|
ગંભીરનું પુનરાગમન લગભગ નિશ્ચિત ઃઓસ્ટ્રેલિયાની મુશ્કેલીઓ વધી
હૈદરાબાદ,
ભારત અને ઓસ્ટ્રેલિયા આવતીકાલે હૈદરાબાદમાં રમાનારી ડે-નાઇટ વન ડેમાં
આમને-સામને ટકરાશે. ભારતની બેટીંગ લાઇનઅપ સ્ટાર બેટ્સમેન ગંભીરના
પુનરાગમનથી વધુ મજબુત બનશે તેમ મનાય છે. જ્યારે વધુ બે ક્રિકેટરો સિડલ અને
હેન્રીક્સ ઇજાગ્રસ્ત બનતા ઓસ્ટ્રેલિયા વધુ નબળુ પડયુ છે. ભારત આવતીકાલે
ઓસ્ટ્રેલિયાને હરાવી શ્રેણીમાં ૩-૨થી સરસાઇ મેળવવા માટે ફેવરીટ છે.
બપોરે ૨.૩૦થી મેચનો પ્રારંભ ઃ તેંડુલકરને ૧૭,૦૦૦ રન પુરા કરવા વધુ સાત રનની જરુર
હૈદરાબાદમાં આવતીકાલે બપોરે ૨.૩૦ વાગ્યાથી મેચનો પ્રારંભ થશે. આવતીકાલની વન ડેમાં બધાની નજર ભારતીય માસ્ટર બ્લાસ્ટર તેંડુલકર પર ટકેલી છે. તેંડુલકરને વન ડે ક્રિકેટ ઇતિહાસમાં ૧૭,૦૦૦ રન પુરા કરવા માટે વધુ સાત જ રનની જરુર છે. ઇજાના કારણે ચોથી વન ડે ગુમાવનારો દિલ્હીનો સ્ટાર બેટ્સમેન ગંભીર ફિટનેસ સાથે પુનરાગમન કરવા તૈયાર છે. ગંભીરને ટીમમાં સમાવવા કોહલીને પડતો મુકવામાં આવે તે લગભગ નક્કી છે. ગંભીરના પુનરાગમનથી ભારતની બેટીંગ લાઇનઅપ વધુ મજબુત બનતા કેપ્ટન ધોનીએ થોડી રાહત અનુભવી છે. જો કે તે મીડલ ઓર્ડરના દેખાવથી ખુશ નથી. મોહાલીમાં રમાયેલી ચોથી વન ડેમાં સેહવાગ અને તેંડુલકરે ભારતને પ્રભાવક શરુઆત અપાવી હતી.
જો કે ત્યાર બાદ બેટ્સમેનો નિયમિત અંતરે પેવેલિયનમાં પરત ફર્યા હતા અને ઓસ્ટ્રેલિયાનો વિજય થયો હતો. મોહાલી વન ડે બાદ કેપ્ટન ધોનીએ સાથી ખેલાડીઓને બેટીંગ સુધારવાની ચેતવણી આપી દીધી હતી. ખાસ કરીને યુવા ખેલાડીઓ બેટીંગમાં નોંધપાત્ર દેખાવ કરી શક્યા નથી જેનાથી ભારતીય ટીમ મેનેજમેન્ટ ચિંતિત બન્યુ છે. જો કે આવતીકાલની વન ડેમાં ભારત ઓસ્ટ્રેલિયાની નબળી બોલીંગનો લાભ ઉઠાવી જીત મેળવશે તેમ મનાય છે. ભારતમાં સાત વન ડેની શ્રેણી રમવા આવેલી ઓસ્ટ્રેલિયાની ટીમનો પાંચમો ખેલાડી ઇજાગ્રસ્ત બની ગયો છે. ફાસ્ટ બોલર સિડલ ચોથી વન ડે બાદ જ ઇજાના કારણે શ્રેણી પડતી મુકી સ્વદેશ પાછો ફર્યો હતો. હવે પાંચમી વન ડે પહેલા ઓલરાઉન્ડર હેન્રીક્સ ઘાયલ થતાં પોન્ટીગની મુશ્કેલીઓમાં વધારો થયો છે. જો કે યુવા ફાસ્ટ બોલર બોલીંગર ફોર્મમાં આવતા ઓસ્ટ્રેલિયાએ થોડી રાહત અનુભવી હતી. બોલીંગરે ત્રીજી વન ડેમાં અસરકારક બોલીંગ કરી હતી. મોહાલીમાં રમાયેલી ચોથી મેચમાં તેણે ત્રણ વિકેટો ઝડપી તરખાટ મચાવ્યો હતો. અલબત્ત, જોહનસનનું કંગાળ ફોર્મ ઓસ્ટ્રેલિયાના ટીમ મેનેજમેન્ટની પરેશાની વધારી રહ્યુ છે. સ્ટાર ખેલાડીઓની ગેરહાજરીમાં પોન્ટીંગ, માઇકલ હસી અને વોટસન પર જવાબદારી વધી જશે. ઓસ્ટ્રેલિયાના ભાવિ કેપ્ટન તરીકે રજુ કરાતા કેમેરુન વ્હાઇટ પર પણ સારા પ્રદર્શનનું દબાણ છે.
ભારત ઃ ધોની (કેપ્ટન), સેહવાગ, તેંડુલકર, ગંભીર, યુવરાજ, જાડેજા, રૈના, નેહરા, પ્રવિણ કુમાર, ઇશાન્ત, હરભજન, મિશ્રા, મુનાફ પટેલ, દિનેશ કાર્તિક, કોહલી, ત્યાગી.
ઓસ્ટ્રેલિયા ઃ પોન્ટીંગ (કેપ્ટન), વોટસન, માર્શ, માઇકલ હસી, વ્હાઇટ, બોલીંગર, હોરિત્ઝ, હિલ્ફેન્હોસ, જોહનસન, મેકી, માનોયુ, વોજીસ, હોલેન્ડ.
|