Last Updated:19 ડિસેમ્બર 2011

ફિલ્મ સર્જક મહેશ ભટ્ટે વડા પ્રધાનને પત્ર લખી મધ્યસ્થી કરવા કહ્યું છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
ગુરુવાર, 19 નવેમ્બર 2009
હેડલી મામલે મહેશ ભટ્ટ ઘવાયા બેડલી

(પી.ટી.આઇ.)    મુંબઇ, તા.૧૯
એફબીઆઇના હાથમાં ઝડપાયેલા લશ્કર-એ-તય્યબાના આતંકવાદી ડેવિડ હેડલી સાથે રાહુલ ભટ્ટના કથિત સંબંધે ભારે સનસનાટી મચાવતા હચમચી ઊઠેલા તેના ફિલ્મસર્જક પિતા મહેશ ભટ્ટે વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહના દરબારમાં ધા નાખી છે. આ મામલે જે રીતે તપાસ હાથ ધરાઇ છે એ વિશે ભારોભાર નારાજગી વ્યક્ત કરતો પત્ર વડા પ્રધાનને મોકલીને ભટ્ટે હૈયાવરાળ ઠાલવતા લખ્યું છે કે અમારી સાથે વિશ્વાસઘાત થયો છે.
એક્ટર ઇમરાન હાશમીએ હેડલી સાથેના કોઇ સંબંધને નકાર્યો

મહેશ ભટ્ટે પીટીઆઇને જણાવ્યું હતું કે મેં વડા પ્રધાનને ચોખ્ખા શબ્દોમાં લખ્યું છે કે મારા દીકરા રાહુલે સામે ચાલીને હેડલી વિશે માહિતી આપી હતી. આમ છતાં તપાસ દરમિયાન રાહુલને ખોટી રીતે ભીંસમાં લેવાની કોશિશ થઇ રહી છે તેનાથી હું ખૂબ જ વ્યથિત છું. અમારી સાથે વિશ્વાસઘાત થયો છે અને અમારી શાખને ભારે જફા પહોંચાડવામાં આવી છે. વડા પ્રધાને તરત જ મધ્યસ્થી કરીને બગડેલી બાજી સુધારી લેવી જોઇએ. નહીંતર આતંકવાદ સામેની લડતમાં મદદગાર થવા માટે કોઇ નાગરિક હિંમત નહી કરે. કનડગતથી તે હતોત્સાહ થઇ જશે.
તપાસ એજન્સીએ અમુક માહિતી મિડિયાને આપી દેતા મારા પુત્ર રાહુલની સાવ ખોટી છાપ ઉભી થઇ છે. તપાસ એજન્સીની આ ભૂલ કહેવાય આ બધી વિગતો જાહેર થઇ એને પગલે કેટલાક જમણેરી પરિબળોએ ગુજરાતમાં મારી ફિલ્મ 'તુમ મિલે'નું સ્ક્રીનીંગ અટકાવ્યું હતું.
દરમિયાન બોલીવુડના એક્ટર ઇમરાન હાશમીએ ડેવિડ હેડલી સાથેના સંબંધ વહેતા થયેલા અહેવાલને નકારી કાઢતા કહ્યું હતું કે આ આક્ષેપ બીલકુલ પાયાવિહોણો છે. મિડિયાના આ બેજવાબદારીભર્યા આક્ષેપને કારણે મારી છાપ ખરડાઇ છે એટલું જ નહીં રોજબરોજના જીવન પર પણ માઠી અસર થઇ છે.

ઇમરાને પોતાના એડવોકેટ રોહિણી વકીલ મારફત આપેલા સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે ન્યૂઝ ચેનલોએ પૂરતી તરતપાસ કર્યાં વિના મારા વિશે વહેતા મૂકેલા સમાચારો જોઇને હું સ્તબ્ધ થઇ ગયો હતો. મેં તરત જ જોઇન્ટ પોલીસ કમિશનર રાકેશ મારિયાનો સંપર્ક સાધીને પૂછયું હતું કે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી તરફથી મારા વિશેની આવી કોઇ વિગતો મીડિયાને આપવામાં આવી હશે? મારિયાએ સ્પષ્ટ શબ્દોમાં ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે આવી કોઇ માહિતી એનઆઇએ તરફથી મિડિયાને નહોતી અપાઇ. આ કેસમાં કોઇ રીતે મારું નામ છે જ નહીં.
હેડલીની સાથે ખોટી રીતે નામ સંડોવવા માટે ઇમરાન હાશમીએ ન્યૂઝ ચેનલો અને પ્રિન્ટિ મિડિયા સામે કાનૂની પગલાં લેવાની ચેતવણી આપી છે.
 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી