Last Updated:19 ડિસેમ્બર 2011

ફિટનેસ -આજે બ્લડપ્રેશરની વાત કરીએ છાપો ઈ-મેલ
રવિપૂર્તિ
આના લેખક છે GS NEWS   
શનિવાર, 09 જાન્યુઆરી 2010
5BloodPressure.gifબ્લડ પ્રેશર (બી.પી.-લોહીનું દબાણ) કોઈને પણ થાય. બાળક હોય કે વૃદ્ધ, સ્ત્રી હોય કે પુરુષ, ગરીબ હોય કે પૈસાદાર, કાળા હોય કે ધોળા, જાડા હોય કે પાતળા, ઊંચા હોય કે નીચા, સૌ કોઈને થાય. આખી દુનિયામાં આજે દર દસ વ્યક્તિમાંથી ચાર વ્યક્તિને બી.પી. છે. બી.પી.ને હાઇપર ટેન્શન પણ કહે છે.

પણ એવું ના માનતા કે ટેન્શન હોય તેને જ બી.પી. હોય, સાજા સમા અને એકદમ શાંત હોય તેવાને પણ બી.પી. હોઈ શકે. નવાઈની વાત એ છે કે જેને બી.પી. છે તેવા લોકોમાંથી અર્ધા લોકોને ખબર નથી કે તેઓને બી.પી. છે કારણ ફક્ત એક જ કે જેમ ડાયાબિટીસના લક્ષણો હોય છે તેમ બી.પી.ના કોઈ ખાસ જણાઈ આવે તેવાં લક્ષણ નથી. એટલા જ માટે બી.પી.ને ‘સાઇલન્ટ કીલર’ કહેલ છે. ક્યારે તમારા શરીરમાં દાખલ થાય અને ક્યારે તમારું મૃત્યુ થાય તેની કોઈને ખબર ના પડે. તો આજે આ ખતરનાક રોગ જેનાથી રોજેરોજ હજારો માનવી મૃત્યુ પામે છે અથવા જિંદગીભર લકવા (અર્ઘુ અંગ રહી જાય)થી પીડાય છે તેવા રોગની વાત કરીએ.
થોડીક જ કાળજીની જરૂર છે
આજીવન તંદુરસ્ત રહેવા માટેના ચાર સ્તંભ -
૧. નિયમિત કસરત,
૨. ખોરાકનું આયોજન,
૩. મનની શાંતિ અને
૪. નિયમિત મેડીકલ ચેક-અપ- માંનો છેલ્લો સ્તંભ એટલે કે નિયમિત ચેકઅપ બી.પી.ના રોગ માટે ખૂબ અગત્યનો છે. તમને જ્યારે ખબર હોય કે આ રોગના કોઈ લક્ષણ નથી ત્યારે ‘અગમચેતી એ જ સાવચેતી’ આ નિયમ યાદ રાખવા જેવો છે.

કદાચ સવાલ કરો કે, માથું દુઃખે કે ભારે થઈ જાય અથવા ચક્કર આવે તો બી.પી. હોય એવું બધા કહે છે, એ વાત ખોટી. ના, આ વાત સાવ ખોટી નથી પણ તડકામાં ફર્યા હો કે કોઈની સાથે મોટા અવાજે ઘાંટા પાડીને વાત કરી હોય ત્યારે પણ માથું દુઃખે અને લોહી ઓછું થઈ ગયું હોય કે લોહીમાં સુગર વધારે કે ઓછી થઈ ગઈ હોય ત્યારે પણ ચક્કર આવે. સોનેરી નિયમ એટલો જ કે તમારી ઉંમર ૨૫ કે ૩૦ વર્ષની થઈ ગઈ હોય ત્યારથી નિયમિત બી.પી. ચેક કરાવશો.

5bloodpressure1.gifબી.પી ચેક કરાવતી વખતે આટલું ખાસ ઘ્યાન રાખશો ઃ
૧. ક્વોલીફાઇડ ડોક્ટર પાસે જેમાં પારાનો ઉપયોગ કર્યો હોય તેવા બી.પી.ના મશીનથી જ બી.પી. મપાવશો.

