| Last Update : 10-Feb-2012,Friday |
|
|
| |
|
|
|
|
બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ ધરમૂળથી રદ્દ થવો જોઈએ
|
|
ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક્ટના મૂળમાં રહેલો આ ખતરનાક કાયદો રદ્દ કરવા સંતો અને મહંતોએ વ્યાપક આંદોલન છેડી દેવું જોઈએ
ગુજરાત સરકારે સંતો અને મહંતોના વિરોધથી ડરી જઈને ધાર્મિક અને ધર્માદા ટ્રસ્ટો ઉપર આક્રમણ કરતો 'ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક્ટ' નામનો નવો પસાર કરેલો કાયદો રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતની ધર્મપ્રેમી જનતાનો અને ખાસ કરીને સંતો- મહંતોની બેઠી તાકાતનો આ મહત્ત્વનો વિજય છે. આ વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી હોવાથી નરેન્દ્ર મોદીની સરકારે ધર્મપ્રેમી જનતાના વિરોધથી ડરીને પોતાની મતબેન્ક ઝૂંટવાઈ જવાના ભયે આ કાયદો રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે તેથી સંતો- મહંતોએ સંતુષ્ટ થઈ જવાની જરૃર નથી. આ કાયદો રદ્દ થતાં જ જે અસલ કાયદાના સ્થાને આ કાયદો બન્યો હતો એ 'બોમ્બે પબ્લિક એક્ટ' અમલમાં રહેવાનો છે. હકીકતમાં આ કાયદો જ સૌથી ખતરનાક છે અને તે પ્રજાની ધાર્મિક સ્વતંત્રતા આંચકી લેનારો છે. જ્યાં સુધી આ બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ અમલમાં છે ત્યાં સુધી ફરીથી 'ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક્ટ' જીવંત બની શકે છે. ભવિષ્યની આફતમાંથી છૂટકારો મેળવવો હોય તો ચૂંટણીના માહોલનો લાભ લઈને 'બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ' નાબૂદ કરવાનું આંદોલન શરુ કરવું જોઈએ.
આપણો દેશ એક બિનસાંપ્રદાયિક દેશ છે, એવું આપણા બંધારણમાં લખવામાં આવ્યું છે. આપણા બંધારણની ૨૫મી કલમ મુજબ દરેક મનુષ્યના ધાર્મિક સ્વતંત્રતાના અધિકારને માન્ય કરવામાં આવ્યો છે. ૨૬મી કલમ મુજબ કોઈ પણ ધર્મ પાળતા લોકોને પોતાના સિદ્ધાંતો અનુસાર ધાર્મિક સંસ્થાઓની સ્થાપના કરવાનો અને તેનો વહીવટ કરવાનો અધિકાર પણ માન્ય કરવામાં આવ્યો છે. ભારત દેશને આઝાદી મળી તે અગાઉ અંગ્રેજ સલ્તનતે પબ્લિક ટ્રસ્ટ વિષયક કાયદાઓ કર્યા હતા. ભારતની પ્રજાએ ત્યારે તેનો વિરોધ કર્યો હતો પણ દેશ ગુલામ હોવાથી આ વિરોધને કચડી નાખવામાં આવ્યો હતો. અંગ્રેજોએ આપણા ધાર્મિક સ્વાતંત્ર્ય ઉપર અતિક્રમણ કરનારા કાયદાઓ ઘડવાનો પ્રારંભ કર્યો હતો.
ઇ.સ. ૧૯૪૭માં ભારતને આઝાદી મળી અને નવું બંધારણ અમલમાં આવ્યું તે પછી એવી આશા બંધાઈ હતી કે પબ્લિક ટ્રસ્ટના કાયદાઓ દ્વારા અંગ્રેજોએ ઝૂંટવી લીધેલી પ્રજાની ધાર્મિક સ્વતંત્રતા સરકાર ફરી પ્રસ્થાપિત કરશે. તેને બદલે આપણી સરકારે ધાર્મિક સ્વતંત્રતા ઉપર વધુ આક્રમણ કરે તેવો બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ (૧૯૫૦) નામનો કાયદો પસાર કર્યો હતો. આ કાયદામાં આપણી તમામ ધાર્મિક સંસ્થાઓની હજારો વર્ષથી ચાલી આવતી સ્વંતંત્ર કલમના એક ઝાટકે ઝૂંટવી લેવામાં આવી હતી અને ધર્મગુરુઓ ઉપર ચેરિટી કમિશ્નર નામના સરકારી અમલદારની સત્તા ઠોકી બેસાડવામાં આવી હતી. બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ મુજબ ચેરિટી કમિશ્નરની ટ્રસ્ટના સંચાલન બાબતમાં કોઈ જવાબદારી નક્કી કરવામાં આવી નહોતી પણ સંસ્થાઓ પાસેથી રૃપિયા ઉઘરાવવાની અને વહીવટદારોની કનડગત કરવાની અમર્યાદ સત્તા ચેરિટી કમિશ્નરને આપી દેવામાં આવી હતી.
'બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ'ની પ્રસ્તાવનામાં લખવામાં આવ્યું છે કે, 'ધાર્મિક અને ધર્માદા ટ્રસ્ટોનો વહીવટ સુચારુ ઢબે ચાલી શકે તે માટે આ કાયદો ઘડવામાં આવ્યો છે.' પહેલી વાત એ કે ધાર્મિક ટ્રસ્ટોનો વહીવટ સુચારૃ ઢબે જ ચાલતો હતો આ વહીવટ ખરાબ છે એવા કોઈ પુરાવા મોજૂદ નહોતા. ધાર્મિક અથવા ધર્માદા ટ્રસ્ટોનો વહીવટ ખરાબ હોય તો પણ વહીવટને સુધારવા માટે તેમાં સરકારી દખલગીરીની બિલકુલ આવશ્યકતા નહોતી. સરકાર જ્યારે પોતાનો વહીવટ સુધારી નથી શકતી ત્યાં તે ધાર્મિક ટ્રસ્ટોનો વહીવટ સુધારી શકે તે શક્ય જ નહોતું. હકીકતમાં ધાર્મિક સંસ્થાઓની અબજો રૃપિયાની સંપત્તિ ઉપર લૂંટ ચલાવવાના બદઇરાદાથી આ કાયદો ઘડવામાં આવ્યો હતો.
મુંબઈ રાજ્યે ઇ.સ. ૧૯૫૧માં આ કાયદાને ઘડીને તેનો અમલ શરુ કર્યો ત્યારે ધાર્મિક સંસ્થાઓ દ્વારા તેનો પ્રચંડ વિરોધ કરવામાં આવ્યો હતો. પારસી પંચાયત અને શ્રી વેજલપુર શ્વેતામંબર મૂર્તિપૂજક જૈન સંઘ જેવી સંસ્થાઓ દ્વારા આ કાયદાને સુપ્રીમ કોર્ટ દ્વારા પડકારવામાં આવ્યો હતો અને તેને રદ કરાવવાની મહેનત કરવામાં આવી હતી. ઇ.સ. ૧૯૫૪માં સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બેન્ચે આ કાયદાની કેટલીક અત્યંત હાનિકારક કલમો રદ કરી હતી પણ આખો કાયદો રદ્દ કરવાનો ઇનકાર કર્યો હતો. જો પારસી પંચાયતે અને જૈન સંઘે ત્યારે આ ચુકાદા સામે સુપ્રીમ કોર્ટની ફુલબેન્ચ સમક્ષ અપીલ કરી હોત તો કદાચ આ કાયદો રદ્દ થઈ શક્યો હોત. આજની તારીખમાં પણ આ ચુકાદા સામે તેને રદ્દ કરાવી શકાય તેમ છે. બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટની ૪૪મી કલમ મુજબ ચેરિટી કમિશ્નરને તમામ નોંધાયેલા ટ્રસ્ટોના ટ્રસ્ટી તરીકેની સત્તાઓ આપી દેવામાં આવી હતી. આ કલમ દ્વારા રાજ્યના બધા ટ્રસ્ટો હકીકતમાં સરકારી માલિકીના બની જતા હતા. આ કલમને ગેરબંધારણીય ઠરાવીને સર્વોચ્ચ અદાલતેરદ કરી હતી. આ કાયદાની ૪૭મી કલમ મુજબ ચેરિટી કમિશ્નરને કોઈ પણ પબ્લિક ટ્રસ્ટમાં ચાલુ ટ્રસ્ટીને બરતરફ કરવાની અને પોતાની પસંદગીની કોઈ પણ વ્યક્તિને ટ્રસ્ટી બનાવવાની છૂટ આપી દેવામાં આવી હતી. આ કલમ પણ સર્વોચ્ચ અદાલતે રદ કરી હતી. આ કાયદાની ૫૫મી અને ૫૬મી કલમમાં લખવામાં આવ્યું હતું કે, 'જે હેતુથી આ ટ્રસ્ટની રચના થઈ હોય એ હેતુ પાછળ રૃપિયા ખર્ચવામાં ટ્રસ્ટીઓ નિષ્ફળ જાય તો ચેરિટી કમિશ્નર આ રૃપિયા