Last Updated:19 ડિસેમ્બર 2011

તામિલનાડુનાં પ્રસિદ્ધ મંદિરમાંથી ચોરાયેલું ઐતિહાસીક અને કિંમતી શિવલીંગ પાછું મળ્યું..!! છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
સોમવાર, 02 નવેમ્બર 2009
હૈદરાબાદ (એજન્સી)
તામિલનાડુનાં થિરુથુરાઈપુંડીનાં મરુદિશ્વરાર મંદિરમાંથી ચોરાયેલા પૌરાણીક અને અમૂલ્ય શિવલીંગને પાછુ મેળવવામાં ચેન્નઈ પોલીસને સફળતા મળી છે. પોલીસની વિશેષ ટીમે શિવલીંગ ચોરનારી તસ્કર ટોળકીને આબાદ ઝડપી પાડી છે. પોલીસે તસ્કરો પાસેથી જપ્ત કરેલું શિવલીંગ અંદાજીત નવસો વર્ષ પુરાણું છે. પન્નાનાં કિંમતી પત્થરથી બનેલા આ શિવલીંગની આંતરરાષ્ટ્રિય બજારમાં પચાસ કરોડ રૂપિયા કિંમત અંકાઈ હતી.
સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, વર્ષ 2009નાં ફેબ્રુઆરી મહિનામાં તામિલનાડુનાં થિરુથુરાઈપુંડીનાં મરુદિશ્વરાર મંદિરમાં તસ્કર ટોળકી ત્રાટકી હતી. મંદિરની ઈમારતની બારીનો સળિયો વાળીને અંદર પ્રવેશેલા તસ્કરોએ તિજોરીનું તાળુ તોડી તેમાંથી લગભગ નવસો વર્ષ પુરાણુ પન્નાનું બનેલું કિંમતી શિવલીંગ ચોરી લીધું હતુ. આ ઘટના પ્રકાશમાં આવતાં જ સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો હતો.

શિવલીંગની ચોરીની ખબર સાંભળતાં જ અનેક શિવભક્તોને ઘેરો આઘાત લાગ્યો હતો. મંદિરનાં સંચાલકો તેમજ પૂજારીઓ પણ ચિંતાતુર બની ગયા હતા. ચોરીનાં આ બનાવનો ભેદ ઉકેલવા માટે તામિલનાડુ પોલીસે એક વિશેષ ટીમની રચના કરી હતી. ચુનંદા પોલીસ અધિકારીઓની આ ટીમે ઐતિહાસીક શિવલીંગને ચોરનાર તસ્કરોનું પગેંરું દાબવાની શરૂઆત કરી હતી.

લગભગ સાતેક મહિનાની જહેમત બાદ પોલીસે શિવલીંગ ચોરનાર તસ્કર ટોળકીનો પત્તો મેળવ્યો હતો અને આ ટોળકીનાં બે ચોરોને આબાદ ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની પાસેથી ચોરાયેલું શિવલીંગ જપ્ત કર્યું હતુ. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતુ કે, તસ્કરો પાસેથી જપ્ત કરાયેલું શિવલીંગ પન્નાનાં કિંમતી પત્થરમાં બનાવાયું હતુ. નવસો વર્ષ પુરાણા આ શિવલીંગની કિંમત અંદાજીત પચાસ કરોડ રૂપિયા અંકાઈ રહી છે. અલબત્ત, ચોરી થયેલું શિવલીંગ પાછું મળતાં જ તામિલનાડુનાં શિવભક્તો આનંદીત થઈ ઉઠ્યાં છે. સાથોસાથ મરુદિશ્વર મંદિરનાં સંચાલકો તથા પૂજારીઓએ પણ હાશકારો અનુભવ્યો છે.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી