|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
ગુરુવાર, 19 નવેમ્બર 2009 |
|
ત્રાસવાદી રાણાની જામીન અરજી પર સુનાવણી મોકૂફ
(પી.ટી.આઇ.) શિકાગો, તા. ૧૯
ભારતમાં ત્રાસવાદી હુમલાનું કાવતરું ઘડવાના આરોપ હેઠળ અમેરિકામાં પકડાયેલા
પાકિસ્તાની તનવુર હુસેન રાણાની જામીન અરજી પરની સુનાવણી ડિસેમ્બરની બીજી
તારીખ પર મુલતવી રહી હતી.
રાણાની અરજીની સુનાવણી આ અગાઉ ૧૦મી નવેમ્બરે નક્કી થઇ હતી તે મુલતવી રહી
૧૯મી નવેમ્બરે રાખવામાં આવી હતી આજે બંને પક્ષોની સંયુક્ત વિનંતીને
ધ્યાનમાં લઇ સુનાવણી મોકૂફ રાખવામાં આવી હતી. પાકિસ્તાનમાં જન્મેલા પરંતુ
કેનેડાના નાગરિક રાણા અને હેડલીની એફબીઆઇએ ધરપકડ કરી હતી. ડેવોન ખાતે
ઇમીગ્રેશન કન્સલ્ટીંગ ઓફિસ ધરાવતા રાણા અને તેના મિત્ર હેડલીએ વારંવાર
ભારતની મુલાકાતો લીધી હતી. બંને પર ડેન્માર્ક અને ભારતમાં આતંકવાદી
હુમલાનું કાવતરું ઘડવાનો આક્ષેપ કરાયો હતો.
સેઇલના ૨૦ ટકા શેર વેચવાની વિચારણા
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૯
કેન્દ્ર સરકાર સ્ટીલ કંપની સેઇલના ૨૦ ટકા શેર વેચીને તેમાંથી પ્રાપ્ત થતાં મુડીમાંથી રૃપિયા ૭૦૦૦૦ કરોડના વિકાસનું આયોજન કરવાનું વિચારી રહી હોવાનું જણાવાયું હતું.
કેન્દ્રીય સ્ટીલ મંત્રી વિરભદ્રસિહે લોકસભામાં એક નિવેદન કરી જણાવ્યું હતું કે સેઇલના ૨૦ ટકા શેર દસ દસના બે તબક્કામાં વેચવામાં આવશે. જો કે આ અંગે અંતિમ નિર્ણય લેવાનો બાકી હોવાનું તેમણે જણાવ્યું હતું.
કેન્દ્રિય કેબિનેટ આવતા માસે સેઇલના ૧૦ ટકા શેર વેચવાની દરખાસ્ત સ્વીકારે તેવી ધારણા છે. સેઇલ દ્વારા ૨૦૧૨ સુધીમાં ઉત્પાદન ક્ષમતા વધારવાની દરખાસ્ત છે.
ખાદ્ય પદાર્થોના ફુગાવાનો દર વધીને ૧૪.૫૫ ટકા
(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૧૯
બટેટા, ડુંગળી અને દાળોના ભાવ વધારાને પગલે ખાદ્ય પદાર્થોના ફુગાવાનો દર વધીને ૧૪.૫૫ ટકા થયો હતો. નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં ખાદ્ય પદાર્થનો ફુગાવો ૦.૮૭ ટકા વધ્યો હતો.
વાર્ષિક ગણતરીએ બટાટાના ભાવમાં ૧૦૨.૪૭ ટકા અને ડુંગળીના ભાવમાં ૩૮.૨૪ ટકાનો વધારો થયો હતો જ્યારે દાળોના ભાવમાં ૧૭.૦૩ ટકાનો વધારો થયો હતો. નિષ્ણાતોના જણાવ્યા મુજબ રવિ પાક સફળ નહીં થાય તો ભાવ વધ્યા કરશે જોકે તેમણે જણાવ્યું હતું કે ડુંગળી અને બટાટાના ભાવ કાબુમાં રહેશે. એક પણ ચીજ એવી નથી કે જેમાં ભાવ ઘટયા હોય. જોકે સપ્તાહમાં ફળોના ભાવમાં ૧.૩ ટકાનો ઘટાડો નોંધાયો હતો.
અફઘાનિસ્તાનમાં પ્રમુખ તરીકે કારઝાઇની વરણી
(પીટીઆઇ) કાબુલ, તા. ૧૯
હામિદ કારઝાઇએ સતત બીજી વાર અફઘાનિસ્તાનના પ્રમુખ તરીકેનો પદભાર સંભાળ્યો છે. આગામી પાંચ વર્ષમાં દેશમાં સશસ્ત્રદળોને મજબુત કરી આતંકવાદનો સફાયો કરવા જેવા કામો તેમની પ્રાથમિકતામાં હશે.
કારઝાઇએ સર્વોચ્ચ અદાલતના વડા અબ્દુલ સલામ આઝમીએ શપથ લેવડાવ્યા હતા. દેશના પ્રેસિડેન્શિયલ પેલેસમાં યોજાયેલા આ ભવ્ય સમારોહમાં વિદેશ પ્રધાન એસ. એમ. કૃષ્ણા, અમેરિકી વિદેશપ્રધાન હિલેરી ક્લિન્ટન અને પાકિસ્તાની પ્રમુખ આસિફ અલી ઝરદારી સહિત ૮૦૦ જેટલા મહેમાનો હાજર રહ્યાં હતાં.
૫૧ વર્ષીય કારઝાઇએ અફઘાનિસ્તાનના પુનઃ બાંધકામ સહિતના ક્ષેત્રે ભારતે આપેલા ૧.૩ અબજ ડોલરની મદદ બદલ નવી દિલ્હીની સરાહના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેો પારસ્પરિક આદરના પાયા પર પાડોશી દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવાનો પૂરો પ્રયત્ન કરશે.
મનમોહનસિંહ - રાહુલ ગાંધી વચ્ચે બેઠક
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૯
સંસદના આજે શરૃ થયેલા સત્રનો પ્રથમ દિવસ શેરડીના વિવાદાસ્પદ ભાવ નીતિ મુદ્દે તોફાની બનતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મનમોહનસિંહની મુલાકાત લીધી હતી.
રાહુલ ગાંધીએ વડાપ્રધાન સાથે શેરડીના ભાવ અંગે ચર્ચા કરી હતી કે કેમ તેવા પ્રશ્નના જવાબમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે તેમણે વડાપ્રધાનની અંગત મુલાકાત લીધી હતી અને તેઓ નિયમિત વડાપ્રધાનને આ રીતે મળે છે.
જ્યારે સપા અને આરએલડીએ શેરડીની ભાવનીતિ મુદ્દે વિરોધ કરવા હાથ મિલાવ્યા છે ત્યારે રાહુલ ગાંધીની આ મુલાકાત મહત્વપૂર્ણ બની રહી છે.
દરમિયાન રાહુલ ગાંધી અને તેમના બહેન પ્રિયંકા આવતી કાલે તેમના મતવિસ્તાર અમેઠીની મુલાકાત લઇને મહિલા વિકાસ કાર્યોની સમિક્ષા કરશે.
શેખ હસીનાને ઇન્દિરા ગાંધી શાંતિ એવોર્ડ
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૯
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાની પ્રતિષ્ઠિત ઇન્દિરા ગાંધી શાંતિ, નિઃશસ્ત્રીકરણ અને વિકાસ પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે. તેમણે લોકશાહીને પ્રોત્સાહન આપવાના ક્ષેત્રે આપેલા આગવા પ્રધાન બદલ આ પસંદગી કરવામાં આવી છે.
આ નિર્ણય વડાપ્રધાન મનમોહનસિંહના વડપણમાં બનેલી આંતરરાષ્ટ્રીય સમિતિએ લીધો હતો. ઇન્દિરા ગાંધી સ્મારક ટ્રસ્ટે જણાવ્યું હતું કે ૨ વર્ષીય હસીનાએ તેમની પ્રજાની ગરીબી દૂર કરી તેમના સામાજિક અને આર્થિક ન્યાયની રક્ષા માટે અજોડ કામ કર્યું છે. તેઓ શાંતના ક્ષેત્રે પણ કટીબદ્ધ છે.
ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં બાંગ્લાદેશના વડાપ્રધાન પદે પુનઃ નિયુક્ત થયા બાદ હસીનાએ તેમનો વિઝન ૨૦૨૧ની જાહેરાત કરી હતી. ૧૯૯૬થી ૨૦૦૧ દરમિયાન બાંગ્લાદેશના વડાપ્રધાન તરીકે હસીનાએ લોકોની પ્રાથમિક જરૃરિયાતોને ધ્યાનમાં રાખીને અનેક યોજનાઓ અમલમાં મુકી હતી.અમેઠીની મુલાકાત લઇને મહિલા વિકાસ કાર્યોની સમિક્ષા કરશે.
|