|
વિમર્શ - જો પરમ ગતિ પ્રાપ્ત કરવી હોય તો અક્ષરબ્રહ્મ યોગની આરાધના કરવા જેવી છે |
|
|
|
ધર્મલોક
|
|
આના લેખક છે GS NEWS
|
|
બુધવાર, 17 સપ્ટેમ્બર 2008 |
ભગવદ્ ગીતાનો આઠમો અધ્યાય 'અક્ષર બ્રહ્મ' વિશે છે. તેની શરુઆત અર્જુનના બે
પ્રશ્નોથી થાય છે. ત્યાર પછી અર્જુન કંઈ સંભાષણ કરતો નથી અને બાકીના આખાય
અધ્યાયમાં શ્રીકૃષ્ણનું વકતવ્ય છે. આ અધ્યાયની મૂળ વાત 'અક્ષરબ્રહ્મ'ને
અર્થાત્ પરમાત્માને પામવાની છે. જીવાત્મા જ્યાં સુધી પરમ તત્ત્વને પ્રાપ્ત
કરતો નથી ત્યાં સુધી તે અનંતા જન્મ-મરણ કરતો રહે છે. પરમાત્મા કહો કે પરમ
તત્ત્વ કહો આ એક એવી શાશ્વત આનંદમય અવસ્થા છે કે જે પ્રાપ્ત કર્યા પછી
જીવાત્માએ કંઈ પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી. આ અવસ્થા કેવી રીતે
પ્રાપ્ત થઈ શકે તે અર્જુનને પ્રશ્ન છે. વળી અર્જુનની એ પણ જાણવાની ઇચ્છા
છે કે અંત સમયે જીવાત્મા પરમાત્માને પ્રાપ્ત કરવા માટે શું કરી શકે ? આમ
મૂળ વાત છે પરમ અવસ્થાની પ્રાપ્તિની.
આ અધ્યાયમાં વાત એ સમજવાની છે કે ભગવાન ભગવત્તા સ્વરૃપે વિશેષ વિદ્યમાન છે
અને વ્યક્તિ સ્વરૃપે તેનું અસ્તિત્વ ભાગ્યે જ વર્તાય છે. છતાંય બહુજન
સમાજની પરમાત્મા વિષેની ધારણ વ્યક્તિ સ્વરૃપે વધારે
રહે છે. કારણ કે તેની મૂર્તિ બનાવીને તેના સ્વરૃપને પૂજી શકાય, ભજી શકાય અને તેની સાથે એકતરફી સંવાદ પણ થઈ શકે. ભગવન્તા સ્વરૃપે આ વાતને વિચારીએ તો બ્રહ્મની વાત આવે જે સામાન્ય માણસને માટે ઘણી ભારે પડે. બ્રહ્મ એ પરમાત્માનો વાચક શબ્દ છે. બ્રહ્મ અજ્ઞાત છે, અજ્ઞોય છે પરંતુ માનવ જાતનું તે પરમ પ્રાપ્તવ્ય છે. બ્રહ્મ એ અસ્તિત્વનું અર્થાત્ સકળ સંસારનું કેન્દ્ર છે. સંસાર તે કેન્દ્રની આસપાસ વર્તુળાકારે ફર્યા કરે છે. ઉત્પત્તિ, વિકાસ, વિલય અને વળી પાછી ઉત્પતિ એમ ચક્ર અવિરત ચાલ્યા જ કરે છે. બ્રહ્માનો વાચક અક્ષર છે. તે અસ્તિત્વનો બીજમંત્ર છે.
અસ્તિત્વનું આ કેન્દ્ર સ્થિર છે, શાશ્વત છે માટે સંસાર અનાદિ અનંત છે. આ એક પરમ રહસ્ય છે. જીવ તેને જાણી ન શકે પણ તેમાં સ્થિતિ કરી શકે. તે અનંત આનંદની સ્થિતિ છે અને તે તરફની યાત્રા પણ આનંદમય બની રહે છે. અસ્તિત્વના આ કેન્દ્રને પણ આપણે સગુણ અને સાકાર માનીને ચાલીએ તો તે પરમાત્મા છે. નિર્ગુણ- નિરાકાર માનીને યાત્રા કરતા રહીએ તો બ્રહ્માંડમાં જઈ પહોંચીએ.
શ્રી કૃષ્ણ અર્જુનના પ્રશ્નોનું સમાધાન કરાવતા કહે છે કે, જે જીવાત્મા મારું પરમાત્માનું સ્મરણ કરતો રહે છે ચિંતન કરતો રહે છે તે અંતે મને જ પામે છે. અંત સમયે પણ જો જીવ મારું સ્મરણ કરતો રહે છે, મારું ધ્યાન કરતાં શરીર છોડે છે તે મને પામે છે. અર્થાત્ કે તે પરમાત્મ અવસ્થાને પ્રાપ્ત કરી લે છે. જીવનમા અંતિમ ક્ષણ ખૂબ મહત્ત્વની છે તે સમયે માણસનું ચિત્ત જે ભાવમાં રમતું હોય છે તે અનુસાર તેની મરણોત્તર ગતિ થાય છે. જો તે પરમાત્માનું સ્મરણ કરતા- ધ્યાન કરતા શરીર છોડે તો તેનો બીજો જન્મ ઉચ્ચ અને સુવિધાપૂર્ણ યોનિમાં થાય છે જ્યાં તે ઐશ્વર્ય સંપન્ન અવસ્થા પ્રાપ્ત કરે છે. અને જીવાત્મા જો આમ ઉત્તરોત્તર પ્રગતિ કરતો રહેતો અંતે પરમાત્મામય થઈ જાય છે. પછી તેનું સંસારમાં આગમન થતું નથી અને સદાકાળ માટે સુખ-દુઃખના દ્વંદ્વથી મુક્ત થઈ જાય છે.
પ્રશ્ન થાય કે ચિત્તનું પરમાત્મામાં હોવું એટલે શું ? જેનું ચિત્ત 'સ્વ'માં અર્થાત્ શરીર સંબંધી બાબતોની ચિંતા ન કરતાં કેવળ અસ્તિત્વમય થઈ ગયું હોય કે પારમાર્થિક ભાવોમાં રમતું હોય તો તે પરમાત્મામાં હોવા બરાબર છે. આ અવસ્થા રાગદ્વેષ રહિત થયા વિનાની આવી શકે નહિ. તેવે સમયે જીવને જીવવાની આકાંક્ષા ન હોય અને મરણનો ભય ન હોય બચવાનો કોઈ વિચાર ન હોય, મેળવવાની કાંઈ ઝંખના ન હોય તે પરમાત્માને અસ્તિત્વને
પૂર્ણતયા સમર્પિત હોય. જીવનભર આવો અભ્યાસ રાખ્યો હોય તો જ અંતિમ ક્ષણે આવા ભાવ રહે.
છતાં ય અંતિમ ક્ષણને સુધારી લેવા શ્રીકૃષ્ણે એક સચોટ પ્રયોગનું સૂચન કર્યું છે તે સમયે જીવ ઇન્દ્રિયોના સર્વ વેપારોને રોકી લઈને ભૂ્રકૂટિની વચ્ચે પ્રાણને સ્થિર કરી પરમાત્માના વાચક અક્ષર 'નું ધ્યાનસહ સ્મરણ કરતો રહે અને તેવી સ્થિતિમાં તે શરીર છોડે તો તેની પરમ પ્રતિની યાત્રા તો શરુ થઈ જ જાય. આ યાત્રા સ્થૂળથી સૂક્ષ્મ તરફની છે, સગુણ- સાકારથી નિર્ગુણ- નિરાકાર બ્રહ્મ તરફની હોય છે. છતાં ય તે તદ્દન આલંબન રહિત નથી. તેથી જીવાત્માને સરળ રહે છે.
ભગવાન શ્રીકૃષ્ણે આ અધ્યાયમાં અસ્તિત્વની પરમ આનંદમય અવસ્થા કેવી રીતે સુલભ થઈ શકે તેની વાત કરી છે. તેણે આ પરમધામમાં પહોંચવાના બે માર્ગોની વાત સાંકેતિક રીતે રીતે છે. તેમણે નિષ્કામ ભાવે અસ્તિત્વને સમર્પિત થવાની વાતને મહત્વ આપ્યું છે. પછી માર્ગ ગમે તે હોય છતાંય તેમનો ઝોક ભક્તિ તરફ વિશેષ વર્તાયા વિના રહેતો નથી. વાત છે અસ્તિત્વને સમર્પિત થઈને જીવવાની અને વિકલ્પરહિત થઈને તે મૃત્યુ સમયે અક્ષરબ્રહ્મઁ'માં સ્થિતિ કરવાની. વાતનો નિષ્કર્ષ એ નીકળે છે કે અક્ષરની આરાધના કરતાં અક્ષરધામમાં પહોંચી શકાય.
|