તેંડુલકરની સિદ્ધિઓ ક્રિકેટ જગત માટે પ્રેરણા રુપ છે
સેન્ચુરિયન,
ઓસ્ટ્રેલિયા પોન્ટીંગને તેડુલકરના વર્લ્ડ રેકોર્ડ તોડવા જ સતત રમાડતુ
હોવાની ભારતીય ચાહકોની શંકા સાચી પડી છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પોન્ટીંગે
ખુદ કબુલાત કરી છે કે, મારુ હવે પછીનું લક્ષ્ય તેંડુલકરના વર્લ્ડ રેકોર્ડ
તોડવાનું છે. તેંડુલકરે તેની ૨૦ વર્ષ લાંબી કારકિર્દીમાં અનેક રેકોર્ડ
પ્રસ્થાપિત કર્યા છે. જે અમારા જેવા ખેલાડીઓ માટે પડકારરુપ છે. અમે તેના
રેકોર્ડની શક્ય તેટલી નજીક જવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.
પોન્ટીંગ વન ડેમાં ૧૨,૦૦૦ રન કરનારો વિશ્વનો ત્રીજો અન ઓસ્ટ્રેલિયાનો પ્રથમ ખેલાડી બન્યો હતો. પોન્ટીંગે કહ્યુ કે, તેંડુલકર વિશ્વના તમામ બેટ્સમેનો માટે પ્રેરણારુપ છે. તેંડુલકર ખરેખર ક્રિકેટ વિશ્વની વિરલ પ્રતિભા છે. તેની કારકિર્દીના આંકડા અને રેકોર્ડ જ તેની મહાનતાની સાબિતી છે. વધુમાં તેણે ૨૦ વર્ષો સુધી ટોપ લેવલના ક્રિકેટમાં જબરદસ્ત પ્રદર્શન કરતાં શ્રેષ્ઠતા જાળવી બતાવી છે. તે ખરેખર અદ્ભુત છે. તેંડુલકરે તેની વન ડે કારકિર્દીમાં ૪૩૦ મેચ રમી ૪૪.૪૮ની સરેરાશથી ૪૪ સદી અને ૯૧ અડધી સદીને સહારે ૧૬૯૦૩ રન કર્યા છે. જ્યારે પોન્ટીંગે વન ડેમાં ૩૨૩ મેચો રમતાં ૨૮ સદી અને ૭૦ અડધી સદી સાથે ૪૩.૩૨ રનની સરેરાશથી ૧૨૦૪૩ રન કર્યા છે. પોન્ટીંગે હળવી શૈલીમાં જણાવ્યુ કે, જો તેંડુલકરની જેમ હું ૨૦ વર્ષોથી રમતો હોત તો મારે અત્યારે કદાચ વ્હીલચેરમાં બેસીને બેટીંગ કરવા આવવું પડત. તેંડુલકર આટલી લાંબી કારકિર્દી છતા જબરદસ્ત ફિટનેસ ધરાવે છે તેની રન-ભૂખ અને જીતવા માટેનો જુસ્સો હજુ યુવા ક્રિકેટરો જેવો જ છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકટમાં હાલ તેંડુલકર અને પોન્ટીંગ વચ્ચે એક પ્રકારની સ્પર્ધા ચાલી રહી છે. અગાઉ તેંડુલકર અને લારાની સરખામણી થતી અને તેઓ વચ્ચે શ્રેષ્ઠ કોણ તેની ચર્ચા રસપ્રદ બનતી. જો કે લારાની નિવૃત્તિ બાદ પોન્ટીંગ તેંડુલકર સાથે હરિફાઇમા ઉતર્યો છે. કેટલાક ભારતીય ચાહકો માને છે કે ઓસ્ટ્રેલિયા તેંડુલકરના રેકોર્ડ પોન્ટીંગ તોડે તે માટે તેની કારકિર્દીને લંબાવી રહ્યુ છે. બંને સ્ટાર ખેલાડીઓ વચ્ચે ટેસ્ટમાં વધુ નજીકની હરિફાઇ છે. ટેસ્ટમાં તેંડુલકરે ૧૫૯ ટેસ્ટમાં ૪૨ સદી અને ૫૩ અડધી સદી સાથે ૫૪.૫૮ની સરેરાશથી ૧૨૭૭૩ રન ફટકાર્યા છે. જ્યારે પોન્ટીંગે ૧૩૬ ટેસ્ટમાં ૫૫.૮૮ની સરેરાશથી ૩૮ સદી અને ૪૮ અડધી સદીને સહારે ૧૧૩૪૫ રન કર્યા છે. પોન્ટીંગે તેની વન ડેની સિદ્ધિ અંગે કહ્યુ કે, મને મેચ પહેલા ખબર નહતી કે મારે ૧૨,૦૦૦ રન પુરા કરવા માટે કેટલા રનની જરુર છે. હું સદી ફટકારવાના ઇરાદા સાથે રમતો હતો. ઇંગ્લેન્ડ સામેના વિજય માટે પોન્ટીંગે યુવા ખેલાડીઓના જબરદસ્ત પ્રદર્શન અને ટીમવર્કને શ્રેય આપ્યો હતો. ઓસ્ટ્રેલિયા સતત બીજી વખત આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશ્યુ છે. છેલ્લા પાંચ વર્ષોમાં ઓસ્ટ્રેલિયા ટ્વેન્ટી-૨૦ વર્લ્ડકપ સિવાયની આઇસીસીની બધી ટુર્નામેન્ટો જીત્યુ છે.