|
વડાપ્રધાનના સુરક્ષા કાફલાને કારણે કિડનીના દર્દીનું મૃત્યુ |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
Written by GS News
|
|
Tuesday, 03 November 2009 |
|
(પીટીઆઈ) ચંદીગઢ/નવી દિલ્હી,
વડાપ્રધાન કાર્યાલયે ચંદીગઢમાં કિડનીના એક દરદીના મૃત્યુ અંગે તંત્ર
પાસેથી અહેવાલ માગ્યો છે. પીજી ઈન્સ્ટીટયુટ ખાતે વડાપ્રધાનના સલામતી
કર્મીઓએ આ વ્યક્તિને કથિત રીતે અટકાવવા તેને સમયસર સારવાર મળી શકી નહોતી.
ઉલ્લેખનીય છે કે ઘટનાના સમયે વડાપ્રધાન આ હોસ્પિટલમાં પદવીદાન સમારંભમાં
ભાગ લેવા માટે આવ્યા હતા.
સુરક્ષા કર્મચારીઓએ દર્દીના વાહનને બે કલાક સુધી ગોળગોળ ફેરવતાં સારવાર ન મળી ઃ વડાપ્રધાન કાર્યાલયે અહેવાલ માગ્યા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૩૨ વર્ષીય સુમિત પ્રકાશ વર્માને લઈને આવતા વાહનને 'પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ (પીજીઆઈએમઈઆર)'' ના ઈમરજન્સી વિસ્તારમાં પ્રવેશતું અટકાવાયું હતું. જેની થોડી ક્ષણોમાં જ સુમિત મૃત્યુ પામ્યો હતો. તે સમયે 'પીજીઆઈએનઆર'ના પદવીદાન સમારંભમાં ભાગ લેવા માટે વડાપ્રધાન આવ્યા હતા. વર્માના સંબંધીઓએ આરોપ મુક્યો હતો કે તેઓ સુમિતને અંબાલાથી વાહન મારફતે લાવ્યા હતા અને તે વાહનને જુદા જુદા દરવાજે રોકવામાં આવ્યું હતું. જેના કારણે કટોકટીનો સમય વેડફાઈ ગયો હતો.
સુમિતના એક મિત્રએ જણાવ્યું હતું કે, ''અમે પીજીઆઈએમઈઆરની પાસે પહોંચ્યા ત્યારે વડાપ્રધાનનો કાફલો સંકુલમાં પ્રવેશી રહ્યો હતો. ઈમરજન્સી વિભાગ પાસેનો રસ્તો પોલીસે બંધ કરી દીધો હતો અને અમને અન્ય રસ્તે જવા જણાવાયું હતું. અમે બીજા દરવાજે પહોંચ્યા ત્યારે અમે ત્રીજા દરવાજે જવા કહેવામાં આવ્યું હતું અને ત્યાંથી પાછા અમને મૂળ દરવાજે મોકલવામાં આવ્યા હતા. આ દોડાદોડમાં કટોકટીનો સમય વેડફાઈ જતાં અંતે સુમિત મૃત્યુ પામ્યો હતો.''
ઉલ્લેખનીય છે કે વર્મા કિડનીની ગંભીર બિમારીથી પીડાતો હતો અને તેને શ્વાસ લેવામાં પણ તકલીફ હતી. તેનું મૃત્યુ થતાં હવે તેની પત્ની અને બે બાળકો રઝળી પડયાં છે. દરમિયાન સુમિતના મૃત્યુ અંગે વડાપ્રધાન કાર્યાલયે દુઃખ વ્યક્ત કર્યું છે. કાર્યાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ ઘટના અંગેનો સંપૂર્ણ અહેવાલ મગાવવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે વર્માને એમ્બ્યુલન્સમાં લવાયો નહોતો જેના કારણે તેની સ્થિતિ ગંભીર હોવાની જાણ સલામતી કર્મીઓને થઈ નહોતી.
|