Last Updated:19 ડિસેમ્બર 2011

રૃ.૧૫૦ કરોડનું ફ્યુઅલ ખાખ પાંચ લાખ લોકોનું સ્થળાંતર છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
શુક્રવાર, 30 ઓક્ટોબર 2009

Image(પીટીઆઇ)    જયપુર,
ઇન્ડિયન ઑઇલના જયપુર શહેરની બહાર આવેલા ડેપોમાં ફાટી નિકળેલી આગ ૧૮ કલાક પછી પણ બેકાબૂ હતી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આગને કારણે રૃ.૧૫૦ કરોડનું ફ્યુઅલ ભસ્મીભૂત થઇ ગયાનો પ્રારંભિક અંદાજ છે. આગને કારણે આસપાસના વિસ્તારમાંથી ૫ લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. દૂર્ઘટનમાં કંપનીના ૧૨થી વધુ કર્મચારીના મોત નિપજ્યાં છે તથા ૧૫૦થી વધુ લોકોને ઇજાઓ પહોંચી છે. પેટ્રોલીયમ પ્રધાન દેવરાએ જણાવ્યું હતું કે ઇંધણ બળી ગયા પછી આગ બુઝાય એ સિવાય અન્ય કોઇ વિકલ્પ નથી.

૨૪ કલાકથી વધુ સમય છતાં આગ કાબુમાં ન આવી ઃ ૧૩ તોતિંગ ટેન્ક ભસ્મીભૂત ઃ બધું ફ્યુઅલ બળી જાય પછી આગ બુઝાશે

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાયલે જયપુર શહેરથી ૨૦ કિમીના અંતરે આવેલા સીતાપુર ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા ઇન્ડિયન ઑઇલના ડેપોમાં લાગેલી ભયાનક આગદૂર્ઘટનાના કારણો જાણવા તથા ભવિષ્યમાં આ પ્રકારની દૂર્ઘટના ન થાય એ માટેની ભલામણો આપવા ઉચ્ચકક્ષાએ તપાસના આદેશો આપ્યા છે. પેટ્રોલિયમ પ્રધાન મુરલી દેવરાએ ઘટનાસ્થળની મુલાકાત લઇને સ્થિતિની સમીક્ષા કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ ફાટી નિકળ્યા પછી પેટ્રોલિયમ કંપનીના ચાર કર્મચારીઓ બચીને ભાગી છુટવામાં સફળ રહ્યા હતા જ્યારે છ અન્ય કર્મચારીઓ ફસાઇ ગયા હતા.
દેવરાએ દૂર્ઘટનામાં માર્યા ગયેલા પ્રત્યેક મૃતકના પરિવારજનોને રૃ.૧૦ લાખ તથા ઇજાગ્રસ્તોને રૃ.૨ લાખનું વળતર જાહેર કર્યું છે. દૂર્ઘટના સ્થળથી નજીક અનેક એન્જિનયીરીંગ, મેડીકલ તથા ટેકનીકલ કોલેજો આવેલી છે, આગને કારણે આસપાસના વિસ્તારોમાંથી ૫ લાખથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આગના કારણો જાણવા તપાસના આદેશો અપાયા છે જો કે પ્રારંભિક અંદાજ અનુસાર પાઇપલાઇન લીક થવાથી આગ ફાટી નિકળી હોવાનું અનુમાન છે. આઇઓસીના ચેરમેન સાર્થક બરુઆએ જણાવ્યું હતું કે પેટ્રોલ સ્ટોરેજ ટેન્કમાં આગ ફાટી નિકળ્યા પછી ઝડપથી અન્ય ટેન્કો સુધી વિસ્તરી હતી. મથુરા, પાણીપત તથા અમદાવાદથી અગ્નિશામક દળની ટુકડીઓ આગના સ્થળે પહોંચી હતી.

રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે જણાવ્યું હતું કે આગમાં હજુ પાંચથી છ વ્યક્તિઓ ફસાયેલી હોવાની આશંકા છે, જો કે આગ કાબૂુમાં આવ્યા પછી જ તેનો ચોક્કસ અંદાજ મેળવી શકાશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે બોમ્બે હાઇના ફાયર એક્સપર્ટો દૂર્ઘટના સ્થળે ધસી આવ્યા હતા. દેવરાએ જો કે જણાવ્યું હતું કે ઇંધણ સંપુર્ણપણે બળી જાય પછી જ આગ કાબુમાં આવશે અને આ સિવાય આગ બુઝાવવાના અન્ય કોઇ વિકલ્પ નથી. ભયાનક આગને કારણે જયપુરની બહારી વિસ્તારનું આકાશ સંપુર્ણપણે ધુમાડાથી છવાઇ ગયું હતું. જયુપુર-ટોંક હાઇવે પર ૧૦ કિમી દુરથી પણ ધુમાડાને સ્પષ્ટ નિહાળી શકાતા હતા. જીલ્લા કલેક્ટર કુલદીપ રાંકાએ જણાવ્યું હતું કે આઇઓસીના ટેન્કરો પાસે બળી ગયેલા મૃતદેહો સ્પષ્ટ જોઇ શકાતા હતા. અગ્નિશામક દળોએ જણાવ્યું હતું કે સાંજ સુધીમાં તમામ ઇંધણ બળી ગયા પછી આગ બુઝાય એવી શક્યતા છે. જીલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે આસપાસના ગ્રામજનોએ શ્વાસ લેવામાં મુશ્કેલી અનુભવાતી હોવાની ફરિયાદ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આગના સ્થળેથી ૫ કિમી આસપાસનો વિસ્તાર કોર્ડન કરી લેવામાં આવ્યો છે.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી