આ ફિલ્મની આસપાસ વીંટળાયેલી 'અનિશ્ચિતતા'ને કારણે આ નિર્ણય લીધો
મુંબઈ, તા. ૬
દીપિકા પદુકોણે 'રેસ-બે' છોડી દીધા પછી હવે કરીના કપૂરે એકતા કપૂરની મિલન લુથરિયા દિગ્દર્શિત ફિલ્મ 'વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ બે' છોડી દેવાનો નિર્ણય કર્યો હોવાના સમાચાર છે. જોકે આ પૂર્વે એવી પણ એક અફવા ફેલાઈ હતી કે, આ ફિલ્મમાં શાહિદ કપૂરને સાઈન કરવામાં આવ્યા પછી કરીના આ ફિલ્મ સ્વીકારવા બદલ વિચારી રહી છે.
જાણવા મળ્યા પ્રમાણે ફિલ્મ છોડવા બદલ આ કારણ નહીં પરંતુ બીજું જ કારણ છે. કરીનાની નજીકના એક સૂત્રે જણાવ્યા પ્રમાણે, ''ફિલ્મના બીજા મુખ્ય અભિનેતાને કારણે નહીં પરંતુ આ ફિલ્મની આસપાસ વીંટળાયેલી 'અનિશ્ચિતતાને' કારણે કરીનાએ આ ફિલ્મ છોડવાનું નક્કી કર્યુ ંહતું.
''બાલાજી પ્રોડકશન સાથે આ ફિલ્મ કરવા વચનબધ થયેલી કરીના જે રીતે કામ આગળ વધતું હતું. એનાથી ખુશ નહોતી. તે માત્ર એટલું જ જાણતી હતી કે ફિલ્મમાં તેણે મંદાકિની પર આધારિત પાત્ર ભજવવાનું છે. ફિલ્મના બીજા મુખ્ય અભિનેતાની તો હજુ સુધી પસંદગી જ થઈ નથી તેમજ કરીનાની તારીખો પણ નક્કી કરવામાં આવી નથી. ગણતરીના સપ્તાહો પહેલા કરીનાએ નિર્માતાઓને તેની તારીખો, બીજા મુખ્ય અભિનેતા, ફિલ્મની ફાઈનલ સ્ક્રિપ્ટ સહિત બીજી બધી માહિતીઓ તેને મોકલી આપવા માટે જણાવ્યું હતું, પરંતુ બાલાજી તરફથી તેને કોઈ જવાબ મળ્યો નહોતો આથી તેણે આ ફિલ્મ છોડી દીધી છે.'' એમ સૂત્રે જણાવ્યું હતું.
આ દરમિયાન કરીનાને ટોચના એક ફિલ્મસર્જક તરફથી ફિલ્મની ઓફર મળી છે. ''એક એક ખ્યાતનામ ફિલ્મ સર્જકની આ ફિલ્મ છે જેની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મમાં બે ટોચના અભિનેતાઓ પ્રણાલિકાથી વિરુધ્ધ રોલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ સર્જકની તારીખો બાલાજી સાથે અથડાતી હતી. આથી કરીનાએ બાલાજીની ફિલ્મમાંથી નીકળી જવાનું નક્કી કર્યું હતું.'' એમ સૂત્રે ઉમેર્યુ ંહતું.
બીજા એક ગણગણાટ પ્રમાણે, કરીનાના લગ્ને પણ તેના આ નિર્ણય પાછળ ભાગ ભજવ્યો હોઈ શકે છે. ''સૈફ અલી ખાને જાહેર કર્યું હતું કે ''એજન્ટ વિનોદ''ની રિલીઝ પછી તરત જ તેઓ લગ્ન કરશે. આમ લગ્ન નજીકમાં આવતા હોવાથી લગ્નની તૈયારીમાં સમસ્યા થાય એવી કરીનાની ઇચ્છા નથી. આ ઉપરાંત તે મધુર ભંડારકરની ફિલ્મ 'હિરોઈન'નું શૂટિંગ કરી રહી છે. ૨૦૧૨ના અંતમાં તેઓ લગ્ન કરે એવી શક્યતા છે.'' એમ સૂત્રે કહ્યું હતું. |