૨૦૦૯ના હ્યુમન ડેવલપમેન્ટ રીપોર્ટનું તારણ
(પીટીઆઇ) મુંબઇ,
દેશની આર્થિક રાજધાની મુંબઇના રહેવાસીઓના સરેરાશ આયુષ્યમાં અન્ય ભારતીયોની
સરખામણીએ નાટયાત્મક ઘટાડો થયો છે. હાલમાં જ થયેલા અભ્યાસના તારણો પ્રમાણે
હાડમારી અને તનાવભર્યું જીવન, બિનઆરોગ્યપ્રદ જીવનશૈલીને કારણે મુંબઇકરો
અન્ય દેશવાસીઓ કરતા ૭ વર્ષ વહેલા મૃત્યુ પામે છે. મુંબઇમાં સ્ત્રીઓનું
સરેરાશ આયુષ્ય ૫૮.૧ વર્ષ છે જ્યારે પુરુષોની સરેરાશ આવરદા ૫૨.૬ વર્ષની છે.
હાડમારી, કસરતનો અભાવ, માનસિક તનાવ, બિનઆરોગ્યપ્રદ જીવનશૈલીને કારણે રાષ્ટ્રીય સરેરાશ કરતા ઓછું આયુષ્ય
હાલમાં જ જાહેર કરાયેલા ૨૦૦૯ના હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સરેરાશ મુંબઇવાસીઓ મહારાષ્ટ્રના અન્ય નાગરિકોની સરખામણીએ ૧૨ વર્ષ વહેલા મૃત્યુ પામે છે. નેશનલ રિસોર્સ સેન્ટર ફોર અર્બન પોવર્ટી દ્વારા તૈયાર કરવામાં આવેલા આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે મુંબઇવાસીઓની સરેરાશ આવરદા ૫૬.૮ વર્ષ છે, જેમાં પુરૃષોની આવરદા ૫૨.૬ વર્ષ તથા સ્ત્રીઓની આવરદા ૫૮.૧ વર્ષ છે. જેની સામે રાષ્ટ્રીય સરેરાશ (પુરૃષ અને સ્ત્રી બન્નેની) ૬૩.૭ વર્ષ છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે મુંબઇગરાઓની આવરદા ઘટવાના કેટલાક મુખ્ય કારણોમાં માનસિક તનાવ, શારિરીક કસરતનો અભાવ, આહારમાં પોષકદ્રવ્યોનો અભાવ તથા ઝડપથી વધી રહેલી ઝુંપડપટ્ટી છે.
અહેવાલમાં એમપણ જણાવવામાં આવ્યું છે કે મુંબઇમાં મોટાભાગના મૃત્યુ હાર્ટએટેકના કારણે થતા હોય છે, એ પછી મૃત્યુના કારણોમાં ટીબી (ટયુબરક્લોસીસ), કેન્સર, કિડની ફેઇલ થવી તથા એઇડ્સ છે. વર્ષ ૨૦૦૬માં મુંબઇમાં હાર્ટએટેકના કારણે ૧૨,૬૦૬ લોકોના મોત થયા હતા જેની સામે ૨૦૦૫માં ૧૧,૯૨૧ લોકોના મૃત્યુ હ્દયરોગના હુમલાને કારણે થયા હતા. ૨૦૦૫માં ટીબીને કારણે ૯,૪૯૦ના મોત નિપજ્યાં હતા તો કેન્સર અને કિડની ફેઇલ થવાથી અનુક્રમે ૬,૨૧૨ અને ૨,૧૯૦ લોકોના મોત નિપજ્યાં હતા.આ ઉપરાંત હાડમારીભર્યા જીવનને કારણે મુંબઇવાસીઓમાં હાઇપરટેન્શન, ડાયાબીટીસ તથા હ્દયરોગના દર્દીઓમાં સતત વધારો થઇ રહ્યો છે, ચિંતાની વાત એ છે કે યુવાનો આ સ્થિતિનો વધુ ભોગ બની રહ્યા છે, ખાસ કરીને અનિયમિત ખાનપાન, ફાસ્ટફૂડ ખાવાની ટેવ, આળસ, ઓછી ઉંઘ અને લાંબા પ્રવાસોને કારણે તેમના આરોગ્યને વધુ હાનિ પહોંચતી હોય છે. બિનઆરોગ્યપ્રદ રહેણાંક સ્થિતિ, હવાનું પ્રદૂષણ તથા ધુમ્રપાનને કારણે પણ આરોગ્ય સામે ખતરો સર્જાતો હોય છે. નિષ્ણાંતોના મતે મુંબઇવાસીઓની આવરદામાં ઘટાડાનું અન્ય એક મહત્વનું કારણ એ છેકે મહાનગરની અંદાજે ૬૦ ટકા લોકો ઝુંપડપટ્ટીમાં વસે છે જ્યાં જીવન જીવવા માટેની પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ હોય છે.
|