Last Updated:19 ડિસેમ્બર 2011

ફિટનેસ - સાચેસાચ તમે નિરાંતે ઊંઘી શકો છો ખરા ? છાપો ઈ-મેલ
રવિપૂર્તિ
આના લેખક છે GS NEWS   
શનિવાર, 05 ડિસેમ્બર 2009
1fit2.gifનીરાંતે ઊંઘી શકવું તે એક પ્રકારની કલા છે અને આવા કલાકાર જ ઊંઘવાની કલાને અમલમાં મુકી અને રોગ રહીત લાંબુ જીવન પામે છે. આજે તમને ઊંઘવાની કલા વિષે થોડા સવાલ જવાબથી પુરી સમજ આપવાની છે.

સ. માનવીને કેટલી ઊંઘની જરૂર છે ?

જ. નાના બાળકોને ૮ થી ૧૨ કલાકની ઊંઘ જોઈએ. પુખ્તવયના માનવીને ૭ થી ૯ કલાક ઊંઘ જોઈએ. અપવાદ રૂપે કેટલાક લોકોને ૪ થી ૫ કલાકની ઊંઘથી પણ ચાલે છે.જેમ જેમ ઉંમર વધતી જાય અને શારીરિક શ્રમ ઓછો થાય ત્યારે ૩ કે ૪ કલાક જ પુરતા થાય છે.
એક વાત અત્રે યાદ રાખવા જેવી છે કે પથારીમાં આંખો ઉઘાડી કે બંધ રાખી જાગતા પડયા રહો તે ઊંધ્યા ના કહેવાય. એ ઊંઘ તો એવી હોવી જોઈએ જેને માટે અંગ્રેજીમાં ઉકતી છે ‘સ્લીપીંગ લાઇક એ લોગ’ એટલે કે એવી રીતે ઉંધ્યા હો જાણે લાકડુ પડયું હોય.
આવી ઊંઘ બહુ ઓછાને નસીબમાં હોય છે.  કવોલીટી ઓફ સ્લીપ એટલે કે એવી ઊંઘકે જયારે જાગો ત્યારેતન બદનમાં સહેજે થાક ના હોય અને મન પ્રસન્ન હોય, ચહેરા ઉપર ઉદ્વેગ ના હોય પણ હાસ્ય હોય. આને ખરી ઊંઘ લીધી કહેવાય.
સ. પુરતી ઊંઘ ના લેવામાં આવે તો શું પરિણામ આવે ?

જ. પુરી ઊંઘ ના લીધી હોય તો તમે ચિઢિયા થઇ જાઓ. નાની નાની બાબતમાં ગુસ્સે થાઓ. ગાંડા માનવીના જેવું વર્તન અને દેખાવ થઇ જાય એટલું જ નહીં પણ ૪૮ કલાક કે તેથી વધારે જબરજસ્તીથી કે કારણસર જો ના ઊંધ્યા હો તો મૃત્યુ પણ થાય. ગુનો કબુલ કરાવવા કેદીઓને આવી રીતે સતત ઊંઘવા નહીં દેવાના પ્રયોગો જેલમાં કરવામાં આવે છે. એકાગ્રતા જતી રહે. સખત સુસ્તી લાગે. વાણી ને વર્તન પર કાબુ ના રહે.


સ. ઊંઘ ના આવવાનાં કારણો શું ? પ્રકાર કેટલા ?


જ. ઊંઘ ના આવવી (ઇન્સોમ્નીઆ) એ રોગ નથી પણ ફરિયાદ છે એ ખ્યાલ રાખો. મુળ વાત છે આ ફરીયાદ (ઊંઘ ના આવવી) ના કારણો શું છે તે જાણવાની. સામાન્ય રીતે ૧. સુર્યના ઉદય અને અસ્ત સાથે ઊંઘની સાયકલ જોડાએલી છે. એટલે કે દિવસે માનવી સુર્યના ઉદય સાથે જાગે અને અસ્ત થાય ત્યારે ઊંઘી જાય. આ એક વૈજ્ઞાનિક સત્ય છે. આને કીર્કાડીઅન સાયકલ કહે છે. આ સાયકલનો ક્રમ જળવાય નહીં તો તમને ઊંઘ ના આવે. ૨. રાત્રે ઊંઘી જાઓ ત્યારે શ્વાસ લેતી વખતે મોટેથી નસકોરા બોલે અને તેથી તમારી ઊંઘ ઉડી જાય. ૩. શારીરીક કારણ કે ખોરાકની કોઇ ખામી કે કોઇ રોગને કારણે પગના સ્નાયુ દુખે કે હાડકામાં કળતર થાય ત્યારે ઊંઘ ના આવે. ૪. કોઇ દવાની આડ અસરને કારણે ઊંઘ ના આવે. ૫. ચા કોફી કોલા ડ્રીંક વધારે પડતા અને રાત્રે સુતા પહેલા પીવામાં આવે ત્યારે ઊંઘ ના આવે કારણ તેમાં કેફીન હોય. ૬. આખા દિવસ દરમ્યાન કોઇ એવો પ્રસંગ બન્યો હોય જેમાં તમને સિધી કે આડકતરી રીતે કોઇ સંબંધ ના હોય તે રાત્રે યાદ આવે. દા.ત. પેપરમાં કોઇના આપઘાતના કે અકાળ મૃત્યુ કે એકસીડંટના સમાચાર વાંચ્યા હોય ત્યારે પણ ઊંઘ ના આવે. ૭. ટી.વી. કે સિનેમાનો આઘાતજનક પ્રસંગ કે ભૂતપ્રેતની વાતો હોય તે યાદ આવે. ૮. કોઇપણ બાબતની સતત ચિંતા રહેતી હોય. દા.ત. પોતાની કે પોતાના અંગત કુટુંબીજનની તબીયત, વિયોગ કે મૃત્યુ થયું હોય તેની ચિંતા થાય ત્યારે પણ તમે ઊંઘી ના શકો.૯. ઊંઘ ના આવતી હોય તો કેમ નથી આવતી એના કારણને શોધવાને બદલે કેમ ઊંઘ નથી આવતી અથવા કેમ ના આવે એવી જીદ લઇને વિચારો કર્યા કરો ત્યારે પણ ઊંઘ ના આવે. ૧૦. આર્થિક નુકશાન કે માલ મિલક્તને નુકશાન થયું હોય ત્યારે તે તમારી ભુલથી કે આયોજનના અભાવથી થયું હોય ત્યારે પસ્તાવાને કારણે પણ ઊંઘ ના આવે. ઉંઘ ન આવવાના પ્રકારો પણ જાણીલો -
૧. ટ્રાન્ઝીઅન્ટ (થોડા વખત માટેનો) ઇન્સોમ્નીઆ એટલે કે કોઇક જ વાર આવું થાય. અઠવાડીયે પંદર દિવસે એકાદ વખત.
૨. શોર્ટ ટર્મ ઇન્સોમ્નીઆ એટલે કે ચાર અઠવાડીયા ઊંઘ ના આવે.

૩. ક્રોનીક ઇન્સોમ્નીઆ એટલેકે કાયમનો ઊંઘનો પ્રોબ્લેમ હોય

સ. ઇન્સોમ્નીઆના ત્રણે પ્રકારની સારવાર કઈ ?


જ. ટ્રાન્ઝીઅન્ટ અને શોર્ટ ટર્મ ઇન્સોમ્નીઆની સારવારની જરૂર મોટે ભાગે પડતી નથી. કારણ દુર થાય એટલે એની મેળે મટી જાય. દા.ત. જેટ લેગ જે બે દિવસ પછી સ્લીપ વેક (ઊંઘવાની જાગવાની) સાયકલ પુરી થાય પછી બઘુ નોર્મલ થઇ જાય. જયારે ક્રોનીક ઇન્સોમ્નીઆના કિસ્સામાં સારવાર લેવી પડે જેમાં ૧. કોઇ મેડીકલ કે સાયકોલોજીકલ કારણ છેકે નહીં એ શોધી એની સારવાર કરવાથી ફેર પડે. દા.ત. પગ દુખતા હોય અથવા કોઇ પ્રસંગને કારણે આઘાત લાગ્યો હોય તો તેની સારવાર કરવાથી આ પ્રકારના (ક્રોનીક) ઇન્સોમીઆમાં ફેર પડે. ૨. દર્દીના કોઇ વર્તનને કારણે હોય તો વર્તનમાં સુધારો કરવાથી ફેર પડે. ૩. ના છુટકે ઊંઘની ગોળીનો પ્રયોગ કરવો જોઈએ પણ તેમાં નિષ્ણાત ડોકટરની દેખરેખ નીચે કરવો જોઈએ.


સ. ક્રોનીક ઇન્સોમ્નીઆની સારવાર ના કરવામાં આવે તો શું થાય ?


જ. ૧. યાદશકિત ધીરે ધીરે ઓછી થતી જાય. ૨. તમારી રોજીંદિ ક્રિયાઓ પણ ઘ્યાનથી ના કરી શકો. ૩. કોઇ પણ વખતે ખુબ લાગણીવશ થઇ કારણ વગર પોતાની આવા પ્રકારની સ્થિતિ માટે મનમાં ને મનમાં દુઃખી થાઓ અને રડવા માંડો. ૩. ખુબ જ સુસ્તી લાગે, થાક લાગે, આમ છતાં પથારીમાં સુતા હો ત્યારે પણ ઊંઘી ના શકો.


સ. ઊંઘ માટે હોર્મોન જવાબદાર ખરા?


જ. માનવ જાતની ઉત્ક્રાંતીના ક્રમમાં વૈજ્ઞાનીકોએ સિઘ્ધ કરેલી વાત છે કે દિવસનું કાર્ય માનવી શરીરમાં ઉત્પન્ન થયેલા એડ્રેનલીન અને સ્ટરોઇડઝની મદદથી અમલમાં મુકે છે અને રાત્રે સુઇ જાય ત્યારે હોર્મોન ગ્રંથી એકટીવ બની નવા હોર્મોન બીજા દિવસ માટે બનાવે છે. આનો અર્થ એ થયો કે જો તમે રાત્રે નિરાંતે ઊંઘી ના જાઓ કે ઊંઘી ના શકો તો પુરતા હોર્મોન બને નહી અને બીજા દિવસની તમારી રોજીંદી ક્રિયામાં અપાર તકલીફો પડે. નવા હોર્મોન બનવાની ક્રિયા તમારી ઊંઘના પહેલા ચાર પાંચ કલાકમાં જ સારી રીતે થાય છે એ વાત ખાસ યાદ રાખશો. પછીના કલાકોમાં વધારે ઊંઘવાનો અર્થ નથી. આમાં તમને બે વાત મદદ કરશે. ચોકકસ સમયે સુવાની અને ચોક્કસ સમયે ઉઠવાની ટેવ અથવા તો આપણા બાપદાદા કરતા હતા તે પ્રમાણે કરવાની ટેવ એટલે કે સુરજ આથમે અને અંધારૂ થાય એટલે ઊંઘી જવાનું અને સવારે ભડભાંખળુ (સુર્ય ઉગતા પહેલાનો ઉજાસ) થાય ત્યારે સુર્યના સમય પહેલાં ઉઠી જવાનું, આવી ટેવ પાડશો.


અહીં બીજી પણ એક વાત જાણવા જેવી છેકે કોઇ વાર કારણસર રાત્રીની ટ્રેન કે બસની મુસાફરી વખતે કે ઘરમાં કોઇ પ્રસંગ વખતે કે કોઇ દર્દીની સેવા કરવા માટે રાત્રે જાગવું પડયું હોય તો બીજે દિવસે તમે એ સ્લીપ ડેટ (ઊંઘનું દેવું) પૂરું કરી શકો છો એટલેકે બીજે દિવસે એક બે કલાક બપોરના ઊંઘી જાઓ તો વાંધો નથી પણ રાત્રે પુરતી ઊંઘ લીધી હોય ત્યારે પણ બપોરના બે ત્રણ કલાક ઊંઘી જવાની આવી ટેવ રોજ પાડવાની નથી નહીં તો વજન વધશે.


સ. રોજ નિરાંતે ઊંઘ આવે એવા કોઇ રસ્તા ખરા ?


જ. નીચેની દસ વાતો અમલમાં મુકશો તો નિરાંતે ઊંઘી શકશો.

