Last Updated:19 ડિસેમ્બર 2011

ફિટનેસ - સ્ત્રીઓમાં એનીમીઆ (રક્તક્ષીણતા) છાપો ઈ-મેલ
રવિપૂર્તિ
આના લેખક છે GS NEWS   
શુક્રવાર, 13 નવેમ્બર 2009
10npirin.gifવેબસ્ટર ડીક્ષનેરીમાં 'એનીમી'નો અર્થ છે લોહી ઓછું હોવું અથવા નબળુ લોહી. તંદુરસ્ત લોહીમાં ૪.૫ મીલી./ક્યુમીલથી ૬.૦ મીલી. કયુ મીલી. જેટલી રક્તકણની સંખ્યા અને ૧૪ ગ્રામથી ૧૬ ગ્રામ (૧૦૦ થી ૧૧૫ ટકા) જેટલું હિમોગ્લોબીનનું પ્રમાણ હોવું જોઈએ. આ પ્રમાણથી ઓછું હોય તે પરિસ્થિતિને 'એનીમીઆ' કહેવાય.

૫૦૦૦ વર્ષ પુરાણા આયુર્વેદના ગ્રંથોમાં આ રોગને 'રક્તક્ષિણતા' એવું નામ આપ્યું છે. સામાન્ય વાતચીતમાં 'લોહી પાણી જેવું થઈ ગયું' અથવા 'લોહી ફીકુ પડી ગયું.' આ શબ્દો વપરાય છે. આમ જાુઓ તો સ્ત્રી હોય કે પુરુષ, બાળક હોય કે વૃદ્ધ દરેક વ્યક્તિને એનીમીઆ થઈ શકે અથવા હોઇ શકે પણ આજે સ્ત્રીઓમાં એનીમીઆની વાત કરીશું.

આખી દુનિયામાં તેમજ ભારતમાં એનીમીઆ જે રોગ ગણાય તેનો વ્યાપ કેટલો છે તે જાુઓ.
૧.    આખા જગતની ૭ અબજની વસ્તીમાં દોઢથી બે અબજ જેટલા લોકોને 'એનીમીઆ છે' જેમાં સ્ત્રીઓની સંખ્યા ૬૦ થી ૭૦ ટકા છે.
૨.    આખી દુનિયાની ગર્ભવતી સ્ત્રીઓમાં ૪૫ થી ૫૫ ટકાને એનીમીઆ છે.
૩.    ભારતમાં દોઢ કરોડ જેટલી ગર્ભવતી સ્ત્રીઓમાં એનીમીઆ છે.
૪.    દર વર્ષે ભારતમાં એનીમીઆને કારણે ૫૦ લાખ સ્ત્રીઓ મૃત્યુ પામે છે.
૫.    ૬ થી ૨૦ વર્ષની સ્કૂલ કોલેજમાં જતી કન્યાઓમાં ૮૨ ટકાને એનીમીઆ હોય છે.
૬.    સ્કૂલે ના જતી હોય અને ગરીબી રેખાની નીચે જીવતા કુટુંબોની નાની અને મોટી ઉંમરની બધી જ સ્ત્રીઓમાંથી ૯૩ ટકાને એનીમીઆ હોય છે.

સ્ત્રીઓમાં એનીમીઆ થવાના કારણો
૧.    ગરીબાઈ જેને કારણે પૌષ્ટીક તત્વોનો અભાવ. ૨. અજ્ઞાાનતા ૩. નિરક્ષરતા ૪. ઘરમાં સ્ત્રી-પુરુષના ભેદ. ૫. નાનપણમાં લગ્ન. ૬. ઉપરાઉપરી પ્રસુતી અને તે પણ નાની ઉંમરથી. ૭. પરાવલંબીપણુ. ૮. ગર્ભધારણ કરતાં પહેલાં, ગર્ભધારણ વખતે અને સુવાવડ પછી જે સંભાળ લેવાની હોય તેનું અજ્ઞાાન. ૯. માસિક ધર્મનું વધારે પ્રમાણ. ૧૦. મેડીકલ કેરનો અભાવ.

Copy-of-10caressbelly.gifએનીમીઆ સૌ કોઈને પરેશાન શા માટે કરે છે ?
તમારે ત્યાં મ્યુનીસીપાલિટીનું કે બોરનું પાણી આવતું ના હોય તો અગાસીની ટાંકીમાં પાણી ભરાય નહી એટલે તમારા રસોડા કે બાથરૃમમાં પાણી આવે નહી તેજ રીતે તમારા શરીરમાં નવું લોહી બને નહી અથવા લોહી બને ખરૃં પણ કોઈકારણસર નીકળી જાય અથવા કોઈ રોગ થયો હોય તેની અસરને કારણે ઓછું થઈ જાય ત્યારે એનીમીઆ થયો કહેવાય. આવો એનીમીઆ થોડા વખત માટે (ટેમ્પરરી) અથવા કાયમનો એટલે કે 'ક્રોનીક' હોઈ શકે. લોહીના મુખ્ય બે ઘટક ૧. પ્રવાહી જેને પ્લાઝમા કહેવાય ૨. ઘનભાગ. ઘનભાગમાં ત્રણ વસ્તુ હોય લાલકણ (રેડ બ્લડ સેલ્સ), સફેદ કણ (વ્હાઈટ બ્લડ સેલ્સ) અને પ્લેટલેટસ (ખૂબ ઝીણા કોષ.), લાલકણનું કાર્ય ફેફસામાં લીધેલી હવામાં રહેલો પ્રાણવાયુ (ઓકસીજન) શરીરના દરેક અંગોને પહોંચાડવાનું છે. આને લાલકણની ઑક્સીજન લઈ જવાની શકતી (ઑક્સીજન કેરીઇંગ કેપેસીટી) પણ કહે છે. આનો અર્થ એટલો જ કે જો તમારા લોહીમાં લાલકણ ઓછા હોય તો ફેફસાએ લીધેલી હવાનો ઑક્સીજન (પ્રાણવાયુ) આખા શરીરના બધા જ અંગોના અગણિત કોષોને પૂરતા પ્રમાણમાં પહોંચે નહીં આને લીધે શરીરના દરેક અંગોની ક્ષમતા (જો રક્તકણ ઓછા હોય તો) ઓછી થઈ જાય. ઑક્સીજન નહી મળવાથી કોષો નાશ પામે અને આને કારણે રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય. આ ઉપરાંત મોડર્ન થીઅરી પ્રમાણે શરીરમાં રોગો થવાનું મુખ્ય કારણ પ્રદૂષીત હવા, પાણી અને ખોરાક મારફતે શરીરમાં દાખલ થએલા અસંખ્ય ફ્રીરેડીકલ છે જેનો નાશ કરવાનું કામ 'ઑક્સીજન' જેને શ્રેષ્ઠ 'એન્ટીઑક્સીડંટ' કહ્યો છે તે ફ્રીરેડીકલ શરીરમાં વધી જાય. રોગપ્રતિકારક શક્તિ ઓછી થવાથી ચેપી રોગો થાય તેનાથી અને ફ્રી રેડીકલનું શરીરમાં પ્રમાણ વધવાથી હાર્ટએટેક, બી.પી., ડાયાબીટીસ, સ્ટ્રોક, કેન્સર, અંધાપો, કિડની ફેલ્યોર વગેરે ભયાનક રોગો થાય. ટૂંકમાં લોહી ઓછું હોય તો શરીરની પરેશાની અનેક પ્રકારે વધી જાય.

