Last Update : 10-Feb-2012,Friday
 

ભારતના ૨૦ કરોડ લોકો અશુદ્ધ પાણી પીએ છે

 

અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર ત્રાસવાદી હુમલો થયો તેમાં જેટલા માનવોનાં મોત થયાં તેટલા માનવીઓ રોજ ગંદું પાણી પીવાને કારણે મરે છે
થોડા સમય અગાઉ જર્મનીની રાજધાની બોનમાં પાણીની સમસ્યા વિષે વિચારણા કરવા માટે એક આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ ગઈ. જેમાં ૧૩૦ દેશોના કુલ ૩,૦૦૦ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ સંમેલનમાં ચોંકાવનારી આગાહી કરવામાં આવી હતી કે એકવીસમી સદીમાં જે રીતે ટેન્કરો અને પાઈપલાઈનો દ્વારા ક્રૂડ તેલ વેચાય છે, તેવી જ રીતે પાણી પણ વેચાશે. જે રીતે આજે તેલના કૂવાઓના પ્રશ્ને યુદ્ધો થાય છે, તેવી જ રીતે ટૂંક સમયમાં પાણી માટે પણ યુદ્ધો થશે. દુનિયાની વસતિના ૧.૩૦ અબજ લોકોને આજે પીવાનું સ્વચ્છ પાણી મળતું નથી. આ કારણે વિશ્વમાં રોજ આશરે ૬,૦૦૦ માણસોનાં મૃત્યુ થાય છે. અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર ત્રાસવાદી હુમલો થયો તેમાં જેટલા માનવોનાં મોત થયાં તેટલા માનવીઓ રોજ ગંદું પાણી પીવાને કારણે મરે છે.
આપણી પૃથ્વી ઉપર જેટલું પાણી છે, તેમાંનું ૯૭ ટકા મહાસાગરોના ખારાં જળના રૃપમાં મોજૂદ છે. જે ત્રણ ટકા જેટલું મીઠું પાણી છે, તેમાંના ૨.૫ ટકા હિમનદીઓમાં બરફના સ્વરૃપમાં રહેલું છે. કુલ જથ્થાના ૦.૫ ટકા જેટલું પાણી જ આપણા માટે ઉપલબ્ધ છે, તેમાંનો પણ મોટો ભાગ અમેરિકા અને કેનેડાની સરહદ ઉપર આવેલાં મોટાં મોટાં તળાવોમાં રહેલો છે. બાકીની દુનિયામાં વધી રહેલી વસતિ, શહેરીકરણ, ઉદ્યોગીકરણ અને પ્રદૂષણને કારણે પાણીના પ્રાપ્ય જથ્થામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ભારતના અનેક પ્રાંતોમાં તો પાણી માટે રમખાણો શરૃ થઈ ગયાં છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના એક હેવાલ મુજબ એશિયામાં માથાદીઠ પ્રતિવર્ષ ૩,૦૦૦ ઘનમીટર જેટલું પાણી જ લોકોને મળી શકે તેમ છે. તેમાં પણ ભારતની સરેરાશ ૨,૫૦૦ ઘનમીટરની જ છે. ઉત્તર ભારતમાં એવો રિવાજ છે કે કન્યા દ્વારા કૂવાની પૂજા કરવામાં આવે ત્યારબાદ જ લગ્નની વિધિ પૂરી થયેલી ગણાય. આજે કૂવાઓ બૂરાઈ ગયા હોવાથી ઘણાં ગામોમાં કૂવાના બદલે પાણીના ટેન્કરની જ પૂજા કરાવીને લગ્નની વિધિ આટોપી લેવામાં આવે છે.
