૫૦૦૦ વર્ષ પહેલાના આયુર્વેદના ગ્રંથોમાં જેનો ''મધુપ્રમેહ'' એટલે ''મીઠો પેશાબ'' તરીકે ઉલ્લેખ કરેલો છે અને જેનું અંગ્રેજી નામકરણ ''ડાયાબીટીસ'' (ડાય-આબીટ-ઈસ) એટલે કે એવો અસાધ્ય રોગ જે માનવીને ધીરે ધીરે મૃત્યુ તરફ લઈ જાય છે તે રોગની ભયંકરતા વિષે, લક્ષણો વિષે, ઉપચાર વિષે અનેકોનેક (અસંખ્ય) લેખો, માહિતી વર્ષોથી અખબારો, મેગેઝીનો અને ટી.વી. દ્વારા તેમજ ડૉક્ટરો તરફથી સતત અપાતી રહી છે અને હજાુ એ કાર્ય ચાલુ જ છે.
અફસોસની વાત એટલી જ કે આ બધી માહિતી અને લેખોનું તારતમ્ય
સામાન્ય માનવીથી પૈસા પાત્ર વ્યક્તિઓને ફક્ત ડરાવવાનું છે, મૃત્યુનો ભય
દેખાડવાનું છે. એ કબુલ કે પરેજી અને કસરત આ રોગને કાબુમાં રાખવામાં મદદ
કરે છે પણ સામાન્ય માનવીને મૃત્યુનો ડર એટલો લાગે છે કે ઘડીએ ઘડીએ 'ગળ્યું
ભુલથી ખવાઈ જશે કે કસરત નહીં કરૃં તો મરી જઈશ' આવા સતત માનસિક તનાવના ઓથાર
નીચે જીવે છે અને પરિણામે જ્યારે જ્યારે તપાસ કરવાની હોય ત્યારે ઘરમાં
'સુગર માપવાનું મશીન' લાવીને રોજ તપાસ કરે છે અને થોડી પણ વધઘટ થાય ત્યારે
જાણે આભ તુટી પડયું એવી લાગણી અનુભવે છે.
એને કોણ સમજાવે કે જે ખોરાક
લેવાય છે તે ''ગ્રામ''માં છે અને બ્લડ સુગરનું રીડીંગ ''મીલીગ્રામ''માં
છે. એટલે બે-ચાર મિલીગ્રામની વધઘટ મૃત્યુ નહીં લાવે. એને કોણ સમજાવે કે એ
ડાયાબીટીસ હોય કે બી.પી., એ બ્રેઈન સ્ટ્રોક હોય કે હાર્ટએટેક - આટલા જ
નહીં પણ ચેપી રોગોને બાદ કરતાં શરીરને થનારા બધા જ રોગમાં જીવનશૈલી
જવાબદાર હશે પણ મૂળ કારણ છે 'માનસિક તનાવ' એટલે કે 'હું મરી જઈશ તો શું
થશે' એ પ્રકારનો તનાવ મુખ્યત્વે જવાબદાર છે. ફક્ત મિડીઆ જ નહીં પણ સૌ કોઈ
ડાયાબીટીસ માટે સામાન્ય માનવીને કઈ રીતે ડરાવે છે તે વિગતો વાંચી લો
૧. ડાયાબીટીસ વધી જશે તો 'અંધાપો' આવશે.
૨. ડાયાબીટીસ વધશે તો 'કિડની' કામ કરતી બંધ થઈ જશે.
૩. બહુ ગળ્યું ખાધું હવે બંધ નહીં કરો તો મરશો.
૪. ડાયાબીટીસ વધી જાય તો પગમાં ગ્રેન્ગ્રીન થાય અને કાપવો પડે.
૫. ગોળી બંધ કરશો તો ડાયાબીટીસ કાબુમાં નહીં આવે.
આ ઉપરાંત અખબારો ભવિષ્યના વર્તારા આપે છે. આખી દુનીયાના
દેશોમાં ડાયાબીટીસ કેટલી ભયંકરતાથી વધી રહ્યો છે તેના સર્વે રીપોર્ટ આપે.
તાજેતરમાં પ્રસિદ્ધ થએલા વર્તારા પણ જાુઓ.
૧. 'ઈન્ટરનેશનલ ડાયાબીટીક ફેડરેશન' નામની સંસ્થાએ કરેલા
સર્વે પ્રમાણે ભારતમાં ૨૦૧૦ના વર્ષના અંતે અંદાજે ૫૦.૮ લાખ લોકોને
ડાયાબીટીસ હશે અને આ આંકડો ૨૦૩૦ના વર્ષના અંતે ૮૭ લાખ સુધી પહોંચશે એટલે
કે આપણા દેશની વસ્તીના ૮.૪ ટકા લોકોને ડાયાબીટીસ હશે. આ સર્વેમાં વધારામાં
જણાવ્યું છે કે ૨૦ થી ૭૯ વર્ષની ઉંમરના ૧૦.૭ લાખ લોકો દર વર્ષે મૃત્યુ
પામશે જેમાં ૫.૮ લાખ સ્ત્રીઓ હશે.
તમે વિચાર કરો જે લોકોને ડાયાબીટીસ થયો નથી તેવા લોકોને પણ
આવુ બધું વાંચીને ડાયાબીટીસ થઈ જાય તો જેઓને વારસાગત અથવા મોટી ઉંમરે
ડાયાબીટીસ થયો હોય તેઓની શું દશા થાય ? અને જેને હમણાં જ ડાયાબીટીસ થયો છે
એવા નવા ડાયાબીટીસવાળાને તો સમજ પડે જ નહીં કે શું કરવું ? ડાયાબીટીસ માટે
ઘણું લખાયું છે અને લખાશે. આજે આ લેખનો આશય સામાન્ય માનવીના મનમાંથી
ડાયાબીટીસ અને તેનાથી થનારા મૃત્યુનો ભય કાઢી નાખવાનો છે. માનસિક તનાવ દૂર
કરવાનો છે. અમુક વાતો અને હકીકતો વિષે જુદી જુદી રીતે વિચાર કરવાનો છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા ૭મી નવેમ્બરનો દિવસ ''ડાયાબીટીસ-ડે'' તરીકે ઉજવે છે.
આખા જગતના દરેક દેશમાં દરેક ગામ કે શહેરમાં આ દિવસે ડાયાબીટીસ અંગે
જાગ્રતી ફેલાવવાના આશયથી સરકારી રાહે ફ્રી ચેકઅપ કાર્યક્રમ પ્રદર્શન
પ્રવચનો, ચાલવાનો કાર્યક્રમ જેવા અનેક કાર્યક્રમોનું એક દિવસથી માંડી
અઠવાડીયા સુધી આયોજન કરવામાં આવે છે. આનો આશય સારો છે. અમદાવાદમાં પણ આવા
એક કાર્યક્રમનું તા. ૫-૬ નવેમ્બરના રોજ આયોજન થયેલ છે. ડાયાબીટીસ રોગ માટે
જાણકારી મેળવવા ઈચ્છતા લોકોએ આવા કાર્યક્રમમાં ભાગ લેવાનું નક્કી કરી
લેવું જોઈએ. આટલી બધી વાતો પછી તમારે શું કરવાનું છે તેની વાત કરીએ.
પહેલાં જણાવ્યું તેમ 'ડરશો તો મરશો' એટલે તમે ગમે તેવી ભયાનક વાતો
ડાયાબીટીસ માટે સાંભળી હોય પણ મનમાંથી ડર કાઢી નાખવાનો છે.
તમારે શું કરવાનું છે
૧. અગમચેતીએ સાવચેતી આ નિયમ યાદ રાખોઃ આપણે રસ્તો ઓળંગતી
વખતે બન્ને બાજાુ જોઈએ છીએ જેથી કોઈ વાહનથી આપણને નુકશાન થાય નહીં. આ માટે
તમારો પહેલો ધર્મ નિયમીત મેડીકલ ચેકઅપ કરાવવાનો છે. ૨૫ વર્ષથી દર બે વર્ષે
અને ૩૫ વર્ષથી દર વર્ષે નિયમિત લોહીની તપાસ જેમાં ભૂખ્યા પેટે અને નોર્મલ
ખોરાક લીધા પછી બે કલાકે બ્લડ સુગરનું પ્રમાણ આઈ.એસ.ઓ. પ્રમાણીત
લેબોરેટરીમાં કરાવી લેવું જોઈએ. ભૂખ્યા પેટે ૯૦ મી.ગ્રામ અને જમ્યા પછી
૧૩૦ મી.ગ્રામથી બ્લડ સુગરનું રીડીંગ વધારે આવે તો ડાયાબીટીસની શરૃઆત થઈ
ગણાય. જેના માતાપિતા, દાદા દાદી કે નાના નાની કે ફોઈ કાકા કે મામાને
ડાયાબીટીસ હોય તેવા લોકોએ ૨૦ વર્ષથી બ્લડ સુગરની તપાસ કરાવી લેવી જોઈએ.
જેનું વજન વધારે હોય તેવા સ્ત્રીપુરુષોએ પોતાના બી.એમ.આઈ. (બોડી માસ
ઈન્ડેક્ષ)નું માપ કઢાવી લેવું જોઈએ. આ માપ ૧૯ થી ૨૪ નોર્મલ ગણાય. જો તમારૃ
માપ ૨૦ વર્ષે પણ ૨૪ થી વધારે હોય તો બ્લડસુગરની તપાસ ૨૦ વર્ષથી શરૃ કરી
દેશો. વારસાગત હોય કે વજનને કારણે હોય પણ જો પ્રથમવારની તપાસમાં બ્લડસુગર
ઉંમરના આંકડાથી વધારે હોય તો પણ કોઇ સંજોગોમાં ડાયાબીટીસની દવા ચાલુ ના
કરશો. એક વાત યાદ રાખશો. વધારે વજન (ઓવરવેઇટ) અને જાડાપણું (ઓબેસીટી)માં
ફરક છે. જાડાપણું એટલે શરીરમાં ચરબીનું પ્રમાણ વધારે હોય. પુરૃષોમાં ૧૬
ટકાથી અને સ્ત્રીઓમાં ૨૦ ટકાથી વધારે હોય તો આ ચરબી ઓછી કરવી પડશે. ફક્ત
ગળ્યું ખાવાથી ડાયાબીટીસ થાય નહીં વધારે પડતું અને વધારે કેલરીવાળો ખોરાક
ખાવાથી વજન એટલે કે ચરબીના જથ્થાથી વજન વધે. તમારે જે ખાવું હોય તે ખાઓ પણ
પુરુષોને ૨૦૦૦ કેલરી જોઈએ અને સ્ત્રીઓને ૧૮૦૦ કેલરી જોઈએ. આ માપથી વધારે
ખોરાક ના લેશો. ચરબીના કોષને ત્રણ ગણું લોહી જોઈએ. આને લીધે પેન્ક્રીઆસને
પૂરતું લોહી ના મળે એટલે પુરતું ઈન્સ્યુલીન નીકળે નહીં અને ડાયાબીટીસ થાય.
૨. માનસિક તનાવ તમારો દુશ્મન છે એ યાદ રાખોઃ ૧૫૦ કરોડની
વસ્તીવાળા આપણા દેશમાં પ્રદૂષણ ઘણું છે, ગળાકાપ સ્પર્ધા છે. આખા દેશના
પ્રત્યેક માનવીમાં ભય અને અજંપો છે. ભયનું કારણ કલ્પના છે. કલ્પનાનું કારણ
વિચારો છે. જો તમારે માનસિક તનાવ ઓછો કરવો હોય તો વિચાર કરવા છોડી દો. આ
તમારે માટે શક્ય નથી. 'માનવી માત્ર - નાના કે મોટા - સ્ત્રી હોય કે પુરુષ
- સૌને ઉંઘવાના સમય સિવાય (કેટલાંક તો ઉંઘમાં પણ વિચારે ચઢી જઈ સ્વપ્ના
જુએ છે) સતત - જીંદગીના અંત સુધી વિચારધારા ચાલુ રહે છે. તકલીફ ત્યાં છે
કે તમે સારા વિચાર કરી શકતા નથી કે તમને સારા વિચાર આવતા નથી. તમારા મગજને
ખરાબ વિચારોનો ઉકરડો કરી દીધું છે. સારા વિચાર ના આવવાનું કે ઓછા આવવાનું
કારણ તમારી આજુબાજુનું વાતાવરણ અને દુનિયાભરના ખરાબ સમાચારો ભાવતા ભોજનની
માફક પીરસવાનું આડોશી પાડોશીથી માંડી અખબારો તરફથી થતું રોજેરોજનું કાર્ય
છે. તમને ભય લાગે સ્વાભાવિક છે. મકાન પડી જવાનો ભય, આત્મીયજન ગુમાવવાનો
ભય, પૈસા નથી તો પણ ભય, પૈસા વધારે છે તો પણ ભય. આ બધામાંથી છુટવાનો તમારી
પાસે એક જ રસ્તો છે આજથી વર્તમાનમાં રહેવા ટેવ પાડો. ડાયાબીટીસ ચેપી નથી
કે પાડોશીને થયો અને તમને થશે. તમારી વર્તમાન પરિસ્થિતિ સારી હોય તો ખૂબ
આનંદમાં રહો, તનાવ નહીં થાય. ખરાબ પરિસ્થિતિ સ્વીકારી લો. તે કાયમ રહેવાની
નથી. સુખ અને દુઃખ ક્ષણિક છે. બસ આટલું જ કરશો તો મગજ વધારે અને ખરાબ
વિચારો નહીં કરે. એક વૈજ્ઞાાનિક હકીકત યાદ રાખો. મગજને વ્યસ્ત અને ત્રસ્ત
રાખશો તો તેને વધારે લોહી અને વધારે ઓક્સીજન જોઈશે. શરીરના બીજા અંગોની
જરૃરીઆતના ભોગે મગજને માનીતું ના કરશો.
મન શાંત હશે તો ખોટા વિચારો નહીં
આવે. ખળખળાટ વહેતી નદીને કિનારે ઉભા રહીને જોવામાં જે મઝા છે તે મઝા નદીના
પ્રવાહમાં તણાવાની નથી એ યાદ રાખો. તમારા પ્રોબ્લેમ એ છે કે તમે ડૉક્ટર
નથી છતાં તમારા બ્લડસુગરના આંકડાને વાંચવાની ભયંકર ભૂલ તમે કરો છો. તમને
અશક્તિ લાગે, થાક લાગે, રાત્રે બાથરૃમ બેવાર જવું પડે તો આ બધી તકલીફો
બીજા રોગોમાં પણ હોય. બ્લડનો રીપોર્ટ અને રોગનું નિદાન એ બન્ને અલગ વસ્તુ
છે. એ ડૉક્ટરનું કામ છે કે તમારી ફરીયાદ, લક્ષણો, શારીરિક તપાસ અને બ્લડ
રીપોર્ટ જોઈ તમને દરદ છે કે નહીં, થવાની શક્યતા છે કે નહીં, દરદ છે તો શું
કરવાનું, ભવિષ્યમાં થાય તો શું કરવાનું. ડૉક્ટર જે સમજાવે તે યાદ રાખો.
તમારી જાતે અશુભ કલ્પનાઓ કરી મરવાના ડરથી માનસિક તનાવ ઉભો કરશો તો
ડાયાબીટીસ એકલો નહીં, બધા જ રોગ તમને થશે. આ વાત ભુલશો નહીં. આજથી તમારા
રીપોર્ટ, તમારા ડાયાબીટીસ અને તમારા આરોગ્યની જવાબદારી તમને વિશ્વાસ હોય
તેવા સહૃદયી અને લાગણીવાળા ડાયાબીટીસના નિષ્ણાત ડૉક્ટરને સોંપી દો. જેમ
ઘરેણાં કે પૈસા બેન્કના સેફ ડીપોઝીટના લોકરમાં મૂકી આવીએ પછી પૈસા કે
ઘરેણાં જતા રહેવાનો ડર જતો રહે તેમ આવા ડૉક્ટર (મળવા થોડા મુશ્કેલ છે)
શોધી કાઢી ડાયાબીટીસની જવાબદારી તેમને સોંપી દો.'
૩. ડાયાબીટીસ વિષેની અદ્યતન માહિતી પણ જાણી લોઃ એ.
ડાયાબીટીસના દર્દી માટે લોહીનું શરીરમાં વ્યવસ્થિત પરિભ્રમણ (બ્લડ
સર્ક્યુલેશન) એ ખૂબ અગત્યનું છે. આ માટે જીંદગીના અંત સુધી નિયમિત ૪૦
મિનિટની ચાલવાની કે ગમતી કોઈ પણ કસરત એક પણ દિવસ પાડયા વગર કરો. અર્ધો
કલાક સવારે અને અર્ધો કલાક સાંજે ચાલશે. આનાથી 'ઈન્સ્યુલીન રેઝીસ્ટન્સ'
ઘટશે. ખોરાકનું પાચન બરોબર થશે. થાક, કંટાળો જતો રહેશે. વધારે પડતી કસરત
પણ સ્ટ્રેસ વધારશે અને ડાયાબીટીસ કાબુમાં નહીં આવે. 'આટલું ચાલીશ તો
ડાયાબીટીસ ઓછો થશે.' એવો બારગેઈન શરીર કદાપી નહીં સ્વીકારે. માટે તનાવ
મુક્ત કસરત કરો. ચાલવાનું ના ફાવે તો સ્વીમીંગ કરો અથવા સ્ટેશનરી સાયકલ
ચલાવો.
બી. અઠવાડીયે એકવાર ઉપવાસ કરો, જેનાથી શરીરને - હોજરી અને
આંતરડાને અને પેન્ક્રીઆસને આરામ મળે. ખોરાક બધો ખાઓ કેળું ખાવું હોય તો એક
ખાઓ. ભાત અને દાળ ખાવા હોય તો રોટલી ના ખાઓ. રોટલી અને બટાકાનું શાક ખાઓ
ત્યારે ભાત ના ખાઓ. કોઈને ત્યાં ગયા હો ત્યારે ''મને ડાયાબીટીસ છે માટે
મારી ચામાં ખાંડ ના નાખશો'' આવો ઢંઢેરો ના પીટો કોઈકવાર ખાંડ કે ખાંડવાળા
પદાર્થ થોડાં ઘણાં ખવાઈ જાય તો 'ગુનો કર્યો એવી લાગણી' (ગીલ્ટફીલીંગ)
કદાપિ ના અનુભવશો. તમે પાપ કર્યું છે એવું ટેન્શન પણ ના રાખશો. મારા એક
મિત્રને ડાયાબીટીસ હતો. તેમના પત્નીને સતત માનસિક તનાવ રહેતો હતો કે આ
ડાયાબીટીસને કારણે પતિનું મૃત્યુ થશે તો શું થશે ? એટલે કડક રીતે પતિ
ભૂલથી પણ ગળ્યું ખાઈ ના જાય એની તકેદારી રાખતા હતા. થોડા વખત પછી આવા સતત
તનાવથી તેમને પણ ડાયાબીટીસ થયો. મૂળ વાત ફરીફરીને તનાવની છે એ યાદ રાખો.
સી. ડાયાબીટીસની પહેલીવાર ખબર પડે ત્યારે તાત્કાલીક દવા
ચાલુ ના કરો અને અથવા જુદી જુદી વૈકલ્પિક થેરેપી - આયુર્વેદ, હોમિયોપેથી
વગેરે - એક સાથે શરૃ ના કરો. ડાયાબીટીસ થવાનું મુખ્ય કારણ પેન્ક્રીઆસ
જન્મથી નબળું છે અથવા વધારે ગળપણ ખાઈને તમે નબળંુ બનાવ્યું છે. આ
પેન્ક્રીઆસ બદલવાની શોધ ભવિષ્યમાં આવે ત્યારે ખરી પણ અત્યારે તો જે છે
તેનાથી ચલાવવાનું છે. જેમ બહુ વાંચવાથી આંખો નબળી પડે ત્યારે આખી જીંદગી
ચશ્મા પહેરવા પડે તેમ તમારું પેન્ક્રીઆસ નબળું પડી ગયું છે તેને મદદ કરવા
આખી જીંદગી 'ઈન્સ્યુલીન' લેવું પડે તો લેવાનું. કડુ કરીયાતુ પીવાથી, લીમડા
કે કારેલાનો રસ પીવાથી ડાયાબીટીસ મટી જાય એવી વાતો સાંભળીને પ્રયોગ ના
કરશો. આ બધી વાતો પ્રાથમિક તબક્કામાં છે. ખાત્રી આપી શકાય નહીં.
ડી. નાઈટ્રીક ઓક્ષાઇડ, ક્રોમીઅમ, આર્જીનના, કાળા મરી, લસણ,
જીનસેંગી હીમોક્ષાઈ-૧૧, રીઝર્વેરોલ સપ્લીમેન્ટ તરીકે લો. પહેલાં જણાવ્યું
તે પ્રમાણે ડાયાબીટીસના દર્દીઓ માટે લોહીનું શરીરમાં વ્યવસ્થિત પરિભ્રમણ
ખૂબ અગત્યનું છે, જેથી પેન્ક્રીઆસને ઈન્સ્યુલીન ઉત્પન્ન કરવાના કાર્યમાં
વિક્ષેપ ના પડે. આ માટે કસરત તો કરવી જ પડશે પણ હવે અદ્યતન પ્રયોગોથી એવું
સિદ્ધ થયું છે કે મોટી ઉંમરે તેમજ ડાયાબીટીસવાળા દર્દીને જે 'ન્યુરાઈટીસ'
એટલે કે પગ અને હાથની આંગળીઓમાં ઝણઝણાટી થાય, પગ ખંેચાય, ગાદી ઉપર ચાલતા
હોય તેવું લાગે ત્યારે તેમાં વિટામીન બી-૧, બી-૬ અને બી-૧૨ તો થોડી મદદ
કરશે જ પણ જો તમે એવો ખોરાક કે એવો ઉપચાર કરો જેનાથી 'નાઈટ્રીક ઓક્ષાઈડ'
શરીરમાં ઉત્પન્ન થાય અને તેનું લેવલ સતત જળવાય તો પગના અંગુઠા કે આંગળીમાં
ઈજા થઈ હોય ત્યારે લોહીનું પરિભ્રમણ બરોબર હોય તો ગેન્ગ્રીન થવાની શક્યતા
જતી રહે. આમાં ઉપચારમાં ઠંડા અને ગરમ પાણીમાં પગને વારાફરતી બોળવાની
ક્રિયા, માલીશ તો મદદ કરશે પણ મથાળે બતાવેલા સપ્લીમેન્ટમાં અગત્યના ૧.
ક્રોમીઅમ ૨. વેનેડીઅમ ૩. મેગ્નેશ્યમ ૪. ઝીંક વગેરે લેવાથી ઈન્સ્યુલીન
રેઝીસ્ટન્સ ઓછો થાય અને ડાયાબીટીસ પર કાબુ મેળવાય. આ સિવાય હિમોક્ષાઈડ-૧૧
સપ્લીમેન્ટ લેવાથી નાઈટ્રીક ઓક્ષાઈડનું લેવલ શરીરમાં જળવાય, બ્લડ
સરક્યુલેશન સરસ રીતે થાય અને ડાયાબીટીસ કાબુમાં રહે. આ સિવાય 'રીઝર્વેશેલ'
નામનો પદાર્થ જે કાળી દ્રાક્ષમાંથી મળે છે તે લેવાથી પણ ડાયાબીટીસના
દર્દીનો ઇન્સ્યુલીન રેઝીસ્ટન્સ ઓછો થાય છે અને બ્લડસુગર લેવલ ઘટે છે. એક
વધારાનો એમીનો એસીડ આર્જીનીન પણ નાઈટ્રીક ઓક્ષાઈડનું લેવલ જાળવવામાં મદદ
કરે છે અને તે રીતે ડાયાબીટીસના દર્દીને રોગ કાબુમાં રાખવામાં મદદ કરે છે.
જીનસંગ, કાળા મરી, લસણ પણ તમારા શરીરમાં લોહીનું પરિભ્રમણ વધારવામાં મદદ
કરે છે, જેથી ડાયાબીટીસ કાબુમાં આવે છે.
છેલ્લે એટલું જણાવું કે 'ડાયાબીટીસ' તમારો હરીફ નથી પણ
મિત્ર છે એમ માની એને હરાવીને જીતવાનો પ્રયત્ન છોડી દો. એને મિત્ર બનાવવા
તેની પૂરતી કાળજી લો એટલે કે ખોરાકમાં સાચવો. ગળ્યું ના ખાઓ. વજન ના
વધારો. નિષ્ણાત ડૉક્ટરને તેનો હવાલો સોંપી દો. કસરત એક પણ દિવસ કરવાનું
ભૂલો નહીં. માનસિક તનાવ ઓછો કરવા પણ કોઈ લાફીગ કલબમાં જોડાઈ જાઓ.
|