Last Updated:19 ડિસેમ્બર 2011

ડેવિડ હેડલીએ અમદાવાદ સહિત પાંચ શહેરોની મુલાકાત લીધી હતી છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
બુધવાર, 11 નવેમ્બર 2009
એફબીઆઇએ ઝડપેલા અમેરિકી ત્રાસવાદી

(પીટીઆઇ)    નવી દિલ્હી,
અમેરિકન એફબીઆઇએ શિકાગો એરપોર્ટ પરથી ઝડપેલા શંકાસ્પદ ત્રાસવાદી ડેવિડ કોલમેન હેડલીએ ભારતમાં અમદાવાદ સહિતના પાંચ શહેરોની મુલાકાત લીધી હોવાની નવી માહિતી બહાર આવી છે. એટલું જ નહિ હેડલીએ લશ્કર-એ-તોઇબા માટે ભારતમાં ભરતી પણ કરી હતી.

અમદાવાદ, લખનૌ, આગ્રા અને દિલ્હીનો પ્રવાસ કરીને હેડલી ઉર્ફે દાઉદ ગીલાનીએ લશ્કર-એ-તોઇબા માટે ભરતી પણ કરી હતી

સુત્રોએ જણાવ્યું હતું કે ગયા મહિને શિકાગોમાંથી પકડાયેલા હેડલીએ અમદાવાદ, લખનૌ, આગ્રા અને દિલ્હીની મુલાકાત લીધી હતી. સુત્રોએ એમપણ જણાવ્યું હતું કે અમેરિકી નાગરિક હેડલીએ દિલ્હીની ડિફેન્સ કોલેજ સહિત અન્ય શહેરોના મહત્વના સ્થળોની રેકી પણ કરી હતી. ૪૯ વર્ષીય હેડલીની પાકિસ્તાની ત્રાસવાદી સંગઠન લશ્કર-એ-તોઇબા સાથે મળીને ભારતમાં હુમલો કરવાની યોજના બદલ ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે હેડલીએ નેશનલ ડિફેન્સ કોલેજ, દહેરાદૂનની દૂન સ્કૂલ તથા મસુરીની વુડસ્ટોક સ્કૂલ પર હુમલાની યોજના બનાવી હતી, ધરપકડ વખતે તેની યોજના ફિલાડેલ્ફીયા થઇને પાકિસ્તાન જવાની હતી.

આ સાથે હેડલીએ લશ્કર-એ-તોઇબા માટે ભારતમાં ભરતીના પ્રયાસો પણ કર્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. આ માટે તેણે ખાડી દેશોમાં નોકરી અપાવવાના બહાના હેઠળ મુંબઇમાં ઓફિસ પણ ખોલી હતી. એફબીઆઇએ હેડલીની સાથે પાકિસ્તાની મૂળના ૪૮ કેનેડીયન નાગરિક તહાવર રાણાની પણ ધરપકડ કરી હતી. એફબીઆઇએ શિકાગો કોર્ટમાં રજૂ કરેલી ચાર્જશીટ અનુસાર લશ્કર-એ-તોઇબાના આતંકવાદી નેતાઓ ડેવિડ હેડલીનો ઉપયોગ કરી રહ્યા હતા. શિકાગો કોર્ટે એફબીઆઇને ૬૦ દિવસમાં તપાસ પૂર્ણ કરવા જણાવ્યું છે. અગાઉ એફબીઆઇએ કોર્ટ સમક્ષ તપાસ માટે વધુ સમય ફાળવવાની માંગણી કરી હતી. ઉલ્લેખનીય છે કે હેડલીની પૂછપરછ કરવા માટે ભારતીય ગુપ્તચર એજન્સીઓની ટુકડી પણ અમેરિકા પહોંચી હતી, જો કે ભારતીય ટુકડી એક સપ્તાહ વોશિંગ્ટનમાં જ રોકાઇને પૂછપરછ કર્યા વિના સ્વદેશ પરત ફરી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે વહીવટી આંટીઘૂંટના અવરોધને કારણે ભારતીય ટુકડી શિકાગો જઇ શકી ન હતી. ડેવિડ હેડલીને હાલ શિકાગોની જેલમાં કેદ રાખવામાં આવ્યો છે.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી