|
આવકવેરા વિભાગે મધુ કોડાની સંપત્તિ સીલ કરવાનું શરૃ કર્યું |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
સોમવાર, 02 નવેમ્બર 2009 |
|
(પીટીઆઇ) નવી દિલ્હી,
હવાલા કૌભાંડ અને ગેરકાયદે રોકાણના કેસમાં સંડોવણીના આરોપસર આવકવેરા
વિભાગે ઝારખંડના ભૂતપુર્વ મુખ્યપ્રધાન મધુ કોડા અને તેમના સાથીદારોની
સંપત્તિને સીલ મારવાનું શરૃ કર્યું છે. આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે
દેશના જુદ-જુદા શહેરોમાં હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનમાં મધુ કોડા અને તેમના
સાથીઓ દ્વારા અંદાજે રૃ.૨,૦૦૦ કરોડના હવાલા ટ્રાન્ઝેક્શન તથા ગેરકાયદે
રોકાણ થયું હોવાના પુરાવા મળ્યા હતા.
કોડા તથા તેમના સાથીઓ દ્વારા રૃ.૨,૦૦૦ કરોડના હવાલા ટ્રાન્ઝેક્શન, રોકાણના પુરાવા મળ્યા
આઇટી અધિકારીઓએ જણાવ્યું હતું કે ચોક્કસ સ્થળોએ સંપત્તિના માલિકો ઉપલબ્ધ નહિ હોવાને કારણે સીલીંગની કવાયત શરૃ કરવામાં આવી છે. આવકવેરા વિભાગે શનિવારથી શરૃ કરેલા અભિયાન દરમિયાન કેટલીક રોકડ રકમ પણ જપ્ત કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે દેશભરમાં અંદાજે ૭૦ સ્થળોએ કાર્યવાહી ચાલી રહી છે.
આવકવેરા અધિકારીઓએ જણાવ્યું હતું કે દિલ્હી, કોલકત્તા, મુંબઇ, લખનૌ, નાસિક, રાંચી, ચઇબાસા અને જમશેદપુરમાં હાથ ધરાયેલા સર્ચ ઓપરેશન દરમિયાન રૃ.૨,૦૦૦ કરોડથી વધુનું હવાલા ટ્રાન્ઝેક્શન અને ગેરકાયદે રોકાણના પુરાવા મળ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરો (ઇડી)એ મધુ કોડા તથા તેમના સાથીદારો સામે કેસ દાખલ કર્યા પછી આવકવેરા વિભાગે કાર્યવાહી શરૃ કરી હતી. ઇડીએ કોડા તથા તેના સાથીદાર સંજય ચૌધરી અને વિનોદકુમાર સિંહ સામે વિદેશમાં ગેરકાયદે રોકાણ કરવા બદલ કેસ દાખલ કર્યો હતો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે આવકવેરા વિભાગ સંપત્તિના માલિકોને દસ્તાવેજો રજૂ કરવા પણ આદેશ જાહેર કરશે. સર્ચ ઓપરેશન દરમિયાન જો કે મધુ કોડાની પુછપરછ કરવામાં આવી ન હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે સર્ચ ઓપરેશન દરમિયાન મોટી સંખ્યામાં દસ્તાવેજો જપ્ત કરાયા હતા.
|