| (પ્રતિનિધિદ્વારા) વડોદરા,ગુરૃવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને રોડ, પાણી, ગટર, ટ્રાફિક, ઓવરબ્રિજ વગેરે કામો કરવા ભૂતકાળમાં તગડી ફી ચૂકવીને સલાહકારો નિયુક્ત કર્યા હતા અને તેઓએ આપેલા રીપોર્ટ, નકશા વગેરે આજે પણ કોર્પોરેશનમાં ધૂળ ખાતા પડયા છે આમ છતાં કોર્પોરેશન હજી પણ મોટી ફી ચૂકવીને સલાહકારો નિયુક્ત કરવાનુ ચૂકતી નથી.
હજી પણ સલાહકારોની નિયુક્તિ ચાલુ જ છે
હજી થોડો સમય અગાઉ વડોદરામાં મુખ્યપ્રધાને સદ્દભાવના ઉપવાસ કાર્યક્રમ યોજ્યો હતો. ઉપવાસ કાર્યક્રમ બાદ અધિકારીઓ સાથે બેઠક થઈ હતી અને વિકાસના કામો માટે સલાહકારોની નિયુક્તિનો મુદ્દો પણ ચમક્યો હતો. દર વખતે સલાહકાર નિયુક્ત કરવાની બાબત મુખ્યપ્રધાનને પણ ગમી ન હતી. આ બેઠકમાં થયેલી ચર્ચા પ્રમાણે હવે કોર્પોરેશનમાં સીટી ઈજનેરે પણ એક પરિપત્ર જારી કર્યો છે. આ પરિપત્ર મુખ્યપ્રધાનની સૂચનાથી બહાર પાડવામાં આવ્યો છે. અગાઉ કમિશનરે એક પરિપત્ર પ્રસિધ્ધ કર્યો હતો તે સ્થાયી સમિતિના અધ્યક્ષની સૂચનાથી કર્યો હતો અને હવે મુખ્યપ્રધાનની સૂચનાથી આ પરિપત્ર જારી કર્યો છે.
જેમાં જણાવાયું છે કે અગાઉના વર્ષોમાં કોઈ કામ માટે જે તે વિષયના પ્રોજેક્ટ માટે સલાહકારની નિમણૂક થઈ હોય અને આ કામ અટકી પડયું હોય, કામનો પ્રોજેક્ટ રીપોર્ટ અને નકશા રજૂ થયા હોય તો તે અંગેની વિગતો સંબંધિત ખાતાએ પુનઃ અભ્યાસ કરીને તેની ઉપયોગિતા ચકાસવી અને હાલમાં તેની શક્યતા પણ તપાસી જરૃરી સંકલન કરીને સક્ષમ અધિકારી પાસે તેની વિગતો ૧૫ દિવસમાં રજૂ કરવી. તા.૬ના રોજ પ્રસિધ્ધ સીટી ઈજનેરનો આ પરિપત્ર સલાહકાર દ્વારા થયેલા કામોની તપાસણી સંદર્ભે હોય ચર્ચાનો વિષય બન્યો છે. |