| જામનગરમાં ૫.૫ સે.તીવ્ર ઠંડી, જુનાગઢમાં વિક્રમી ૩.૫ ડિગ્રી સે.
રાજકોટ,ગુરુવાર
સૌરાષ્ટ્ર-કચ્છ આજે બીજા દિવસે પણ અનેક સ્થળોએ રાત્રિથી સવાર સુધીમાં ઠંડીમાં અસહ્ય અને તીવ્ર વધારા સાથે કોલ્ડવેવમાં જકડાઈ ગયું હતું અને ધબકતાં જનજીવનને પણ જામ કરી દીધું હતું. જામનગરમાં ૫.૫ ડિગ્રી સે.તાપમાને હાલારવાસીઓ ધ્રજી ઉઠયા હતા તો જુનાગઢમાં વીસ વર્ષનો રેકર્ડ તોડતી ૩.૫ ડિગ્રી સે.કાતિલ ઠંડીથી જનજીવન ઠીંગરાઈ ગયું હતું. ગીરનાર પર ન્યુનત્તમ તાપમાન ૧.૨ ડિગ્રી નોંધાયાનું જાણવા મળે છે. જમ્મુ કાશ્મીર,હિમાચલ પ્રદેશમાં ભારે બરફવર્ષાના પગલે આવેલું આ તીવ્ર ઠંડીનું મોજુ હજુ બે દિવસ જળવાય અને ક્યાંક તાપમાન ઘટે તેવી આગાહી કરાઈ છે.
દરિયાકાંઠે પણ ૧૦ સે.થી ઓછા તાપમાન! પોરબંદરમાં દસકાંનું વધુ ૬.૧, રાજકોટ ૭.૨,અમરેલી ૬,વેરાવળ ૯, દ્વારકા ૧૦ સે.
ગીરનાર ઉપરાંત દામોકુંડ,ખાપરાકોડિયાની ગુફા જેવા ઐતહાસિક સ્થળો ધરાવતા જુનાગઢમાં એક દિવસમાં જ તાપમાનમાં ૮.૮ ડિગ્રી સે.નો તોતિંગ ઘટાડો થતા આજે પારો ગગડીને ૩.૫ ડિગ્રી સુધી નીચે ઉતરી જતા સવારે સોરઠનું જનજીવન રીતસર જકડાઈ ગયું હતું. છેલ્લે ૧૯૯૧માં ૩.૨ ડિગ્રી તાપમાન પછી બે દાયકામાં પ્રથમવાર આવી કાતિલ ઠંડી નોંધાઈ છે. મહત્તમ તાપમાન ૨૬.૩ ડિગ્રી અને ભેજ સવારે ૩૫ ટકા અને સાંજે માત્ર ૮ ટકા નોંધાયો છે. ગીરપર્વત પાસે તો તાપણા પણ ઠંડી ઉડાડવામાં હાંફી રહેતા હતા. ત્યાં બીનસત્તાવાર સૂત્રો અનુસાર ૧.૨ ડિગ્રી તાપમાન નોંધાયું છે. દિવસ દરમિયાન વાતાવરણ સુકુ રહ્યું હતું.
હાલારવાસીઓ આજે હાડ ગાળી નાંખે તેવા કાતિલ પવનોથી ધુ્રજી ઉઠયા હતા. જામનગરમાં હવામાનખાતાની ઓફિસ નથી પણ અન્ય સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષો બાદ અહીં આજે ન્યુનત્તમ તાપમાન ૫.૫ ડિગ્રી સે.નોંધાતા લોકોએ રાતથી સવાર સુધી ઘરમાં પૂરાઈ રહેવાનું પસંદ કર્યું હતું. મહત્તમ તાપમાન ૨૦.૮ ડિગ્રી રહ્યું હતું અને ભેજ પણ સાંજે ઘટીને ૨૦ ટકા રહેતા આખો દિવસ ૨૦ કિ.મી.ની ઝડપે સૂસવાટા મારતા ઠંડા પવનો ફૂંકાતા રહ્યા હતા.
રાજકોટમાં આજે પણ ૭.૨ ડિગ્રી ન્યુનત્તમ તાપમાને 'અસામાન્ય' (સામાન્ય કરતા ૯ ડિગ્રી નીચું તાપમાન!) ઠંડી યથાવત્ રહેતા જનજીવન ભારે પ્રભાવિત રહ્યું હતું. દિવસમાં સવારના સમયે જ સૌથી વધુ ઠંડી અનુભવાતી હોય અને તંત્રની સૂચના છતાં સ્કૂલ-કોલેજનો સવારનો સમય યથાવત્ રહેતા ઠંડીની અસર તળે આજે અનેક વિદ્યાર્થીઓએ સ્કૂલે જવાનું ટાળતા રોજિંદી ચહલપહલ મંદ પડી ગઈ હતી. બપોરના સમયે પણ લોકો ગરમવસ્ત્રોમાં લપેટાયેલા રહ્યા હતા તો રાત્રે દુકાનોના શટર વહેલા પડી ગયા હતા.
યાત્રાધામ દ્વારકામાં જાણે ઠંડી નવા રેકર્ડ સર્જવા માંગતી હોય તેમ ગઈકાલે રેકર્ડબ્રેક ૧૧ ડિગ્રી બાદ આજે વધુ ૧ ડિગ્રીના ઘટાડા સાથે ૧૦ ડિગ્રી તાપમાને તીવ્ર ઠંડી અનુભવાઈ હતી. આ તાપમાન સામાન્ય હોય તેથી ૭ ડિગ્રી સે.વધુ છે.
અમરેલીમાં ન્યુનત્તમ ૫.૬ ડિગ્રી તાપમાન સાથે ધારી, ગીર પંથકમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. આખો દિવસ હાડ ગાળી નાંખતો પવન ફૂંકાતો રહેતા ગ્રામ્યજીવનનો ધબકાર જાણે થંભી ગયો છે. ધારી પાસેના દલખાણીયા ગામે અશક્ત બળદ ઠંડીમાં શ્વાસ રૃંધાતા મૃત્યુ નીપજ્યાનું જાહેર થયું છે.
સૌરાષ્ટ્રમાં હૂંફાળો રહેતો દરિયાકાંઠો પણ ધુ્રજાવી દેતી ઠંડીની ઝપેટમાં આવ્યો છે. પોરબંદરમાં હાલ ૧૫-૧૬ ડિગ્રી હોય તેના બદલે આજે રાજકોટથી પણ ઓછું ૬.૧ ડિગ્રી સે.તાપમાને તો સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે તે વેરાવળ ખાતે ૯ ડિગ્રી તાપમાને આખી દરિયાઈ પટ્ટી પર ઠંડીનું મોજુ જોવા મળ્યું છે. ભાવનગરમાં ૮, મહુવા ૬ ડિગ્રી તાપમાન નોંધાયું છે. ડિગ્રી નોંધાયું હતું
ભૂજમાં ૬, નલિયામાં ૨ ડિગ્રી તાપમાને સમગ્રકચ્છમાં કાતિલ ઠંડીનું મોજુ યથાવત્ રહ્યું હતું. સૌરાષ્ટ્રમાં એક માત્ર ઓખાને બાદ કરતા તમામ સ્થળોએ તાપમાનનો પારો ૧૦ ડિગ્રી નીચે ઉતરી ગયો છે. |