Last Updated:19 December 2011

નવેમ્બર વલણના અંતના સપ્તાહમાં નિફ્ટી ૫૧૬૬થી ૪૮૫૫, સેન્સેક્સ ૧૭૩૬૬થી ૧૬૩૪૪ વચ્ચે અથડાશે છાપો ઈ-મેલ
શેરબજાર
આના લેખક છે GS NEWS   
શનિવાર, 21 નવેમ્બર 2009
Image(ગુજરાત સમાચાર પ્રતિનિધિ)        મુંબઇ,
કરેક્શન, કરેક્શન, કરેક્શનના અનેક ખેલંદાઓના છેલ્લા એક પખવાડિયાથી ધ્યાનને પરિણામે તેજીની પોઝિશન સુલ્ટાવીને ઘણા ખેલંદાઓ સાઇડ પર થઇ ગયા છે, તો અન્યો તેમના રોકાણની મોટી પોઝિશનને ખંખેરીને ઘટાડામાં નવું લેણ કરશું એની રાહમાં રોકડ હાથ પર રાખીને બેસી ગયા છે. જ્યારે ઘણા સાહસિકો કે જેમને માત્રને માત્ર જુગાર એફ એન્ડઓનો કેસીનો જ રમવો છે, તેઓ મંદી ધ્યાને વેચીને વેપાર કરવાની હિંમત કરવા લાગ્યા છે. આ દરેક વર્ગની માનસિક્તા અને પોઝિશનને બખુલી જાણનારો તેમજ બજારને પોતાની મરજીએ તેજી કે મંદી તરફી દોરી જનારો જૂજ મહારથીઓ, દિગ્ગજો, ઔદ્યોગિક જાયન્ટોનો વર્ગ છે. જે તમે ઇચ્છશો ત્યારે મંદી નહીં કે તેજી નહીં આપીને તમને અવારનવાર ગુમરાહ કરતો રહેશે. તેજીમાં તેજી, અને અતિ તેજીની વાતો કરતા રહીને આ લો અને પેલો શેર લો ને આખુ બજાર લઇ લો એવો આંખોને આંજી મૂકતો અને ખિસ્લા બહાર લીવરેજ પર તમારી પ્રોપર્ટી સામે લોન, શેરો ામે લોન લઇને પણ ખરીદી કરવાના અનેક ગાજરો બતાવતો રહેશે. જો આ લલચામણા પ્રવાહમાં કે વાતો તણાઇ ગયા (જે દરેક તેજીમાં થતું આવ્યું છે) તો ફરી ફરીને ભૂતકાળી અફસોસ સિવાય કંઇ હાથ નહીં લાગે એ નક્કી છે. અગાઉ જેમ અહીંથી કહેવાયું હતું કે મંદી, મંદી, મંદીનો અતિરેક કરી મૂકીને તમારી પાસેથી ઊંચા ભાવે ખરીદેલા શેરો તળીયાના ભાવે પડાવી લેનારા કહેવાતા નિષ્ણાતોની ટોળકી નીકળી પડી હતી, એમ હવે અસંખ્ય ભલામણોના ભૂલભૂલામણીના બજારમાં તમને ફીટ કરી દેનારાઓની પણ ટોળકી નીકળી પડી છે. જેથી અહીંથી રોકાણકારોને સાવચેતી વર્તવા સચેત કરી દેવામાં આવે છે.

તેજીના ફૂંફાળા છતાં હવે ફરી બાંધી મુઠ્ઠી લાખની કરવું રોકાણકારો માટે બહેતર રહેશે

મંદી, મંદીના અતિરેક બાદ અત્યારે તેજી, તેજીનો અતિરેક થવા લાગ્યો છે. મોંઘવારીનું પરિબળ અનેકને અકળાવી રહ્યું છે. વિશ્વવ્યાપી સ્ટીમ્યુલસ જોગવાઇઓ થકી ડ્રીલીયનોના ટ્રીલીયન ડોલરોનું ભંડોળ વૈશ્વિક અર્થતંત્રની વાસ્તવિક વૃદ્ધિને વેગ આપવાને બદલે ઉંચુ વળતર અપાવતા ભારત સહિતના બજારોમાં  હેજ ફંડોના માર્ગે ઠલવાતું જઇને વેલ્યુએશનની તુલનાએ વધુ પડતી તેજીને ભડકાવી રહ્યું છે. એક તરફ ફૂરસદ નથી નો ડોળ છે અને પૈસાની કમાણી નથી એવી બચતો કોરીખાતી મોંઘવારીમાં હાલ તુરંત ફરી બાંધી મુઠ્ઠી લાખની કરવી બહેતર છે. તેજીના ફૂંફાળા છતાં પોઝિટીવ કરતા નેગેટીવ પરિબળો વધી રહ્યા હોઇ નફાની તારવણી સાથે રોકાણ હળવું કરવું આ તબક્કે સલાહભર્યું રહેશે.

બે મહિનામાં ચાર પીએસયુના ડીસઇન્વેસ્ટમેન્ટનો નિર્ધાર છતાં ઇન્વેસ્ટરોનો કડવો અનુભવ

સરકાર જાહેર ક્ષેત્રના ચાર સાહસો એનટીપીસી, સેઇલ, સતલજ જલ વિદ્યુત નિગમ અને રૃરલ ઇલેક્ટ્રીફિકેશન કોર્પોરેશનમાં ડીસઇન્વેસ્ટમેન્ટ બે મહિનામાં પૂરૃ કરવાની શક્યતા બતાવે છે, પરંતુ  પ્રાઇમરી માર્કેટમાં મળી રહેલો નબળો પ્રતિસાદ અને રોકાણકારોને છેલ્લા ઘમા આઇપીઓમાં વળતર નહીં મળતા નારાજગી ડીસઇન્વેસ્ટમેન્ટમાં પણ પીછેહઠ કરાવી શકે છે.

કોઇ ટેક્ષ નહીં લાદવાની સરકારે સ્પષ્ટતા કરી અને એફઆઇઆઇએ રૃા. ૪૩૪ કરોડના શેરો વેચ્યા!

એફઆઇઆઇના રોકાણ પર ટેક્ષ લાદવા એસોએમનું સૂચન થાય છતાં એફઆઇઆઇ છેલ્લા કેટલાક દિવસોમાં શેરોમાં નેટ ખરીદદાર રહે, પરંતુ સરકાર આ પ્રકારનો કોઇ ટેક્ષ લાદશે નહીં એવી સ્પષ્ટતા કરે ત્યારે એફઆઇઆઇ કેશ માર્કેટમાં રૃા. ૪૩૪ કરોડના શેરો ફ્યુચરના ઉછાળા પાછળ બજારમાં ઉતારી દે ત્યારે એને શું સમજશો? એફઆઇઆઇનું મન ઉછાળે હાલ તુરંત એક્ઝિટનું છે. અમેરિકાના અર્થતંત્રને મજબૂત કરવા ડોલરની મજબૂતી પણ જરૃરી હોવાનું ખુદ અમેરિકા કહેતું હોય ત્યારે ડોલરને મજબૂત કરવાના પ્રયાસમાં વિકાસશીલ દેશોના બજારોમાંથી એફઆઇઆઇ, હેજ ફંડોની હજુ સંભવિત ઉછાળા ભરવાની સ્થિતિ આપણા બજારોમાં નરમાઇ લાવી શકે છે. આ જોખમને હજુ અવગણી ન શકાય. સ્ટીમ્યુલસ પેકેજમાં પણ પીછેહઠ નહીં કરવાનું સરકાર કહેતી અને બીજી તરફ સરકારી બાબુઓ જ વધુ પડતા વિદેશી મૂડી રોકાણપ્રવાહના સંજોગોમાં અંકુશના પગલાં લેવાના નિવેદનો કરતા રહે, રિઝર્વ બેંક પણ વધુ પડતી નાણા પ્રવાહિતા ચિંતાનું કારણ બતાવી વ્યાજ દરોમાં વધારો અનિવાર્ય હોવાનો સંકેત આપતા રહે, ત્યારે ''ના નાના કરતે હા કર બૈઠે!'' જેવી સ્થિતિ ન સર્જાય તો જ નવાઇ.

નવેમ્બર વલણના અંતનું સપ્તાહ તોફાની બની રહેશે ઃ તેજીના ફૂંફાળા બતાવતું રહેશે

નેગેટીવ પરિબળો હંગામી ધોરણે પાછા ઠેલી શકાય, પરંતુ લાંબો સમય એને જકડી રાખી ન શકાય. એમ બહુમતી જનમાનસ કરેક્શનનું હોય ત્યારે એમને ખોટા ઠેરવવા અને ફરી ભૂલભૂલામણીના જુગારમાં તાણી લાવવા કરેક્શનને ક્ષણ જીવી ઠેરવી તેજીના ફૂંફાળા બતાવવામાં આવે ત્યારે જીદે ચઢેલા મેલીમુરાદવાળાઓ અગાઉ કહ્યું એમ હજુ ટૂંકાગાળા માટે મંદીવાળાઓને માત આપતા રહી તેજીના ફૂંફાળા મારવાનું ચાલુ રાખશે. આ દોરમાં હવે આગામી અઠવાડિયા ફ્યુચર એન્ડ ઓપ્શન્સ સેગ્મેન્ટમાં નવેમ્બર વલણના અંતનું છે, ત્યારે બે-તરફી તોફાનમાં પોઝિશન રોલ ઓવર કરાવવા લલચામણું નીવડસે. મંદીનો મૂડ ત્યજીને શક્ય છે કે ગુરુવારે તેજીમાં આવી પોઝિશન રોલઓવર કરવામાં આવે અને પછી એકાએક પછાડવામાં આવે એવું પણ બની શકે.

જોખમી તબક્કાના બજારમાં રોકાણને હવે પ્રમાણમાં સલામત શેરોમાં ફેરવવું જરૃરી

પીએસયુ બેંકોના મર્જર થકી ૨૭ બેંકોની સંખ્યા ઘટાડી ૧૦ પીએસયુ બેંકોની કરવાની સરકારની યોજનાના અહેવાલ પાછળ પીએસયુ બેંક શેરોના ભાવોમાં આવેલી તેજી છતાં પીએસયુ બેંકોની સંખ્યા ઓછી થાય તો વાસ્તવમાં ફાયદો કોને થાય! ખાનગી બેંકોને જ ને! જેથી આ તબક્કે પીએસયુ બેંક  શેરોમાં તેજીના ફૂંફાળા પણઇ છેતરામણા નીવડી શકે છે. જેથી જ્યારે બજાર તેજીના ટૂંકાગાળાના જોખમી તબક્કામાં હોય ત્યારે શેરોમાં રોકાણને પણ પ્રમાણમાં સલામત અને મોટી અફડાતફડીમાં ઓછી અસર થાય એવી કંપનીઓના શેરોમાં ફેરવવું પણ સલાહભર્યું રહે છે. જે માટે ફાર્મા, પાવર ક્ષેત્રની અમુક કંપનીઓની પસંદગી કરી શકાય.
ડેરીવેટીવ્ઝમાં નવેમ્બર વલણના અંતના આગામી સપ્તાહમાં બે-તરફી અફડાતફડીની પૂરી શક્યતા સાથે સંસદના શીયાળું સત્રમાં વીમા કંપનીઓમાં વિદેશી રોકાણ મર્યાદા ૨૬ ટકાથી વધારી ૪૯ ટકા કરવાના ખરડાને સંભવિત મંજૂરી, પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીને સત્તા સાથે વિદેશી રોકાણ માટે ખુલ્લી મૂકવાની મુકવાના ખરડા અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અમેન્ડમેન્ટ ખરડો રજૂ થવા પર પણ રહેશે. આ સપ્તાહમાં નીચામાં ૧૬૩૪૪થી ઉપરમાં ૧૭૩૬૬ વચ્ચે અને નિફ્ટી નીચામાં ૪૮૫૫થી ઉપરમાં ૫૧૬૬ વચ્ચે અથડાતા જોવાશે.

એસઇઝેડના નામે ગામોના ગામ જમીનો કબજે કરાય પછી અનાજની અછત જ સર્જાય ને!

મોંઘવારીનો દાનવ અત્યારે અનેકને દઝાડી રહ્યો છે. સરકાર અનાજની જંગી આયાત થકી આ દાનવને ડામવાની વાતો કરે છે. પરંતુ રોજબરોજ જીવનાવશ્યક ચીજોના ભાવો ભડકે બળી રહ્યા છે. ખેડૂતોને ખુશ કરીને ચૂંટણીઓ જીતવાનો સફળ જુગાર રમનાર સરકાર હવે આમ આદમીને મોંઘવારીના દાનવમાંથી છૂટકારો આપવા ઇચ્છે છે. પરંતુ ખેડૂતોને ઊંચા ભાવોને નામે અઢળક લૂંટાવનારા સરકારને હવે પોતાની જ નીતિઓના વમળમાં અટવાઇ પડવા જેવી સ્થિતિ સર્જાઇ છે. ખેડૂતોને ઉંચા ઉપજ ભાવ ન આપવા પડે એ માટે શેરડીનો પાક લેતા ખેડૂતોને મળતા ભાવોની સત્તા રાજ્યો પાસેથી આંચકી લઇને પોતાની હસ્તક લેવાનો પ્રયાસ કરી નવી નિતિ ઘડાઇ પરંતુ ખેડૂતોના વિરોધને પરિણામે જૈસે થે કરવા સરકારે મજબૂર બનવું પડયું છે. જ્યારે સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનના (એસઇઝેડ) નામે ઉદ્યોગપતિઓ અને તેમના મળતીયાઓને ખેતીલાયક એકરોની એકરો જમીન દેશભરમાં વેચી નાખવાની નીતિએ પણ મોંઘવારીને ભડકાવવામાં મોટી ભૂમિકા ભજવી છે. દેશમાં હરિયાળી ક્રાંતિ બાદ હવે સરકાર એસઇઝેડના નામે દુકાળની, વિદેશોમાંથી અઢળક આયાતની સ્થિતિ સર્જી દેશને ફરી વિદેશીઓનો ઓસીયાળો બનાવી રહી છે. કોમોડિટીઝના આંતરરાષ્ટ્રીય બજારોમાં ચાલતા અસાધારણ સટ્ટા અને આ સટ્ટામાં દેશના મોટાગજાના લોકોની સામેલગીરીએ જાણે કે આ લોકોને સતત તેજીનો વેપાર ઊભો હોય એમ જીવનજરૃરી ચીજોના ભાવો હજુ ત્રણ મહિના, છ મહિના ઘટશે જ નહીં એવા નિવેદનો છાશવારે કરીને અનાજ- કઠોળના ભાવો ભડકાવતા રહેવા પાછળ એટલું તો અનેક લોકો સમજી ગયા છે કે આ આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટમાં જરૃર ભારતના કહેવાતા દિગ્ગજોની સામેલગીરી છે.


 
< પાછળનુ   આગળનુ >

Latest News

From The Archives

ગુજરાત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી