|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
મંગળવાર, 10 નવેમ્બર 2009 |
ઉ. પ્રદેશમાં કોંગ્રેસ હવે એકલા હાથે લડશે
(પી.ટી.આઈ.) નવી દિલ્હી,
ઉત્તર પ્રદેશની ફિરોઝાબાદ બેઠક પર રાજ બબ્બરના વિજયથી પ્રેરાઈને કોંગ્રેસે
આજે કહ્યું હતું કે તે ૨૦૧૨ની ચૂંટણી એકલા હાથે લડશે અને સરકારની રચના
કરશે. ઉત્તર પ્રદેશ કોંગ્રેસના ઈન્ચાર્જ દિગ્વીજયસિંહે પત્રકારોને
જણાવ્યું હતું કે ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીમાં કોઈ જોડાણનો પ્રશ્ન જ નથી.
તેઓ તમામ ૪૦૨ બેઠકો પરથી એકલા હાથે ચૂંટણી લડશે. રાજ બબ્બરના વિજયને
રાજ્યમાં સમાજવાદી પક્ષના શાસનની પડતી ગણાવી તેમણે ઉમેર્યું હતું કે
મુલાયમ સિંહના પરિવારના સભ્ય ચૂંટણી હારી ગયા તે દર્શાવે છે કે કુશાસનની
પણ હદ હોય છે. કોંગ્રેસની આ સિદ્ધિને અવગણી શકાય નહીં. ઉત્તર પ્રદેશમાં
હવેની ચૂંટણીમાં કોંગ્રેસ અને બસપ સામસામે હશે તેમ જણાવી તેમણે ઉમેર્યું
હતું કે આ કોંગ્રેસની સરકાર રચવાની શરૃઆત છે.
છત્તીસગઢમાં સાત નકસલવાદી ઠાર
(પી.ટી.આઈ.) રાયપુર,
છત્તીગઢના દાંતેવાડા જિલ્લામાં થયેલી અથડામણમાં પોલીસે સાત નકસલવાદીને ઠાર કર્યા હતા અને એક પોલીસને ઈજા થઈ હતી. સલામતિ દળના સૂત્રોએ જણાવ્યું હતું કે દાંતેવાડા જિલ્લાના ટેટેમડાગુના જંગલમાં સલામતી દળે સાત નકસલવાદીઓને ઠાર કર્યા હતાં. છત્તીસગઢના સશસ્ત્ર સલામતિ દળો અને અધિકારી સહિતની ટૂકડી પર નકસલવાદીઓએ હુમલો કર્યો હતો. આ ટુકડી નકસલવાદ વિરોધ ઓપરેશન કરીને પરત ફરી રહી હતી ત્યારે થયેલી આ અથડામણમાં સાત નકસલી ઠાર થયા હતા અને ત્રણ રાયફલ તેમજ સુરંગો કબજે કરાઈ હતી.
કોડા કેસની તપાસમાં મુંડા સહકાર આપશે
(પી.ટી.આઈ.) રાંચી,
ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અર્જુન મુંડાએ આજે જણાવ્યું હતું કે મધુ કોડાના કૌભાંડોમાં તપાસ કરી રહેલી ટૂંકડી તેમનો સહકાર માગશે તો તેઓ સહકાર આપવા તૈયાર છે. અર્જુન મુંડાએ પત્કારોને જણાવ્યું હતું કે જો પરિસ્થિતિ ઊભી થશે તો તેઓ સહકાર આપશે. મધુ કોડા અર્જુન મુંડાની કેબિનેટમાં ખાણ મંત્રી હતાં. એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ તે સમયની ફાઈલો પણ તપાસી રહ્યું છે. સપ્ટેમ્બર ૨૦૦૬માં કોડાએ મુંડાને ઉથલાવી યુપીએ સરકારનું નેતૃત્વ હસ્તગત કર્યું હતું.
રાજ ઠાકરેના પક્ષ પર પ્રતિબંધની માંગણી
(પી.ટી.આઈ.) પટણા,
રાજ ઠાકરેના મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પક્ષ પર તત્કાલિક પ્રતિબંધની માંગણી કરી બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારે મનસેના ખોટા કામોથી કોંગ્રેનસે લાભ થયો હોવાનો આક્ષેપ કર્યો હતો. કેન્દ્રની તાત્કાલિક દરમિયાનગીરીની માગણી કરી નિતિશકુમારે જણાવ્યું હતું કે હવે મનસેને સજા કરવાનો સમય પાકી ગયો છે. મનસે દેશના ભાગલા પાડી રહી છે. મનસેના નેતા રાષ્ટ્ર વિરોધી વર્તન કરી ઉત્તર ભારતીય અને બિહારીઓ માટે ગમે તેમ બોલી રહ્યા છે. જેને કારણે મહારાષ્ટ્રમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. મનસેના ધારાસભ્યોએ દેશની રાષ્ટ્રભાષા હિન્દી પર હુમલો કર્યો હતો. મનસેના ધારાસભ્યોની બરતરફી તે અપૂરતી સજા કહેવાય તેમને ધારાસભ્યપદેથી ગેરલાયક ઠરાવી સજા કરવી જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું.
|