Last Updated:19 ડિસેમ્બર 2011

ravi.jpg
બંધ, ચાલુ, બંધ - પશ્ચિમ બંગાળમાં બંધ, હડતાળ, ઘેરાવનું રાજકારણ જોરમાં છે. છાપો ઈ-મેલ
શેરબજાર પૂર્તિ
આના લેખક છે GS NEWS   
ગુરુવાર, 11 સપ્ટેમ્બર 2008
વર્ષોથી પશ્ચિમ બંગાળ પર રાજ કરતા સામ્યવાદીઓ બંધ અને હડતાળોના નીવડેલા ખેલાડીઓ છે. પરંતુ તેમના જ પક્ષના 'પ્રગતિશીલ' ગણાતા મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યને બંધ વિશે મોં ખોલવા બદલ નાકલીટી તાણવી પડી છે.
બુદ્ધદેવે ૨૭ ઓગસ્ટના રોજ સાફ શબ્દોમાં કહ્યું કે, 'હું બંધનો વિરોધી છું. કમનસીબે, હું એવા પક્ષનો સભ્ય છું, જે બંધના એલાન આપે છે. અત્યાર સુધી મેં શાંતિ રાખી છે. પણ હવે હું ચૂપ રહેવાનો નથી...
ઘેરાવ ગેરકાયદે અને અનૈતિક છે. 'ઘેરાઓ' એ શબ્દ અંગ્રેજી ભાષાને આપણી દેન છે. પરંતુ આ રાજ્યમાં હવે તે ચાલશે નહીં.'  
બંધ, હડતાળો, ચક્કાજામ, ઘેરાવ - આ બધાં પગલાં દેખીતી રીતે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના લાગે. અંગ્રેજ સરકાર સામે તેમાંના કેટલાક શસ્ત્રો વિવેકબુદ્ધિપૂર્વક પ્રયોજાતાં હતાં. મહાત્મા ગાંધી જેવા નેતા તેની પર ચાંપતી નજર રાખતા હતા અને પોતાના અધિકારોની માંગણીમાં બીજાના અધિકારોનો ભંગ ન થાય એવી તેમની ભાવના રહેતી હતી. એ રીતે જોઈએ તો, હડતાળ અને બંધનો સંબંધ ભારતના રાષ્ટ્રીય આંદોલન સાથે લાગે પણ ડાબેરીઓને રાષ્ટ્રવાદની એ ધારા સાથે કશો સંબંધ ન હતો. તેમના બંધ અને ઘેરાવનો ઇતિહાસ અલગ છે. તેમાં હિંસાનો પણ છોછ હોતો નથી.

સાઠના દાયકાના ડાબેરી રાજકારણની ચડતી કળા થઈ અને પશ્ચિમ બંગાળ તેનો ગઢ કહો કે તેમની પ્રયોગશાળા બન્યું ત્યારથી ડાબેરીઓ અને બંધનું રાજકારણ એક સિક્કાની બે બાજુ બની ગયાં છે. બંગાળ પર જ્યાં લગી જ્યોતિ બસુનું રાજ્ય રહ્યું, ત્યાં સુધી બંધ કે હડતાળ જેવા 'વૈચારિક' મુદ્દે કદી મતભેદો પેદા થયા ન હતા પરંતુ બસુના અનુગામી તરીકે આવેલા બુદ્ધદેવ ભટ્ટાચાર્યએ પક્ષની વફાદારીની સાથોસાથ ઔદ્યોગિક વિકાસનું સ્વપ્ન પણ સેવ્યું. એ સ્વપ્ન સાકાર કરવા માટે ટ્રેડ યુનિયનની આત્યંતિકતામાંથી કંપનીઓને રાહત આપવી જરૃરી હતી. બંગાળમાં ઉદ્યોગો સ્થાપવા માટે અને મૂડીરોકાણ કરવા માટે વાતાવરણ સાનુકૂળ છે, એવો સંદેશો આપવાનું જરૃરી બન્યું. એ સ્વપ્ન બુદ્ધદેવનું હોવાથી, સાકાર કરવાની અને એ માટે આવશ્યક પગલાં લેવાની જવાબદારી પણ બુદ્ધદેવના માથે આવી. બુદ્ધદેવના પક્ષને તેની સાથે કશી લેવાદેવા ન હતી. વાસ્તવમાં આ મુદ્દે બુદ્ધદેવ અને પક્ષ વચ્ચે ઘર્ષણના પ્રસંગો પણ આવ્યા.

બંધ અને ઘેરાવ અંગે બુદ્ધદેવ જે ભાષામાં વાત કરતા હતા અને કરે છે, તે સામ્યવાદી પક્ષની પ્રચલિત છાપ અને પરંપરા કરતા સાવ અલગ છે. એટલે બુદ્ધદેવના બંધ વિરોધી નિવેદનોથી પક્ષના પેટમાં તેલ રેડાય એ સમજાય એવું છે. પરંતુ બુદ્ધદેવે પક્ષની નારાજગીની પરવા કર્યા વિના બંધનો કે કડક વિરોધ કર્યો હોય એવો આ પહેલો પ્રસંગ નથી. બે વર્ષ પહેલા સામ્યવાદીઓએ રાષ્ટ્રીય સ્તરે હડતાળ પાડી, ત્યારે પડેલી અગવડ માટે બંગાળમાં કાર્યરત આઇ.ટી. કંપનીઓની બુદ્ધદેવે માફી માગી હતી. તેમણે પક્ષ સમક્ષ એવું સૂચન પણ મૂક્યું હતું કે, બંધના એલાનોમાંથી આઇ.ટી. ક્ષેત્રને બાકાત રાખવામાં આવે. કેમ કે તે પરંપરાગત ઉદ્યોગ નથી અને તેના તકાદા જુદા છે. પરંતુ ડાબેરી યુનિયનોના દબાણથી પક્ષના જનરલ સેક્રેટરી પ્રકાશ કરાતે ઠરાવ્યું હતું કે, આઇટી સહિત કોઈ પણ ઉદ્યોગમાં હડતાળ કે બંધ પળાવવો, એ ડાબેરી યુનિયનોનો અધિકાર છે.

૨૦૦૬ની જેમ અત્યારે પણ બુદ્ધદેવનો વિરોધ પથ્થર પર પાણી સાબિત થયો છે. પક્ષની બંધ- નીતિની આકરી ઝાટકણી કાઢ્યા પછી બુદ્ધદેવને આખરે પક્ષની શિસ્ત સામે ઝૂકવું પડયું છે. સીપીએમના પોલિટ બ્યુરો (હાઇ કમાન્ડ) દ્વારા તેમને ઠપકો આપવામાં આવ્યો છે અને એ ઠપકો તેમણે સ્વીકાર્યો હોવાની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી છે. દરમિયાન, સામ્યવાદી પક્ષે હડતાળ પાડવી એ કામદારોનો મૂળભૂત અધિકાર હોવાનું રટણ ચાલુ રાખ્યું છે.

બુદ્ધદેવના બંધવિરોધી અને ઉદ્યોગતરફી વલણને કારણે પશ્ચિમ બંગાળમાં નવેસરથી મૂડીરોકાણનો પ્રવાહ ઠલવાયો છે. ઔદ્યોગિક વર્તુળોમાંથી મળતી સત્તાવાર વિગતો પ્રમાણે, બુદ્ધદેવના વલણના પ્રતાપે રાજ્યમાં ૬૪ મોટા પ્રોજેક્ટ માટે ૪૩ અબજ ડોલરનું મૂડીરોકાણ આવી રહ્યું છે. એ સિવાય, નવી નીતિ અંતર્ગત રાજ્યમાં ૩૮ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન (સેઝ) સ્થપાવાની છે, જેમાં ૯ અબજ ડોલરનું રોકાણ થવાની ગણતરી છે. અત્યાર સુધીમાં હાડોહાડ મૂડીવાદી કહેવાય એવી પેપ્સી કંપનીથી માંડીને વિપ્રો જેવી ભારતીય આઇ.ટી. કંપનીઓ બંગાળમાં આવી ચૂકી છે. પરંતુ બુદ્ધદેવનું પૂંછડુ છોડી દે, એટલે રાજકારણનો દાયકાઓ જૂનો પ્રવાહ બદલાઈ શકતો નથી.

હજુ ડાબેરી પક્ષ બંધ અને તેમાંથી ઉભી થતી સત્તાને છોડવા તૈયાર નથી એ જ રીતે મમતા બેનરજીએ પણ સિંગુરમાં ખેડૂતોની જમીન પાછી અપાવવાના મુદ્દે દેખાવો અને શક્તિપ્રદર્શન દ્વારા બંધ અને હડતાળ જેવા શસ્ત્રોની ધારનો ફરી એકવાર પરિચય આપ્યો છે. એ સંજોગોમાં બંધનો મૂળમાંથી વિરોધ કરવાનું કે તેનો એકડો કાઢી નાંખવાનું કોઈ રાજકીય પક્ષને પોસાય એમ નથી. કામદારોની શક્તિનો રાજકીય ઉપયોગ કરીને આટલે સુધી પહોંચેલા ડાબેરીઓને તો નહીં જ.

 
< પાછળનુ   આગળનુ >