Last Updated:19 ડિસેમ્બર 2011

shat.jpg
અમૃતની અંજલિ - જિંદગી ગણિતથી પણ વધુ જટિલ છે ફક્ત એક ભૂલ અને દાખલો કાયમી ખોટો!! છાપો ઈ-મેલ
ધર્મલોક
આના લેખક છે GS NEWS   
બુધવાર, 17 સપ્ટેમ્બર 2008
જિંદગી જેમ સહુને અલગ અલગ મળે છે એમ જિંદગી પ્રત્યે વિચારવાના અભિગમ પણ સહુમાં અલગ અલગ મળે છે. જુવાનને જિંદગી મદિરા સમી લાગે કે જે એનામાં કેફ-ઉન્માદ અને મસ્તી જગાવે, તો અનુભવી વ્યક્તિ જિંદગી પ્રયોગશાળા સમી લાગે કે જેની પ્રત્યેક ઘટનાઓ નવા નવા પદાર્થપાઠો શીખવે; બાળકને જિંદગી કલ કલ નિનાદ કરતાં ઝરણાં સમી લાગે કે જ્યાં જવાબદારીના ભાર વિનાનો નિર્દોષ વિહાર હોય, તો નિરાશ થયેલી-નિષ્ફળ ગયેલી વ્યક્તિને જિંદગી કચ્છ બળતી પોરના કચ્છના રણ સમી લાગે કે જ્યાં માત્ર દઝાડી દે એવા તમતમતા તડકા-ભડકા જ હોય!!

જિંદગી પ્રત્યેના સહુના આવા અલગ અલગ અભિગમનાં કારણે જ પેલી મસ્ત વાસ્તવિક પંક્તિઓ રચાઇ હશે કે

જુદી છે બંદગી નમાજે નમાજે...

જુદી છે જિંદગી મિજાજે મિજાજે...


પણ.. સબૂર! 'મનસુખ ઝવેરી' જિંદગી પ્રત્યેના એક નવા જ અભિગમનો આવિષ્કાર કરે છે કે જે વાસ્તવિક પણ
છે અને બોધક-પ્રેરક પણ છે. આ અભિગમ વ્યક્ત કરતાં જિંદગીને જ ઉદ્દેશીને એ લખે છે આ માર્મિક પંક્તિઓ કે
''જિંદગી! ન્હોતી ખબર કે માત્ર તું તો છે ગણિત,

એક ડગલું ખોટું ને ખોટો જ આખો દાખલો.


ના, ગણિત શાની?
ગણિતમાં આંકડા ભૂંસી રકમ પાછી ખરી માંડી શકાયે,
જિંદગીમાં એ ક્યહીં?''
કેટલું વાસ્તવિક નિરૃપણ છે આમાં? એક આંક ખોટો લખાઇ જવાનાં કારણે આખો દાખલો ખોટો બની ગયો હોય તો ય એ નવેસરથી લખીને દાખલો સાચો ઠેરવી શકાય છે. સરતચૂકનાં કારણે વસ્ત્ર પર બેહૂદો ડાઘ લાગી જાય તો ય અકસીર ઉપાયોથી નાબુદ કરીને પુનઃ પૂર્વવત્ સ્વચ્છ બનાવી શકાય છે. બેદરકારીનાં કારણે દિવાલ પર જામી ગયેલ કાજળ કાળા રંગના ડાઘ પણ દિવાલ નવેસરથી રંગાવીને દૂર કરી શકાય છે. પરંતુ જિંદગી માટે મહદંશે આવું બની નથી શકતું.

કેટલીક બાબતો એવી છે કે જેમાં ભૂલ-ક્ષતિ કે 'ખોટું' એક જ વાર થયું હોય છતાં એના પડછાયા પૂરી જિંદગીપર્યંત છવાયેલો રહે!! એક જ વાર ચોરી કરવા નીકળેલ વ્યક્તિ પકડાઇ જય એ પછી પૂરી જિંદગી 'ચોર' તરીકેનું કલંક એનાં લલાટે અંકાઇ જાય, તો એક જ વાર આકર્ષણવશ શીલભંગ કરે એ વ્યક્તિ પૂરી જિંદગી શીલભ્રષ્ટ ગણાઇ જાય!! સંસ્કૃત સુભાષિતકારો એટલે જ તો સ્પષ્ટ શબ્દોમાં સતી-અસતીની વ્યાખ્યા કરતાં લખે છે કે ''એકદાપિ સતી લુપ્ત-શીલા  સ્યાદસતી સદા''

