|
બ્રિટનમાં ભારતીય પ્રોફેશનલના પ્રવેશ પર કડક નિયંત્રણો લદાશે |
|
|
|
આંતરરાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
ગુરુવાર, 12 નવેમ્બર 2009 |
|
(પીટીઆઇ) લંડન,
બ્રિટનના વડાપ્રધાન ગોર્ડન બ્રાઉને આજે ઇમિગ્રેશનના નિયમોમાં ફેરફાર કરીને
યુરોપ બહારના ડૉક્ટરર્સ તથા અન્ય પ્રોફેશનલ્સના પ્રવેશ પર નિયંત્રણ
મૂકવાની મજબુત તરફેણ કરી હતી. બ્રિટિશ સરકારના આ પગલાંને કારણે હજારો
ભારતીયો પર માઠી અસર પહોંચવાની શક્યતા છે.
નવી ઇમિગ્રેશન નીતિમાં યુરોપ બહારના ડૉક્ટરો તેમજ એન્જિનિયરો માટે બ્રિટનના દરવાજા બંધ થઇ જવાની શક્યતા
બ્રિટનના લેબર પક્ષની સરકારની ઇમિગ્રેશન નીતિમાં ધરખમ ફેરફારનો સંકેત આપતા વડાપ્રધાન બ્રાઉને જણાવ્યું હતું કે સ્થળાંતરના પ્રમાણમાં થઇ રહેલા વધારા પર નિયંત્રણની જરૃરિયાત જણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે યુરોપ બહારના દેશોના કયા નાગરિકો બ્રિટનમાં નોકરી કરી શકે એ નક્કી કરવા તેમની સરકાર પોઇન્ટ બેઝ સિસ્ટમના નિયમોને વધુ કડક કરવાની વિચારણા કરી રહી છે. ઇમિગ્રેશન નીતિ અંગે મહત્વનું ભાષણ આપતા પહેલા બ્રિટિશ અખબાર 'ડેઇલી મેલ'ને આપેલી મુલાકાતમાં બ્રાઉને જણાવ્યું હતું કે નવી પોઇન્ટ સિસ્ટમને વધુ કડક બનાવીને ઇમિગ્રેશનમાં ઘટાડો કરી શકાય છે આગામી થોડા મહિનાઓ સુધી આ નિયમો કડક રહેશે.
ઇમિગ્રેશન બ્રિટનની આર્થિક, સામાજીક અને સાંસ્કૃતિક સંપત્તિનો મહત્વનો સ્ત્રોત ગણાવતા બ્રાઉને જણાવ્યું હતું કે ગયા વરસે નોન-યુરોપિયન દેશોના નાગરિકોના પ્રવેશ પર નિયંત્રણ મૂકવા માટે પોઇન્ટ બેઝ સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી. હવે આ નીતિમાં મોટો ફેરફાર લાવતા નોન-યુરોપિયન દેશોના હોસ્પિટલ કન્સલ્ટન્ટ, સિવિલ એન્જિનીયર્સ, એરક્રાફ્ટ એન્જિનીયર્સ અને શીપ ઓફિસરો માટે બ્રિટનના દરવાજા બંધ થઇ જાય એવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે બ્રિટનમાં આગામી વર્ષે જૂન મહિનામાં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે, આ ચૂંટણી અગાઉ બ્રાઉન પોઇન્ટ બેઝ બ્રિટન પ્રવેશની સિસ્ટમને કડક બનાવવા ઇચ્છે છે. બ્રિટનની જમણેરી ઇમિગ્રેશન વિરોધી પાર્ટીઓ ચૂંટણી દરમિયાન વિદેશી નાગરિકોના બ્રિટન પ્રવેશને મોટો મુદ્દો બનાવી લેબર પાર્ટીને હંફાવી શકે છે. બ્રિટનમાં સ્થાનિક ડૉક્ટરોને રોજગારી મળવી મુશ્કેલ થઇ ગઇ હોવાથી ભારે વિવાદ સર્જાયો હતો. બ્રાઉને જણાવ્યું હતું કે બ્રિટિશ નાગરિકોને એ ખાતરી થશે કે ઇમિગ્રેશન સિસ્ટમ કડક અને નિષ્પક્ષ છે, તથા બ્રિટનમાં આવનાર નાગરિક તમામ કાયદાઓનું પાલન કરશે, અંગ્રેજી બોલશે તથા પોતાનું યોગદાન આપશે.
|