૧. ઘડીઆળના કાંટે રોજ સુઇ જવાની અને ઉઠવાની ટેવ પાડો. મહિનામાં એક બે દિવસ ના પાળી શકો તો વાંધો નહીં પણ આવી ટેવ શ્રેષ્ઠ ગણાય.
૨. દિવસે ઊંઘશો નહીં. જરૂર લાગે તો જ જમ્યા પછી ફકત ૨૦ મિનીટ વામકુક્ષી એટલે કે ડાબે પડખે સુઇ જશો. આને ડે ટાઇમ નેપ કહેવાય.
૩. સવારે કે બપોરે ગમતી કસરત ૩૦ થી ૪૦ મિનીટ કરશો. રાત્રે સુતા પહેલાં કદાપી નહીં. કસરતથી સ્નાયુ અને સાંધા (આખુ શરીર) થાકશે અને ઊંઘ આવશે.
૪. રાત્રે સુતા પહેલાં શાવર બાથ (ગરમ) લેવાથી દિવસભરના થાકેલા સ્નાયુ રીલેક્ષ થશે અને તરત ઊંઘ આવશે.
૫. સાંજના જમવાના અને રાત્રે સુવાના સમય વચ્ચે બે કલાકનો ગાળો રાખશો. રાત્રે ખુબ ચરબીવાળો અને ખાંડવાળો ખોરાક ખાઇને તરત પથારીમાં લાંબા થઇને સુઇ જશો તો ઊંઘ નહીં આવે કારણ હોજરીને લીધેલા ખોરાકનું પાચન કરવા માટે શક્તિ જોઈએ એટલે તમે ઊંઘી નહી શકો.
૬. રાત્રે જમતી વખતે કે પછી ચા કોફી (હોટ કે કોલ્ડ) અથવા કોલ્ડડ્રીંક ના લેશો નહીં તો કેફીન (જે આ બધામાં હોય છે) તમને ઊંઘવા નહીં દે.
૭. કોઇ ચોપડી વાંચો. ભેદભરમની કે મારામારી કાપાકાપીની ચોપડી નહી પણ વાંચવાની મઝા પડે તેવી (ફીકશન) ચોપડી વાંચતા વાંચતા સુઇ જાઓ.
૮. બહારના વાતાવરણમાં ઠંડક હોય તો બારી બારણા ખુલ્લા રાખો જેથી તમારો સુવાનો રૂમ ઠંડો રહે. ગરમીમાં એ.સી. કે ફેન ચલાવશો. બંધ રૂમમાં એની એ હવા લેવાથી ઊંઘ નહીં આવે.
૯. સુતી વખતે ટીવી કે સંગીત સાંભળવાની ટેવ ખોટી. બઘુ બંધ કરી દો.
૧૦. એર ફ્રેશનર કે અગરબત્તીથી રૂમને સુગંધિત કરી દો. તરત ઊંઘ આવશે.

સ. ઊંઘવાની ગોળી સિવાય ખોરાકના ફેરફારથી ઊંઘ આવે ખરી ?


જ. ૧. પહેલાં જણાવ્યું તેમ ભારે ખોરાક એટલે કે મેંદો, માખણ, મોરસ, મીઠુ અને જેમાં વધારે હોય તેવો ખોરાક, કોફી, ચા ચોકલેટ ઠંડા પીણા (કોલા), દારૂ, ખુબ તળેલી, ચરબીવાળી અને ખુબ તીખા તમતમતા મસાલાવાળી ખાવાની ચીજો રાત્રે જમવામાં ખાશો તો ઊંઘ નહીં આવે. છેલ્લા સંશોધનોથી નક્કી થયું છે કે ક્રોનીક ઇન્સોમ્નીઆ ના દર્દીઓના શરીરમાં ખુબ અગત્યના તત્વો જેવા કે વિટામીન બી કોમ્પલેક્ષ, વિટામીન સી, વિટામીન ડી, કેલ્શ્યમ, મેગ્નેશ્યમ, પોટાશ્યમ અને ઝીંકની ખુબ ઉણપ હોય છે. આ કારણે જો તમે ખોરાકમાં ૧૫૦ થી ૨૦૦ ગ્રામ જેટલા લીલા શાકભાજી (ગાજર, મુળા, કાકડી, બીટ, કોબી) લીલા વટાણા, ઉગાડેલા કઠોળ અને બધા જ પ્રકારની ભાજી (પાલખ, મેથી, તાંદળજો, સુવા, મુળા) તેમજ ત્રણ ચાર ખજુર/ અંજીર, સુકો મેવો (બદામ- પીસ્તા- કાજુ- અખરોટ) અને બે થી ત્રણ ફળો (પપૈયુ- કેળા- સફરજન- ચીકુ- પાઇનેપલ વગેરે) ખાઓ તો ઉપર જણાવેલ બધા તત્વો મળે અને ઊંઘ આવે.

અહીં એક ખુબ અગત્યની વાત યાદ રાખશો કે જેમ ઉંમર થાય તેમ તમારી પાચન શકિત પાચક રસોના અભાવને કારણે ઘટતી જાય. તમારી પાસે ફકત બે જ ઉપાય છે. પાચન થાય તેવો હલકો ખોરાક પ્રમાણભાન રાખીને ખાઓ. અર્ઘુ પેટ ખોરાકથી, પા ભાગ પાણીથી અને બાકીનો પા ભાગ ઇમર્જન્સી માટે એટલે કે કોઇને ત્યાં ગયા હોય ત્યારે ખાવુંપીવું પડે અથવા ગમતો ખોરાક ખાવાનું મન થાય તે માટે રાખો. બીજો રસ્તો છે પાચક રસો (એન્ઝાઇમ) બનાવવા માટે હવે બજારમાં પ્રોબાયોટીક લસ્સી મળે છે. રોજ જમ્યા પછી એક થેલી (૨૦૦ મી.લી.) પીવાની રાખો. આમાં તૈયાર બેકટેરીઆ હોય છે. જેનાથી નવા પાચક રસો બનશે. આનાથી મોટી ઉંમરે પણ તમારી પાચનક્રિયા સારી થઇ જશે.

વધારાની વાત પણ કાયમ યાદ રાખો. રાત્રે પેટમાં ગેસ થાય તેવી વાનગીઓ કદાપી ના ખાશો. મન શાંત હશે તો ઊંઘ સારી આવશે માટે રોજ ગાજર અને પાલખનો રસ એક ગ્લાસ (૨૦૦ મી.લી.) પીવાનો રાખશો. આ ઉપરાંત હવે બજારમાં મળે છે તે ‘લેટુસ’ નો રસ કે બાફેલી લેટુસ ખાવાથી તેમાં રહેલું તત્વ ‘લેટુસેરીઅમ’ તમારા મગજને શાંત કરી દેશે એટલે ખુબ સારી ઊંઘ આવશે. આયુર્વેદના શાસ્ત્રમાં જણાવેલા કુદરતી વનસ્પતી જે દવા તરીકે વૈદ્યો વાપરે છે (હર્બલ મેડીસીન) તેમાં અશ્વગંધા, જટામાંસી, જાયફળ, ગોટુકોલા, વેલેરીન, જેઠીમધનો ઉપયોગ ઊંઘની દવા તરીકે કરે છે. તે બધી વસ્તુ કુદરતી ફોર્મમાં લાવીને લેવાથી પણ ઊંઘ લાવવામાં મદદ કરશે.

છેલ્લે ઊંઘવાની આટલી બધી વાર્તાના સવાલ જવાબ સાંભળીને ઊંઘી ના જતા. આટલી અગત્યની વાતો ખાસ યાદ રાખશો. ૧. ઊંઘવાની ગોળી ઊંઘવા માટે લેવી જ પડે એ વાત મનમાંથી કાઢી નાખશો. ૨. ઊંઘ ના આવે ત્યારે જાગતા ખાટલામાં પડયા રહેવાને બદલે થોડી કસરત અર્ધી રાત્રે પણ કરી લેશો. તો શરીર થાકશે અને તમને ઊંઘ આવી જશે. ૩. કોઇપણ રસ્તો ના જડે તો થોડા પ્રાણાયામ ૫ થી ૧૫ મિનીટ કરશો તો ચોક્કસ ઊંઘ આવી જશે. ૪. ઊંઘ ના આવવી એ તમારો દુશ્મન નથી માટે ‘કેમ ના આવે’ એવી જીદ કે જક ના કરશો. ૫. પ્રભુને પ્રાર્થના એ તમારો છેલ્લો ઉપાય છે. છેલ્લે એ અજમાવશો.
 
< પાછળનુ   આગળનુ >