સ્ત્રીઓ અને હિમોગ્લોબીન ૧૦૦ ટકા રાખવાનો ખોરાક
પૌષ્ટીક અને સંતુલીત ખોરાક દરેક સ્ત્રી માટે ઉંમર અને અવસ્થા પ્રમાણે યોગ્ય પ્રમાણમાં લેવાય તે ખૂબ જ જરૃરી છે. આમ છતાં દરેક સ્ત્રીને આ બાબત ખબર જ નથી. સમાજની મોટા ભાગની (૭૦ ટકા) સ્ત્રી અને પોતાની જન્મ તારીખ, પતી ક્યાં નોકરી કે ધંધો કરે છે તેનું સરનામું ફોન નંબર અને બાળકો કઈ સ્કૂલ કોલેજમાં ભણે છે તે બધુ મોઢેં હોય પણ હું જ્યારે કોઈપણ સભામાં ખાસ કરીને સ્ત્રીઓને તેમનું હિમોગ્લોબીન કેટલું છે (એટલે કે લોહીના ટકા કેટલા છે) તે પૂછું તો તેમને આ તેમના આરોગ્ય માટેની ખૂબ અગત્યની બાબત માટેનું અજ્ઞાાન છે. કેટલું હોવું જોઈએ તે પણ ખબર નથી. કેવી રીતે વધે અને શા માટે નોર્મલ રાખવું જોઈએ તેની પણ ખબર નથી. હદ કહેવાય ત્યારે કે 'એમને એમ જવાબ આપે કે' બરોબર છે કે નોર્મલ છે 'આવું ના ચાલે.' આ લેખ વાંચનારા સૌ બહેનોને વિનંતી કે પોતાના લોહીનું હિમોગ્લોબીનનું પ્રમાણ પ્રમાણીત લેબોરેટરીમાં તપાસ કરી જાણી લેવું જોઈએ અને ઓછું હોય તો ૧. ઓછું કેમ છે તે જાણવું જોઈએ. ૨. કેવી રીતે વધારી શકાય તે જાણવું જોઈએ. ૩. ગર્ભવતી સ્ત્રીઓ માટે આ ખૂબ જરૃરી છે.

હવે ખોરાકની વાત (હિમોગ્લોબીન માટે)
'હિમોગ્લોબીન' એ લેટીન ભાષાનો શબ્દ છે. હિમ એટલે લોહતત્ત્વ (આયર્ન) અને ગ્લોબીન એટલે 'પ્રોટીન'  જેમ ખીચડી બનાવવી હોય તો દાળ અને ચોખા જોઈએ તેમ હિમોગ્લોબીન બનાવવા માટે આયર્ન અને પ્રોટીન બન્ને જોઈએ. બને ત્યાં સુધી આ બન્ને કુદરતી પદાર્થોમાંથી મેળવવા જોઈએ. સ્ત્રી હોય કે પુરુષ ૧૨ થી ૧૫ મિ.ગ્રામ આયર્ન લેવું જોઈએ અને પોતાનું વજન (નોર્મલ) જેટલા કિલોગ્રામ હોય તેટલા ગ્રામ પ્રોટીન લેવું જોઈએ. કુદરતી પદાર્થો કયા એ વાત કરીએ તે પહેલાં એ પણ યાદ રાખશો કે આ બન્ને વસ્તુઓ 'આયર્ન' અને 'પ્રોટીન' કુદરતી પદાર્થોમાંથી લેવું જોઈએ. એનીમીઆનો રીપોર્ટ જોઈને તમારા ડૉક્ટર નક્કી કરી તમને કોઈ દવા કે ખોરાકની સુચના આપે તે પહેલાં આટલી વાતો યાદ રાખો.

૧. ૧૦ થી ૧૫ મી.ગ્રામ આયર્ન મેળવવા આટલી વસ્તુઓમાંથી ગમે તે એક જણાવ્યા પ્રમાણે પ્રમાણસર ખાઓ. આ માટે નીચેનો કોઠો જાુઓ.

આ જ પ્રમાણે પ્રોટીનનું પ્રમાણ અંદાજે ૫૦ થી ૬૦ ગ્રામ લેવા મોટ ૫૦૦ મી.લી. દૂધ (૧૮ થી ૨૦ ગ્રામ) - તેમાંથી બનાવેલ દહીં, છાસ કે પનીર ચાલે. ૧ વાટકી (મગ-ચણા-અડદ-વાલ-તુવેર-વટાણા) બાફેલા, રાંધેલા ઉગાડેલા ૧.૧૨ ગ્રામ ૧૦ ગ્રામથી ૧૫ ગ્રામ. ઘઉંના ચાળ્યા વગરના લોટમાંથી બનાવેલ ભાખરી કે રોટલીમાંથી ૪ થી ૫ ગ્રામ. ૨૫ થી ૩૦ દાણા સુકોમેવો-બદામ-કાજાુ-અખરોટ-પીસ્તામાંથી ૫ થી ૭ ગ્રામ. તમારી જાતે નક્કી કરી ઉપર પ્રમાણે આયર્ન અને પ્રોટીનનું પ્રમાણ જાળવશો. જો તમારૃં (સ્ત્રીઓનું) હિમોગ્લોબીન ૧૧ ગ્રામ (૭૭ ટકા) કે તેથી ઓછું હોય તો ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનથી મળતી આયર્નની ગોળીઓ લેશો.

એનીમીઆના પ્રકાર કેટલા ?
૧. ન્યુટ્રીશનલ    -ખોરાકમાં આયર્ન અને પ્રોટીન તત્ત્વોનો અભાવ.
૨.    હિમોલીટીક    - રોગને કારણે કે દવાને કારણે લાલકણો નાશ પામે.
૩.    હેમોરેજીક    - એકસીડંટ, ઓપરેશન કે હરસ મસા, માસિક, ભગંદર કોઈ ખોરાકમાં લીધેલી વસ્તુથી, તમાકુ, દારૃ કે કેફીપદાર્થોની અસરથી લોહી ઓછું થાય.
૪.    જન્મજાત    - હિમોફીલીઆ, એ પ્લાસ્ટીક એનીમીઆ, થેલેસીમીઆ.

એનીમીઆના લક્ષણો
પહેલાં જણાવ્યું તેમ લોહી ઓછું હોય તો શરીરમાં ઓક્સીજનનું પ્રમાણ ઓછું જાય તેને લીધે શરીરમાં
૧. અશક્તિ લાગે ૨. થાક લાગે. ૩. આંખો બળે. ૪. માથુ દુઃખે ૫. કશું ગમે નહીં. ૬. ખાવાની રૃચી ના થાય. ૭. રોગપ્રતિકારક શક્તિ ઓછી થવાથી વારેવારે શરદી, ઉધરસ, તાવ, ચેપીરોગો જેવી અનેક તકલીફો થાય. ૮. મોતીઓ વહેલો આવે. ૯ યાદશક્તિ જતી રહે. ૧૦ વાળ ઓછા થઈ જાય. ૧૧ જાતીય શક્તિ ઓછી થાય. ૧૨ થોડું ચાલવામાં થાક ચઢી જાય. ૧૩ એકાગ્રતા ૧૪ ચોકસાઈ જતી રહે. ૧૫ વાળ ધોળા થઈ જાય. ૧૬. ચક્કર અને અંધારા આવે.

એનીમીઆ ના થાય માટે અગમચેતીના શું પગલા લેવા જોઈએ

૧.    દરેક સ્ત્રીને ખબર છે કે માસિક ધર્મમાં ૧૨ થી અંદાજે ૫૦ વર્ષ સુધી લોહી ઓછું થવાનું છે માટે દર ત્રણ મહિને હિમોગ્લોબીનનું માપ કઢાવી જો હિમોગ્લોબીન ઓછું હોય તો તે માટે આયર્નની ગોળી લેવી જોઈએ. જે ગોળીથી કબજીયાત કે ઝાડા થઈ ના જાય અને પેટમાં દુઃખાવો ના થાય એવી સારી કંપનીની ગોળીઓ લેવી જોઈએ. આવી ગોળીઓમાં આયર્ન સાથે કોપર, ઝીંક અને ફોલીક એસીડવાળી ગોળીઓ લેવી સારી. ખરી રીતે આવી ગોળીઓ કાયમ લેવી જોઈએ. હિમોગ્લોબીનનું પ્રમાણ ૧૩ થી ૧૪ ગ્રામ (૯૦ થી ૧૦૦ ટકા) રહે એ જરૃરી છે. ખાસ કરીને ગર્ભવતી સ્ત્રીએ હિમોગ્લોબીનનું ધ્યાન રાખવું ખૂબ જરૃરી છે.

૨.    સ્ત્રીઓને માસિક ધર્મમાં લોહી વધારે જતું હોય અથવા હરસ, મસા, ભગંદર જેવા રોગને કારણે લોહી ઓછું થતું હોય તો આ માટે ગાયનેકોલોજીસ્ટ અને સર્જનની સલાહ લઈ યોગ્ય ઉપાય કરવા જરૃરી છે. કોઈપણ પ્રકારનો તાવ આવે ત્યારે પણ લોહી ઓછું થઈ ગયું હોય તેનો ઉપાય પણ કરવો જોઈએ. એકસીડંટ કે ઓપરેશન વખતે પણ આ બાબત ખાસ ખ્યાલ રાખવો જોઈએ.

૩.    ખોરાકમાં કેલ્શ્યમ તત્ત્વની ખામીને કારણે, ઉંમરને કારણે અને નિયમિત કસરતના અભાવથી ખાસ કરીને મોટા હાડકાં નબળા પડી ગયા હોય ત્યારે નવું લોહી ઓછું બને. તમને ખબર ના હોય તો જાણી લો કે લોહી બનવાની ક્રિયા મોટા હાંડકાની મજ્જા (બોનમેરો)માં થાય છે. કસરત ના હોય એટલે પહેલા જણાવ્યું તેમ શરીરના દરેક અંગોને ઓક્સીજન તેમજ શરીરમાં લીધેલા પોષક તત્ત્વો-આયર્ન, કેલ્શ્યમ-પ્રોટીન વગેરે પૂરી રીતે પહોંચે નહી એટલે નવું લોહી બને નહીં.

૪    .વજન ના વધે એનો ખ્યાલ દરેક સ્ત્રીએ ઉંમરના દરેક તબક્કે રાખવો જોઈએ. ચરબીના કોષને ત્રણ ગણું લોહી જોઈએ એટલે બીજા બધા અંગોને ઓછું મળે. જે કાંઈ પોષક તત્ત્વો લીધા હોય તેનો ઉપયોગ પણ શરીર પોતાને માટે કરી ના શકે અને ચરબીના કોષ તે લઈ જાય.

૫.    ખાસ અગત્યની વાત કે કારણ વગર થાક લાગે, થોડો પણ શ્રમ કરવામાં શ્વાસ ચઢી જાય, આંખો બળે, ચક્કર આવે, વારેવારે શરદી ઉધરસ તાવ સોજા અને પગના સ્નાયુ અને હાડકામાં દુખાવો થાય ત્યારે તમારે સમજી લેવું કે તમને એનીમીઆ થયો છે. માટે પહેલાં જણાવ્યું તેવા પગલાં લઈ અને તમારા રક્તકણ અને હિમોગ્લોબીનના પ્રમાણને ઘટવા દેશો નહીં.

૬.    તમને ગમે તે પ્રકારની ધીરે ધીરે વધારીને કરવાની હળવી કસરત તમારી ગમે તે ઉંમરે (કરતા ના હો તો) શરૃ કરી દો. સાથે ઉપર જણાવેલ પોષક તત્ત્વો નિયમિત લો (જરૃર લાગે તો ગોળી લેશો). થોડાંક જ વખતમાં થાક જતો રહેશે, સ્ફૂર્તિ લાગશે અને મનને પ્રસન્નતા લાગશે. એનીમીઆ દરેક ઉંમરની સ્ત્રીનો શત્રુ છે. યોગ્ય ઉપાયથી શત્રુને કાબુમાં લેશો તો જીવન જીવવા જેવું લાગશે.

 
< પાછળનુ   આગળનુ >