|
મનમોહનના માનમાં યોજાનારા ડીનરમાં ભાગ લેવા પડાપડી |
|
|
|
આંતરરાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
શુક્રવાર, 20 નવેમ્બર 2009 |
ઓબામા દ્વારા વ્હાઇટ હાઉસમાં
(પીટીઆઇ) વોશિંગ્ટન,
વડાપ્રધાન મનમોહનસિંહના માનમાં અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા વ્હાઇટ હાઉસ
ખાતે ભવ્ય ભોજન સમારંભ યોજશે, આ ભવ્ય સમારંભમાં ભાગ લેવા અનેક વીઆઇપીઓ
પડાપડી કરી રહ્યા છે. વ્હાઇટ હાઉસમાં યોજાનાર ડિનરમાં અમેરિકા અને ભારતના
ફિલ્મી સિતારાઓ સહિતની ટોચની હસ્તીઓ ભાગ લેશે એમ મનાઇ રહ્યું છે, જો કે
ડિનરમાં કોણ હાજર રહેવાનું છે તેને લઇને વ્હાઇટ હાઉસના અધિકારીઓ મૌન ધારણ
કર્યું છે.
મહેમાનોની યાદી અને વાનગીઓ અંગે ભેદી મૌન ઃ હોલિવુડ, બોલિવુડની અનેક હસ્તીઓને આમંત્રણની શક્યતા
અમેરિકન પ્રમુખ દ્વારા યોજાનાર પ્રથમ સત્તાવાર ભોજન કાર્યક્રમના મેનુ અંગે તથા આ સમારંભ ક્યાં યોજાવાનો છે તેને લઇને ભારે સસ્પેન્સ સર્જવામાં આવ્યું હતું, જો કે વ્હાઇટ હાઉસના પ્રાંગણમાં તૈયાર રહેલા શ્વેત શમિયાણો આ ભેદ કેટલેક અંશે ખુલ્લો પાડે છે. બાદમાં જો કે વ્હાઇટ હાઉસના અધિકારીઓએ મૌન તોડીને જણાવ્યું હતું કે અત્યંત ચુસ્ત સલામતી વ્યવસ્થા સાથે યોજાનાર ભોજન સમારંભમાં દર વખતની જેમ વ્હાઇટ હાઉસના ડાઇનીંગ રૃમમાં નહિ પણ પ્રાંગણની લોનમાં યોજાશે. વ્હાઇટ હાઉસનો વિશાળ ડાઇનીંગ રૃમ ૧૨૦ વ્યક્તિઓની ક્ષમતા ધરાવે છે જો કે મનમોહનસિંહના માનમાં ૨૪મી નવેમ્બરે યોજાનાર ભોજન સમારંભમાં અંદાજે ૪૦૦ મહેમાનો ભાગ લેશે એવી શક્યતા હોવાથી ભોજન સમારંભ લોનમાં યોજવાનો નિર્ણય લેવાયો હતો.
ઓબામા દ્વારા આયોજિત ભવ્ય ડિનરમાં હોલિવુડ અને બોલિવુડના કયા સિતારાઓ હાજર રહેશે એ અંગે પણ અટકળો ચાલી રહી છે, એક અટકળ અનુસાર બોલિવુડ કપલ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય પણ સમારંભમાં ભાગ લઇ રહ્યા છે. વોશિંગ્ટનમાં ચાલી રહેલી ચર્ચાઓ પ્રમાણે અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન ડિનરમાં હાજર નહિ રહે જો કે તેમના પત્ની અને હાલના વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટન ઓબામાની કેબિનેટના અન્ય સભ્યો સાથે ચોક્કસપણ હાજર રહેશે. હિલેરી ઉપરાંત અમેરિકાના ઉર્જા પ્રધાન સ્ટીવન ચુ અને નાણાં પ્રધાન ટીમોથી ગેઇથનર પણ ઉપસ્થિત રહેશે. અમેરિકન કોંગ્રેસના સ્પીકર નેન્સી પેલોસી, લુઇઝિયાના સ્ટેટના ભારતીય મૂળના ગવર્નર બોબી જીંદાલને પણ ડિનરમાં આમંત્રણ અપાયું હોવાની ચર્ચા છે. અમેરિકના અનેક ભારતીય મૂળના ટોચના નેતાઓ-અધિકારીઓને પણ આમંત્રણ અપાયું હોવાની શક્યતા છે. સમાચાર માધ્યમોના ટોચના અગ્રણીઓ જેવા કે સીએનએનના સંજય ગુપ્તા તથા ન્યુઝવીકના ફરીદ ઝકારીયાને પણ આમંત્રણ મળ્યું હોવાની શક્યતા છે. જો કે જાણીતા ટોક શૉના સંચાલક ઓપરા વિનફ્રેને ડિનરમાં આમંત્રણ અપાયું હશે કે નહિ એ સૌથી મોટું રહસ્ય છે.
|