૨. હવે નવાં (ઘરમાં જાતે માપી શકો તેવાં) મશીનો નીકળ્યા છે. બને ત્યાં સુધી એનો ઉપયોગ કરવાનું ટાળજો. સ્ટાન્ડર્ડ કંપનીના હોય તો પણ તેના બેટરી- સેલ નબળા પડ્યા હોય અથવા વપરાયા વગર પડી રહેલા મશીનના સેન્સર ખરાબ થઈ ગયા હોય તેવા મશીનનો ઉપયોગ કરવાથી તમારું બી.પી. એક જ વખત વધારે આવશે ત્યારે તમે જીંદગીભર બી.પી.ના પેશન્ટ બની જશો આ વાત બરોબર નહીં.


૩. ડોક્ટર પાસે બી.પી. મપાવવા જાઓ ત્યારે પણ જમીને ના જશો. માનસિક તનાવ હોય ત્યારે ના જશો. ચાલીને કે કોઈ શ્રમ કર્યો હોય ત્યારે પણ ના મપાવશો. ડોક્ટરના દવાખાનામાં ગયા પછી પણ તમે શાંતિથી બેસજો.

તમારો વારો આવે ત્યારે જ ડોક્ટરની ચેમ્બરમાં જજો. સહેજે ઉતાવળ ન કરતા. વેઇટીંગ રૂમમાં પણ બીજા પેશન્ટ બેઠા હોય તેમની સાથે વાત પણ ના કરશો. નહીં તો તેમને થયેલી તકલીફની દર્દનાક કહાણી સાંભળીને તમારું બી.પી. વધી જશે.

તમને થશે કે આટલી બધી માથાકૂટ હું શા માટે કરું છું ? કારણ હું તમને ઓળખું છું. પહેલી વખત હોય ત્યારે જો ઉપરની સૂચના નહી પાળી હોય અને એકાદ વખત પણ તમારું બી.પી. ઉપરનું કે નીચેનું થોડા પોઇન્ટ પણ વધારે આવશે તો ફરી કહું છું કે તમે આખી જિંદગી બી.પી.ના પેશન્ટ બની જશો.


૪. વારેવારે એટલે કે દિવસમાં ત્રણ ચાર વાર કે અઠવાડિયે અઠવાડિયે બી.પી. ચેક કરવાની કે કરાવવાની ટેવ કે વ્યસન ના પાડશો. કારણ થોડું પણ વધારે આવશે તો એક સંભવ છે કે તમે પાગલ થઈ જશો. બી. પી. દર મહિને નિષ્ણાત ડોક્ટર- એકના એક અને એના જ મશીન પર- પાસે મપાવશો તો સુખી થઈ જશો.


બી. પી. નોર્મલ ક્યારે ગણાય ? વધારે ક્યારે ગણાય ? ઓછું ક્યારે ગણાય ?


એક જમાનો હતો જ્યારે ૧૪૦/૯૦ બી. પી.ને નોર્મલ ગણવામાં આવતું હતું. એટલે સુધી કે ૫૦ વર્ષનાને ઉપરનું ૧૫૦ અને ૬૦ વર્ષનાને ઉપરનું ૧૬૦ પણ નોર્મલ ગણતા. નવી નવી શોધખોળો અને પ્રયોગોથી આ આંકડો ૧૧૦/૭૫ સુધી પહોંચી ગયો છે. આમ છતાં ગમે તે ઉંમર હોય ત્યારે પણ ૧૨૦/ ૮૦ને સર્વસામાન્ય રીતે નોર્મલ ગણવામાં આવે છે. આ બી. પી. ઓછું થઈ જાય એટલે કે ૧૦૦/૬૫ જેટલું થાય ત્યારે ચક્કર આવે અને સખત નબળાઈ લાગે. આવું લાંબી બીમારીમાં કોઈક વાર થાય લોહીમાં સાકર ઓછી થઈ જાય કેે હિમોગ્લોબીન ઓછું થઈ જાય ત્યારે પણ આવું થાય. જોખમકારક બી. પી. એટલે કે ખૂબ વધારે પ્રમાણનું બી. પી. ૨૦૦/ ૧૧૫ ગણાય. બી. પી. વધારે હોય કે ઓછું કોઈ પણ સંજોગોમાં ઇચ્છવા યોગ્ય નથી. કારણ એના ભયજનક પરિણામ આવી શકે તે કાયમ યાદ રાખશો.


હાઇ બી. પી. થવાના કારણો ઃ
૧. ઉંમર અને જાતિ ઃ જેમ જેમ ઉંમર વધે તેમ તેમ બી. પી. વધવાના ચાન્સ વધે છે. ૪૫થી ૫૪ વર્ષ સુધીમાં પુરુષોમાં અને ૫૪ પછી સ્ત્રીઓમાં પુરુષો કરતાં વધારે બી. પી. હોય છે.

૨. ફેમીલી હિસ્ટ્રી ઃ દાદા- દાદી, પિતા, માતા, કાકા, ફોઈ, મામા અને માસીને બી. પી. હોય તો તમને પણ બી. પી. વધારે થવાના ચાન્સ ૭૦ ટકા જેટલા છે.


૩. ખોરાક ઃ ખોરાકમાં મીઠું વધારે ખાનારાને બી. પી. થવાના ચાન્સ ૬૦ ટકા છે. આમ છતાં કેટલાક લોકો સોલ્ટ સેન્સીટીવ હોય છે. આવા લોકો ૧૦૦૦માંથી ૩૩ ટકા જેટલા છે. જે લોકો થોડું પણ મીઠું વધારે ખાય તો પણ તેમનું બી. પી. વધી જાય.


૪ જાડાપણું (ઓબેસીટી) ઃ હવે જાડાપણું બે રીતે માપવામાં આવે છે. તમારો બી.એમ.આઇ. ૧૯થી ૨૪ સુધીમાં રાખો અને શરીરમાં ચરબીનું પ્રમાણ પુરુષોમાં ૧૬ ટકા અને સ્ત્રીઓમાં ૨૦ ટકા રાખો તો બી. પી. થવાના ચાન્સ (વારસાગત સિવાય) પાંચ ટકા પણ નથી. ખાસ સેન્ટરોમાં બી.એમ.આઇ. અને ચરબીનું પ્રમાણ મપાવી યોગ્ય પગલા લઈને ઓબેસીટી ઓછી કરશો તો બી. પી. થવાના ચાન્સ ઓછા થશે.


૫. માનસિક તનાવ ઃ દરેક બાબતની ખૂબ ચિંતા રહેતી હોય, ખૂબ ગુસ્સો આવતો હોય, કારણવશ આવા ગુસ્સાને દબાવી દેવો પડતો હોય, ‘કહેવાય નહીં અને સહેવાય નહીં’ તેવી પરિસ્થિતિ હોય ત્યારે બી. પી. થવાના પૂરેપૂરા ચાન્સ છે.


હાઇપરટેન્શન (બી.પી.)ના લક્ષણો

તમારું બી.પી. ૧૫૦/૯૫ સુધી જાય તો એવું બને કે તમને કોઇ લક્ષણ ના થાય. પણ ઉપરનું ૧૫૦થી ઉપર અને નીચેનું ૧૦૦થી ઉપર જાય તો માથું ભારે લાગે. ચક્કર આવે, બેસી જવાનું મન થાય અને થોડી ગભરામણ થાય તો અવશ્ય માનશો કે બી.પી. વધી ગયું છે. રેગ્યુલર ચેકઅપ અને દવાઓ લેતા હો છતાં ઉપરનાં લક્ષણો થાય તો ગભરાશો નહીં. બીજાં કારણો હશે. વારેવારે ડોકટર પાસે જવાને બદલે  નિયમિત જાઓ.

હાઇપરટેન્શનની સારવાર શું?

૧. નિષ્ણાત ડોકટરને દર મહિને મળી બી.પી. મપાવવું તે અગત્યની સૂચના અને તે જે જે દવા લખી આપે તે દવા ભૂલ કર્યા વગર નિયમિત લેવી. સાથે થોડી (૩૦ મિનિટની) કસરત કરવાની પણ જરૂર છે.

૨. માનસિક તનાવ ઓછો કરો. આ તમારા હાથમાં છે. વર્તમાનમાં રહો. ભૂતકાળને યાદ ના કરો. ભવિષ્ય તમારા હાથમાં નથી. એટલે એનો સંતાપ ના કરો. તમારા ઈષ્ટદેવને સોંપી દો. જે તમારી પાસે છે તે શ્રેષ્ઠ છે તે અવશ્ય માનો. કોઇની ટીકા ના કરો અને કોઇ તમારી ટીકા કરે તો તેની ઉપર ઘ્યાન ના આપો. અપેક્ષાવાળી જીંદગી જીવો પણ અદેખાઇ ના કરો અને ‘કમ વોટ મે’ (ગમે તે થાય) પણ હસતા રહો. ‘આજની ઘડી રળીયામણી’ આ સૂત્ર યાદ રાખો.


હાઇપરટેન્શનની સારવાર ના કરો તો શું થાય?

૧. હાર્ટએટેક આવે, નળીઓ સખત થાય તેથી હૃદયને પૂરતા પ્રમાણમાં જોઇએ ત્યારે લોહી ના મળે.

૨. છાતીમાં દુખ્યા કરે, શ્વાસ ચઢી જાય, ઉલટી, ઉબકા અને પરસેવો વારેવારે  થાય.


૩. બી.પી.ને કારણે હૃદય  ઉપર ખૂબ દબાણ  આવે ત્યારે હાર્ટ ફેઇલ થાય.


૪. સ્ટ્રોક (મગજની નસ તૂટી જવી). દર વર્ષે દુનિયામાં લગભગ ૮ લાખ લોકોને સ્ટ્રોક થાય છે અને ૨ લાખ  લોકો મૃત્યુ પામે છે.


૫. કિડની ફેઇલ થાય એટલે કે કિડની કામ કરતી બંધ અને મૃત્યુ થાય.


હાઇપરટેન્શનની નવી સારવાર કઇ?


એ. ખોરાક ઃ
૧. લસણ ઃ ૨ થી ૩ કળી લસણની કાચી (થોડી કચરી નાખી) દૂધ સાથે નિયમીત લેવાનું રાખો. વર્ષે  ૧૦ પોઈન્ટ બી.પી.ના ઓછા થશે.

૨. ઈન્ડીઅન ગુસબેરી ઃ આ ફળ રોજ બેત્રણ ખાવાથી બી.પી.માં ઘણો ફેર પડશે.


૩. લીંબુ ઃ તમારા શરીરની લોહીનળીઓને સખત થતાં અટકાવે છે (કારણ વિટામીન સી)


૪. ગ્રેપ ફ્રુટ ઃ આ ફળ નારંગી જેવું પણ ખૂબ મોટું અને સ્વાદમાં એકદમ ખાટું. આનું શરબત પીઓ કે પાકે ત્યારે  ખાઓ.


૫. તરબૂચ ઃ તરબૂચ ખાઓ અને એનાં બીને સૂકવી પછી શેકીને ખાવાથી તમારું બી.પી. ઓછું થશે.


૬. ચોખા ઃ રોજ એક વાટકી સવાર સાંજ ખાઓ. તેમાં ચરબી નથી. કોલેસ્ટ્રોલ નથી. સોલ્ટ નથી. બને તો લાલ ચોખા ખાઓ.


૭. બટાકા ઃ ફક્ત બાફેલો એક બટાકો રોજ ખાઓ. તેમાં સોલ્ટ નહીંવત્ છે. પોટાશ્યમ  છે અને  મેગ્નેશ્યમ  છે,
જે બી.પી. ઓછું  કરે.


૮. પાર્સલી ઃ વનસ્પતિનો  સુપ રોજ પીઓ. બી.પી. ઓછું થશે.


૯. વેજીટેબલ જ્યુસ ઃ દુધી, કાકડી, સરગવો, કોબી, પાલખનો  જ્યુસ પીઓ.


૧૦. આટલું ના ખાઓ કે પીઓ ઃ વધારે મીઠું, વધારે ચા- કોફી, દારૂ, કોલેસ્ટ્રોલવાળો ખોરાક.


બી. રેડીઓ વેવ્સ ઃ ઓસ્ટ્રેલીઆના વૈજ્ઞાનિકોએ એક નવા પ્રકારનું સાધન બનાવ્યું છે, જેનાથી તમારી કિડનીની આર્ટરીની આજુબાજુ આવેલી સીમ્પેથેટીક નર્વસ ઉપર ‘રેડીઓ વેવ્સ’ની અસરથી તમારૂં બી.પી. ઓછું થાય.


સી.
યોગ- મેડીટેશન- પ્રાણાયામ ઃ બી.પી. ઓછું કરવામાં નિયમિત કરવાથી ટેન્શન  ઓછું થશે અને બી.પી. ઓછું થશે.


છેલ્લે એટલું યાદ રાખશો કે હાઇપરટેન્શન એટલે કે લોહીનું દબાણ એ બહુ ગુંચવાડાભર્યો (કોમપ્લીકેટેડ) રોગ છે. દરેક વ્યક્તિને અલગ અલગ કારણ હોઇ શકે. આ માટે એ ખૂબ જરૂરી છે કે નિષ્ણાત ડોકટરની સલાહ, તેમણે લખી આપેલી દવાઓ અને સલાહનું પાલન કરશો તો આ રોગ અને તેનાથી થતી ભયાનક અને જીવનભરની પરેશાનીથી દૂર રહી  શકશો.

 
< પાછળનુ   આગળનુ >