|
મોબાઇલ પોર્ટેબિલિટી માટે રૃ.૧૯ ફી નક્કી કરતી ટ્રાઇ |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
શુક્રવાર, 20 નવેમ્બર 2009 |
|
(પીટીઆઇ) નવી દિલ્હી,
ટ્રાઇએ આજે મોબાઇલ પોર્ટેબીલીટી સેવા માટે રૃ.૧૯નો દર નક્કી કર્યો છે,
એટલે કે કોઇપણ ગ્રાહક માત્ર રૃ.૧૯ ફી ચૂકવીને પોતાનો મોબાઇલ ફોન નંબર
જાળવી રાખીને મોબાઇલ ઓપરેટર બદલી શકશે. મોબાઇલ ફોનના ગ્રાહકોને આ સેવા
પુરી પાડવા માટે સરકારે મોબાઇલ કંપનીઓને ૩૧ ડિસેમ્બર સુધીની સમયમર્યાદા
આપી છે.
ગ્રાહકો હવે નંબર જાળવી રાખી મોબાઇલ ઓપરેટર બદલી શકશે ટેલિકોમ કંપનીઓને ૩૧ ડિસેમ્બર સુધીમાં તૈયાર રહેવાની તાકીદ
ટ્રાઇ (ટેલિકોમ રેગ્યુલેટરી ઑથોરીટી ઑફ ઇન્ડિયા)એ સ્પષ્ટ કર્યું હતું કે મોબાઇલ પોર્ટેબીલીટી માટે મોબાઇલ કંપનીઓ ગ્રાહકો પાસેથી રૃ.૧૯થી વધુ ચાર્જ નહિ લઇ શકે. જો કે કંપનીઓને તેનાથી ઓછો ચાર્જ લેવા માટે ટ્રાઇએ છૂટ આપી છે. ગ્રાહકોને પોતાનો નંબર યથાવત રાખીને ઓપરેટર બદલવાની સેવા પુરી પાડવા માટે મોબાઇલ કંપનીઓ અત્યારે પોતાના નેટવર્કને તૈયાર કરી રહ્યા છે, મોબાઇલ કંપનીઓએ મોડામાં મોડા ૩૧ ડિસેમ્બર સુધીમાં ગ્રાહકોને આ સેવા આપવી પડશે.
દરમિયાન અગ્રણી મોબાઇલ કંપની એરટેલે આજે રોમીંગના ચાર્જીસમાં ૬૦ ટકા જેટલો ધરખમ ઘટાડો કર્યો હતો. એરટેલની આ જાહેરાતથી ૧.૧૫ કરોડ ગ્રાહકોને સીધા ફાયદો થશે. એરટેલની નવી સ્કીમ પ્રમાણે રોમીંગ દરમિયાન ગ્રાહકોને પ્રત્યેક ઇનકમીંગ ફોન પર પ્રતિ મીનિટ માત્ર ૬૦ પૈસા ચૂકવવા પડશે. આ ચાર્જ એરટેલના નેટવર્કની અંદર તમામ લોકલ અને એસટીડી કોલ પર લાગુ થશે. આ સ્કીમને કારણે નફાના પ્રમાણમાં ઘટાડો થતો હોવા છતાં મોબાઇલ કંપનીએ ગ્રાહકોની સંખ્યામાં વધારો કરવા માટે આ નિર્ણય લીધો હતો. એરટેલે જાહેર કરેલા નિવેદન પ્રમાણે અન્ય નેટવર્ક પર થનાર પ્રત્યેક કોલદીઠ ૮૦ પૈસા પ્રતિ મીનિટનો ચાર્જ લાગૂ પડશે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આ યોજનાને કારણે રોમીંગના ટેરિફમાં ઘટાડો થશે. કંપનીએ જણાવ્યું હતું કે હાલમાં જ થયેલા અભ્યાસના તારણો પ્રમાણે ગ્રાહકોને રોમીંગ દરમિયાન મળતા લાભોથી સંતોષ મળતો ન હતો. એરટેલનું પોસ્ટપેઇડ કનેક્શન ધરાવતા ગ્રાહકો રૃ.૯૮નો ચાર્જ ચૂકવીને આ સ્કીમનો લાભ લઇ શકશે.
|