|
શેરડીના ભાવને મુદ્દે સંસદની કામગીરી ઠપ |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
ગુરુવાર, 19 નવેમ્બર 2009 |
|
ઉત્તર ભારતના હજારો ખેડૂતોના રાજધાની દિલ્હીમાં દેખાવોથી ઠેર ઠેર ટ્રાફિક જામ
(પીટીઆઇ) નવી દિલ્હી, તા.૧૯
શેરડીના ભાવો મુદ્દે વિરોધ પક્ષના ચોતરફ આક્રમણને કારણે આજે સંસદની
કામગીરી ઠપ થઇ ગઇ હતી. એક તરફ આ મુદ્દે રાજધાનીમાં ખેડૂતોની મહાકાય રેલી
તો બીજી તરફ સંસદમાં વિપક્ષના ઉગ્ર વલણને કારણે નરમ પડેલી સરકારે
વિવાદાસ્પદ વટહૂકમમાં સુધાર કરવાની તથા આ મુદ્દે સર્વપક્ષીય બેઠક
બોલાવવાની ખાતરી આપી હતી, એટલું જ નહિ યુપીએના
સાથી પક્ષ ડીએમકેએ પણ આ મુદ્દે સરકાર સામે બાંયો ચડાવીને નીતિમાં ફેરફાર
કરવાની માંગણી કરી હતી.
પ્રાપ્તિભાવમાં વધારો ન થાય ત્યાં સુધી કાર્યવાહી નહિ ચાલવા દેવાની વિપક્ષોની ધમકી ઃ સરકારે સોમવારે સર્વપક્ષીય બેઠક બોલાવી
શેરડીના ટેકાના ભાવો સમાન કરવાના સરકાના વિવાદાસ્પદ વટહૂકમના વિરોધમાં ઉત્તર ભારતના હજારો ખેડૂતો રાજધાનીના રસ્તા પર ઉમટયા હતા. યુપીએના ઘટક પક્ષ તૃણમુલ કોંગ્રેસના વડાં મમતા બેનરજીએ જણાવ્યું હતું કે તેમનો પક્ષ ખેડૂત તરફી છે અને તેઓ શેરડીના ભાવો અંગે વિરોધ કરી રહેલા ખેડૂતોને ટેકો આપશે. બીજી બાજુ વડાપ્રધાન મનમોહન સિંહે આ વિવાદીત ખરડાના કારણે ઊભી થયેલી કટોકટી અંગે તાત્કાલિક કેબિનેટની બેઠક બોલાવી હતી. જેમાં નાણા પ્રધાન પ્રણવ મુખરજી, કૃષિ પ્રધાન શરદ પવાર, કાયદા પ્રધાન વીરપ્પા મોઇલી સહિતના પ્રધાનો હાજર રહ્યાં હતાં.
ભાજપા પ્રમુખ રાજનાથ સિંહે જણાવ્યું હતું કે ખેડૂતો સરકારના આ કાયદાથી ભારે રોષે ભરાયા છે અને તેમને આત્મહત્યા કરવાની તેમજ તેમના ઉભા પાકને સળગાવી દેવાની ફરજ પડી છે. તેમણે આરોપ મુકયો હતો કે શુગરકેન (કંટ્રોલ) એમેન્ડમેન્ટ ઓર્ડર- ૨૦૦૯ અંગેનો નિર્ણય સરકારે કોઇ રાજય સરકાર કે રાજકીય પક્ષને વિશ્વાસમાં લીધા વગર જ કર્યો છે. ભાજપ આ મુદ્દે સરકાર સાથે ચર્ચા કરવા તૈયાર છે કે કેમ તેવું પુછાતા તેમણે કહ્યું હતું કે આ ખરડો પાછો ખેંચાય પછી જ સરકાર સાથે વાટાઘાટો કરવી શકય છે. સપાના વડા મુલાયમ સિંહ યાદવે જણાવ્યું હતું કે આ ખરડાની સામે વિરોધ પક્ષ સંસદથી માંડીને શેરીઓ સુધી વિરોધ કરશે. આ ખરડાની વિરૃધ્ધમાં અભૂતપૂર્વ આંદોલન છેડવામાં આવશે. દરમિયાન ઉત્તર ભારતમાંથી આવેલા હજારો ખેડૂતોએ આજે નવીદિલ્હીના રામલિલા મેદાનથી જંતરમંતર સુધી રેલી કાઢી હતી અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યો હતો.
સંસદનું શિયાળુ સત્ર આજથી શરૃ થયું છે ત્યારે બીજી બાજુ ખેડૂતોએ રાષ્ટ્રીય લોક દળ ભારતીય કિસાન સંઘ અને રાષ્ટ્રીય કિસાન મજદૂર સંઘના વડપણ હેઠળ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે સરકારે તાજેતરમાં જ એક ખરડો પસાર કરીને વર્ષ ૨૦૦૯-૧૦ દરમિયાન શેરડીના ભાવો પ્રતિ કિવન્ટલે રૃ. ૧૨૯.૮૫ નક્કી કર્યા છે. જે ખેડૂતો અને વિરોદ પક્ષના કહેવા પ્રમાણે ધાર્યા કરતા ઘણા નીચા છે.
દરમિયાન આરજેડી અને સપાએ આજે કેન્દ્રિય કૃષિ પ્રધાન શરદ પવારને આડા હાથે લેવામાં મુખ્ય વિરોધ પક્ષ ભાજપને સાથ આપ્યો હતો. શેરડીના ભાવો અંગેની નીતિ નક્કી કર્યા બદલ પવારનો વિરોધ કરતા આ પક્ષોએ કહ્યું હતું કે પવાર ખેડૂતો નહીં પણ ખાંડના કારખાનાના માલિકોને મદદ કરવા માગે છે. કૃષિ પ્રધાન તરીકે તેમણે ખેડૂતોની સહાય કરવા આગળ આવવું જોઈએ.
|