Last Updated:19 ડિસેમ્બર 2011

ફિટનેસ - ‘‘વેલનેસ’’ એટલે શું ? છાપો ઈ-મેલ
રવિપૂર્તિ
આના લેખક છે GS NEWS   
શુક્રવાર, 01 જાન્યુઆરી 2010
29exercise1.gif‘‘વેલનેસ’’ એટલે રોગ ના હોય તે અવસ્થા ? વેલનેસ એટલે આખો દિવસ આનંદમાં જાય તે ? વેલનેસ એટલે શું ?
વ્યાખ્યા આપવી મુશ્કેલ છે વેલનેસ જેને સંપૂર્ણ તંદુરસ્તી તરીકે ઓળખી શકે તેને મેળવવા માટે ચરક સંહિતામાં ચાર આધારનો ઉલ્લેખ છે.

૧. આહાર  ૨. આચાર  ૩. વિચાર  ૪. નિંદ્રા.

૧. આહાર એટલે શરીરને કાર્યરત રાખવા માટે રોજે રોજ માનવી જે વસ્તુઓ શરીરમાં દાખલ કરે છે તે બધી વસ્તુઓ એટલે કે ખોરાક, પાણી અને બીજા પ્રવાહી અને હવા જેમાં શરીરને પ્રાણવાન રાખનાર પ્રાણવાયુ છે.
૨. આચાર એટલે આપણા અને બીજાના શરીર પ્રત્યેનો આપણો વ્યવહાર, વર્તન અને વાણી જેને કારણે આપણા અથવા બીજાના મન ઉપર આનંદ અથવા સ્ટ્રેસ (માનસિક તનાવ) થાય તે.

૩. વિચાર એટલે તમારી લાગણીઓ, તમારા વિચારો તમે સંપૂર્ણ તંદુરસ્ત છો એવો મનનો ભાવ (સેન્સ ઓફ વેલ બીઇંગ) અને સમાજ પ્રત્યે એટલે સમાજની પ્રત્યેક વ્યક્તિ પ્રત્યેનો વ્યવહાર.

૪. નિંદ્રા એટલે કે તમે રોજ જે કુદરતી કે અકુદરતી ઊંઘ લો છો, તેનું વત્તુ ઓછું પ્રમાણ.
29meditation.gifઅમેરીકા સ્થિત વર્લ્ડ વેલનેસ યુનિવર્સિટીના ફાઉન્ડર પ્રોફેસર પીટરે વેલનેસનો આધાર આઠ વસ્તુ ઉપર છે અને ભાર દઈને જણાવ્યું છે.
૧. ફીઝીકલ (શારીરિક),
૨. આર્થિક.
૩. સામાજીક,
૪. બૌદ્ધિક પર આધારીત)
૫. લાગણીઓ ઉપર આધારીત (ઈમોશનલ)
૬. આઘ્યાત્મિક.
૭. કલ્ચરલ એટલે કે મનને ગમે તેવી સંગીત, ચિત્રકળાની પ્રવૃત્તિ અને કલબ એક્ટીવીટી ૮
આજાુબાજાુના વાતાવરણ (એન્વાયરોમેન્ટલ) જેમાં ઘરની આજુબાજુની હવા, ઘરના અને આડોશી પાડોશીના સંબંધો ગણાય.

