|
ન્યુઝીલેન્ડના કોચ મોલેસ સામે ટોચના ખેલાડીઓમાં ભારે અસંતોષ |
|
|
|
રમત જગત સમાચાર
|
|
Written by GS News
|
|
Monday, 02 November 2009 |
ખેલાડીઓ મોલેસની હકાલપટ્ટી ઇચ્છે છે
વેલિંગ્ટન,
ન્યુઝીલેન્ડના ક્રિકેટમાં સર્જાયેલા વિવાદમાં કોચ મોલેસ સામે સીનિયર
ખેલાડીઓમાં ભારે અસંતોષની લાગણી ફેલાવા પામી છે. ન્યુઝીલેન્ડના મીડિયામાં
પ્રકાશિત અહેવાલ જણાવે છે કે ટોચના ખેલાડીઓ ઇચ્છે છે કે કોચ મોલેસની
હકાલપટ્ટી કરવામાં આવે. જો કે ન્યુઝીલેન્ડ બોર્ડે હાલના તબક્કે કોઇ
પરિવર્તન કરવાનો ઇન્કાર કરી દીધો છે.
ન્યુઝીલેન્ડ બોર્ડ કોચ નહીં બદલે
વેટ્ટોરીની કેપ્ટન્સી હેઠળ ન્યુઝીલેન્ડે જોરદાર દેખાવ કરતાં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. જો કે ટોચના સીનિયર ખેલાડીઓ ટીમના આ દેખાવ માટે કોચના માર્ગદર્શન કરતાં પોતાના ટીમ વર્કને વધુ શ્રેય આપે છે. તેઓ માને છે કે મોલેસ આંતરરાષ્ટ્રીય કક્ષાએ કોચની કામગીરી સંભાળવા માટે યોગ્ય નથી.
મોલેસે ૧૧ મહિના પહેલા જોન બ્રાસવેલ પાસેથી ન્યુઝીલેન્ડના કોચ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. તેમના કાર્યકાળમાં ન્યુઝીલેન્ડે ૧૯માંથી નવ વન ડે જીતી હતી. જો કે તેઓ આ દરમિયાન રમાયેલી સાતમાંથી એક પણ ટેસ્ટ શ્રેણી જીતી શક્યા નહતા. મોલેસ સામે ખેલાડીઓની નારાજગી બાદ તેમની અને બોર્ડ વચ્ચે બેઠક યોજાય તેવી શક્યતા છે.
સીનિયર ખેલાડીઓને ટાંકીને અહેવાલ જણાવે છે કે, મોલેસ ખેલાડીઓને વ્યુહરચના અંગે કે કોઇ ટેકનીકલ બાબતે મદદ કરતાં જ નથી. છેલ્લા છ મહિનાથી વેટ્ટોરી જ ટીમના કેપ્ટન ઉપરાંત અનઓફિસીઅલ કોચની જવાબદારી સંભાળી રહ્યો છે. ન્યુઝીલેન્ડ બોર્ડે હાલના તબક્કે તો કોચ મોલેસમાં જ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ન્યુઝીલેન્ડ બોર્ડના સીઇઓ વોને કહ્યુ કે, અમારી ટીમ આગામી પાકિસ્તાન સામેની શ્રેણીની તૈયારી કરી રહી છે એટલે હાલ અમે કોચ તરીકે મોલેસને ચાલુ રાખ્યા છે. જો કે અમે ટીમના દેખાવની સમીક્ષા બેઠકમાં ખેલાડીઓના મુદ્દા તરફ પણ ધ્યાન આપીશું.
|