Last Updated:19 ડિસેમ્બર 2011

ravi.jpg
બિઝનેસ ઇન્ડિયા - ક્રુડના ભાવ અને ફુગાવો કાબૂમાં રહે તો સપ્ટેંબર માસમાં... છાપો ઈ-મેલ
શેરબજાર પૂર્તિ
આના લેખક છે GS NEWS   
ગુરુવાર, 11 સપ્ટેમ્બર 2008
સરકારના સંભવિત પગલાંએ તેજીનો ચમકારો જોવા મળે

સપ્ટેંબરના અંત સુધીમાં હરિકેન વાવાઝોડાની શક્યતા ઃ ડોલર સામે રૃપિયો ૪૬ની સપાટી કૂદાવે તેવી સંભાવના ખૂબ જ ઓછી ઃ શેરોમાં પાંચથી ૧૦ ટકા સુધારાની આશા રાખી શકાય

ક્રુડના ભાવો ઘટતાં તથા ચોમાસું એકંદરે નોર્મલ રહેતાં, અમેરિકા, જાપાનના અર્થતંત્રમાં રીકવરીના અંદાજ મૂકાતા, ફુગાવો સાધારણ ઘટીને આવતાં ગત સપ્તાહમાં તોફાની વધઘટે એકંદરે સેન્સેક્સ ૧૬૩ પોઈન્ટ ઉછળી ૧૪,૫૬૫  પોઈન્ટ તથા નિફટી ૩૩ પોઇન્ટ વધી  ૪૩૬૦ રહ્યો હતો.
 
 
 
એફઆઇઆઇનું કેલેન્ડર વર્ષ ૨૦૦૮માં અત્યાર સુધીમાં રૃા. ૨૮,૫૧૩.૬૦ કરોડનું વેચાણ કરેલ છે. આમાં ઓગસ્ટ માસમાં ૨૮ ઓગસ્ટ સુધીમાં એફઆઇઆઇનું વેચાણ રૃા. ૧૨૧૧.૭૦ કરોડનું છે અને લોકલ મ્યુચ્યુઅલ ફંડોનું ૨૭મી ઓગસ્ટ સુધીમાં રૃા. ૭૦૦.૪૦ કરોડનું છે.

દરમ્યાનમાં બજારમાં હાલ હજુ અનેક નેગેટીવ પરિબળો હાજર હોવા છતાં ૧લી સપ્ટેંબરથી શરૃ થતાં સપ્તાહમાં અને આખાય મહિનામાં બજારમાં નરમાઇ કરતાં સુધારા તરફી હવામાન રહેવાની શક્યતા વધુ છે.
જોકે ક્રુડનો ભાવ ઉચકાય તો પાર્ટી બગડી શકે છે. ૪થી સપ્ટેં.થી ન્યુક્લીયર ડિલ અંગે ચર્ચા શરૃ થશે અને જાપાન ટેકો આપશે તેમ મનાય છે. બધા જ ૪૫ મેમ્બરોની મંજૂરી આ સોદાને જરૃરી છે અને પછી યુએસ કોંગ્રેસે પણ તે ઠરાવ પસાર કરવો પડશે.

ટેકનીકલ એનાલિસ્ટોના મતે શેરબજારમાં નજીકના ભવિષ્યની ચાલનો આધાર ક્રુડનો ભાવ ઉપર રહેશે. તેઓના મતે જો ક્રુડ વધીને ૧૨૦ ડોલરની સપાટી કૂદાવશે તો નિફટી ૪૨૦૦નું લેવલ તોડશે. હાલ ક્રુડનો ભાવ ૧૧૫ ડોલરની નીચે સ્થિર થવાને બજલે ૧૧૫ ડોલરની ઉપર ચાલી રહ્યો છે. આ જોતાં બજારમાં તેજીનું પણ બાષ્પીભવન થઇ રહ્યું છે અને હવે નિફટીની ૪૪૦૦ની સપાટી એકવારના મોટા ઘટાડા પહેલાં જોવા મળે તેવી શક્યતા ઓછી છે. ખાસ કરીને નીચી સપાટી બતાવવામાં બેંક શેરો અને રીયાલ્ટી શેરો કારણભૂત બની શકે.
ટૂંકમાં નિફટીએ ૪૪૫૦ની સપાટી કૂદાવવી હોય તો ક્રુડ બેરલદીઠ ૧૧૦ ડોલર નીચે રહેવું જોઇએ  અને કોમોડિટીઝના ભાવોમાં ઘટાડો થવો જરૃરી છે.

દરમ્યાન ફરીને વાવાઝોડાની સીઝનમાં હરિકેન મુસ્તાવ વાવાઝોડા ને બીજા કેટલાક વાવાઝોડા આવશે તો ક્રુડનો ભાવ ૧૨૫ ડોલરની સપાટી કૂદાવી જાય તો નવાઇ નહીં.

સોમવારે યુએસ માર્કેટ લેબર ડેના કારણે બંધ રહેશે અને મંગળવારે બજાર ખૂલશે ત્યારે ક્રુડ ક્યાં તો ૧૨૫ ડોલર અથવા તો ૧૧૫ ડોલરે ખૂલશે. શું થશે તે કહેવું મુશ્કેલ છે. ત્રણ વર્ષ અગાઉ આ જ સપ્તાહમાં કેટરિના વાવાઝોડાનો વિનાશ સહુએ જોયો છે. સપ્ટેંબરના અંત સુધીમાં ત્રણથી ચાર હરિકેન વાવાઝોડા  જોવા મળી શકે છે.

આ સંજોગોમાં ક્રુડ ૧૧૫ ડોલરની નજીક જવાના બદલે ૧૨૫ ડોલરની નજીક પહોંચે તેવી શક્યતા વધુ છે. હવે હરિકેન- વાવાઝોડાંની સીઝન શરૃ થઇ છે જેમાં ચાર સપ્તાહ  સુધી  ક્રુડના ભાવને ધ્યાનમાં રાખવો જરૃરી છે.
એકબાજુ ક્રુડના ભાવ નીચા જવાની અનિશ્ચિતતા વચ્ચે ફુગાવાનું દબાણ, રૃપિયામાં ડોલર સામેની વધઘટ અને પગાર પંચની ભલામણો- અમલના કારણે ઘણા એનાલિસ્ટોના  મનમાં શેરોમાં તેજી  થવા અંગે ચિંતા  પ્રસરેલ છે.જોકે આ ઈન્વેસ્ટરોના મતે ભારતમાં લાર્જ કેપ શેરોનું વેલ્યુએશન પ્રમાણમાં હાઇ છે. પરંતુ મીડકેપ શેરોમાં ભાવો પ્રમાણમાં વધુ ગગડયા હોવાથી આ મથાળે લેવાલી નીકળે તો નવાઇ નહિ. જોકે આ માટે આ ઈન્વેસ્ટરો જુલાઇ-સપ્ટેંબર ૦૮ ક્વાર્ટરના પરિણામોની જરૃર રાહ જોશે. જો આ મિડકેપ શેરોના પરિણામો સારા લાગશે તો લેવાલી મોટાપાયે નીકળી શકે છે. ઉપરાંત ડોલર સામે રૃપિયો વધુ નબળો પડી ૪૪ આસપાસ આવી ગયો હોવાથી હવે આઈટી- ટેકનો શેરોમાં  આકર્ષણ મોટાપાયે વધી શકે છે.

જેમ રૃા. ૪૦ની નીચે ગયો ત્યારે સહુને આશ્ચર્ય થયું હતું. તે જ રીતે હાલ રૃા. ૪૪ની સપાટી  કૂદાવી ત્યારે પણ સહુને  આશ્ચર્ય થયું છે.

હકિકતમાં નવી ખરીદી કરવા વિચારનાર ઈન્વેસ્ટરોએ સપ્ટેં. ૦૮ ક્વાર્ટરના પરિણામો આવી જાય તે માટે ઓકટોબર ૦૮ સુધી રાહ જોવી જોઇએ. ખાસ કરીને દશેરા અને દિવાળી અગાઉ બજારમાં સુધારાનું વલણ જોવા મળતું હોય છે.

ઈમરજીંગ બજારોના સંજોગો ધારીએ છીએ તેટલા ખરાબ નથી. સાથોસાથ એટલા સારા પણ નથી. ક્રુડ ટોચની સપાટીએથી પાછું ફર્યું છે તે રાહત બક્ષે છે પરંતુ ઈમરજીંગ માર્કેટોમાં કેપીટલ ઈન્ફલો એકદમ ખરાબ પણ નથી. પરંતુ ગયા વર્ષે  જે  ઈન્ફલો  પૂરપાટ આવતા હતા તેવી સ્થિતિ પણ  નથી.

ડોલર હાલ મજબૂત થઇ રહ્યો છે અને આવતા મહિનાઓમાં વધુ મજબૂત થવાની ધારણા રખાય છે. પરંતુ સામે રૃપિયો ૪૬ની સપાટી કૂદાવશે કે કેમ તે શંકાસ્પદ વાત મનાય છે. છેલ્લા બે માસથી રીઝર્વ બેંક ફુગાવાને નાથવા શક્ય પગલાંઓ લઇ રહી છે અને તેની અસર પણ જોવા મળે છે. હાલ રાજકીય વાતાવરણ સ્થિર બન્યું છે અને ક્રુડ ઘટીને આવતાં ભારતને નોંધપાત્ર ફાયદો થયો છે. આ સંજોગોમાં રૃપિયો ૪૬ની સપાટી નજીકના ભવિષ્યમાં કુદાવે  તેવી શક્યતા દેખાતી નથી.

બજારમાં હાલ જે ૧૩૩૦૦ અને ૧૫૭૦૦ની રેન્જમાં વધઘટ જોવા મળે છે તે એકાદ- બે સપ્તાહ જોવા મળશે. કારણકે સહુના મનમાં હજુ લેહમેન બ્રધર્સ, ફ્રેડી અને ફેન્મીનું જંગી નુકસાન અને અને હવે કેવી રીતે બચાવાય છે તે અંગે મનમાં પ્રવર્તમાન મુંઝવણ અને ભયે ઈન્વેસ્ટરોના મગજ ઉપર કાબૂ અને પક્કડ જમાવી દીધેલ છે. આ પરિબળોએ યુએસ, ભારતીય અને એશિયાના શેરબજારોને નરમાઇ તરફી ઝોકમાં રાખે છે. ખાસ કરીને અમેરિકા તરફથી કોઇ પોઝીટીવ સમાચાર નહિ હોવાથી શેરબજારમાં મંદીમય વાતાવરણ જોવા મળે છે.
સરકાર તરફથી હવે જે પગલાં લેવાઇ રહ્યા છે તેની સારી અસરો બજારના સેન્ટીમેન્ટ ઉપર જોવા મળી શકે. જેમકે ઓએનજીસી દ્વારા ઈમ્પીરીયલ એનર્જી ખરીદવાની બીડમાં સફળતા મળશે તો ભારતની લાંબા ગાળાની ઓઈલ- રીઝર્વ મેળવવાની જે ઈચ્છા છે તેમાં ધોરણે સફળતા મળે. જ્યારે ઈન્ફોસીસ દ્વારા એકસોન માટેની બીડ ભારતીય કોર્પોરેટની વિશ્વમાં શરૃ થયેલ શોપિંગની  શરૃઆત માનવી પડશે.

જોકે ઓઈલ રીઝર્વ હાંસલ કરવા હાલ ભારત અને ચીન વચ્ચે તીવ્ર હરિફાઇ જામી છે તે જોતાં ઈમ્પીરીયલ એનર્જી હસ્તગત થવા અંગે હાલ કશું કહેવું અસ્થાને છે. આવું ઈન્ફોસીસની બીડમાં પણ સફળતા મળે છે કે કેમ તે અંગે બે-ત્રણ મહિના પછી જોવા મળે.

સરકારને જે કંઇ આર્થિક સુધારા કરવા હશે તો તે અંગે સપ્ટેંબર માસમાં સરકારે  નિર્ણયો લેવા પડશે  તો જ લોકસભામાં મંજૂરી  મેળવી શકશે.આ સુધારાઓમાં વિમા ક્ષેત્રે એફડીઆઇમાં વધારો, ફર્ટિલાઇઝર પોલીસીનું આખું ફોરમેટ ૧૦ સપ્ટેંબર  સુધીમાં જાહેર કરવું પડે.

સરકારની નાણાંકિય પરિસ્થિતિ હાલ બહુ સારી નથી અને તેથી બેેલેન્સશીટ નોંધપાત્ર પ્રમાણમાં સુધારવા માટે રેવન્યુ વધારવા પ્રયાસો કરે છે. જેમાં ૩જી લિલામ, કેટલીક કંપનીઓનાં આઈપીઓ દ્વારા ઈક્વિટી વેચાણ દ્વારા  અને એફડીઆઈ  દ્વારા ભંડોળ  વધારવા પ્રયત્નો થશે.

આ બધા જ પગલાની સફળતા માટે સરકારે શેરબજાર- પ્રાયમરી બજારને ફરીથી ચેતનવંતુ કરવા માટે પણ આ પગલાંઓ લેવાઇ રહ્યા છે કે જેથી આઈપીઓ સહેલાઈથી વેચી શકાય. આમ સરકારનો પણ બજારને ગરમ રાખવામાં સ્વાર્થ સમાયેલ છે.

આમ સપ્ટેંબરમાં જો ક્રુડ અને ફુગાવો વધશે તો બજારમાં નીચા લેવલો જોવા મળશે અને ક્રુડ-ફુગાવો કાબૂમાં રહેશે તો અને સરકાર ત્વરિત ધોરણે આર્થિક સુધારાનો કાર્યક્રમ હાથ ધરશે તો શેરબજારમાં તેજીનો એક ચમકારોક કમસે  કમ  સપ્ટેંબર  માસમાં જોવા  મળી શકે તેવી શક્યતા છે.

ફાયરલાઈન
સફળતાનો સાચો અર્થ જીવનમાં શ્રેષ્ઠ બનવાનો  કે રેસ જીતી જવાનો નથી.
હકિકતમાં જીંદગીના ખરાબમાં ખરાબ સમયમાંથી પાર ઉતરવું અને હરિફાઇને ખત્મ કરવી એ સફળતા ગણાય.

 
< પાછળનુ   આગળનુ >