રાજકોટ,
અરબી સમુદ્રમાં મંડરાતું ફયાન વાવાઝોડું હજુ ગુજરાત સુધી પહોંચે તે પહેલાં
આજે સાંજે મુંબઇ અને દહાણું વચ્ચે જમીન પર સ્પર્શીને ડીઝોલ્વ થઇ ગયું છે,
પરંતુ તે પહેલાં આ ડીપ ડીપ્રેશન મુંબઇ નજીક કેન્દ્રિત થયેલું હતું તેવા
સમયે તેની અસર આજે સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના અનેક વિસ્તારોમાં વર્તાઇ
હતી.
'મને ન્યાયતંત્ર પર વિશ્વાસ નથી, ન્યાય ન મળતાં આ કાર્ય કર્યુ છે'
રાજકોટ,
રાજકોટની નવી ફાસ્ટ ટ્રેક કોર્ટ બિલ્ડીંગના પહેલાં માળે આવેલ છઠ્ઠી ફાસ્ટ
ટ્રેક કોર્ટના જજ શ્રી ડી. ડી. રાજપૂત પર આજે સવારે તેમની જ કોર્ટમાં
ચાલતા સિવિલ કેસના પક્ષકાર ધીરજલાલ કોટકે સ્લીપરનો છૂટો ઘા કરતાં કોર્ટમાં
સન્નાટો મચી ગયો હતો. આ કૃત્ય બાદ ધીરજલાલે 'મને ન્યાય તંત્ર તરફથી ન્યાય
ન મળતાં મારે આ કાર્ય કરવું પડયું છે' તેમ કહી અનેક સમજાવટ છતાં માફી
માંગવાનો ઇન્કાર કરી ગુનો કબુલી લીધો હતો. અદાલતે સમરી પ્રોસીડીંગ્સ ચલાવી
તેને છ માસની સજા ફરમાવ્યા બાદ તત્કાળ જેલહવાલે કરવામાં આવ્યા હતાં.
સાવરકુંડલા,
સાવરકુંડલા તાલુકાનાં પીયાવા ગામે ખેડૂત પરિવાર ઉપર ઝેરી મધમાખીઓના ઝૂંડે
હુમલો કરતા ખેડૂત યુવાનનું મૃત્યુ થયું હતું. જ્યારે તેના સગર્ભા પત્ની
તથા બે ભાભીઓને સારવાર માટે દવાખાને ખસેડાયા છે. મધમાખીઓ ભગાડવા આગ
પ્રગટાવનાર યુવાન પણ ગંભીર રીતે દાઝી ગયો હતો. તેને સારવાર માટે અમરેલી
ખસેડાયો છે.
પોરબંદર,
વર્તમાન જેટયુગમાં લોકો જાતજાતની બીમારીઓનો સામનો કરે છે તથા ડોકટર અને
દવાખાનામાં વારંવાર દવા લીધા પછી ઘણી નાની ઉંમરમાં પણ કેટલાક અકાળે મરણ
પામે છે. ભારતમાં આયુષ્યના વર્ષોનું પ્રમાણ ઘટી રહ્યું છે તેવી સ્થિતિ
વચ્ચે પોરબંદર નજીકના આંબારામાં ગામના હજામ મુસ્લિમ જ્ઞાાતિના ખતુબેન
વેજાભાઈ વાઢેર નામના વૃધ્ધાને સવાસો વર્ષ થયા છે. આમ છતાં તેઓ પોતાનું
તમામ કામ જાતે કરે છે અને ૭૦ વર્ષના દિકરાની સાથે હાથમાં લાકડી લઈ ગામમાં
આંટો મારવા જાય છે!
રાજકોટ,
પશ્ચિમી આધુનિકતાના વાયરામાં ભારતીય લોકસંસ્કૃતિ 'હવા' થઈ રહી હોવાની વાત
મહદઅંશે સાચી છે. જો કે હજુ પછાત વિસ્તારોના ખોરડે અને આંગણે લોકસંસ્કૃતિ
જીવંત છે. આદ્યશક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રિની જ વાત કરીએ તો બેઠા
ગરબા ગાવાની પરંપરાગત ધૂણી ધખાવી રાખનાર ગણ્યા ગાંઠયા મંડળો જ બચ્યા છે,
જ્યારે ગરબા સંસ્કૃતિમાં એક નોખી જ ભાત પાડતી ઘરે ઘરે જઈને ગરબો ગાવાની ઢબ
મેગાસિટીથી માંડીને નાના એવા ગામડામાં આજે પણ જીવંત છે. તેને જીવંત
રાખવામાં ગ્રામ્ય સમાજનો સિંહફાળો છે.