|
આધ્યાત્મિક કવિની સૌંદર્યાભિમુખ કવિતાનો યુગ આથમી ગયો |
|
|
|
અમદાવાદ સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
સોમવાર, 04 જાન્યુઆરી 2010 |
|
મૂર્ધન્ય કવિ રાજેન્દ્ર શાહની ચીરવિદાયથી
અમદાવાદ,
ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ અને ભારતીય સાહિત્યના પ્રતિષ્ઠિત જ્ઞાાનપીઠ
એવોર્ડથી સન્માનિત રાજેન્દ્ર શાહનું ગઇકાલે રાતે મુંબઇમાં અવસાન થયું
હતું. તેઓ ૯૭ વર્ષના હતા. તેઓના અવસાનથી ગુજરાત, ગુજરાતી ભાષાએ અનુગાંધી
યુગના એક આધ્યાત્મિક કવિ ગૂમાવ્યા છે.
જ્ઞાાનપીઠ એવોર્ડથી સન્માનિત અનુગાંધીયુગનાકવિનું મુંબઇમાં ૯૭ વર્ષની જૈફ વયે અવસાન
૧૯૧૩ની ૨૮મી જાન્યુઆરીએ ખેડા જિલ્લાના કપડવંજમાં જન્મેલા રાજેન્દ્રભાઇ પિતા કેશવલાલ અને લલિતાબહેનનું એક માત્ર સંતાન હતા. બે વર્ષની નાની વયે પિતાનું છત્ર ગુમાવ્યું પછી યુવાન વિધવા માતાએ વિષમ સંજોગોમાં તેમને ઉછેર્યા હતા, સ્વમાન અને સંસ્કારનું સિંચન કરેલું.
પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ કપડવંજમાં મેળવ્યું હતું. સાથોસાથ અંબુભાઇ પુરાણીની વ્યાયામ પ્રવૃત્તિમાં પણ રસ લીધેલો. ઇ.સ. ૧૯૩૦માં અસહકાર આંદોલનમાં જોડાયા ત્યારે માત્ર ૧૭ વર્ષના હતા અને મેટ્રિકની પરીક્ષા નહીં આપવાનું નક્કી કર્યું હતું. સાડાત્રણ માસની આકરી સજા સાબરમતી અને યરવડાની જેલમાં ગુજારેલી.
૧૯૩૨માં મેટ્રિક પાસ કરી રાજેન્દ્રભાઇ મુંબઇની વિલ્સન કોલેજમાં અભ્યાસાર્થે ગયા હતા પરંતુ તબિયતે સાથ ન આપતા વતન પાછા ફર્યા હતા. ૧૯૩૪માં વડોદરા જઇ અભ્યાસ શરૃ કર્યો અને ૧૯૩૭માં તત્વજ્ઞાાનના (ફિલોસોફી) વિષય સાથે બી.એ. થયા હતા. એમ.એ.નો અભ્યાસ કરવા અમદાવાદની ગુજરાત કોલેજમાં દાખલ થયા હતા. આર્થિક ઉપાર્જન માટે ઢાલગરવાડ પાસેની શાળામાં નોકરી કરી હતી. એ પછી જાણીતી મહિલા સંસ્થા 'જ્યોતિસંઘ'માં પણ ૧૯૪૨ સુધી કામ કરેલું. જો કે એમ.એ.નો અભ્યાસ પૂરો કરી શક્યા નહોતા. દરમિયાન ૧૯૩૧ મંજુલાબહેન આગ્રાવાલા સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા. પરિવારમાં છ સંતાનો (ત્રણ દિકરા, ત્રણ દીકરી) પૈકીના સૌથી મોટા પિનાકીનભાઇ જોડે પાછલાં વર્ષોમાં મુંબઇ છોડીને આવ્યા ત્યારથી અમદાવાદમાં રહેતા હતા.
૧૯૪૨ સુધી 'જ્યોતિસંઘ'માં કામ કર્યા પછી અમદાવાદમાં જ 'ગૃહસાધન' નામે મોદીખાનાની- કરિયાણાની દુકાન શરૃ કરેલી ૧૯૪૫માં મુંબઇ ગયા. જંગલોમાં લાકડાં કાપવાનો કોન્ટ્રાક્ટ લેતી આર. જે. શાહ એન્ડ કંપનીમાં ૧૯૫૧ સુધી નોકરી કરી. ૧૯૫૧થી ૧૯૫૫ દરમિયાન કાગળનો વ્યાપાર કર્યો. તે પછી ૧૯૫૫માં 'લિપીની પ્રિન્ટરી' નામક પ્રિન્ટીંગ પ્રેસ શરૃ કર્યો હતો.
૧૯૭૦માં પ્રિન્ટીંગ પ્રેસ પુત્ર કૈવલ્યને સોંપી તેઓ વતનમાં પાછા આવ્યા હતા. ત્યારપછી નિવૃત્ત જીવન ગુજારતા હતા. જો કે એમની સાહિત્ય પ્રવૃત્તિ તો જળવાઇ જ રહી હતી. ૧૯૯૩માં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ થયા હતા. પછીથી મોટે ભાગે અમદાવાદમાં જ રહ્યા હતા.
૨૦૦૪માં, ભારતીય સાહિત્યના નોબેલ પુરસ્કાર મનતા 'જ્ઞાાનપીઠ' એવોર્ડથી સન્માનિત એવા રાજેન્દ્રભાઇને પહેલો પ્રતિષ્ઠિત પુરસ્કાર ૧૯૪૭માં 'કુમારચન્દ્રક' રૃપે મળ્યો હતો. ગુજરાતી સાહિત્યની ઉત્તમ સેવા કરનારા આ આધ્યાત્મિક કવિની ઝોળીમાં રણજિતરામ સુવર્ણ ચન્દ્રક (૧૯૫૬) સાહિત્ય અકાદમી એવોર્ડ (૧૯૬૪) નર્મદ ચન્દ્રક (૧૯૭૭) અરવિંદો સુવર્ણ ચન્દ્રક (૧૯૮૦) ભારતીય ભાષા પરિષદનો એવોર્ડ (૧૯૮૫) ધનજી કાનજી સુવર્ણચન્દ્રક (૧૯૮૬) ગુજરાત સાહિત્ય અકાદમીનું મૂર્ધન્ય સાહિત્યકાર સન્માન (૧૯૯૩) અને નરસિંહ મહેતા એવોર્ડ પડી ચૂક્યા હતા.
ઇંધણાં વીણવા ગૈતી મોરી સૈયર... ઇંધણાં...!
અમદાવાદ,
'ઇંધણા વીણવા ગૈતી મોરી સૈયર, ઇંધણાં વીણવા ગઈ'તી રે લોલ' એ ગીત સાથે ટીવીના નાનકડા પડદે નવરાત્રિપર્વે દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠકને જોઈને દર્શકો ઝૂમી ઉઠે કે પછી આલ્બમનું ગીત સાંભળીને યુવા પેઢીના શ્રોતાઓ ડોલી ઉઠે છે. પણ યુવાપેઢીને ભાગ્યે જ ખબર હશે કે આ રઢિયાળું ગીત કવિ રાજેન્દ્ર શાહની રચના છે.
એમના પહેલા કાવ્યસંગ્રહ 'ધ્વનિ' (૧૯૫૧)નું આ કાવ્ય અત્યારે ૬૦ વર્ષ પછી પણ યુવાપેઢીને આકર્ષે છે. આ કાવ્યમાં બપોરની વેળા, ચૈતર મહિનાનું આભ, કોયલનો ટહૂકો, અને આવા વાતાવરણ વચ્ચે જોવાતી વાટની અનોખી વાત છે. છેલ્લે તો કવિ કહે છે કે 'વાતરક વ્હેણમાં નૈતી મોરી સૈયર, વાતરક વ્હેણમાં નહી'તી રે લોલ...' આ બધામાંથી એક અદ્ભૂત ચિત્ર ઊભું થાય છે અને એટલે જ આ ગીત 'કોઈકની વાટ જોનારા' પ્રત્યેકના દિલને ડોલાવે એવું છે.
રાજેન્દ્ર શાહની સાત દાયકાની કાવ્યયાત્રાઃ 'ધ્વનિ'થી 'પ્રેમનો પર્યાય'
મૌલિક કાવ્યસર્જન ઉપરાંત અનેક ઉત્તમ અનુવાદો પણ એમણે આપ્યા છે
અમદાવાદ,
કવિ રાજેન્દ્ર શાહની કવિતાયાત્રા સાત દાયકાથી પણ વધુ ચાલી છે. કાળના વિશાળ પટ પર વિસ્તરેલી એમની શબ્દયાત્રામાંથી જે કાવ્યસગ્રહો- ગીત સંગ્રહો ગુજરાતી ભાષાને મળ્યા તેની યાદી 'ધ્વનિ'(૧૯૫૧)થી 'પ્રેમનો પર્યાય' (૨૦૦૪) સુધીની છે જે આ મુજબ છે.
ધ્વનિ (૧૯૫૧), આંદોલન (૧૯૫૧-૫૨), શ્રુતિ (૧૯૫૭), મોરપિંછ (બાળ કાવ્યસંગ્રહ) (૧૯૬૦), શાંત કોલાહલ (૧૯૬૨), ચિત્રણા (૧૯૬૭), ક્ષણ જે ચિરંતન (૧૯૬૮), વિષાદને સાદ (૧૯૬૮), મધ્યમા (૧૯૭૭), આંદોલન (ગીતસંગ્રહ) ૧૯૭૮, ઉદ્ગીત (૧૯૭૯), ઇક્ષણા (૧૯૭૯), પત્રલેખા (૧૯૮૧), પ્રસંગ સપ્તક (૧૯૮૨), પંચપર્વા (૧૯૮૩), કિંજલ્કિની (૧૯૮૩), વિભાવન (૧૯૮૩), દ્વા સુપર્ણા (૧૯૮૩), આંબે આવ્યા મોર (બાળકાવ્ય) ૧૯૮૫, ચંદન ભીની અનામિકા (૧૯૮૭), નીલાંજના (૧૯૮૯), આરણ્યક (૧૯૯૨), સ્મૃતિ સંવેદના (૧૯૯૮), વિરહ માધુરી (૧૯૯૯), વ્રજ વૈકુંઠે (૨૦૦૨), હા... હું સાક્ષી છું (૨૦૦૩), પ્રેમનો પર્યાય (૨૦૦૪)
રાજેન્દ્રભાઇએ મૌલિક કાવ્યસર્જનો ઉપરાંત કેટલાક અનુવાદો પણ કર્યા હતા. જેમાં જયદેવ રચિત ગીત ગોવિંદ (૧૯૮૯) વિદ્યાપતિ (૧૯૮૦) જીવનાનંદદાસ (૧૯૮૫) બુદ્ધદેવ બસુ (૧૯૯૦) તૃણપર્ણ (વોલ્ટ વ્હિમટન કૃત ૧૯૯૧) કોલારિજકૃત કથાકાવ્ય 'ધ રાઇમ ઓવ ધી એન્શન્ટ મેરિનરનો અનુવાદ ગાથા એક વૃદ્ધ નાયિકની (૧૯૯૮) રવિન્દ્રનાથ કૃત બલાકા (૧૯૯૩) ઇશાવસ્ય ઉપનિષદ (૧૯૯૫) વગેરેનો સમાવેશ થાય છે. પછીના વર્ષોમાં કાલિદાસકૃત 'મેઘદૂત' અને બિલ્હણકૃત 'ચારે પંચાશિકા' પણ પ્રગટ થયા હતા.
|