આટલી અગમચેતી બસ છે. કેન્સર થાય પછી તો ઘણા ઉપચાર અને દવાઓ છે પણ તે બધા જ પ્રકારના કેન્સર માટે કારગત નીવડતી નથી માટે જ અગમચેતી એ સાવચેતી નિયમ યાદ રાખી ઉપરની સુચના પાળવાથી મોટી ઉંમરે કેન્સર થવાની શક્યતા ખૂબ ઓછી થઇ જાય છે. કુદરતી ઉપચાર કરનારાઓને મતે તમે મોટી ઉંમરે કેન્સર ના થાય તેમ ઇચ્છતા હો તો કાળી/પરપલ દ્રાક્ષ રોજ ખાઓ તે અગમચેતીનું છેલ્લું પગલું છે. ૪૦ વર્ષ પછી નિયમિત ‘હૉલ બોડી ચેકઅપ’ જેથી કોઈપણ પ્રકારની તકલીફ કે રોગ વિષેની જાણકારી સમયસર મળે અને દર્દી હેરાન થતા બચે.


હાર્ટ એટેક અને બી.પી. (લોહીનું દબાણ)ઃ હવે આ વસ્તુ અજાણી નથી કે હાર્ટએટેક હૃદયને લોહી પહોંચાડનારી નળીઓ ઉંમર વધે તેમ સખત (સ્થિતિ સ્થાપકતા વગરની) થઈ જાય છે અને શરીરમાં કોલેસ્ટ્રોલવાળા પદાર્થો લેવાની ટેવને કારણે આ નળીઓમાં કલોટ થવાથી નળીઓ સાંકડીથઈ જાય છે તેને કારણે થાય છે. આ બન્ને કારણોને લીધે જ્યારે વધારે પડતાં શારીરિક શ્રમ કે માનસિક તનાવ ઓચિંતો થાય છે ત્યારે છાતીનો દુઃખાવો (એન્જાઈના) અને ત્યારે પણ ઘ્યાન રાખો નહીં તો હાર્ટએટેક આવે છે. મોટી ઉંમરે પણ હાર્ટએટેક ના આવે માટે તમારે અગમચેતીના પગલા તરીકે આટલું કરવાનું છે.


(૧) નાના હો ત્યારથી જ નિયમિત ગમતી કસરત કરવાની છે. આજ સુધી ના કરી હોય તો પણ મોડું નથી થયું. હવે ધીરે ધીરે શરૂ કરીને કુલ ૪૦ મિનિટની કસરત કરો. સમય લાગશે પણ હૃદયની નળીઓમાં કલોટ નહીં થાય અને બી.પી.માં પણ ફાયદો થશે.


૨. નળીઓ ખરાબ થવાનું બીજાું કારણ ખોરાકમાં મીઠું વધારે લેવાની ટેવ, જે ઓછું કરવાથી હાર્ટ એટેક નહીં આવે. બી.પી. પણ નહીં વધે.


૩. દરેક રોગમાં દારૂ, તમાકુ, સિગરેટ એ મુખ્ય કારણ હોય છે તેને પ્રયત્ન કરીને છોડી દો. બી.પી.માં પણ રાહત થશે.


૪. કોલેસ્ટ્રોલ જેમાં આવે તે બધા જ ખોરાક બંધ કરો.


૫. દરેક રોગમાં ૪૦ વર્ષ પછી નિયમિત ચેકઅપ તમને ખૂબ મદદ કરશે.


૬. હાર્ટએટેક હોય કે બી.પી. કે બીજું કોઈ દરદ-દરેકમાં મનની શાંતિ ખૂબ આવશ્યક છે. આ માટે નિયમિત પ્રાર્થનાને મેડીટેશન કરે.


સ્ટ્રોક (બ્રેઈન એટેક)ઃ હાર્ટની નળીઓ કરતાં પણ મગજની નળીઓ ખૂબ પાતળી હોય છે. આ નળીઓ ઉમર થાય ત્યારે સખત પણ થાય અને પાતળી હોવાથી તેમાં કલોટ જલદી થાય. આ ઉપરાંત જો બી.પી. થોડું પણ વધે તો તે તૂટી જાય અને લોહી બહાર નીકળે. પહેલી કલોટ થવાની પરિસ્થિતિને ‘સેરીબ્રલ થ્રોમ્બોસીસ’ કહેવાય, બીજી નળી તૂટવાની પરિસ્થિતિને બ્રેઈન હેમૉરેજ કહેવાય. બન્ને પરિસ્થિતિમાં મગજના અમુક ભાગને લોહી ના મળે તેથી હેમીપ્લેજીઆ (અર્ઘુ અંગ રહેવું), લકવા (આખું અંગ રહી જવું) અને મૃત્યુ પણ થાય.


આ રોગમાં પણ અગમચેતીનાં પગલાં એના એ જ છે.
૧. નિયમિત કસરત. ૨. કેફી દ્રવ્યોનો ત્યાગ ૩. ખોરાકનું ઘ્યાન. ૪. નિયમિત ચેકઅપ અને મનની શાંતિ માટે પ્રાર્થના અને મેડીટેશન.


બ્રેઈન ફેલ્યોર અથવા ડીમેન્શીઆ (યાદશક્તિ જતી રહેલ)ઃ તમે આ રોગને યાદ શક્તિ જતી રહેવાનો રોગ પણ કહી શકો, જે મોટી ઉંમરની વ્યક્તિઓમાં બહુ સામાન્ય છે. આવું થવાનાં બે કારણો છે. તમને નાના નાના સ્ટ્રોક આવે જેની તાત્કાલિક અસર તમારા મગજ ઉપર ના પડે પણ સરવાળે આવા સ્ટ્રોકની સંખ્યા વધે ત્યારે મગજના ૬૦ ટકા કે તેનાથી વધારે ભાગને લોહી ના મળે. પરિણામે આ રોગ થાય જેમાં માણસ સભાન (કોન્શીઅસ) હોય પણ તેને કશું યાદ ના રહે. આ રોગ મોટી ઉંમરે થતા રોગમાંનો સૌથી ખરાબ રોગ છે. અગમચેતીના પગલાં હાર્ટએટેકમાં જણાવેલા છે તેના તે જ છે.


આર્થાઈટીસ (સાંધાનો દુઃખાવો)ઃ શરીરના કોઈપણ અંગના સાંધામાં દુખાવો થાય તે આથ્રરઈટીસ એટલે કે સાંધાનો સોજો કહેવાય. મુખ્યત્વે આ તકલીફ પગના સાંધા (ઢીચણ)માં થાય છે. વધારે પડતું ચાલવાથી, દોડવાથી, ટેનીસ-બેડમિગ્ટન રમવાથી, દોરડાં કૂદવાથી મુખ્યત્વે આ રોગ થાય. સાંધા ઘસાઈ જવાથી થાય.

શરીરનું વજન વધારે હોય ત્યારે આ તકલીફ વિશેષ કરીને મોટી ઉંમરે થાય. શરીરના કોઈ પણ ભાગમાં ચેપ કે સોજો હોય તો તે બધા જંતુ સાંધામાં આવે અને સોજો થાય અને પાણી ભરાય. અગમચેતીના પગલા તરીકે

૧. વજન ઓછું રાખો. ૨. શરીરમાં હિમોગ્લોબીનનું પ્રમાણ ઘટી જાય ત્યારે પણ આવું થાય તે પણ ઘ્યાન રાખો. ૩. નિયમિત ચાલવાની, દાદર ચઢવાની કસરત કરવાથી ઘણો ફેર પડશે. ૪. એનેલ્ગેસીક દવાઓ ફાયદો કરશે પણ કામચલાઉ. ૫. તેલ અથવા એનેલગેસીક દવાઓ ફાયદો કરશે.


એનેમીઆ (રક્તક્ષીણતા)ઃ મોટી ઉંમરના લોકોમાં આ ફરિયાદ સૌથી વિશેષ હોય છે. કારણોમાં ખોરાકમાં પ્રોટીન અને આયર્નની ખામી ગણાય. પુરૂષોમાં ૧૪ થી ૧૫ ગ્રામ (૧૦૦ થી ૧૧૦ ટકા) અને સ્ત્રીઓમાં ૧૩ થી ૧૪ ગ્રામ (૯૦ થી ૧૦૦ ટકા) રાખવું જોઈએ. એનીમીઆ હોય ત્યારે તમારો રેઝીસ્ટ (ઈમ્યુનીટી) ઘટી જાય અને બધા જ પ્રકારના ચેપી રોગ તમને થાય. મોટી ઉંમરે સ્ત્રીઓ-પુરૂષોમાં પાઈલ્સ (હરસ) અને ફીશર (ભગંદર)ને કારણે શરીરમાંથી ઝાડા વાટે લોહી ઓછું થઈ જાય ત્યારે પણ એનીમીઆ થાય. અગમચેતીના પગલામાં ખોરાકની કમી પૂરી કરો અને પાઈલ્સ કે ફીશર હોય તેની સારવાર કરો.


ઓસ્ટીઓ પોરોસીસઃ મોટી ઉંમરે આ રોગ થવામાં મુખ્ય કારણ ખોરાકમાં કેલ્શ્યમની ખામી ગણાય. નિયમિત કસરત, તડકામાં બેસવાનું અને ૫૦૦ મી.લી. દૂધ, તલ, કેળું, અળસી અને અનાજ (આખું) ખાવાથી આ તકલીફ જતી રહેશે. કરોડરજ્જુનાં હાડકાં પોલાં થાય તો તે બેસી જાય અને નસ દબાય અને પરિણામે પેશન્ટ હેરાન થાય.

પાર્કિન્સન્સ ડીસીઝઃ મગજમાં ડોપામાઈનનો પદાર્થ નીકળતો ઓછો થાય ત્યારે આ રોગ થાય. મેન્ટલ ટેન્શન, કસરતનો અભાવ અને ખોરાકની ખામી આ મુખ્ય કારણ ગણાય.

બાકીના રોગો માટે ફરી કોઈવાર વાત કરીશું. એક સોનેરી નિયમ ઃ વારસાગત રોગોને બાદ કરતાં મોટી ઉંમરે થતા કોઈ પણ રોગ અગમચેતી રાખવાથી અટકાવી શકાય છે.

 
< પાછળનુ   આગળનુ >