|
પરોક્ષ વેરાની આવક ૨૧ ટકા ઘટીને રૃ.૧.૨૬ લાખ કરોડ |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
બુધવાર, 11 નવેમ્બર 2009 |
ચાલુ નાણાંવર્ષના પ્રથમ સાત મહિનામાં
(પીટીઆઇ) નવી દિલ્હી,
વૈશ્વિક મંદીની અસરમાંથી ભારતીય વેપાર-ઉદ્યોગને બાકાત રાખવા જાહેર કરાયેલા
સ્ટિમ્યુલસ પેકેજોને કારણે ચાલુ નાણાંવર્ષના પ્રથમ સાત મહિનામાં સરકારની
પરોક્ષ વેરાની આવકમાં ૨૧.૬ ટકાનો ધરખમ ઘટાડો થયો છે. આ સમયગાળા દરમિયાન ગત
વર્ષે રૃ.૧.૬૧ લાખ કરોડની આવક થઇ હતી જેની સામે ચાલુ વર્ષે રૃ. ૧.૨૬ લાખ
કરોડની આવક નોંધાઇ છે. આ ઉપરાંત દેશની નિકાસમાં પણ સતત ૧૩મા મહિને ઘટાડો
નોંધાયો છ. પશ્ચિમી દેશો હજુપણ મંદીના સકંજામાં હોવાથી ઓક્ટોબરમાં દેશની
નિકાસ ૧૧.૪ ટકા ઘટી હતી.
એક્સાઇઝ, કસ્ટમ અને સર્વિસ ટેક્સમાં નકારાત્મક કલેક્શન ઓક્ટોબરમાં નિકાસ ૧૧.૪ ટકા ઘટી, સતત ૧૩ મહિને ઘટાડો
વર્ષ ૨૦૦૯-૧૦ના પ્રથમ સાત મહિનામાં પરોક્ષ વેરાના ત્રણે અંગ-એક્સાઇઝ, કસ્ટમ અને સર્વિસ ટેક્સમાં નકારાત્મક કલેક્શન નોંધાયું છે. સૌથી વધુ ફટકો કસ્ટમને પડયો છે, આર્થિક મંદીને કારણે ઓછી આયાત તથા પેટ્રોલીયમ પેદાશોના ભાવમાં ઘટાડાને કારણે કસ્ટમની આવક ૩૧.૮ ટકા ઘટીને રૃ.૪૫,૪૧૨ કરોડ નોંધાઇ હતી. જ્યારે એક્સાઇઝ ડયુટીની આવક પણ ૧૮.૮ ટકાના ઘટાડા સાથે રૃ.૫૨,૫૬૬ કરોડ નોંધાઇ હતી. આ તરફ દેશની નિકાસમાં સતત ૧૩મા મહિને ઘટાડાનો દૌર યથાવત રહ્યો હતો, આજે જાહેર કરાયેલા આંકડા પ્રમાણે પશ્ચિમી દેશોમાં માંગ ઘટતા ઓક્ટોબર મહિનામાં નિકાસમાં ૧૧.૩ ટકાનો ઘટાડો નોંધાયો હતો. વિદેશી બજારમાં ચામડાની બનાવટો, હસ્તકલા અને અન્ય ઉત્પાદનોની માંગ ઘટવાથી નિકાસ ઘટી હતી. જો કે લોખંડ અને તેલની બનાવટો જેવા કેટલાક ક્ષેત્રોની નિકાસમાં નજીવો સુધાર જણાયો હતો.
ઓક્ટોબરમાં ૧૨.૫ અબજ ડૉલર ઓવરસીઝ શીપમેન્ટ નોંધાયું હતું જેની સામે ગત વર્ષે ૧૪.૧ અબજ ડૉલરની નિકાસ થઇ હતી. આંકડા પ્રમાણે ચાલુ નાણાંવર્ષના પ્રથમ સાત મહિનામાં નિકાસમાં ૨૬.૫ ટકાનો ઘટાડો થયો હતો, આ સ્થિતિને કારણે સરકાર માટે આર્થિક રાહતો પરત લેવી મુશ્કેલ બની ગઇ છે. એપ્રિલ-ઓક્ટોબર સુધીના ગાળા દરમિયાન નિકાસો ૧૨૩ અબજ ડૉલર સામે માત્ર ૯૦.૪ અબજ ડૉલરની નોંધાઇ હતી. દેશના અર્થતંત્રમાં મહત્વનું યોગદાન આપતા સેવા ક્ષેત્ર દ્વારા થતી સર્વિસ ટેક્સની આવક ૫.૪ ટકા ઘટીને માત્ર રૃ.૨૮.૯૨૬ કરોડ નોંધાઇ હતી. વિશ્લેષકોનું માનવું છે કે સરકારે જાહેર કરેલા બન્ને સ્ટિમ્યુલસ પેકેજમાં એક્સાઇઝ ડયુટીમાં ૬ ટકા અને સર્વિસ ટેક્સમાં ૨ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો, જેને કારણે પરોક્ષ વેરાની આવક ઘટી છે. જો કે ઓક્ટોબરમાં પરોક્ષ વેરાની આવકમાં ઘટાડો ધીમો પડયો હતો. નાણાંવર્ષના પ્રથમ સાત મહિનામાં પરોક્ષ વેરાની આવક રૃ.૨.૭૦ લાખ કરોડના બજેટના અંદાજ કરતા ૪૭.૪ ટકા ઘટી છે.
|