વેલનેસની પુરેપુરી સમજ આપવી હોય તો એવી જીવનશૈલી જેમાં
૧. તંદુરસ્તી વધે તેવો ખોરાક, તેવા પ્રવાહી અને ચોકખો પ્રાણવાયુ મળે તેવી હવા લેવાની રીત હોય જેનાથી તમારી શારીરિક ક્ષમતા આજીવન જળવાય, જેને માટે તમારે નિયમિત કસરતનો અને પૌષ્ટિક સમતોલ ખોરાક લેવાનો કાર્યક્રમ અમલમાં મુકવો પડે.
૨. હઠીલી બિમારીઓ (ક્રોનીક સીકનેસ) થવાની ઓછામાં ઓછી શક્યતા હોય
૩. આયોજન કરેલી આર્થિક વ્યવસ્થા હોય.
૪. ઘરમાં અને ઓફીસમાં એવું વાતાવરણ હોય જેને કારણે તમને ઈન્ફેકશન (ચેપ) લાગવાના અને માનસિક તનાવ થવાના ચાન્સ ઓછામાં ઓછા હોય,
૫. તમારૂં ઈમોશનલ બેલેન્સ (લાગણીઓનું સમતોલપણું) રાખવાની ક્ષમતા હોય.
૬ જીવનમાં ફક્ત આનંદ મેળવવાની અને આનંદ વહેંચવાની પ્રવૃત્તિ હોય.
૭. ડૉક્ટરને ત્યાં બિલકુલ જવું ના પડે અથવા ના છુટકે જવું પડે.
૮. થોડોક સમય આઘ્યાત્મિક પ્રવૃત્તિ માટે પણ હોય કે જેથી મનને શાંતી મળે.
૯. મનને આનંદ મળે અને શરીરને પ્રવૃત્તિ મળે ત્યારે થોડી કલ્ચરલ એક્ટીવીટી એટલે કે ઉજાણી, મેળાવડા, સંગીત, ચિત્રકળા, હોબી અને કલબ એક્ટીવીટી કરવાનો અવકાશ હોય.
૧૦. ઘર અને ઓફીસના એન્વાયરોમેન્ટમાં સમન્વય સમતા અને શાંતી હોય. વેલનેસની આ ફીલોસોફીમાં લાંબુ પ્રવૃત્તિશીલ અને તંદુરસ્તી ભર્યું જીવન મેળવવાની વૃત્તિ હોય એ અગત્યની વાત છે.


વેલનેસની વિગતવાર આજે વાત કરીએ
વેલનેસનો આધાર તંદુરસ્ત જીવનશૈલી ઉપર છે એ વાત પહેલા કરી. તંદુરસ્તજીવનશૈલીનો આધાર. ૧. દુષીત પદાર્થો શરીરમાં ઓછામાં ઓછાં પ્રમાણમાં જાય તેની કાળજી રાખવા ઉપર. ૨. જે દુષીત પદાર્થો જાણે અજાણે શરીરમાં ગયા હોય તેનો નાશ કરવા માટેનું જ્ઞાન. ૩. સેલ્ફકેર એટલે કે શરીરની બહારથી અને અંદરથી જાળવણી અને રક્ષણ કરવાનું જ્ઞાન. ૪. પ્રાણવાયુ જે આજાુબાજાુના વાતાવરણમાં રહેલો છે તેનો પુરેપુરો ઉપયોગ થઈ શકે એ પ્રકારની ફેફસાની ક્ષમતા વધારવાની કસરત. ૫. શરીરને ફાયદો જ કરે નુકશાન ન કરે તેવા પ્રકારના સંતુલન ખોરાકનું આયોજન. ૬. અગમચેતી એ જ સાવચેતી એ નીયમ ઘ્યાનમાં રાખીને શરીરને પરેશાન કરનારા રોગો વિષેની સાચી માહિતી મળે માટેનું સંપૂર્ણજ્ઞાન. ૭. મેડીકલ ચેક અપનો કાર્યક્રમ જેથી શરીરમાં જાણે અજાણે દાખલ થએલા અને શરીરને નબળુ કરનારા તત્ત્વોની જાણકારી મળે.
ઉંમર વધવાની ક્રિયા (એજીંગ પ્રોસેસ)ને આપણે રોકી શકીએ તેમ નથી પણ તમે તેને ધીમી પાડી શકો છો. માટે જ તમારે આ વેલનેસની ફીલોસોફીનો સ્વીકાર કરી તમે ધારો તો ગમે તે ઉંમરે તંદુરસ્ત રોગરહીત રહી શકો છો.
આયુર્વેદમાં ‘‘ત્રિદોષ’’નો ઉલ્લેખ છે. આ શાસ્ત્ર પ્રમાણે શરીર ટીસ્યુ (નકામા પદાર્થો) અને આ ત્રિદોષ એટલે કે વાત, પિત્ત અને કફ જેને શક્તિશાળી પદાર્થ તરીકે ઓળખાવ્યા છે તેનું બનેલું છે. આ ત્રણ દોષનું કામ શરીરના નકામા પદાર્થોને શરીરમાંથી બહાર કાઢી નાખવાનું છે. આ ત્રિદોષને આધારે શરીરનું હલનચલન શરીરમાં થતા ફેરફારો, બધી ઈન્દ્રિયો (આંખ-નાક, કાન-ગળુ વ.) નું કાર્ય અને શરીરની અનેક રચનાઓ અને કાર્ય થાય છે. વેલનેસ માટે આ જરૂરી છે.

વેલનેસ માટે આ પહેલા જેનો ઉલ્લેખ કર્યો છે તે ડૉ. પિટરે થોડી વધારે વાત પણ કરી છે. વેલનેસનો આધાર. ૧. સંપૂર્ણ તંદુરસ્તી ૨. સંપૂર્ણ સુખ જે તમને ‘સેન્સ ઓફ વેલબીઇંગ આપે.’ ૩. લાગણીઓ જે કાબુમાં હોય. ૪. મગજની કાર્યશક્તિ એટલે કે યાદશક્તિ, સમાજ શક્તિ, બુદ્ધિ, વાત કરવાની કળા વગેરે સંપૂર્ણ હોય. ૫. જ્ઞાનેન્દ્રીઓ - શ્રવણેન્દ્રીય (કાન), ચક્ષુઇન્દ્રીય (આંખ), સ્પર્શેન્દ્રીય (સ્પર્શ), સ્વાદેન્દ્રીય (જીભ) અને ધ્રાણેન્દ્રીય (નાક)માં સંપૂર્ણ કાર્ય ક્ષમતા હોય. ૬. શક્તિ જે શારીરિક અને માનસિક બન્ને રીતે સંપૂર્ણ હોય. ૭. પાચનક્રિયા સરસ હોય એટલે કે તમે જે ખોરાક કે પ્રવાહી લો તેનું પાચન કરવાની શક્તિ તમારી હોજરી અને આંતરડામાં હોય. ૮. શરીરમાંથી કચરો કાઢી નાખવાનું કાર્ય એટલે કે પરસેવો કાઢવાનું કામ ચામડી કરે, યુરીન કાઢી નાખવાનું કામ કિડની કરે અને મળ કાઢી નાખવાનું કામ મોટા આંતરડા કરે. ૯. શરીરના બીજા ટીસ્યુ એટલે કે અંગો-સ્નાયુ હાડકા, સાંધા અને લીવર, પેન્ક્રીઆસ, મગજ, હૃદય વગેરે સંપૂર્ણ રીતે કાર્યક્ષમ હોય.

તમારે સંપૂર્ણ તંદુરસ્તી (વેલનેસ) મેળવવા શું કરશો ?

૧. ફીઝીકલ (શારીરિક) વેલનેસ મેળવવા તમારે ૪૦ મિનિટનો એક કસરતનો કાર્યક્રમ તમારી અનુકૂળતા પ્રમાણે ગોઠવી લેવાનો છે. તમારી પાસે વિકલ્પો ઘણા છે. ૧. ચાલવું. ૨. દોડવું. ૩. સાયકલ ચલાવવી. ૪. તરવું વગેરે કસરત કરવાથી તમારા શરીરને શક્તિ આપનાર પ્રાણવાયુ વધારે મળશે જેને લીધે તમારી શારીરિક ક્ષમતા વધશે.


૨. ફાઈનાન્શીઅલ વેલનેસ માટે સલાહ સુચનો આપવાની જરૂર નથી પણ આમાં જેની પાસે આર્થિક સમૃદ્ધિ છે તેને વેલનેસ આપોઆપ મળી ગઈ એવું માનવાની જરૂર નથી. જરૂર પુરતું મળી રહેતું હોય તો તેમાં સંતોષ માનવાનો છે. થોડું પણ આયોજન કર્યા વગર આંધળીઆ કરી જે છે તેને ખોવું પડે તેવું કદાપી ના કરશો.


૩. સોશીઅલ ઃ સામાજીક વેલનેસનો અર્થ તમારૂં સમાજમાં સ્થાન. આ સ્થાન ફક્ત પૈસાથી મળતું નથી. તમારે તે માટે સોશીઅલ થવું જઈએ એટલે કે આત્મ સન્માન મેળવવા બીજાને યોગ્ય સન્માન આપવું જોઈએ સામાજીક કાર્યો ઘણા છે તે કરવાના શરૂ કરવા જોઈએ. અનેક સંસ્થાઓમાં પ્રેસિડેન્ટ, સેક્રેટરી બનવાનું સહેલું છે પણ લોકોનો પ્રેમ લાગણી મેળવવાનું ખાસ અઘરૂં નથી.


૪. ઈન્ટેલેકચ્યુઅલ ઃ વેલનેસ માટે આ અત્યંત જરૂરી છે. ચોપડીઓ વાંચો. અખબારો વાંચો. ઈન્ટરનેટનો ઉપયોગ તમારા મગજની શક્તિ અગાધ છે. રોજ બે કલાક કામ કરો. તમારી બુદ્ધિ શક્તિ (ઇન્ટેલીજન્સ) વધે એવા બધા કામ કરો. ધીરે ધીરે તમારી બુદ્ધિ શક્તિ વધશે તમે જાણે અજાણે ચબરાક અને ચાલાક થઈ જશો.


૫. ઈમોશનલ ઃ લાગણી અને લાગણી વેડામાં આસમાન જમીનનો ફેર છે. તમારી વેલનેસ માટે ઈમોશનલ બેલેન્સ જાળવવું ખૂબ જરૂરી છે. આ માટે તમારી લાગણીઓને કાબુમાં રાખો. જો વધારે પડતા લાગણીવશ થઈને કાંઈપણ કરવા જશો તો તેની સિદ્ધિ અસર તમારા મગજ અને મન પર થશે અને વેલનેસ જશે.


૬. સ્પીરીચ્યુઅલ (આઘ્યાત્મિક)ઃ તમે જેટલા ઈશ્વરમાં અને ઈશ્વરીય શક્તિમાં માનો અને સમય કાઢીને તેના ઉપર વિશ્વાસ રાખીને પ્રાર્થના મેડીટેશન કરો અને ધાર્મિક વાંચન કરો અને તેમાં લખેલા આદેશોનું પાલન કરો તો તમારૂ આઘ્યાત્મિક લેવલ જળવાશે અને વેલનેસ જળવાશે.


૭. કલ્ચરલ ઃ દરેક સમાજનું એક કલ્ચર હોય છે. સાદી ભાષામાં એ કલ્ચર માટે મનને આનંદ આવે તેવી કલ્ચરલ એક્ટીવીટીમાં પણ ભાગ લો. સંગીત, નૃત્ય, ચિત્રકલા, નાટક વગેરેમાં તમે ભાગ લો. શક્ય હોય તો શીખો. હોબી (શોખ) કેળવો ભાષા શીખો. વેલનેસનો અનુભવ થશે.


૮. એન્વાયરોમેન્ટલ ઃ તમારી આજુબાજુનું વાતાવરણ ફક્ત હવાનું વાતાવરણ નહીં. તમારા ઘરનું વાતાવરણ એટલે કે તમારા કુટુંબીજનોનો, તમારી તરફનો વર્તાવ અને તમારો તેમની પ્રત્યેનો વર્તાવ આ સરળ, ગમતો, પ્રેમ અને લાગણી ભર્યો અને સ્વાર્થ રહીત હોવો જોઈએ આ ઉપરાંત તમારી ઓફિસ કે નોકરીના સ્થળનું વાતાવરણ એટલે ત્યાંના લોકોનો વર્તાવ તેમજ તમારા આડોશીપાડોશી અને મિત્રો તેમજ સગાસંબંધી તરફનો તમારો વર્તાવ અને તેમનો તમારી તરફનો વર્તાવ ખૂબ અગત્યનો છે. આ વાતાવરણ જેટલું સારૂં તેટલી તમારી ‘વેલનેસ’ સારી આ વાત યાદ રાખશો.


વેલનેસ કિલનીક એટલે શું ?

આખો લેખ વાંચ્યા પછી તમારે તમારી જાતે જ ઉપરના બધા મુદ્દાનો અભ્યાસ કરીને ઉપાયો અમલમાં મુકવાના છે. અને ‘વેલનેસ’ મેળવવાની છે. આમ છતાં તમારે જરૂર લાગે તો વેલનેસ કિલનીક કે વેલનેસ કન્સલ્ટન્ટની સલાહ લઈ વેલનેસ મેળવવા પદ્ધતિસર પ્રયત્ન કરવો પડશે. આવા કલીનીકમાં તમને
૧. કસરતની સલાહ મળશે.
૨. ખોરાક કયો, કેવી રીતે લેવો તેની સલાહ મળશે.
૩. મનની શાંતી માટેના ઉપાયો જાણવા મળશે અને
૪. તમારા શરીરના ચેક અપ રીપોર્ટનો અભ્યાસ કરી તમને કોઈ રોગ છે કે નહીં અને તેના ઉપાયો વિષે માર્ગદર્શન મળશે.


વેલનેસ એટલે સંપૂર્ણ તંદુરસ્તીનો આજીવન અનુભવ અને આ અદ્ભુત અવસ્થા તમે પણ પ્રયત્ન કરી સરળતાથી મેળવી શકશો.
 
< પાછળનુ   આગળનુ >