|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
શનિવાર, 21 નવેમ્બર 2009 |
પ્રિયંકાના કાફલાના વાહનને અકસ્માત
(પી.ટી.આઈ.) અમેઠી,
અમેઠીની મુલાકાત દરમિયાન આજે પ્રિયંકા વાઢેરાના કાફલાના એક વાહનને પોલીસ
એસ્કોર્ટના વાહનની ટક્કર લાગી હતી અને સલામતી અધિકારીઓને દોડાદોડી થઈ ગઈ
હતી. રસપ્રદ વાત એ છે કે અકસ્માતની ભોગ બનેલી લીલા રંગની એક જ ટોયોટો
ક્વોલીસ કાર હતી કે જેમાં ગઈ કાલે પ્રિયંકાએ પોતે ડ્રાઈવિંગ કરીને રાહુલને
૩૫ કિલોમીટરની સફર કરાવી હતી. દરેક જિલ્લામાં પોતપોતાના પોલીસ એસ્કોર્ટ
હોય છે. આ કાફલામાં પણ સ્થાનિક પોલીસ એસ્કોર્ટની કાર જ હતી. આ અકસ્માત
ફરસત ગંજ ખાતે થયો હતો. અકસ્માત દરમિયાન અમેઠી અને રાયબરેલીના સાંસદ
કિશોરીલાલ શર્ આ કારમાં બેઠા હતા. અકસ્માતમાં કોઈને ઈજા થઈ નહોતી.
સુરક્ષા સલાહકારને મળતા CIAના વડા
(પી.ટી.આઈ.) નવી દિલ્હી,
સીઆઈએના વડા લીઓન પાનેટ્ટા આજે સુરક્ષા સલાહકાર એમ. કે. નારાયણનને મળ્યા હતા અને પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં રહેલા ત્રાસવાદી જુથોની ભારત ઉપર થતી અસર અંગે ચર્ચા કરી હતી. પાકિસ્તાનની મુલાકાતે જઈ આવેલા પાનેટ્ટાએ નારાયણના સાથે ૩૦ મિનિટ વાતચીત કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ તેમણે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ત્રાસવાદી જુથો સામે લડવા અમેરિકા સાથે સહકાર વધુ બળવાન બનાવવા અંગે ચર્ચા કરી હતી. અમેરિકન ઈન્ટેલીજન્સના આ વડા રોના વડા કે. સી. વર્માની મુલાકાત પણ લેશે તેઓ ગૃહમંત્રી ચિદમ્બરમ્ની મુલાકાત લે તેવી પણ શક્યતા છે.
પાક.માં ૬ સૈનિકો ૧૪ ત્રાસવાદી ઠાર
(પી.ટી.આઈ.) ઈસ્લામાબાદ,
પાકિસ્તાનના દક્ષિણ વજીરિસ્તાનમાં નવેસરથી થયેલા ઘર્ષણમાં ૧૪ ત્રાસવાદીઓ ઠાર થયાં હતાં અને ૬ સૈનિકો શહીદ થયા હતાં. પાકિસ્તાન સેનાએ તાલિબાનના ગઢ ગણાતા મકીન અને રઝમાકની આસપાસના વિસ્તારના ગામડાઓ પર હુમલો કર્યો હતો. દરમિયાન ત્રાસવાદીઓએ બોમ્બ વિસ્ફોટો કર્યા હતા. સેનાએ દક્ષિણ વજીરિસ્તાનના લકી ઘુંડી ગામ પર કબજો મેળવ્યો હતો. હુમલામાં ૬ જવાન શહીદ થયાં હતાં અને ૪ ઘાયલ થયા હતાં. થોડા દિવસના વિરામ બાદ વજીરિસ્તાનમાં થેયલો આ સૌથી મોટો હુમલો હતો.
ટ્રેનના પેસેન્જરોનો આબાદ બચાવ
(પી.ટી.આઈ.) બાધા,
બિહારમાં બાધા અને બાલમિકીનગર વચ્ચે અવસાની નજીક રેલવે ટ્રેકમાં ભંગાણ પડતાં સાવચેત થયેલા ગેંગમેને સમય સૂચકતા વાપરી ટ્રેન અટકાવી દીધી હતી અને મુઝફરપુરથી ગોરખપુરની પેસેન્જર ટ્રેનના મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. ગેંગમેન પોતાનો લાલ શર્ટ કાઢીને ફરકાવી રહ્યાં હતાં. તે જોઈને એંજિનના ડ્રાઈવરે ટ્રેન થોભાવી દીધી હતી અને ટ્રેકના ભંગાણના સ્થળની નજીક આવીને અટકી ગઈ હતી. ટ્રેક રીપેર થયા પછી ટ્રેન આગળ વધી હતી.
ગરીબીને મુદ્દે કોંગ્રેસ ભાજપ આમને સામને
(પી.ટી.આઈ.) રાંચી,
ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચારકાર્યમાં વ્યસ્ત ભાજપ અને કોંગ્રેસે દેશના ગ્રામ્ય વિસ્તારમાં વધી રહેલી ગરીબી અંગે આમને સામને આક્ષેપો કર્યા હતા. કોંગ્રેસના મહામંત્રી રાહુલ ગાંધીએ તેમની સભામાં ભાજપ પર પ્રહારો કર્યા હતા જ્યારે ભાજપના પ્રમુખ રાજનાથ સિંઘે કહ્યું હતું કે છેલ્લા ૫૦ વર્ષથી કોંગ્રેસનું શાસન દેશમાંથી ગરીબી નાબુદ કરવામાં સફળ થયું નથી. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ભાજપ માટે માત્ર ધનિક લોકોનું ભારત જ છે દલિત, પછાતો અને આદિવાસીઓ માટે નથી. પત્રકારોએ પૂછેલા એક પ્રશ્નના જવાબમાં રાજનાથ સિંઘે જણાવ્યું હતું કે કોંગ્રેસ તેના ૫૦ વર્ષના શાસનકાળમાં ગરીબી નાબુદ કરવામાં નિષ્ફળ ગઈ હતી.
|