Last Updated:19 ડિસેમ્બર 2011

મુંબઇ હુમલાના બે આરોપી ઇટાલીમાં ઝડપાયા છાપો ઈ-મેલ
આંતરરાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
શનિવાર, 21 નવેમ્બર 2009
Imageભારત-અમેરિકાનું સંયુક્ત અભિયાન

(પીટીઆઈ)    લંડન,
મુંબઈમાં ૨૬/૧૧ના રોજ થયેલા આતંકવાદી હુમલાને એક વર્ષ પૂરું થવા આવ્યું છે ત્યારે આ હુમલા સાથે જોડાયેલી ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. ઈટાલીમાંથી તાજેતરમાં જ પાકિસ્તાની પિતા-પુત્રની ધરપકડ કરવામાં આવી છે. આ બન્ને વ્યક્તિઓ પર મુંબઈ હુમલાના આતંકવાદીઓ માટે નાણાંની વ્યવસ્થા કર્યાનો આરોપ છે. આ નાણા મારફતે આતંકવાદીઓના ઈન્ટરનેટ ફોન એકાઉન્ડ, સક્રીય થયાં હતાં અને મુંબઈ હુમલા દરમિયાન આતંકવાદીઓએ તેનો ઉપયોગ કર્યો હતો. દરમિયાન ભારતીય સંસ્થાઓએ આ બન્નેની હેડલી અને રાણા સાથે સાંઠગાંઠ હતી કે કેમ તે અંગે તપાસ શરૃ કરી છે.

આતંકવાદીઓએ જે ફોનનો ઉપયોગ કર્યો હતો તે ચાલુ કરાવવા હુમલાના એક દિવસ અગાઉ ભૂતિયા નામે નાણાં ટ્રાન્સફર કર્યા

ઈટાલીના બ્રેસ્કિયાની પોલીસે જણાવ્યું હતું કે આ બન્ને પાકિસ્તાની વ્યક્તિની ઓળખ મોહમ્મદ યાકુબ જાન્જુઆ (૬૦) અને આમેર યાકુબ જાન્જુઆ (૩૧) તરીકે થઈ છે. તેમની આજે સવારે ધરપકડ કરવામાં આવી હતી. તેમણે આતંકવાદીઓને ઉપયોગમાં લેવાના ઈન્ટરનેટ ફોન એકાઉન્ટ સક્રિય કરવા માટે ૨૨૯ અમેરિકી ડોલર જેટલી રકમ ઈટાલીથી ટ્રાન્સફર કરી હતી.

બ્રેસ્કિયાની આતંકવાદ વિરોધી પોલીસના વડા સ્ટેફાનો ફોન્ઝિસે જણાવ્યું હતું કે ઈટાલીથી આ હુમલા માટે નાણા મોકલાયા હોવાનું એફબીઆઈએ ચેતવણી આપી ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં જ ઈટાલીયન પોલીસે આ અંગે તપાસ ચાલુ કરી દીધી હતી. આ ભંડોળ એક એવા પાકિસ્તાની નાગરિકના નામે મોકલાયું હતું જે ક્યારેય ઈટાલી આવ્યો જ નથધી અને તે આ હુમલામાં સંડોવાયેલો પણ નથી. આ બન્ને વ્યક્તિઓ પર આંતરરાષ્ટ્રીય આતંકવાદના ફેલાવામાં મદદ કરવા અને તેને પ્રોત્સાહન આપવા ઉપરાંત ગેરકાયદે આર્થિક પ્રવૃત્તિઓ ચલાવવાનો આરોપ છે.
નવીદિલ્હી ખાતેના સૂત્રોએ જણાવ્યું હતું કે આ ધરપકડ અંગે ઈટાલી દ્વારા ભારત સરકારને જાણ કરી દીધી છે. ભારતીય સંસ્થાઓ આ બન્ને પાકિસ્તાની નાગરિકોની ડેવિડ કોલમેન હેડલી અને તહવ્વુર રાણા સાથે સાંઠગાંઠ હતી કે કેમ તેની પણ તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે હેડલી અને રાણાની ગયા મહિને અમેરિકામાં એફબીઆઈએ ધરપકડ કરી છે. પોલીસ અધિકારી ફોન્ઝિએ જણાવ્યું હતું કે નકલી ઓળખનો ઉપયોગ કરીને નાણા ટ્રાન્સફર કરવાની પ્રથા બ્રેસ્કિયામાં ઘણી પ્રચલિત થઈ ગઈ છે. આ પિતા-પુત્ર ઉપરાંત અન્ય બે પાકિસ્તાની નાગરિકોની પણ ઈટાલી પોલીસે ધરપકડ કરી છે. જોકે તેમને મુંબઈ હુમલા સાથે કોઈ લેવા દેવા નથી. આ ઉપરાંત હજુ પણ એક વ્યક્તિની પોલીસ શોધ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ જ તપાસના સંદર્ભે અન્ય ૧૨ વ્યક્તિઓની પણ પૂછપરછ કરાય તેવી શક્યતા છે. જોકે આમાંથી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

મનોરંજન સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી