આકડા ક્યાં નથી. જીવન સાથે જડાએલા આંકડા (નંબર) માનવીને એટલા બધા મુંઝવી નાખે છે કે તે હવે આજકાલ ઉંમરના આંકડાને અગત્યનો ગણી કેટલા ગયા અને કેટલા રહ્યા એ જ આંકડા ગણી ગણીને દુખી થાય છે.
કારણ એને ખબર છે કે એજીંગ (ઉંમર વધવાની) સાયકલને કોઈ રોકી શક્યું નથી. તો ચાલો તંદુરસ્તી સાથે
આંકડાઓના સંબંધની વાત કરીએ.
૧. તમારા વજનનો આંકડો અને તમારી તંદુરસ્તી
ઉંચાઈ જાણી વજન નક્કી કરવાના ટેબલ (કોઠા) હવે જૂના થઈ ગયા. હવે માપવાનું
છે બી.એમ.આઈ. (બોડી માસ ઈન્ડેક્ષ). તમારૂં બી.એમ.આઈ. ૧૯ થી ૨૪ વચ્ચે હોય
તો તમે તંદુરસ્ત છો. જો ૨૪ થી ૩૦ સુધીમાં હોય તો તમને ડાયાબીટીસ કે -અને
બ્લડ પ્રેશર થવાની શક્યતા ૮૦ થી ૯૦ ટકા છે. અને ખાસ યાદ રાખશો કે જો તમારો
બી.એમ.આઈ. ૩૦ થી ઉપર હોય તો ભગવાન તમને બચાવ. કારણ તમને હાર્ટ એટેક,
બી.પી., ડાયાબીટીસ, સ્ટ્રોક અને કેન્સર જેવા ભયાનક રોગથી પીડાવાની
પૂરેપૂરી શક્યતા કદાચ આજે નહીં તો ભવિષ્યમાં છે. તમારો બી.એમ.આઈ.
નીચેના
દાખલાથી શોધી કાઢો. એક ભાઈનું વજન ૮૦ કિલો છે ઉંચાઈ ૬ ફૂટ છે. ફોર્મ્યુલા
છે વજન કિલોગ્રામમાં ભાગ્યા મીટરમાં ઉંચાઈ હોય તેનો વર્ગ (સ્કવેર). ઉપરના
દાખલામાં છ ફૂટ એટલે ૧.૮ મીટરનો સ્કવેર (૧.૮ ટ ૧.૮ = ૩.૨૪). હવે ૮૦ને ૩.૨૪
થી ભાગો એટલે ૨૪.૬ આવ્યા, જે બી.એમ.આઈ. ગણાય.
૨. તમારા બ્લડ સુગરના આંકડા અને તમારી તંદુરસ્તી ભૂખ્યા પેટે તમારૂં બ્લડસુગર લેવલ ૬૦ મી. ગ્રામ/મીલી લીથી ૧૦૦ મી.ગ્રામ
હોવું જોઈએ. જમ્યા પછી ૧૩૦ મી.ગ્રામ/મીલી લી. હોવું જોઈએ. તમે સારવાર લેતા
હો, થોડી કસરત કરતા હો અને મનમાં ડાયાબીટીસનો સ્ટ્રેસ (માનસિક તનાવ) ના
રાખતા હો તો આ આંકડા (ડાયાબીટીસના) તમને પરેશાન નહીં કરે. કોઈ દિવસ ભૂખ્યા
પેટે ૧૫૦ મી.ગ્રામ અને જમ્યા પછી ૨૦૦ મી.ગ્રામ જેટલું આવે તો પણ ગભરાશો
નહીં.
વારે વારે દવા કે ડૉક્ટર બદલશો નહીં. તમે ખાઓ છો ગ્રામમાં અને
રીડીંગ આવે છે મી.ગ્રામમાં. એક ગ્રામ = ૧૦૦ મી.ગ્રામ. થાય. હવે સમજો
યુરીનમાં સુગર જાય ત્યારે જ ડૉક્ટરને બતાવજો. વારેવારે ઘરમાં રાખેલા
મશીનથી સુગર માપશો નહીં. ટેન્શન રાખશો નહીં. તમારા ડૉક્ટર તમને મદદ કરશે.
આ વાત પણ યાદ રાખશો. જો તમારી તંદુરસ્ત રહેવા માટેના પગલા (કસરત-ખોરાકનું
ઘ્યાન અને તનાવ મુક્ત મન) લેવાની બેદરકારીથી ડાયાબીટીસ વધશે તો આગળ
જણાવ્યું તે પ્રમાણે બી.પી., હાર્ટએટેક, કેન્સર, સ્ટ્રોક જેવા રોગ થશે અને
કદાચ ન્યુરાઈટીસ, અંધાપો, કિડની ફેલ્યોર ગેગ્રીંન વગેરે પણ થશે. ૩. તમારૂં હિમોગ્લોબીન અને તમારી તંદુરસ્તી હિમોગ્લોબીન એટલે હિમ (આયર્ન) અને ગ્લોબીન (પ્રોટીન). જેમ ખીચડી બનાવવા
ચોખા અને દાળ જોઈએ તેમ હિમોગ્લોબીન બનાવવા આયર્ન (લોહતત્ત્વ) અને ગ્લોબીન
(પ્રોટીન) જોઈએ. આયર્ન મળે ખજાુર, અંજીર, બીટ, પાલખ, સફરજન, ટમેટા, કાકડી,
ગાજરમાંથી, જોઈએ રોજનું ૨૦ થી ૩૦ મીલી ગ્રામ. પ્રોટીન મળે દૂધ, કઠોળ, આખું
અનાજ, સૂકો મેવો, તેલીબીયામાંથી, જે રોજનું ૫૦ થી ૬૦ ગ્રામ જેટલું જોઈએ.
સ્ત્રીઓમાં હિમોગ્લોબીન ૧૩ થી ૧૪ ગ્રામ (૯૦ થી ૧૦૦ ટકા) અને પુરૂષોમાં ૧૪
થી ૧૫ ગ્રામ (૧૦૦ થી ૧૧૦ ટકા) હોવું જોઈએ. માસિક ધર્મ ચાલુ હોય (૧૨ થી ૪૨
વર્ષ) તેવી સ્ત્રીઓએ દર છ મહિને ચેક કરાવવું જોઈએ. ૧૧ ગ્રામથી ઓછું હોય તો
ઉપરના ખોરાક ઉપરાંત ડૉક્ટરની સલાહ લઈને આયર્નની ગોળી લેવી જોઈએ. ૪૦ વર્ષ
ઉપરનાં સ્ત્રી-પુરૂષોએ દર વર્ષે ચેકઅપ કરાવવું જરૂરી છે.
તમારું
હિમોગ્લોબીન સારું હશે તો તેની ઓક્સીજન કેરીઇંગ કેપેસીટી વધારે હશે.
શરીરના અંગોના પ્રત્યેક કોષને પોષણ આપનાર અને શક્તિ આપનાર ઓક્સિજન વધારે
મળવાથી દરેક અંગોની ક્ષમતા મોટી ઉંમર સુધી અકબંધ રહેશે. હિમોગ્લોબીન
જેટલું સારૂં એટલી તમારા શરીરની રોગ સામે લડવાની શક્તિ સારી (ઇમ્યુનીટી).
આને લીધે એક વધારાનો ફાયદો કે તમારા શરીરમાં કોઈ પણ રસ્તે
(આંખ-નાક-કાન-ગળું- મળદ્વાર- મૂત્ર દ્વાર, ચામડી-કુલ સાત રસ્તા) ચેપીરોગના
જંતુ દાખલ થાય તો તે તમને બિમાર નહીં પાડી શકે એટલે કે તમને શરદી, ઉધરસ,
તાવ, કિડનીના ઇન્ફેકશન, આંતરડા, ફેફસા વગેરેમાં કોઈપણ ખાવા પીવાની
વસ્તુમાંથી લાગેલા ચેપનું મુખ્ય કારણ હિમોગ્લોબીન ઓછું હોય અથવા જંતુનું
પ્રમાણ વધારે હોય. હંમેશા હિમોગ્લોબીનના આંકડાનો ખ્યાલ રાખો.
૪. તમારા શરીરની ચરબીનો આંકડો અને તમારી તંદુરસ્તી સ્ત્રીઓના શરીરમાં ચરબીનું માપ તેમના કુલ વજનના ૨૦ ટકા હોવું જોઈએ જ્યારે
પુરૂષોમાં આ આંકડો ૧૬ ટકા હોવો જોઈએ. ખાસ પ્રકારના સાધનથી ચરબીનું માપ તમે
કાઢી શકો છો. સ્ત્રી હોય કે પુરૂષ મોટી ઉંમરે આ માપમાં બે કે ત્રણ ટકા
વધારે હોય તો ચાલશે. તેનાથી વધારે હોય તો તેઓ જાડા કહેવાય. આ ટકાવારી
જેટલી વધારે તેટલી તમને જુદા જુદા રોગ થવાની સંભાવના વધારે. જાડાપણું
(ઓબેસીટી) પોતે જ રોગ છે. ચરબીના કોષને બીજા અંગોના કોષ કરતાં ત્રણ ગણું
લોહી વધારે જોઈએ.
આને કારણે તમારા અગત્યના અંગો હૃદય, કિડની, ફેફસા, મગજ,
આંતરડા હોજરી, લીવર અને હોર્મોન ગ્રંથીઓને પૂરતું લોહી ના મળે અને શરીરમાં
હાર્ટએટેક, કિડની ફેઈલ થવી, ફેફસા સંકોચાવા, કંપવા, યાદશક્તિ ઓછી થવી,
પાચનશક્તિ ઓછી થવી - આવા અનેક રોગો થાય. એક વાત કાયમ યાદ રાખશો. ઓવર વેઇટ
(વધારે વજન) અને ઓબેસીટી (જાડાપણુ) બન્ને અલગ વસ્તુ છે. કસરતી શરીરમાં
હાડકા અને સ્નાયુના કદને કારણે વજન વધારે હોય અને કસરત જીંદગીમાં ના કરી
હોય અને ફાવે તે પ્રમાણ ભાન વગર ખાઘું હોય ત્યારે વધારાની કેલરીનું
ચરબીમાં રૂપાંતર થઈને વજન વધારે હોય - આ બન્નેમાં ફરક છે. મુખ્ય વાત છે
તમારી ફીટનેસની. આખા દિવસની રોજીંદી ક્રિયા તમે થાક્યા વગર કરી શકતા હો
અને કોઈ પણ પ્રકારનો માનસિક તનાવ ના હોય તેને ફીટનેસ કહેવાય.
૫. તમારા બ્લડપ્રેશર (લોહીના દબાણ) નો આંકડો કસરત કે શારીરિક શ્રમના અભાવને કારણે તમારા શરીરની લોહીની નળીઓની સ્થિતિ
સ્થાપકતા ઘટી જાય ત્યારે, શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે તે વખતે
નળીઓમાં ક્લોટ થાય, ત્યારે નળીઓ સાંકડી થાય અને લોહીનું પરિભ્રમણ કરવામાં
હૃદયને વધારે જોર કરવું પડે અને નળીઓની દિવાલ પર દબાણ (પ્રેશર) વધે. આને
બી.પી. કહેવાય સીસ્ટોલીક (ઉપરનું) બી.પી. ૧૨૦ અને ડાયોસ્ટોલીક (નીચેનું)
બી.પી.૮૦ હોય તો એ બી.પી. નોર્મલ કહેવાય. બધા જ આંકડામાં બી.પી.ના
આંકડાનું તમારે ખાસ ઘ્યાન રાખવું પડશે. કારણ તેને તમારા માનસિક તનાવ સાથે
સીધો સંબંધ છે. તમારું બી.પી. જો ઉપરનું ૨૦૦ કે તેથી વધારે રહેતું હોય અને
નીચેનું ૧૦૦થી વધારે રહેતું હોય તો તમારે ખૂબ સાચવવું પડશે.
નિષ્ણાત
ડૉક્ટરની સલાહ લઈ તે અંગેની દવા તો લેવાની જ છે પણ દવા લીધી એટલે હવે કાંઈ
ચિંતા નહીં એમ બેફીકર થશો અને જીવનશૈલીમાં ફેરફાર નહીં કરો તો તો આ બી.પી.
આત્મઘાતી બોમ્બ જેવી અસર જીવનની ગમે તે પળે કરશે. તમારે નિયમિત ૩૦ થી ૪૦
મિનિટની કસરત કરવી પડશે. ખોરાકમાં મીઠું ઓછું કરવું પડશે અને માનસિક તનાવ
ઓછો કરવા મેડીટેશન (ઘ્યાન) કરવું પડશે. વજન વધારે હોય તો ઓછું કરવું પડશે.
બી.પી. વધે તો તમને ખબર છે કે બ્રેઈનસ્ટ્રોક (હીમોરેજ) થાય અને મૃત્યુ થાય
અથવા લકવો થાય. આ બન્ને ખૂબ ભયાનક સ્થિતિ છે માટે બી.પી.ના આંકડાનું ખૂબ
ઘ્યાન રાખશો. મહેરબાની કરી બી.પી. માપવાનું મશીન ઘરમાં લાવી રોજે રોજ દિવસ
કે રાત્રે બી.પી. માપ્યા કરવાની ટેવ ના પાડશો. આમ કરશો તો બી.પી. ઓછું
નહીં થાય. નિષ્ણાત ડૅાક્ટર પાસે દર મહિને જ્યારે તપાસ કરાવો ત્યારે મન
શાંત હોય ત્યારે, એક બે કલાક આરામ લીધો હોય ત્યારે બી.પી. વધારે આવશે તો
શું કરીશું એવી ચિંતા કર્યા વગર બી.પી. મપાવશો. વારેવારે પૂછ્યા વગર
વારેવારે દવા બદલશો નહીં.
૬. તમારા કોલેસ્ટ્રોલ, ટ્રેડમીલ અને કાર્ડીઓગ્રામના આંકડા અને તમારી તંદુરસ્તી તમને હાર્ટ એટેક આવવાની શક્યતા છે કે નહીં તે જાણવા માટે ડૉક્ટર તમને
લીપીડ પ્રોફાઈલ, ઈ.સી.જી. અને ટ્રેડમીલની તપાસ કરવાનું કહે છે. તમને આ
ત્રણે વસ્તુ બાબત કશી ખબર નથી. રીપોર્ટના આંકડા જોઈ તમારે ખોટી કલ્પનાઓ
કરી દુઃખી થવાનું કોઈ કારણ નથી. ૧. ડાયાબીટીસ. ૨. બી.પી., ૩. વધારે વજન.
૪. શારીરિક શ્રમનો અભાવ. ૫. વારસાગત ૬. દારૂ- તમાકુનું વ્યસન. ૭. માનસિક
તનાવ - આ સાત કારણો ઉપરાંત ૮ કોલેસ્ટ્રોલ વધારે હોય તે બધા ભેગા થાય
ત્યારે હાર્ટ એટેક આવે.
એકલું કોલેસ્ટ્રોલ વધારે હોય ત્યારે હાર્ટ એટેક ના
આવે આ વાત મગજમાં ઉતારી લેશો. તમારા ઈ.સી.જી. અને ટ્રેડમીલમાં તમને કશી
ખબર પડતી નથી. તમે ફક્ત કોલેસ્ટ્રોલના આંકડા જુઓ છો. લેબોરેટરીના
રીઝલ્ટમાં તમારા લીપીડ પ્રોફાઈલના રીપોર્ટમાં સામે નોર્મલ આંકડા પણ લખેલા
હોય. તમારૂં કોલેસ્ટ્રોલ ૨૨૪ મી.ગ્રામ હોય. સામે આંકડામાં ૨૨૦ મી.ગ્રામ
નોર્મલ લખ્યું હોય તમે ફક્ત ૪ મી.ગ્રામ કોલેસ્ટ્રોલ વધારે આવ્યું એટલે
તમારી જાતે નક્કી કરી બેઠા કે હવે હાર્ટએટેક આવવાનો. કેવી મૂર્ખાઈ કહેવાય
? તમે જમો છો ગ્રામમાં અને રીઝલ્ટ છે મી.ગ્રામમાં. હું તમને કેવી રીતે
સમજાવું કે તમને હાર્ટ એટેક ફક્ત ૪ મી.ગ્રામ કોલેસ્ટ્રોલ વધારે હોય તો ના
આવે. ઉપર જણાવેલા બધા કારણો ભેગા થાય તો તમારી લાયકાત હાર્ટ એટેક માટે
પૂરી ગણાય.
આજથી નક્કી કરો. જેમ તમે કોઈવાર તમારા જન્મદિવસની તારીખનો કે પાસબુકના
નંબરનો આંકડો કે ટેલીફોન નંબર ભુલી જાઓ છો તેમ તમારા હેલ્થ ચેકઅપના
રીપોર્ટના આંકડા પણ ભુલી જાઓ. યાદ રાખો કે આંકડા તમને મારી નહીં નાખે.
તમારા મનમાં આંકડાની વધઘટને કારણે જે મૃત્યુનો ડર પેસી ગયો છે તેને
પોઝીટીવ એટીટયુડ (હકારાત્મક અભિગમ)થી દૂર કરો. તમારી મુશ્કેલીમાં અને ખરી
વાત સમજવા નિષ્ણાત, સહૃદયી અને વિશ્વાસપાત્ર ડૉક્ટરની સલાહ લો.