|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
બુધવાર, 11 નવેમ્બર 2009 |
'ઝેડ' અને 'ઝેડ પ્લસ' સલામતી વ્યવસ્થામાં ઘટાડો કરાયો
(પી.ટી.આઇ.) નવી દિલ્હી,
કેન્દ્રીય ગૃહમંત્રાલયે 'ઝેડ' અને 'ઝેડપ્લસ' સલામતી ધરાવતા વીઆઇપીઓની
યાદીમાં ઘટાડો કર્યો છે. જ્યારે ભૂતપૂર્વ ગૃહપ્રધાન શિવરાજ પાટિલના
સંબંધીઓની સલામતી વ્યવસ્થા દૂર કરી છે. આ ઉપરાંત કેટલાક નિવૃત્ત
રાજદ્વારીઓની સલામતીમાં પણ ઘટાડો કરાયો છે. જો કે મંત્રાલયે આરજેડીના વડા
લાલુપ્રસાદ યાદવ, સમાજવાદી પાર્ટીના સુપ્રિમો મુલાયમસિંહ યાદવ અને ત્રણ
વર્ષ પહેલાં વિદેશ પ્રધાન રહી ચૂકેલા કે. નટવરસિંહની સલામતીમાં કોઈ ફેરફાર
કર્યો નથી. લોકજનશક્તિ પાર્ટીના વડા રામવિલાસ પાસવાન, ઉત્તર પ્રદેશના
મુખ્યપ્રધાન માયાવતી અને શિવરાજ પાટિલને 'ઝેડ' કક્ષાની સલામતી યથાવત્ રખાઈ
છે. જેમાં એક વીઆઇપીની સલામતી માટે સતત ૪૫ ગાર્ડ તૈનાત રહે છે. ભૂતપૂર્વ
રાજદ્વારીઓ નિવૃત્ત ગૃહસચિવો બી. કે. દુગ્ગલ અને ધીરેન્દ્રસિંહ તેમજ
સી.બી.આઇ.ના નિવૃત્ત નિર્દેશક વિજય શંકર તિવારીને 'વાય'કક્ષાની સલામતી
આપવામાં આવી છે.
ભારત અને ચીન મહત્ત્વના શક્તિશાળી દેશો ઃ અમેરિકા
(પી.ટી.આઇ.) વૉશિંગ્ટન,
અમેરિકાના ઓબામા વહિવટી તંત્રે ભારત અને ચીનને એશિયાના મહત્ત્વના શક્તિશાળી દેશો ગણાવી કહ્યું હતું કે, અમેરિકા વૈશ્વિક મુદ્દાઓમાં બંને દેશોને મહત્ત્વના ગણે છે. અમેરિકાના પબ્લિક અફેર્સના સેક્રેટરી ક્રોલીએ પત્રકારોને જણાવ્યું હતું કે એશિયા પેસિફીક ક્ષેત્રમાં એક હાથે ભારત અને બીજે હાથે ચીન મહત્ત્વના દેશો છે. આ ક્ષેત્રની ચર્ચાઓમાં અમેરિકાના પ્રમુખ અને સેક્રેટરી આ બંને દેશોને ખૂબ જ મહત્ત્વ આપે છે અને ઊંડી ચર્ચાઓ કરે છે. અમેરિકાના પ્રમુખ ઓબામા અને વિદેશમંત્રી હિલેરી ક્લિન્ટન ચની નેતાઓ સાથે ચર્ચા કરશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
સતત ૧૩મા મહિને નિકાસમાં ઘટાડો
(પી.ટી.આઇ.) નવી દિલ્હી,
ઓક્ટોબર માસમાં દેશની નિકાસમાં ૧૧.૪ ટકાનો ઘટાડો થઈ ૧૨.૫ અબજ ડોલર થઈ હતી. વૈશ્વિક બજારમાં માંગ ઘટવાને કારણે સતત ૧૩મા મહિને નિકાસમાં નકારાત્મક વલણ રહ્યું હતું. ચાલુ નાણાંકીય વર્ષના એપ્રિલથી ઓક્ટોબર માસમાં દેશની વ્યાપારી નિકાસમાં ૨૬.૫ ટકાનો ઘટાડો થયો હતો. હીરા અને જ્વેલરી, હસ્તઉદ્યોગ અને પેટ્રોલિયમ પેદાશો જેવા અગ્રણી ઉદ્યોગોમાં નિકાસ ઘટી હતી તેમ કોમર્સ સેક્રેટરીએ પત્રકારોને જણાવ્યું હતું.
વૈશ્વિક અર્થવ્યવસ્થા સ્થિર થઈ રહી છે ઃ પ્રેમજી
(પી.ટી.આઇ.) બેંગ્લોર,
આઇ.ટી. ઉદ્યોગના અગ્રણી અઝીમ પ્રેમજીએ આજે જણાવ્યું હતું કે, મંદીને કારણે તૂટી રહેલી વૈશ્વિક અર્થવ્યવસ્થા ફરીથી સ્થિર થઈ રહી છે અને પશ્ચિમની અર્થવ્યવસ્થા આઘામી વર્ષે એક ટકાના દરે વૃદ્ધિ મેળવશે. બેંગ્લોર આઇ.ટી. બીઝ- ૨૦૦૯ના ઉદ્ધાટન પ્રસંગે બોલતાં પ્રેમજીએ જણાવ્યું હતું કે, વિશ્વનો મૂડ બદલાઈ રહ્યો છે. છેલ્લા ૧૫ માસની મંદીને કારણે લોકો પરેશાન થયા હતા. ગરીબો, મધ્યમ વર્ગ અને ઉદ્યોગપતિઓ પણ ચિંતાગ્રસ્ત હતા પરંતુ સદ્ભાગ્યે મંદીની અસર ઓછી થઈ રહી છે અને અર્થવ્યવસ્થા સ્થિર બની રહી છે. જો કે વધુ પડતા આશાવાદી થવાનો સમય હજી આવ્યો નથી તેમ પણ તેમણે જણાવ્યું હતું.
જસવંત સિંહને લોકસભાની ત્રીજી હરોળમાં બેઠક મળી
(પી.ટી.આઈ.) નવી દિલ્હી,
ભાજપમાંથી હકાલપટ્ટીને કારણે પીઢ નેતા જસવંત સિંહને લોકસભામાં હવે પ્રથમ હરોળની બેઠકને બદલે ત્રીજી હરોળમાં ફાળવેલી બેઠકમાં બેસવું પડશે. ૭૧ વર્ષીય નેતા જસવંત સિંહને લોકસભાની ત્રીજી હરોળમાં ૩૭૧ નંબરની બેઠક ફાળવવામાં આવી હતી કે જ્યાં નાના પક્ષોના સાંસદો બેસે છે. તેમ સંસદના સૂત્રોએ જણાવ્યું હતું.
પબ્લીક એકાઉન્ટસ કમિટિના ચેરમેન આ નેતાને નવી બેઠક ફાળવવાનો નિર્ણય અધ્યક્ષ મીરા કુમારે લીધો હતો. સંસદનું શિયાળુ સત્ર ૧૯મી નવેમ્બરે શરૃ થશે. મે માસની ચૂંટણી બાદ જસવંત સિંહને વિરોધ પક્ષન નેતા એલ. કે. અડવાણીની હરોળમાં બેઠક મળી હતી કે જ્યાં ભાજપના રાજનાથ સિંહ, સુષ્મા સ્વરાજ જેવા વરિષ્ઠ નેતા બેસે છે.
મીરા કુમાર સર્વપક્ષીય નેતાઓની બેઠક યોજશે
(પી.ટી.આઈ.) નવી દિલ્હી,
સંસદના આગામી સત્રમાં ઊભા થનાર વિવાદાસ્પદ મુદ્દાઓને પગલે અધ્યક્ષ મીરા કુમારે સંસદની કાર્યવાહી સુપેરે ચાલે તે માટે કઈ રીતે કાર્યવાહી કરવી તેની ચર્ચા કરવા આવતીકાલે તમામ પક્ષોના નેતાઓની બેઠક બોલાવી છે. એક માસ ચાલનારૃં આગામી સત્ર વિરોધપક્ષોએ ઊભા કરેલા અસંખ્ય મુદ્દાઓથી તોફાની બની રહેવાની સંભાવના છે. જેમાં ટેલીકોમનો સ્પેકટ્રમ ફાળવણી મુદ્દો અને મોંઘવારી મુખ્ય છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં અબુ આઝમી દ્વારા હિન્દીમાં શપથ લેવાને મુદ્દે તાજેતરમાં થયેલી ધાંધલનો મુદ્દો પણ લોકસભામાં ચમકે તેવી શક્યતા છે.
|