|
ચીનમાં કોલસાની ખાણમાં પ્રચંડ વિસ્ફોટ, ૪૨નાં મોત |
|
|
|
આંતરરાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
શનિવાર, 21 નવેમ્બર 2009 |
|
(પીટીઆઈ) બેઇજિંગ,
ચીનના ઉત્તર-પૂર્વ ભાગમાં આવેલી કોલસાની ખાણમાં થયેલા પ્રચંડ ગેસ
વિસ્ફોટમાં ૪૨ લોકો માર્યા ગયા છે અને અન્ય ૬૬ ખાણીયા ફસાઈ જતા બચાવ
કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ કરવામાં આવી છે.
૬૬ ખાણિયા ફસાયા ઃ ખાણમાં કામ કરતાં ૫૨૮ કામદારોમાંથી ૩૯૦ને ઉગારી લેવાયા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વિસ્ફોટ હેઈલોન્ગજિઆંગ પ્રાંતમાં આવેલી ઝિન્ઝિંગ ખાણમાં મોડી રાત્રે ૨.૩૦ કલાકે થયો હતો. જેના કારણે ખીણમાં ૧૧૮ કામદારો ફસાઈ ગયા હતા. વિસ્ફોટના સમયે ખાણમાં કુલ ૫૨૮ ખાણીયાઓ કામ કરી રહ્યાં હતાં પણ તેમાંથી ૩૯૦ જેટલા સલામત રીતે બહાર નીકળવામાં સફળ થયા હતાં.
બચાવ કામગીરી દરમિયાન ખાણમાંથી મળી આવેલા મૃતદેહોની સંખ્યા ૪૨ હતી અને રશિયાની સરહદ નજીક આવેલી આ ખાણનો મૃત્યુઆંક હજુ પણ વધે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૪૨ લોકો ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતાં જ્યારે બાકીના ખાણમાં સપડાઈ ગયા છે. ઉપવડાપ્રધાન ઝાંગ દેજિઆંગ પણ બચાવ કામગીરીની સમીક્ષા કરવા ઘટવા સ્થળે દોડી આવ્યા હતાં. આ પ્રાંતની રાજધાની હાર્બિનમાં સરકાર દ્વારા ચાલતી ટોચની ૫૦૦ ખાણોમાં ઝિન્ઝિંગ ખાણનો પણ સમાવેશ થાય છે. ઉર્જા જરૃરિયાતો પૂરી કરવા માટે ચીનનો ઘણો ખરો આધાર ખાણ પર છે અને દર વર્ષે જુદી જુદી ખાણમાં થતાં અકસ્માતોમાં અહીં હજારો લોકો મૃત્યુ પામે છે. ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય સ્વૈચ્છિક સંસ્થાઓ ચીનની કોલસા ખાણોને વિશ્વમાં સૌથી વધુ 'ખતરનાક' સ્થળોમાં ગણે છે. જેમાં સલામતી અંગેના ધારાધોરણોના કાયમ લીરેલીરાં થતાં જોવા મળ્યા છે. સરકારી આંકડા પ્રમાણે ગયા વર્ષે ખાણને લગતી દુર્ઘટનાઓમાં અહીં ૩૨૦૦ કામદારોએ જીવ ગુમાવ્યા હતાં.
|