| અગાઉ મહેસૂલ વિભાગમાં પહોંચેલા મામલે પોલીસે મૂળ માલિક નાનુભાઇ અને એડવોકેટ સોની સહિત ૬ સામે ગુનો દાખલ કર્યો
બારડોલી, ગુરુવાર
કામરેજ ચાર રસ્તા નજીક ઉમામંગલ હોલની સામે આવેલી જમીનના ખોટા દસ્તાવેજો બનાવીને સાચા તરીકે ઉપયોગ કરી જમીન પચાવી પાડવાના મામલે કામરેજ પોલીસ મથકે પહોંચતાં પોલીસે જમીનના મૂળમાલિક અને એડવોકેટ નોટરી સહિત ૬ જણા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૃ કરી છે. જો કે આ જમીનનો મામલો અગાઉ મહેસુલ વિભાગમાં પહોંચી ચૂક્યો છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ કામરેજ ચાર રસ્તા નજીક ઉમામંગલ હોલની સામે આવેલી બ્લોક નં.૪૫૪ વાળી જમીન ભૂપતભાઇ ભીમજીભાઇ વિરાણી (રહે. હીરાબાગ, સુરત)એ ખરીદી હતી. આ જમીનના મૂળ માલિક નાનુભાઇ મોરાભાઇ પટેલ (રહે. નવાગામ, તા. કામરેજ) હતા. બાદમાં આ જમીન ગોરધનભાઇ લવજીભાઇ ભીખડીયા (રહે. લક્ષ્મીકાંત આશ્રમરોડ, કતારગામ, સુરત) અને કીર્તિ રામભાઇ પટેલ (રહે. ખોલવડ, તા. કામરેજ)એ ખોટી પાવર ઓફ એટર્ની બનાવી જમીનના ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા. ઉપરાંત મૂળ માલિક નાનુભાઇ પટેલની બીજી જમીન માટે બનાવેલા પાવર ઓફ એટર્નીમાં આંકડા સાથે ચેડા કરી બોગસ સંમતિ કરાર તૈયાર કરી નામો દાખલ કર્યા હતા.
આ જમીનમાં અગાઉ પણ પોલીસ ફરિયાદ થઇ હતી. ઉપરાંત મહેસુલ વિભાગમાં કામરેજ મામલતદાર, પ્રાંત કચેરી તથા જિલ્લા કલેકટર કચેરીમાં પણ ફરિયાદો થઇ હતી. દરમિયાન ભૂપતભાઇ વિરાણીએ કામરેજ પોલીસ મથકમાં ગોરધન ભીખડીયા, કીર્તિ પટેલ અને નાનુ મોરારભાઇ પટેલ, જગદીશ ભોલાભાઇ પટેલ, ાજુના નાનુભાઇ પટેલ (ત્રણેય રહે. નવાગામ, કામરેજ) અને ચંદ્રકાંત કે. સોની (એડવોકેટ એન્ડ નોટરી) વિરુદ્ધ ખોટા લખાણો ઊભા કરી સંમતિપત્ર ખોટું બનાવીને રજીસ્ટ્રેશન કરાવી ખરા તરીકે ઉપયોગ કરી છેતરપીંડી વિશ્વાસઘાત કરવાની ફરિયાદ કરતા પોલીસે તમામ ૬ જણા વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી પીઆઇ મૂળરાજસિંહ વાળા કરી રહ્યા છે. |