ભારતમાં જે પાણીની કટોકટી પેદા થઈ છે તે અત્યંત ગંભીર છે. ભારતમાં લગભગ ૨૦ કરોડ લોકો એવા છે કે જેમને પીવા માટે ચોખ્ખું પાણી મળતું નથી. દેશમાં પીવાના પાણીનાં જેટલાં સ્રોત છે, તે પૈકી ૮૦ ટકા સ્રોત ઉદ્યોગો દ્વારા ઠાલવવામાં આવતા કચરાને કારણે ગટરનું ગંદું પાણી ભળવાને કારણે પ્રદૂષિત થઈ ગયાં છે. તેમ છતાં ખેડૂતોને જેમાં વધુ પાણીની જરૃરત હોય તેવા રોકડિયા પાકો લેવાની સલાહ આપવામાં આવે છે. રાજકીય પક્ષો દ્વારા મત મેળવવા માટે ખેડૂતોને મફત વીજળી આપવામાં આવે છે તેને કારણે ખેડૂતો બોરવેલ ઉપર પમ્પ મૂકીને ચોવીસેય કલાક ભૂગર્ભ જળ ખેંચ્યા કરે છે, જેને કારણે પાણીની સપાટી નીચી જાય છે અને હજારો કૂવાઓ નકામા થઈ જાય છે. પાણીની તંગીના કારણે ભારતનું કૃષિ ઉત્પાદન પણ સતત ઘટી રહ્યુ ંછે, જેને કારણે અનાજની આયાત કરવાની નોબત આવી ગઈ છે.
ભારતને જ્યારે આઝાદી પ્રાપ્ત થઈ ત્યારે દેશનાં તમામ ગામડાંઓ પાસે પીવાના પાણી માટેનું ઓછામાં ઓછું એક સાધન ઉપલબ્ધ હતું. જે ગામડાં પાસે પીવાનાં પાણી માટેનું ેક પણ સાધન મોજૂદ ન હોય તેને સરકારી પરિભાષામાં 'નો સોર્સ વિલેજ' તરીકે ઓળખવામાં આવે છે. ઇ.સ. ૧૯૮૫માં ભારતમાં 'નો સોર્સ વિલેજ'ની સંખ્યા ૭૫૦ ની હતી. સરકારના તમામ દાવાઓ છતાં ઇ.સ. ૧૯૯૬ની સાલમાં 'નો સોર્સ વિલેજ'ની સંખ્યા વધીને ૬૫,૦૦૦ ઉપર પહોંચી ગઈ હતી. તેનો અર્થ એવો થાય છે કે ઇ.સ. ૧૯૪૭ની સાલમાં ભારતનાં ૬૫,૦૦૦ ગામડાંઓ પાસે પીવાનાં પાણીનો જે સ્રોત હતો તે ક્યાં તો પાતાળકૂવાઓના કે બંધોના પાપે સૂકાઈ ગયો હતો અને ક્યાં ઉદ્યોગો કે ગટરના પાપે પ્રદૂષિત થઈ ગયો હતો.
મોટી નદીઓ આડે જ્યારે બંધ બાંધવામાં આવે છે ત્યારે નદીના હેઠવાસમાં વહેતું પાણીનું વહેણ સૂકાઈ જવાથી નદીના કિનારે આવેલાં ગામોમાં પીવાનાં પાણીની ગંભીર સમસ્યા પેદા થાય છે. શહેરોની નગરપાલિકા પોતાની હદમાંથી વહેતી નદીમાં ગટરનું પાણી શુદ્ધ કર્યા વિના છોડે છે તેને કારણે સેંકડો ગામડાંઓનું પીવાનાં પાણીનું સાધન ઝૂંટવાઈ જાય છે. નદીના કિનારે ઉદ્યોગો સ્થાપવાની પરવાનગી આપવામાં આવે છે તેને કારણે પણ નદીનું જળ પ્રદૂષિત થાય છે અને આ જળ પીનારા લોકો અનેક જાતની બીમારીઓના ભોગ બને છે. શા માટે આ રીતે પ્રજાના પીવાનાં પાણીના સ્રોતને પ્રદૂષિત કરતાં ઉદ્યોગપતિઓને સજા કરવામાં નથી આવતી ? શા માટે નગરપાલિકાઓને ગટરના પાણીનું શુદ્ધિકરણ કર્યા વિના જ ગંદું પાણી લોકમાતાઓમાં છોડવાની છૂટ આપવામાં આવે છે ? આ બાબતમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પણ આંખ આડા કાન કરી રહ્યું છે.
ભારતને જ્યારે આઝાદી પ્રાપ્ત થઈ ત્યારે દેશની જળવિતરણની વ્યવસ્થા સંપૂર્ણપણે પ્રજાના અંકુશ હેઠળ હતી. દરેક ગામની ગ્રામ પંચાયતો તળાવો અને કૂવાઓની જાળવણી કરતી હતી અને નદીઓને કુદરતની સંપત્તિ માનવામાં આવતી હતી. આપણી સરકારે દેશની લગભગ તમામ નદીઓ ઉપર બંધો બાંધી નદીઓના પાણી ઉપર નોકરશાહીનો અંકુશ સ્થાપિત કરી દીધો હતો. આ વાતને પ્રજાને હજી પણ ખ્યાલ નથી આવતો કે નદીનું પાણી જે અગાઉ કુદરતી સંપત્તિ ગણાતી હતી તે નાનીમોટી સિંચાઈ યોજનાઓને કારણે સરકારી સંપત્તિ બની ગઈ છે. અગાઉ જે પાણી પ્રજાને મફતમાં મળતું હતું તેના માટે હવે નગરપાલિકાને અને સિંચાઈ ખાતાને પૈસા ચૂકવવા પડે છે. હવે વધુ ભયંકર પરિસ્થિતિ આવી રહી છે. સરકારી અધિકારીઓ અને ઇજનેરો પાણીનો સક્ષમ વહીવટ નથી કરી શકતા તેવું બહાનું આગળ ધરીને હવે પ્રજાને પીવાનું પાણી પહોંચતું કરવાની જવાબદારી ખાનગી મલ્ટીનેશનલ કંપનીઓને સોંપવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. તેને કારણે પ્રજાએ પાણી માટે અબજો રૃપિયા ખાનગી કંપનીઓને ચૂકવવાની તૈયારી રાખવી પડશે.
શ્રીમંત દેશોમાં તો વર્ષોથી પાણીનો વહીવટ ખાનગી કંપનીઓ જ સંભાળી રહી છે. વિશ્વમાં જે દસ મોટામાં મોટી કંપનીઓ છે, તેમાંની ચાર કંપનીઓ તો પાણીના વેપાર સાથે સંકળાયેલી છે. આ કંપનીઓમાં જર્મનીની આરડબલ્યૂઈ, ફ્રાન્સની વિવાલ્ડી, ફ્રાન્સની જ સ્વેજ લિયોનેજ અને અમેરિકાના એનરોન કોર્પોરેશનનો સમાવેશ થાય છે. એનરોને તો હવે દેવાળું ફૂંક્યું છે. તે અગાઉ તે વિવિધ દેશોમાં પાણીનો ધંધો કરીને ૮૦ અબજ ડોલરની કમાણી કરતી હતી. માઈક્રોસોફ્ટ કંપની દ્વારા જેટલું વાર્ષિક વેચાણ કરવામાં આવતું હતું તેના કરતાં ચાર ગણું વેચાણ એનરોન કંપની કરતી હતી.
ભારતમાં પાણીની તંગી પેદા થાય અને લોકો પીવાનાં પાણી માટે ટળવળે તેમાં પણ મલ્ટીનેશનલ કંપનીઓનો સ્વાર્થ રહેલો છે. ભારતના દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં પાણીનું વિતરણ કરવાની જવાબદારી મલ્ટીનેશનલ કંપનીઓને સોંપવાની પૂરેપૂરી તૈયારીઓ થઈ ચૂકી છે. આ વિદેશી કંપનીઓના એજન્ટની ભૂમિકા વિશ્વ બેન્ક ભજવે છે. કોઈ પણ શહેરની મ્યુનિસિપાલિટી પોતાની પાણીની યોજના માટે વિશ્વ બેંક પાસે લોન માંગે ત્યારે વિશ્વ બેન્ક દ્વારા શરત મૂકવામાં આવે છે કે આ યોજનામાં પાણીના વિતરણની જવાબદારી ખાનગી કંપનીને સોંપવી પડશે. અહીં ખાનગી કંપનીનો અર્થ મલ્ટીનેશનલ કંપની એવો જ થાય છે. આ મલ્ટીનેસનલ કંપનીઓના ઇશારા ઉપર જ આપણી સરકારે નવી રાષ્ટ્રીય જલનીતિની રચના કરી છે. આ નીતિ મુજબ ધીમે ધીમે સિંચાઈ માટેના તમામ બંધો અને નદીઓ પણ મલ્ટીનેશનલ કંપનીઓને સોંપી દેવામાં આવશે.
એક વખત સરકાર મલ્ટીનેસનલ કંપનીને પાણીના વિતરણની જવાબદારી સોંપી દે તે પછી પાણીની ગુણવત્તા અને પુરવઠાની નિયમિતતા ઉપર સરકારનો કોઈ અંકુશ રહેતો નથી. પાણીનો ધંધો કરતી મલ્ટીનેશનલ કંપનીઓ સરકારી અધિકારીઓ અને પ્રધાનોને અબજો રૃપિયાની લાંચ આપીને કોન્ટ્રેક્ટ મેળવવા માટે જાણીતી છે. દુનિયામાં પાણીનો કારોબાર કરતી દસ ટોચની કંપનીઓ ઉપર ભ્રષ્ટાચારના અને ગેરરીતિના અનેક આક્ષેપો થયા છે. મુંબઈ અને દિલ્હી જેવાં શહેરોની જળવિતરણ વ્યવસ્થા પણ આ કંપનીઓ ભ્રષ્ટાચાર આચરીને જ પોતાના હાથમાં લઈ રહી છે.