જપ્ત કરીને તેને અન્ય હેતુઓ માટે પણ ખર્ચી શકે.' આ રીતે રૃપિયા ખર્ચવાની ચેરિટી કમિશ્નરને સત્તા આપવામાં દાતાની ભાવનાનો ભંગ થતો હતો, માટે સુપ્રિમ કોર્ટે આ કલમો રદ કરી હતી. સુપ્રિમ કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે, આ પ્રકારની કલમો ધાર્મિક સ્વાતંત્ર્યના મૂળભૂત અધિકાર ઉપર તરાપ મારે છે. આ કાયદાની ૧૮મી કલમમાં તમામ ટ્રસ્ટો માટે ચેરિટી કમિશ્નરનમાં નોંધણી કરાવવી ફરજિયાત બનાવવામાં આવી હતી. આ કાયદાની ૩૧થી ૩૪મી કલમમાં ટ્રસ્ટના હિસાબોનું ફરજિયાત ઓડિટ કરાવવાની ફરજ પાડવામાં આવી હતી. ૩૫મી કલમમાં ટ્રસ્ટના રૃપિયા બેન્કોમાં અથવા સરકારી સિક્યોરિટીમાં જ રોકવાની ફરજ પાડવામાં આવી હતી. ૩૭મી કલમમાં ચેરિટી કમિશ્નરને ટ્રસ્ટની જગ્યામાં પ્રવેશ કરવાની અને ઇન્સ્પેક્શનની સત્તાઓ આપવામાં આવી હતી. સર્વોચ્ચ અદાલતમાં આ કલમોને પડકારવામાં આવી હતી, પણ તેને રદ્દ કરવાનો સુપ્રિમ કોર્ટે ઇન્કાર કર્યો હતો. હવે સંતો અને મહંતોએ આંદોલન કરીને સરકારને આ કલમો રદ્દ કરવાની ફરજ પાડવી જોઈએ.
બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટની કલમ ૫૮ મુજબ ચેરિટી કમિશ્નરની ઓફિસની સ્થાપના કરવામાં આવી ત્યારે તેના નિભાવ માટે ટ્રસ્ટો પાસેથી તેમની વાર્ષિક આવકના બે ટકા જેટલી રકમ ફી તરીકે લેવામા આવી હતી. આ કલમને પણ સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. અરજદારોની દલીલ એવી હતી કે ભક્તો ભંડારમાં જે પૈસા નાખે છે તે સરકારી અમલદારોનો પગાર ચૂકવવા નથી નાખતા પણ ધાર્મિક પ્રવૃત્તિઓ ચલાવવા નાંખે છે.
સુપ્રિમ કોર્ટે આ દલીલ સ્વીકારી નહોતી અને સેસ લેવાની ચેરિટી કમિશ્નરની સત્તા કાયમ રહી હતી. હકીકતમાં ચેરિટી કમિશ્નરની આ સત્તા સામે આંદોલન કરવાની જરૃર છે. ભગવાનના ભક્તો શ્રદ્ધાથી મંદિરની દાનપેટીમાં જે રકમ જમા કરાવે છે તેમાંથી સરકારી અધિકારીઓ જલસા કરે છે અને લાલ બત્તીવાળી ગાડીઓમાં ફરે છે. ભંડારની આવકમાંથી મંદિરની દાનપેટીમાં ઘીના દીવાઓ બાળવાના બદલે સરકારી ગાડીઓના પેટ્રોલ પાછળ આ ખર્ચાઓ કરવામાં આવે છે. હકીકતમાં ધાર્મિક સંસ્થાઓનો વહીવટ સુચારુ ઢબે ચલાવવા માટે ચેરિટી કમિશ્નરની પણ બિલકુલ જરૃર નથી. ધાર્મિક સંસ્થાઓના વહીવટદારોએ અથવા ધર્મગુરુઓએ ક્યારેક વહીવટમાં મદદ કરવા માટે ચેરિટી કમિશ્નરની માંગણી કરી હતી. પ્રજાની આસ્થા ધર્મગુરુઓમા છે, ચેરિટી કમિશ્નરમાં નથી.
મહારાષ્ટ્રમાં ચેરિટી કમિશ્નર દ્વારા જે બે ટકા રકમની ફી લેવામાં આવતી હતી તેનો ઉપયોગ પણ વહીવટ માટે કરવામાં આવતો નહોતો. આ બે ટકા ફીમાંથી કરોડો રૃપિયાની રકમ એકઠી કરવામાં આવી હતી અને તેની બેન્કમાં ફિકસ્ડ ડિપોઝીટ કરવામાં આવતી હતી. ભારતના બંધારણ મુજબ સરકારને ધાર્મિક સંસ્થાઓ પાસેથી ટેક્સ લેવાનો અધિકાર આપવામાં આવ્યો નથી. હકીકતમાં આ બે ટકાની ફી ચેરિટી કમિશ્નર દ્વારા ઉઘરાવવામાં આવતો ટેક્સ બની ગઈ હતી. મુંબઈની એક સંસ્થાએ આ બે ટકાનો અન્યાયી સેસ રદ કરાવવા હાઇકોર્ટમાં રિટ પિટીશન કરી છે. હાઇકોર્ટે આ બધી રકમ વહીવટમાં વાપરી નાંખવાની સૂચના આપી છે. હવે ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં આ બે ટકાનો અન્યાયી સેસ રદ્દ કરાવવા સંતો અને મહંતોએ આંદોલન શરુ કરવાની જરૃર છે.
હકીકતમાં ધાર્મિક સંસ્થાઓના વહીવટમાં આજે જો સૌથી વધુ કોઈની દખલ હોય તો તે ચેરિટી કમિશ્નરની છે. આજના લગભગ તમામ સરકારી અધિકારીઓ બિનકાર્યક્ષમ, ભ્રષ્ટ અને લાંચિયા જ હોય છે. ચેરિટી કમિશ્નર આ સિસ્ટમનો ભાગ છે. ચેરિટી કમિશ્નરની સંસ્થાની રચના ધાર્મિક સંસ્થાઓના વહીવટને સુધારવાને બદલે પોતાની તમામ શક્તિઓ વહીવટદારોની ભૂલો શોધવામાં અને તેમની ઉપર કેસો કરીને તેમને હેરાન કરાવવામાં કેન્દ્રિત કરી છે. આપણા બંધારણમાં પ્રજાના જે ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકારનો સ્વીકાર કરવામાં આવ્યો છે તેને ચેરિટી કમિશ્નરને ખૂંચવી લીધો છે. આ અધિકારની રક્ષા માટે સર્વોચ્ચ અદાલતમાં નવેસરથી કેસ દાખલ કરવો જોઈએ.ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં પબ્લિક ટ્રસ્ટના કાયદાઓ અમલમાં આવ્યા તેને ૬૧ વર્ષ પૂરાં થયા છે. આ ૬૧ વર્ષમાં ચેરિટી કમિશ્નરની સંસ્થાએ કોઈ લોકહિતનું કામ કર્યું નથી કે કોઈ સંસ્થાનો પણ ઉદ્ધાર કર્યો નથી. કોઈ ચારિત્ર્યવાન વ્યક્તિ જ બીજી વ્યક્તિને ચારિત્ર્ય ઘડતરનો ઉપદેશ આપી શકે. વેશ્યા કદી સતી સ્ત્રીને બ્રહ્મચર્યનો ઉપદેશ આપી શકે નહિ. આપણી સરકાર, તેના પ્રધાનો, તેના અમલદારો અને તેના નાનામાં નાના કર્મચારીઓ ભ્રષ્ટાચાર અને ગેરવહીવટમાં એટલા બધા ડૂબેલા છે કે તેઓ ધાર્મિક સંસ્થાના સેવાભાવી, પરોપકારી, સજ્જન અને દાનેશ્વરી સંચાલકોને વહીવટ સુધારવાનો હુકમ આપી શકે જ નહીં. ગુજરાત સરકારને ભ્રષ્ટાચાર ઉપર અંકુશ લાવતો લોકપાલ નથી ખપતો તેને બદલે સરકારના બિનકાર્યક્ષમ અને ભ્રષ્ટ અધિકારીઓને ધાર્મિક સંસ્થાના વહીવટદારો અને ધર્મગુરુઓના માથે ઠોકી બેસાડવામાં તેને કોઈ સંકોચ નથી થતો. પ્રજા ૬૧ વર્ષથી સરકારનો આ જુલમ સહન કરતી આવી છે. હવે ચૂંટણીઓ નજીક આવી છે ત્યારે સંતો અને મહંતોએ આગેવાની લઈને આ જુલમમાંથી પ્રજાને કાયમ માટે મુક્ત કરવી જોઈએ.
- સુપાર્શ્વ મહેતા
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2012 All Rights Reserved |
|
|