મતલબ કે એકવાર પણ શીલભ્રષ્ટ થતી સતી પછી સતી નથી ગણાતી, અસતી ગણાય છે.
જિંદગીમાં મુખ્યત્વે બે ક્ષેત્રો એવાં ગણી શકાય કે જેમાં થતી એક વારની પણ ભૂલ જિંદગીપર્યંત નડવાની ખૂબ મોટી સંભાવના રહે. આમાંનું પ્રથમ છે સંબંધોનું ક્ષેત્ર. આવેશમાં આવી જઇને વ્યક્તિ કોઇને ભયંકર રીતે અપમાનિત કરી દે, કે હૈયું વિંધઇ જાય એવી મર્મઘાતી ઠેકડી- મજાક કરી બેસે; ત્યારે સંબંધોમાં જે ધરતીકંપ સર્જાય છે એમાં માફીની મરામત પણ કામિયાબ નથી નીવડતી ઘણીવાર. રાજકન્યા સંયુક્તાનું અપહરણ કરીને રાજા જયચન્દ્રને છડેચોક અપમાનિત કરનાર પૃથ્વીરાજ ચૌહાણને એના અંજામરૃપે જાન અને રાજ બન્ને ગુમાવવા પડયા, તો 'આંધળાના દીકરા આંધળા જ હોય' એવી મર્મવેધી મશ્કરી કરનાર દ્રૌપદીને દાસીથી ય ભૂંડી હાલતમાં જાહેર અપમાન વેઠવું પડયું. શું દર્શાવે છે આ? એ જ કે એક વારની પણ ભૂલ સંબંધોનાં ક્ષેત્રે જો થઇ જાય તો એ પૂરી જિંદગીપર્યંત નડી શકે છે.

બીજું છે સદાચારનું ક્ષેત્ર. વ્યક્તિ ભલે જ્ઞાાની હોય, પ્રબુદ્ધ હોય યા પ્રતિષ્ઠિત હોય. પરંતુ ચારિત્રશીલતા- નીતિમત્તા- વ્યસનત્યાગરૃપ સાદાચારનાં ક્ષેત્રે એકાદ વાર પણ ભૂલ કરી બેસે તો એ ભૂલ એને જિંદગીપર્યંત નડયા કરે. આનું સચોટ ઉદાહરણ નિહાળવું હોય તો યાદ આવે યુધિષ્ઠિર. મૂર્તિમાન 'ધર્મરાજ' તરીકે જે વિખ્યાતિ વર્યા હતા એ યુધિષ્ઠિરની પ્રતિષ્ઠા જુગારનાં વ્યસનને કારણે કેવી નિમ્ન બની - ખંડિત થઇ એ જાણવું છે? તો

વાંચો અ-જૈન મહાભારતનો આ અલ્પ પ્રસિદ્ધ પ્રસંગ

વનવાસ પૂર્વે યુધિષ્ઠિર જ્યારે રાજમહેલ શોભાવતા હતા ત્યારે એક માલણ રોજ એમના હાથમાં તાજાં-તાજાં પુષ્પો આપી જતી. અલબત્ત એમાંનાં કેટલાંક પુષ્પો વિકસિત રહેતાં, તો કેટલાંક પુષ્પો વળી અવિકસિત યા અર્ધવિકસિત પણ રહેતાં. પરંતુ ધર્મરાજ યુધિષ્ઠિરના પાવન સ્પર્શની કમાલ એ સર્જાતી કે એ તમામ પુષ્પો તત્ક્ષણ વિકસ્વર બની જતાં. માલણ આ ચમત્કાર નજરોનજર નિહાળીને યુધિષ્ઠિરની મહાનતા પર મનોમન મુગ્ધ થઇ જતી. આવું એક-બે દિવસ નહિ, વર્ષોપર્યંત નિયમિતભાવે બન્યું.

એ પછી પાંડવોનો વનવાસ આવ્યો, ચૌદ વર્ષના અંતે 'મહાભારત'નું ભીષણ યુદ્ધ લડાયું અને એમાં વિજયી બનીને યુધિષ્ઠિર પુનઃ હસ્તિનાપુરમાં પ્રવેશ્યા. વિજેતા મહારાજા યુધિષ્ઠિરના રાજમહેલમાં વળતે જ દિવસે પેલી માલણ પુષ્પોની ભેટ લઇને પહોંચી ગઇઃ એ જ મુગ્ધતા ને એ જ બહુમાનભાવ હૃદયમાં ધરીને. એને ટકોરાબંધ વિશ્વાસ હતો કે યુધિષ્ઠિરરાજાનો હસ્તસ્પર્શ  થતાંવેંત અવિકસિત કળીઓ  વિકસ્વર થશે જ.
પણ.. આ શું? એવો કોઇ ચમત્કાર એ દિવસે થયો નહિ. માલણ ખિન્ન થઇ ગઇ. બીજો દિવસ.. ત્રીજો દિવસ.. ચોથો દિવસ.. સતત સાત દિવસ આમ જ બન્યું. એક પણ અવિકસિત- અર્ધવિકસિત કળી ખીલી નહિઃ જાણે યુધિષ્ઠિરના સ્પર્શનો જાદુ ક્યાંક ગાયબ થઇ ગયો ન હોય!! માણલ સખેદ આશ્ચર્ય અનુભવી રહી. એણે આ વાત અર્જુનને કહી. અર્જુન પણ આનો તાગ ન મેળવી શક્યો. એટલે એણે એ વાત કૃષ્ણને કરી.

શ્રીકૃષ્ણ તો આનું રહસ્ય જાણતા જ હતા. છતાં વિશેષ પ્રતીતિ કરાવવા એમણે કહ્યું કે કાલે માલણ જ સ્વયં પુષ્પોને આ પ્રશ્ન પૂછે તો પુષ્પો જ એનો ઉત્તર આપશે. આ નવું આશ્ચર્ય નિહાળવા બીજે દિવસે પાંડવો એકત્ર થઇ ગયા. સૂચના મુજબ માલણે પુષ્પોને એનું રહસ્ય પૂછ્યું. તો પુષ્પોએ ઉત્તર દીધો ઃ

''પૂર્વે યુધિષ્ઠિરરાજાના આ હાથ એટલા પવિત્ર હતા કે એના પ્રભાવથી અમારા પૂર્વજ પુષ્પો આપોઆપ વિકસ્વર થઇ જતાં હતાં. પરંતુ જે દિવસે યુધિષ્ઠિરરાજા જુગાર રમ્યા, તે દિવસથી એમના હાથોએ ેએનો અસલ પ્રભાવ ગુમાવી દીધો. એ નિંદનીય કૃત્યનાં ફળરૃપે તેઓ ભલે ચૌદ ચૌદ વર્ષ વનવાસ- ગુપ્તવાસની સજા ભોગવી આવ્યા. પરંતુ તો ય હજુ એ પાપ સર્વથા નષ્ટ નથી થયું. એની કેટલીક અસરો હજુ પણ જારી છે. એટલે જ એ મલિન હાથ અમને વિકસ્વર નથી બનાવી શકતા!!''
સહુ પાંડવો સ્તબ્ધ થઇ ગયા  આ સાંભળીને...
શું દર્શાવે છે અ-જૈન મહાભારતનો આ પ્રસંગ? એ જ કે સદાચારનાં ક્ષેત્રે એક વાર પણ થયેલ ભૂલ ઘણી વાર પૂરી જિંદગીને નડે-કનડે છે. નહિ તો યુધિષ્ઠિરની મહત્તા ન્યૂન થાય એવો આ પ્રસંગ રામાયણના પાને કંડારાત નહિ.

છેલ્લે એક વાત ઃ સંબંધ અને સદાચાર, આ બે ક્ષેત્રે થતી ભૂલનાં ફળ જો પૂરી જિંદગીને ઘેરી લે છે, તો એના ગણિતમાં એકેક આંક એટલી સાવધાનીથી માંડીએ  એમાં ક્યાં ય ભૂલ થવાનો અવકાશ જ ન રહે.

 
< પાછળનુ   આગળનુ >