Last Updated:19 ડિસેમ્બર 2011

ફિટનેસ - જાદુઇ હળદર છાપો ઈ-મેલ
રવિપૂર્તિ
આના લેખક છે GS NEWS   
શનિવાર, 12 ડિસેમ્બર 2009
8Whole.gifજવાત ભારતવાસીઓ હજારો વર્ષથી જાણતા હતા તે વાત એટલે કે હળદરના જાદુ વિષેની વાતની દુનિયાને હમણાં ખબર પડી છે. હળદરનો જાદુ એટલે કે હળદરનો ઉપયોગ ખોરાકમાં અને દવા તરીકે  કરવાથી અનેક રોગોથી માનવ શરીરને ગ્રસ્ત થતું અટકાવી શકે છે તે જાદુ. હળદરને આજસુધી ફક્ત મા કે દાદીમા રસોઇ બનાવતી વખતે છ કે આઠ ખાના કે ડબીવાળા ‘કઠોડા’ કે ‘મસાલીઆ’માં જે પીળો પાવડર દાળ શાક કઢી કે બિરીઆની, ખિચડી કે મસાલાભાત બનાવવામાં વાપરતા હતા તે રીતે જ આપણે ઓળખીએ છે.
આજે આ હળદરને આપણે જુદી રીતે ઓળખીશું. હળદરને સંસ્કૃતમાં ‘હરિદ્રા’, હિન્દીમાં હલ્દી, મરાઠીમાં ‘હલદ’ અને બંગાળીમાં ‘હલુદ’ કહે છે.
હળદરની જંગલી જાત સખત હોય છે જેનો પાવડર રંગ બનાવવામાં વપરાય છે. પોચી અને સુગંધી હળદર કચુંબર તરીકે અને સુકવીને મસાલા તરીકે રસોઇમાં વપરાય છે. આપણા જુના શાસ્ત્ર આયુર્વેદમાં હળદરને શરીર શુઘ્ધ કરનારી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવી છે.
આજ સુધી વૈદ્યો હળદરનો ઉપયોગ સાંધાના વા, સોજા અને સ્નાયુના રોગો મટાડવા માટે કરતા હતા. વૈદ્યની ભાષામાં વાત- પિત્ત અને કફશામક હળદર શરીરની ચામડીનો રંગ સુધારનાર, લોહી (હિમોગ્લોબીન)નું પ્રમાણ વધારનાર, શ્વસન તંત્રના રોગોમાં રાહત આપનાર, હોજરી ને આંતરડામાં રહેલા કૃમિનો નાશ કરનાર, ગેસમાં રાહત આપનાર, ભૂખ લગાડનાર, પેશાબના રોગોનો નાશ કરનાર, શરીરમાંથી ઝેરી પદાર્થો બહાર કાઢી નાખનાર, ચામડીના રોગોમાં રાહત આપનાર, લિવરને શક્તિ આપનાર અને શરીરને અનેક રોગોથી રક્ષણ આપનાર છે.

આપણા દેશમાં અને પરદેશમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી હળદર માટે અનેક સંશોધનો થયાં છે. પરદેશના સંશોધકોને નવાઇ પમાડે તેવી માહિતી હળદરના ઉપયોગ બાબત મળી છે.

૧. કેન્સર
આપણને જાણીને નવાઇ લાગશે કે સાન્ફ્રાન્સીસ્કો સ્થિત ‘અમેરીકન એસોસિયેશન ઓફ કેન્સર રીસર્ચ’ના સંશોધકોએ હળદર એટલે ‘‘કરક્યુમીન’’ પાવડરને કેન્સરનો નાશ કરનાર દ્રવ્ય ગણાવેલ છે. આવો જ પ્રયોગ આપણા દેશમાં ઉત્તર પ્રદેશના નોઈડા ગામમાં થયો અને તેમાં પણ આ બાબત સિઘ્ધ થઇ છે. વૈજ્ઞૈાનિકોએ શરીરમાં એક તત્ત્વ શોઘ્યું છે જેનું નામ ‘ટ્રેઇલ’ છે. હળદરનો પાવડર કેન્સરના દર્દીને આપવામાં આવે તો ‘ટ્રેઇલ’ નામનું તત્વ ખૂબ શક્તિમાન બનાવે છે, જેને લીધે કેન્સરના દર્દીને તેના દર્દમાં રાહત થાય છે.
૨. રૂમેટોઇડ આથ્રરઈટીસ
રૂમેટોઇડ આથ્રરઈટીસ એટલે ‘ફરતો વા’. શરીરના જુદા જુદા નાના મોટા બધા જ સાંધામાં શરૂમાં સોજો આવે અને પછી દુખાવો થાય અને પછી શરીર અકડાઇ જાય. શરીરની બધા જ પ્રકારની હલનચલનની ક્રિયામાં દરદીને ખૂબ જ તકલીફ પડે. ઝીણો તાવ, અશક્તિ અને માનસિક તનાવ વધારનાર આ રોગની આજ સુધી કોઇ ચોક્કસ દવા નહોતી. પરદેશમાં અનેક કંપનીઓએ આ રોગ માટેની ફક્ત રાહત આપનારી દવાઓ શોધી છે. યુનિવર્સિટી ઓફ ટેક્સાસ (આર્લીંગ્ટન)ના વૈજ્ઞાનિકોએ હળદર (કરક્યુમીન)નો ઉપયોગ રૂમેટોઇડ આથ્રરઈટીસના રોગમાં કર્યો અને શોધી કાઢ્યું કે તેનાથી શરીરનું અકડાઇ જવું, સોજો અને દુખાવો  ઓછો થાય છે.
૩. આંતરડાનો સોજો અને દુખાવો
જાપાનના સંશોધકોએ ‘હામામત્સુ યુનિવર્સિટી સ્કુલ ઓફ મેડીસીન’માં અનેક પ્રયોગો કરી અને હળદરને આંતરડાનો સોજો અને દુખાવો દૂર કરનાર એકમાત્ર કુદરતી વનસ્પતિ  દ્રવ્ય તરીકે સ્થાપિત કર્યું છે.
૪. મલ્ટીપલ સ્કલરોસીસ (એમ.એસ.)
નેશવીલ (યુ.એસ.એ.) સ્થિત વાન્ડરબીટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ પ્રયોગ કરીને સિઘ્ધ કર્યું છે કે એમ.એસ. (મલ્ટીપલ સ્કલરોસીસ) નામના, દરદીને અત્યંત તકલીફ આપનાર અને મરણને શરણ કરનાર આ રોગમાં મગજને પણ ખૂબ નુકસાન  થાય છે.  હળદરથી આ રોગમાં રાહત થાય છે.
૫. શરદી અને ગળાની ખરાબી
હળદર, મધ અને કાકડીનો રસ- આનું મિશ્રણ શરદીમાં રાહત આપે છે. આ વાત જે આયુર્વેદના ગ્રંથોમાં લખી છે તે જામનગર આયુર્વેદ સંશોધન સંસ્થાનના  વૈજ્ઞાનિકોએ અનેક પ્રયોગો કરીને સિઘ્ધ કરી છે.
૬. ગોનોરીઆ, કલેમીડીઆ, સીફીલીસ  જેવા ચેપીરોગો
યેલ યુનિવર્સિટી (યુ.એસ.એ.)ના સંશોધકોએ ૨૦૦૪ના વર્ષમાં સશોધન કરીને ઉપરના રોગોમાં હળદરનો પાવડર યોગ્ય માત્રામાં આપવાથી ફાયદો થાય છે એમ શોધી કાઢ્યું છે.
૭. સોરાએસીસ અને ચામડીના રોગો
હળદરને મલમના સ્વરૂપમાં ‘ટર્મેરીક ક્રિમ’ તરીકે ભારતમાં અને પરદેશમાં બનાવીને વેચાય છે. ચામડીના નાના મોટા રોગો અને સોરાએસીસમાં તેનાથી ફાયદો થાય છે.
૮. આલ્ઝામેર ડીસીઝ (યાદશક્તિ જતી રહેવાનો રોગ)
આયુર્વેદના ગ્રંથોમાં યાદશક્તિ ઓછી થવાના રોગોમાં હળદરનો ઉપયોગ રોગને દૂર કરનાર વનસ્પતિ તરીકે સૌથી શ્રેષ્ઠ ગણાવેલ છે. તેની સાથે શુઘ્ધ કરેલ બીજાં દ્રવ્યો (જેમાં વરીઆળી, ધાણા, મેથી, આદુ મુખ્ય છે) મેળવીને બનાવેલ ઉકાળા, અવલેહ આપવાથી આ રોગમાં લાંબેગાળે (છથી બાર મહિને) ફાયદો થાય છે. આ વાત દિલ્હી સ્થિત આયુર્વેદ સંશોધન સંસ્થાન તેમજ બીજી જગાએ પ્રયોગોથી સિઘ્ધ થએલ છે.

અમેરિકાની એરીઝોના યુનિવર્સિટીમાં આ રોગ ઉપર હળદરની અસર જાણવા  પ્રયોગો ચાલી રહ્યા છે.

અમેરિકામાં અને બીજા દેશોમાં હળદર ઉપર થએલા પ્રયોગો વિષે થોડીક વાતો
 
૧. એરીઝોના યુનિવર્સિટીમાં ઉંદરો પર થએલા પ્રયોગોથી એવું નક્કી થયું છે કે સાંધાનો સોજો અને દુખાવો દૂર કરવામાં અને હલનચલનની શક્તિ વધારવામાં હળદર ફાયદાકારક છે.
૨. અમેરિકામાં ૯૦ જેટલી સાયન્ટીફીક સંસ્થાઓએ હળદરના દવા તરીકેના ઉપયોગો- પ્રયોગો શરૂ કર્યા છે અને ખાનગી રાહે હળદરની પેટન્ટ મેળવવા પણ પ્રયત્ન કરી  રહ્યા છે.
૩. પરડુ યુનિવર્સિટીમાં થએલા એક પ્રયોગમાં દમના રોગ (બ્રોન્કીઅલ અસ્થમા)માં ૧૦૦ દર્દીઓમાં ૪૦ જણાને ખૂબ ફાયદો થયો હતો.
૪. થાઈલેન્ડની સરકારે વૈજ્ઞાનિકોને પ્રયોગ કરીને હળદરનો કોસ્મેટીક તરીકે  ઉપયોગ થઇ શકે કે નહીં તે નક્કી કરવા જણાવ્યું છે.
૫. ૨૦૦૪ ના વર્ષમાં હળદર વિષે અમેરિકાના પ્રખ્યાત મેડીકલ જર્નલમાં ૨૫ જેટલા મહત્ત્વના લેખો પ્રસિદ્ધ થયા હતા જેમાં હળદરની જુદા જુદા રોગો, ખાસ કરીને લીવર અને આંતરડાના કેન્સર, યાદશક્તિ જતી રહેવાનો રોગ અને મલ્ટીપલ માયલોમા (એક પ્રકારનું કેન્સર)માં રાહત આપે છે એવું લખવામાં આવેલું હતું.
જોયું ને ? આજ દિવસ સુધી જાણે અજાણે વૈદ્યો, ડોશીમાઓ અને જાણકાર ગૃહિણીઓ હળદરનો ઉપયોગ પહેલાં જણાવેલ અનેક રોગો માટે કરતા હતા. થોડી રાહ જુઓ, ઘણા બધા રોગોમાં હળદર કેટલી અકસીર છે તે તમને જાણવા મળશે અને હળદરને તમે જાદુઈ હળદર તરીકે ગણવા માંડશો.
 
< પાછળનુ   આગળનુ >