| અમદાવાદ, ગુરૃવાર
પખવાડિયાથી ગુમ દીકરાની ભાળ ન મળતા ખોખરાનો એક બાપ ફોટો બતાવીને લોકોને પુછી રહ્યો છે.'આ મારો દીકરો છે, ક્યાંય જોવો તો કહેજો.' ખોખરામાં રહેતો અને ગત ૨૭ જાન્યુઆરીએ બપોરે ઘરેથી વસ્ત્રાપુર ક્લાસીમાં જવા નીકળેલો ૧૭ વર્ષનો કિશોર ભેદી સંજોગોમાં ગુમ થયો હતો, જે અંગે ખોખરા પોલીસે નોંધ લઇ તપાસ હાથ ધરી છે.
ઘરેથી ક્લાસીસમાં જવા નિકળ્યા બાદ ૧૭ વર્ષનો કિશોર ગુમ થયો હતોઃ દીકરાને શોધવા પરિવારે પેમ્ફલેટ છપાવ્યા
ખોખરાની સોમનાથ સ્કૂલ પાસેના સૌંદર્ય પાર્કમાં રહેતા અને સોફ્ટવેર એન્જિનિયર રાજેન્દ્ર પઠીયાચીએ ખોખરા પોલીસ મથકમાં ગુમ થવા અંગેની ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતુ કે, તેમનો દીકરો કાર્તિક પઠીયાચી (ઉં.૧૭) ઘર પાસેની સેવન ડે સ્કૂલના ધોરણ ૧૧ સાયન્સમાં અભ્યાસ કરતો હતો. કાર્તિક ગત ૨૭મીએ સવારે શાળાએથી ઘરે આવ્યો હતો અને વસ્ત્રાપુર આઇ.આઇ.ટીના ક્લાસમાં જવા ઘરેથી નીકળ્યો હતો.
કાર્તિક દરરોજ ક્લાસીસમાંથી છુટીને પિતાની વસ્ત્રાપુરમાં આવેલી ઓફિસે જતો, જ્યાંથી પિતા-પુત્ર સાથે ઘરે આવતા. ૨૭મી તારીખે કાર્તિક મોડે સુધી તેના પિતા રાજેન્દ્રભાઇની ઓફિસે ન પહોંચતા, રાજેન્દ્રભાઇ તેના ક્લાસીસ પર ગયા હતા. જો કે ક્લાસીસના સંચાલકે - કાર્તિક આ જે ક્લાસમાં આવ્યો ન હોવાનું જણાવ્યું હતુ. મૂંઝવણમાં મુકાયેલા પિતાએ ઘરે તપાસ કરતા કાર્તિક બપોરે ક્લાસમાં જવા નિકળ્યો હોવાનું જણાવ્યું હતુ. પરિવારે મોડી રાત સુધીમાં કાર્તિકના મિત્રો, સંબંધીઓ સહિતની જગ્યાએ તપાસ કરવા છતા તેનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો.
ઘટનાની જાણ ખોખરા પોલીસને કરીને કાર્તિકની શોધખોળ હાથ ધરી છે. બીજી તરફ દીકરાને ૧૪ દિવસથી શોધી રહેલા પરિવારે હવે પુત્રને શોધવા પેમ્ફલેટ છપાવ્યા છે. કાર્તિકના ફોટા અને પરિવારના મોબાઇલ નંબર સાથે આ પેમ્ફલેટ અનેક જાહેર જગ્યાઓમાં તથા રીક્ષાઓ પાછળ ચોંટાડી રહ્યા છે. પરિવાર એ સ્થિતિમાં મુકાયો છે કે દીકરાનો ફોટો બતાવી પુછી રહ્યો છે કે, 'આ અમારો દીકરો છે, ક્યાંય જોવો તો કહેજો.' |