|
બોરીવલીમાં પોલીસ એન્કાઉન્ટરમાં છોટા શકીલના બે ગુંડા ઠાર મરાયા |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
ગુરુવાર, 19 નવેમ્બર 2009 |
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.૧૯
અંડરવર્લ્ડ ડૉન છોટા રાજન પર બેંગકોકમાં હુમલો કરનારા છોટા શકીલ ગેંગના
કુખ્યાત ગુંડા ઇમરાન હસન અને તેના સાથીદારને બોરીવલી (પશ્ચિમ)માં આજે
ક્રાઇમ બ્રાંચ પોલીસે એન્કાઉન્ટરમાં ઢાળી દીધા હતા. બોરીવલીમાં એક ગુજરાતી
વેપારી પાસે ખંડણી માંગવા આવેલા બન્ને ગુંડા વિરુદ્ધ હત્યા, ખંડણી વસૂલી,
હત્યાનાં પ્રયાસ જેવા ૧૨થી ૧૩ ગુના નોંધાયેલા છે એમ પોલીસે કહ્યું હતું.
આમાંના એકની બેંગકોકમાં છોટા રાજન પરના હુમલામાં સંડોવણી હોવાનું પોલીસ કહે છે
મૃતકોમાં ઇમરાન મહેદી હસન અને સમીર ખાનનો સમાવેશ થાય છે.
પોલીસનાં જણાવ્યા મુજબ બંને ગુંડા બોરીવલી (પશ્ચિમ)ની ડૉન બોસ્કો સ્કૂલ નજીક સાંજે સવા પાંચ વાગ્યે આવવાના હોવાની માહિતી મળી હતી. માહિતીને આધારે ક્રાઇમ બ્રાંચ યુનિટ-૩નાં અધિકારીઓએ અહીં જાળ બિછાવી હતી. બન્ને આરોપીઓ અહીં આવી પહોંચતા તેમને પોલીસે તેમને ઓળખી કાઢીને શરણે આવવા કહ્યું હતું. પરંતુ તેમણે તેમની પાસેની રિવોલ્વરમાંથી પોલીસ તરફ ગોળીબાર કરતા પોલીસે વળતો ગોળીબાર કર્યો હતો. જેમાં બન્ને ગંભીરપણે જખમી થતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં. જ્યાં બન્નેને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતાં.
ઇમરાન હસન કુખ્યાત ગુંડા મુન્ના ઝીંગાડાનો ભાઇ છે. બન્નેએ બેંગકોકમાં છોટા રાજન પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો જેમાં રાજન ગંભીરપણે જખમી થવા છતાં ત્યાંથી નાસી છૂટતા બચી ગયો હતો. જ્યારે રાજનનો એક ખાસ સાથીદાર મોતને ભેટયો હતો, એમ પોલીસે કહ્યું હતું. બન્ને વિરુદ્ધ ૧૨થી ૧૩ ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસે કહ્યું હતું.
|