મહારાષ્ટ્ર સરકારે ઇ.સ. ૨૦૦૩માં એક વટહુકમ બહાર પાડીને પોતાની નવી જળનીતિની ઘોષણા કરી હતી. આ નીતિ મુજબ પાણીની યોજનાઓ ખાનગી કંપનીઓને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રની વિધાનસભાએ આ વટહુકમને મંજૂરી આપી હોવાથી તે કાયદો બની ગયો હતો. આ કાયદા મુજબ મહારાષ્ટ્ર સ્ટેટ વોટર રેગ્યુલેટરી ઓથોરિટીની રચના કરવામાં આવી હતી, જેનું કાર્ય આ પ્રકારે વેચવામાં આવેલી નદીઓના પાણીના ભાવતાલ નક્કી કરવાનું છે. આ રીતે છેલ્લાં પાંચ વર્ષથી સરકાર રાજ્યની નદીઓ વેચવાની બાબતમાં પદ્ધતિસર કાર્યવાહી કરીને આગળ વધી રહી હતી. સરકારના ઇરાદાની ખરી જાણ પ્રજાને હવે થઈ રહી છે. મહારાષ્ટ્રની નદીઓનું ખાનગીકરણ કરવાની યોજનાઓ પાછળ સ્પષ્ટપણે વિશ્વ બેન્કનો અને પાણીનો અબજો ડોલરનો કારોબાર ચલાવતી મલ્ટીનેશનલ કંપનીઓનો હાથ છે. વિશ્વ બેન્કે આજથી પાંચ વર્ષ અગાઉ મહારાષ્ટ્ર સરકારને પાણીના ક્ષેત્રમાં સુધારાઓ કરવા માટે ૩૨.૫ કરોડ ડોલરની લોન આપી હતી. આ લોનની એક શરત એવી હતી કે મહારાષ્ટ્ર સરકારે પોતાની નદીઓનું અને પાણીની યોજનાઓનું ખાનગીકરણ અને વેપારીકરણ કરવું. આ શરતના અનુસંધાનમાં જ મહારાષ્ટ્ર સરકાર તરફથી નવી જળનીતિ ઘડવામાં આવી હતી. આ નીતિના અનુસંધાનમાં એક બાજુ પુણે અને મુંબઈ જેવાં મુખ્ય શહેરોની જળવિતરણની યોજનાઓ વિદેશી મલ્ટીનેશનલ કંપનીઓને સોંપવાની યોજનાઓ આગળ વધી રહી છે તો બીજી બાજુ નદીઓ વેચવાની યોજનાઓ શરૃ થઈ છે. અત્યારે જ પાણીની યોજનાઓના નામે મલ્ટીનેશનલ કંપનીઓને ગંગા અને યમુના જેવી પવિત્ર નદીઓ ઉપર કબજો જમાવી જ દીધો છે. આપણી સરકાર પ્રાઈવેટાઈઝેશનના નશામાં પાગલ બની ગઈ છે. હવે જળવિતરણની વ્યવસ્થા સોંપી દેવામાં આવશે તો તેઓ કમાણી કરવાની લાલચમાં પાણીના ભાવો એટલા તો વધારી મૂકશે કે ગરીબોને આ પાણી પરવડશે જ નહીં. તેઓ ગંદુ પાણી પીને બીમારીઓનો ભોગ બનશે અને ટપોટપ મરશે. મલ્ટીનેશનલ કંપનીઓના હાથમાં પાણીનો કારોબાર સોંપવાથી પ્રજાના બધા વર્ગને પીવાનું સ્વચ્છ પાણી મળશે જ એવી પણ કોઈ ગેરન્ટી નથી.
- સુપાર્શ્વ મહેતા

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

અંતાક્ષરી હવે પીકનીકમાંથી માંડવે
નવવધૂના સાજ શણગારને નિખારતી કેટલીક વાતો
 

Gujarat Samachar Plus

એ જાદૂઈ પથ્થર સંગ-એ-લર્ઝા આજે પણ કંપે છે
હંિમત હોય તો અંગ્રેજીમાં પીએચ.ડી. કરો...
અઢી કિ.મી લાંબી રોબોરેસે રંગ રાખ્યો
પરીક્ષાની તૈયારીમાં માણો સ્માર્ટ સ્ટડીની મજા
સુડોળ બાજુઓ સ્ત્રીની સુંદરતા વધારે છે
ગર્ભાવસ્થાને લગતા કેટલાક મિથ અને તેની હકીકત
  More Stories
 

Red Carpet Countdown of Grammy and Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજ ડે

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved