Last Update : 05-Feb-2012,Sunday
 

સ્વીડનમાં એક નવો ‘ધર્મ’(?) ઉભો થયો છે, જેનો ધંધો ભારતમાં પૂરબહારમાં ચાલે છે! કોપી એન્ડ પેસ્ટ.

તફડંચી એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે?!

સ્પેકટ્રોમીટર- જય વસાવડા

 

સેડ સત્ય. પરદેશી ફિલ્મ કંપનીઓએ ઉઠાંતરીના મામલે કડક કેસ કરવાના દાખલ કર્યા ત્યારથી બોલીવૂડ ફિલ્મોની સ્ક્રિપ્ટ અને સંગીત ઓવરઓલ ખાસ્સા ફિક્કા થઇ ગયા, એ આંખ-કાન સામેની હકીકત છે! પહેલાં તો બહારના મસાલાનો છુટે હાથે વઘાર થઇ શકતો હોઇ, રસોઇ એકદમ સ્વાદિષ્ટ લાગતી. હવે દિમાગ પર જોર નાખીને જાતે વિચારવુ પડે છે, જેની આપણને આદત નથી!
તાજેતરમાં એક નવું ચર્ચ રજીસ્ટર્ડ થયું છે. ના રે, એમાં કોઇ વિધિવિધાન નથી. પૂજાપાઠ પણ નથી. શ્રદ્ધાની સાબિતીની કોઇ કસોટીઓ નથી. ધર્મ અંગીકાર કરવાની, સ્વીકારવાની કોઇ ચોક્કસ પદ્ધતિ પણ નથી! ઇનફેકટ, જયાં ભકતજનો ભેગા થાય, એવી કોઇ ચર્ચની ઇમારતનું જ અસ્તિત્વ નથી!
માત્ર વીસ વરસના ફિલોસોફીના સ્ટુડન્ટ એવા ગેરસન ઇસાકે (જે સ્વીડિશ પોલિટિકલ પાર્ટી પાઇરેટ પાર્ટીનો સભ્ય છે) પોતાના નામે એક નવો ધર્મ રજીસ્ટર્ડ કરાવ્યો છે. જેનું નામ છે ‘કોપીમિઝમ’! જેનો મૂળ મંત્ર છેઃ રાઇટ ટુ કોપી ઇન્ફોર્મેશન! અહાહાહા, આપણા અઘ્યાપકો, લેખકો, ફિલ્મી સંગીતકારો, પૂજયવર ધઘૂપપૂઓ વગેરે માટે કેવી મનલુભાવ વાત છે! પણ કોપીમિઝમની ભારતીય ‘ફ્રેન્ચાઇઝી’ (બીજું શું કહીએ) લેનાર અન્ય એક વિદ્યાર્થી અક્ષય ત્યાગીની સાઇટ પર ગણીને માંડ ૨૫-૩૦ મેમ્બર્સ જ જોડાયા છે.
સિમ્પલ એન્ડ નેચરલ. જે બાબતની પ્રેકટિસમાં કોઇ પણ નીતિ નિયમ વિના જ બધા પાવરધા હોય, એવા દેશમાં એ માટે રજીસ્ટર્ડ થવાની લમણાઝીંક કોણ કરે? એવો વધારાનો સમય બગાડવો હોય તો નકલ જ શા માટે કરીએ? જે હોલની દીવાલો જ પાડી નાખવામાં આવી હોય, એમાં વળી દાખલ થવા માટે દરવાજો શોધવાની શી જરૂર? ખીખીખી.
‘માહિતીમાત્ર પવિત્ર છે, માટે નકલ પણ પવિત્ર છે!’ એવી ચક્રમચતુર ફિલસૂફી સાથે ઇસાકભાઇએ તો ‘કોપીમિઝમ’ના બે સિમ્બોલ પણ બનાવડાવ્યા છે. એકમાં ચાઇનીઝ યિન-યાંગની આકૃતિમાં વર્તુળના બ્લેક એન્ડ વ્હાઇટ હિસ્સાઓમાં ‘કન્ટ્રોલ-સી’ અને ‘કન્ટ્રોલ વી’ (કોપી- પેસ્ટના કોમ્પ્યુટર કમાન્ડસ) લખાયેલા છે. કોપીરાઇટનો સિમ્બોલ અંગ્રેજી અક્ષર ‘સી’ હોવાને લીધે, એનાથી અવળા ચાલવા કોપીમિઝમનો સ્પેલંિગ ‘કે’થી શરૂ કરવામાં આવ્યો છે. (કપૂરો- જોહરો સાંભળો છોને!) એટલે બીજા સિમ્બોલમાં એક પિરામીડ બનાવી એની ટોચ પર ‘કે’ લખવામાં આવ્યો છે! (આ સિમ્બોલના રજીસ્ટર્ડ ટ્રેડમાર્ક તરીકે કોપીરાઇટ લીધા છે? એવું નહંિ પૂછવાનું!) આ સિમ્બોલ કોઇ સાઇટ કે પ્રિન્ટેડ મટીરિયલ સાથે મૂકવાના, એટલે ત્યાં રહેલી માહિતી કોપી કરી ફેલાવવા માટે અપીલ કરવામાં આવે છે, એવું સમજવું!
લાગે છે ઇસાકને સ્કૂલમાં અપાયેલો કોઇ હોમવર્ક પ્રોજેકટ ઇન્ટરનેટ પરથી ધાપ મારીને પૂરો કરવાની સ્ટુડન્ટસહજ આદત હશે! એટલે ત્યારે કોઇ જાગૃત ટીચરે આપેલા ઠપકાની એણે દાઝ કાઢી છે! જો કે, એ વળી ઠાવકું ડહાપણ ડહોળે છે. ‘જ્ઞાન બહુ જ દિવ્ય બાબત છે. માટે જ જ્ઞાનની ખોજને પવિત્ર માનવામાં આવી છે! અને જ્ઞાનનો મફત પ્રચારપ્રસાર એટલે જ દિવ્ય અને પવિત્ર ક્રિયા છે!’ (બહોત અચ્છે, બહોત અચ્છેનો સ્વદેશી ગુંજારવ સંભળાયો કે નહંિ?)
ઓકે. સિરિયસલી આ ભારતીય અઘ્યાત્મનું એક દર્શન છે. ‘આ ન તુ ભદ્રાઃ’ જેવા સૂત્રોમાં બધી દિશાઓથી સારા વિચારો પ્રાપ્ત થાઓની પ્રાર્થના કરવામાં આવી છે. વિચારકોના નામ આપતા જવાનો અનુરોધ કરવામાં આવ્યો નથી! માટે દલા તરવાડી આપણા આદર્શ છે. વશરામ ભુવાને બદલે મનોમન એમની વાડીને જ પૂછીને ‘રીંગણા લઉં બે-ચાર?’ ‘લ્યો ને, દસ-બાર!’ કરીને પરબારી (ડાયરેકટ, યુસી!) સર્જનાત્મક બાબતો ઉઠાવી લેવાની આપણને ટેવ પડી ગઇ છે.
અલબત્ત, ૠષિઓનો અભિગમ ‘વિદ્યાદાન’નો હતો. જ્ઞાન કોઇ એક વ્યકિતની નહંિ પણ સમાજની માલિકીનું જ હોવું જોઇએ, એમ માનીને એને (ઘણી વાર તો સર્જકના નામોલ્લેખ સુદ્ધાં કર્યા વિના!) એને મુક્ત કરી વહેંચવામાં આવ્યું. માટે પેટન્ટ જેવો શબ્દ આજે ય ભારતની રૂઢ થઇ ગયેલી માનસિકતાને ગળે ઉતરતો નથી!
પણ આમાં ઇરાદો સમાજનું કલ્યાણ કરવાનો હશે, પણ વાસ્તવમાં એને લીધે ક્રિએટિવ પીપલનો વગર મર્યે મોક્ષ થઇ ગયો- એ ય એક વરવી વાસ્તવિકતા છે! વિદ્યાના પ્રચાર- પ્રસારના નામે સ્વયંમ્‌ વિદ્યાના મૂળ અને કૂળનું જ ગળું ઘોંટી દેવાય, એમાં ‘વિદ્યાર્થી’ કેવળ ‘ધંધાર્થી’ જ બને ને!
* * *
‘ઇનોવેટિવ ઇન્ડિયા’ના સંદર્ભે એકવાર રમૂજમાં લખેલું કે ‘કોપી પેસ્ટ- ઝેરોકસ (મૂળ શબ્દઃ ફોટોકોપી) જેવી શોધખોળોની પેટન્ટ ભારતને સત્તાવાર રીતે ગિફટમાં પશ્ચિમે આપવી જોઇએ, કારણ કે એનો ઉપયોગ કરીને પારકી ચીજ પર ‘મેઇડ ઇન ઇન્ડિયા’નું સ્ટિકર ચોંટાડી દેવામાં આપણે પાવરધા છીએ!
સેડ સત્ય. પરદેશી ફિલ્મ કંપનીઓએ ઉઠાંતરીના મામલે કડક કેસ કરવાના દાખલ કર્યા ત્યારથી બોલીવૂડ ફિલ્મોની સ્ક્રિપ્ટ અને સંગીત ઓવરઓલ ખાસ્સા ફિક્કા થઇ ગયા, એ આંખ-કાન સામેની હકીકત છે! પહેલાં તો બહારના મસાલાનો છુટે હાથે વઘાર થઇ શકતો હોઇ, રસોઇ એકદમ સ્વાદિષ્ટ લાગતી. હવે દિમાગ પર જોર નાખીને જાતે વિચારવુ પડે છે, જેની આપણને આદત નથી! બાકી ચોરીઉધારીના માલ પર પણ ગળું ફુલાવીને ગૌરવનું ‘કૂક રે કૂક’ ચિલ્લાવાનો સગવડિયો ધરમ આપણો ઓરીજીનાલિટી છે! અગાઉ ‘થમ્મા થમ્મા નોરે’ ગીતની વઘુ સારી ઉઠાંતરી કે પહેલી ઉઠાંતરી કોણે કરી એ મામલે જુમ્મા ચુમ્માવાળા લક્ષ્મી-પ્યારે અને ‘તમા તમા’વાળા ભપ્પી લાહિરી ઝગડી પડેલા, એ યાદ છે! ફિલ્મી પીપલ આર સો ફની!
એકચ્યુઅલી, ફિલ્મની જ વાત નથી. ટ્રેજેડી એ છે કે ભારતની આખી એજયુકેશનલ સીસ્ટમ ‘કોપીમિઝમ’ પર ચાલે છે. મૌલિક જવાબોના નહિ ગોખેલા જવાબોના માર્કસ મળે છે. પ્રાઘ્યાપકો જરીપુરાણા પુસ્તકોમાંથી સીધી નકલો મારીને નવા સંશોધનનો ઝાકળિયો સંતોષ લઇને પીએચડી થઇ જાય છે! અને પછી નવા રંગરૂટોને (મિસ)ગાઇડ પણ વટભેર કરે છે! લગભગ બધા જ હાયર એજયુકેશનના સિલેબસમાં આવતા સ્વદેશી પુસ્તકો પણ જરાતરા ફેરફાર સાથે વિદેશી પુસ્તકોની સીધી નકલ જ હોય છે! મેનેજમેન્ટથી મેડિકલ સુધી! ખુદ ભારતનું બંધારણ જ કોપી-પેસ્ટનો નમૂનો હોય, ત્યાં બીજી તો વાત શું કરવી!
મૂળ તો એમાં આપણી પ્રજાની મફતિયા મેન્ટાલીટી પણ જવાબદાર છે મોટાભાગના પ્રાદેશિક પ્રિન્ટ મિડિયામાં મોટાભાગના લખાણો સંઘેડાઉતાર (મીન્સ, બેઠ્ઠી કોપી) નકલ જ હોય છે. કોઇ સ્વતંત્ર શૈલીના પણ નવા વસ્ત્રો પહેરાવાયા વિનાની! પબ્લિક તો વળી એનાથી રાજી છે કે સેવમમરાના ભાવમાં એમને ઘેર બેઠા જાતભાતની અવનવી વિગતો મળી જાય છે! મોહનદાસ ગાંધીજીની સાધનશુદ્ધિની કે મનમોહન કૃષ્ણની કર્મશુદ્ધિની સુક્ષ્મદ્રષ્ટિ ભારતવર્ષમાં ખાસ કોઇની કેળવાઇ હોય એવું લાગતું નથી!
એ ખરૂં કે સાયન્સ હિસ્ટ્રીના લેખો ભારતીય ભાષાઓમાં લખાય, એમાં લેખક પણ માહિતી માટે મજબૂર હોય છે. રિસર્ચ માટેનું બજેટ એની પાસે એવું હોતું નથી કે સાયન્ટિફિક અમેરિકન, ઇકોનોમિસ્ટ વગેરેના રાઇટર્સની માફક ફર્સ્ટ હેન્ડ ડેટા મેળવવા દુનિયા ખુંદી વળે! પ્રેકટિકલી એ શકય પણ નથી હોતું, ત્યારે ફરજીયાતપણે એણે અન્ય સોર્સીઝ પર આધાર રાખવો પડે છે. એવું જ ભૂતકાળથી ઉલ્ટું આજે સદંતર ‘નોન આર્ટિસ્ટિક’ માહોલ ધરાવતા આપણા દેશમાં ચિત્રો કે તસ્વીરોની શોધનું છે. લાચારીથી એમાંય રેડીમેઇડ સોર્સીઝ પર આધાર રાખવો પડે છે.
પરંતુ, મામલો એટિટયુડનો છે. ‘હું કયાં કહું છું આપની હા હોવી જોઇએ, પણ ના કહો એમાં વ્યથા હોવી જોઇએ!’ની માફક પોતાના સ્ત્રોત કે પ્રેરણાના ૠણસ્વીકાર કે આધારની કબૂલાતને બદલે કોર્ટમાં હોસ્ટાઇલ થતાં સાક્ષીઓની માફક નામુક્કર જવાની કુટેવ વઘુ છે. અંગ્રેજી ટીવી સિરિયલના એપિસોડમાંથી ફકત પરિવેશ બદલાવી ગુજરાતી વાર્તા લખવામાં આવે છે. પરદેશી વનલાઇનર્સ કે હાસ્યલેખો પોતાના નામે ચડાવીને દેશી ઢબછબમાં પીરસી દેવાય છે. સતત વિદેશી સામયિકોના લેખોના કોઇ જ સંદર્ભના ઉલ્લેખ વિના ગુજરાતી વાચકોને અનુવાદ આપનાર નોલેજ મેગેઝીન્સ પાછું ઉછળી ઉછળીને પશ્ચિમની સંસ્કૃતિની ટીકા કરી ભારતીય સંસ્કૃતિના વખાણ કરે, ત્યારે જરૂર થાય કે શું ‘ચોરી મેરા કામ’ એ જ ઇન્ડિયન કલ્ચર હશે?
મહાન સાઘુસંતોના બેનરમાં નેટ પરથી ગુપચાવાયેલી તસ્વીર ઠંડા કલેજે ચોંટાડીને સત્યનો જયજયકાર બોલાવાય છે! ફિલ્મી ગીતોના ઢાળમાં ભજન કમ્પોઝ કરીને ધર્મસિદ્ધાંતની વાહવાહી ઉઘરાવાય છે! કોપીમિઝમ એ આપણું નેશનલ મેનરિઝમ છે. આંખો પટપટાવવા જેવી સાહજીક ક્રિયા-પ્રતિક્રિયા છે!
* * *
કોપીમિઝમનો ભારતીય ‘આદર્શ’ (?) રમતો મુકનાર ઇસાક પણ અંતે તો પાશ્ચાત્ય જીન્સ ધરાવતો હોઇને સાવ નફફટ કે કાનુનભંજક થઇ શકતો નથી. એ ય કહે છે ‘સ્પ્રેડ ધ ઇન્ફોર્મેશન. કોપી, પેસ્ટ એન્ડ રેફરન્સ!’
યસ, રેફરન્સ. યાને સંદર્ભ. સંદર્ભો ટાંકવા અને નકલ મારવી, એ બે વચ્ચે પાતળી નહંિ, જાડીભમ ભેદરેખા છે. સંદર્ભો ટમેટાના સૂપમાં પડતા ડુંગળી- લસણ- મરચાં જેવા છે. એ સૂપને ચટાકેદાર અને ગુણકારી બનાવે છે. પણ સુપ ટમેટાનો હોવો જોઇએ, ડુંગળી- લસણ- મરચાનો નહંિ! મુદ્દો પ્રમાણભાનનો તો છે જ. ઘડીએ ઘડીએ પારકા કવોટસ જ ટાંકનાર લેખક-વકતા પોતાને શું કહેવાનું છે, એ ગુપચાવી દે એમ ન ચાલ. એણે જે કહેવાનું છે, એને વઘુ અસરકારક અને મજબૂત બનાવવા માટે ટૂચકા- વાર્તા- શેર- કાવ્ય- કવોટ- ઉદાહરણો આપવાના છે. પણ મુદ્દો એ ય છે કે કેવળ રેફરન્સથી ક્રિએશન ના થાય. મૂળ નિરીક્ષણ કે વિચારની દીવાલ પર સંદર્ભોની બારી હોવી જોઇએ. પણ બારી દીવાલની જગ્યા લઇ લે, તો પછી ન બારી રહે, ન દીવાલ! પોતાની આગવી રસાળતામાં બોળેલા તારણોને પોલિશ્ડ કરીને ચમકાવવા રેફરન્સ છે ઢાંકવા માટે નહંિ!
પ્રવાસવર્ણન કરતા હોઇએ તો કેટલીક અફર માહિતી આવે. સૂર્યમાળાની વાત કરો તો ગ્રહોના નામ તો એના પર રૂબરૂ ગયા વિના પણ ટાંકવા જ પડેને! મૌલિકતાના કે નમ્રતાના અંચળા હેઠળ કંઇ ખોટી વાત થોડી લખાય! પણ સંદર્ભ કયાં પૂરો થાય છે અને નકલ કયાં શરૂ થાય છે, એનો વિવેક રાખવો પડે. કયારેક એવું ય બનતું હોય છે કે એકબીજાથી અજાણ એવા બે જણને એકસરખો લાગતો વિચાર મનમાં આવી શકે. જેમાં કોપીનો ઇરાદો ય ન હોય, છતાં દૂર બેસીને જોનારને છાપ કોપીની પડે.
પણ વિચારનું કંકાલ જ નહંિ, અંત- શરૂઆત- રૂપ- સ્વરૂપના માંસ- મજ્જા- ચેતા- ત્વચા બઘું જ સરખું લાગે, ત્યારે એ કેવળ પ્રેરણા કે યોગાનુયોગનો મામલો રહેતો નથી. મૂળ તો વિભા-ઇતિહાસ જેવા માહિતીલેખોમાં રેફરન્સ આવે અને વાર્તા, કવિ સ્ક્રિપ્ટ જેવા ‘ફિકશનલ’ સાહિત્યમાં રેફરન્સ આવે એ બાબતમાં બુનિયાદી ફર્ક છે. પહેલામાં સંદર્ભ અનિવાર્ય જરૂરિયાત છે. પણ બીજામાં કોઇની વાર્તા- કવિતા પોતાના નામે ચડાવી લેવી એ લીગલ એન્ડ મોરલ ક્રાઇમ છે. જરૂર દરેકને કયાંકથી પ્રેરણા મળતી હોય છે, પણ પ્રેરણાનું સ્થાન ગર્ભાધાનમાં શુક્રકોષ જેવું અને જેટલું હોય, જેનાથી પંિડ રચાય- પણ આખો દેહ એનો જ બનેલો ન હોય!
ઓ હેનરીની એક વાર્તાના આધાર પરથી ‘રેઇનકોટ’ ફિલ્મી બનેલી, એવું નિર્દેશક રૂતપર્ણોએ એન્ડ ક્રેડિટસમાં જણાવ્યું છે. આ ખરી પ્રેરણા છે, કારણ કે એ કહે તો માવજત એટલી વેગળી અને મૌલિક છે કે વાર્તા વાંચ્યા પછી તરત ફિલ્મ જુઓ તો યે ખ્યાલ ન આવે! માટે કોઇ મેજર ઇન્ફોર્મેશનને ઓર્થેન્ટિક રીતે રજૂ કરવા અચૂકપણે એને સંદર્ભ / સોર્સ ટાંકવો જોઇએ. એ વારંવાર રસભંગ કરશે એવું લાગે, તો ‘ડિસ્કલેઇમર’ પ્રકારે આગોતરી કે પાછોતરી જાહેરાત કરીને એ રેફરન્સને ક્રેડિટ / આભાર અપાવા જોઇએ.
આવું ન થાય તો? તો ૠષિઓએ ભલે ભલાઇના ઇરાદાથી જ્ઞાન નીચે સહી કરવાની ના પાડી, પણ એના પરિણામ એ આવ્યા કે સંશોધકો- સર્જકોની કદર અને એમને મળતાં વળતરનો જ છેદ ઉડી ગયો. પરિણામે વિજ્ઞાન અને કળા બંનેમાં ભારત તકલાદી નકલખોર બની ગયું. અને શ્રેષ્ઠ સર્જકો- સંશોધકો કાં દેશ છોડતા ગયા, કાં કંટાળીને- કંગાલ બનીને પોતાનું ક્ષેત્ર જ છોડતા ગયા. પશ્ચિમે કોપીરાઇટને ‘રાઇટ ટુ કોપી’ ન બનવા દેવા પર સજજડ ઘ્યાન આપ્યું, એટલે ત્યાં મૌલિક સર્જકતા- સંશોધન- વિજ્ઞાન- સાહિત્ય- કળાને પડકાર મળતાં એ વઘુ તેજ બની, અને પ્રોત્સાહન મળતાં એ વઘુ વિસ્તરી. એડવાન્ટેજઃ ક્રિએટર એન્ડ યુઝર બોથ!
જો કે, ફોરેન કોપીરાઇટ એકટસ કયારેક અવ્યવહારૂ બની જાય એટલા જડ અને કડક છે. આપણે નકલખોરીના છેડે છીએ તો એ વઘુ પડતા પ્રોટેકશનના અંતિમે ઉભા છે. જેના નિયમોની જફા કે શિસ્તના આગ્રહોથી મેંગો પીપલ થાકી જાય, અને બળવો કરવા પ્રેરાય! આમ પણ, ઇન્ટરનેટના યુગમાં કોઇપણ તસ્વીર કે લેખ ઓનલાઇન મૂકવી અને પછી એનો કોઇ ઉપયોગ કયાંય પૂર્વમંજુરી વિના કરે જ નહંિ એવા ફેન્ટેસી ડ્રીમ્સ જોવા- એ જાણે જંગલી અને ભૂખ્યા વાઘ- દીપડા- સંિહથી ઉભરાતા જંગલની વચ્ચે ઉભા રહી, એ શાકાહારી હશે એવા જૂઠા ખ્વાબ જોવા બરાબર છે! જો બહુ વ્હાલું હોય, તો એવી ચીજ ઓનલાઇન મૂકવી જ નહંિ, અને મૂકો તો એના જોખમો સસ્મિત સ્વીકારી લેવા અને સતત કાળો કકળાટ ન કરવો.
જો કે કકળાટિયા શેરબકોરિયા થનગનભૂષણો બે અવતરચિન્હોની વચ્ચે જ લેખ લખતા (!) હોય, એવું ક્યારેક લાગે. હરખપદૂડાઓ વળી ‘આ બઘુ તો ગૂગલંિગ છે’ એવા સેલ્ફ મેઇડ ચૂકાદા આપે. વાસ્તવમાં એ ખુદ એટલા ‘નેટાધારિત’ હોય છે કે એમને એમ લાગે છે કે બધા પોતાના જેવા ઉઠાવગીર હશે! એલ.ઓ.એલ. મૂળ તો, ગૂગલંિગ કોઇ ખરેખર કરે તો ખબર પડે કે બઘું કંઇ એમ ઇન્ટરનેટ પર હોતું નથી, ને હોય છે એની નકલ ખરેખર થતી નથી! રિયલ કન્ટેન્ટ પણ આજના સાઇબરયુગમાં શક્ય છે.
મોટેભાગે દરેક સર્જનાત્મક ઇન્સાન કોઇની અજાણતા પણ પ્રેરણા કે નકલ લઇને આરંભ કરતો હોય છે. કિશોરકુમાર સાયગલના અવાજમાં ગાતો, માઘુરી અંગપ્રદર્શન કરીને આઇટેમ ડાન્સ કરતી. પણ પછી ‘ગ્રોથ’ યાને વિકાસ, ઉત્ક્રાંતિ થતાં એને અંદર છુપાયેલો પોતાની ટેલન્ટ, પોતાનો અવાજ મળે છે. કમનસીબે, ઘણાંને એ આખી જીંદગી જડતો નથી કારણ કે, પારકા અવાજોના ઢગલાની નીચે એ દબાઇ જતો હોય છે! અને સમાજ કોપીમિઝમથી લાજવાને બદલે ગાજયા લાગે છે! ઓરિજીનાલિટી કમ ફ્રોમ ઓનેસ્ટી!
ફાસ્ટ ફોરવર્ડ
‘મોટાભાગના લોકો ‘બીજા’ની જીંદગી જીવે છે, એમને વિચારો કોઇના અભિપ્રાયો હોય છે. એમની જીંદગી મિમિક્રી હોય છે, અને એમનું પેશન કોઇનું કવોટેશન હોય છે!’
-ઓસ્કાર વાઇલ્ડ

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

દેશી બીટ પર લેવાતો એરોબિક્સનો આનંદ
વુલન કેપ્સ ઃ ફેશન પણ અને સુરક્ષા પણ
 

Gujarat Samachar Plus

બોર્ડમાં બેડો પાર કરવા લાતૂર પેટર્ન ફોલો કરો
ફાઈવ સ્ટાર હોટેલના શેફે શિખવાડી આંગણવાડીની બહેનોેને રેસીપી
હેરિટેજની બાંગો મારતા મ્યુનિ.પાસે સાઈનબોર્ડના પૈસા નથી
હવે ડક્ટ ટેપ પેર્ટન ફેશનમાં ઈન
પરીક્ષાની તૈયારી કરતી સમયે શું વાંચવું યોગ્ય છે?
સ્પેશિયલ હોમ ડેકોર ઈન એવરી સીઝન
  More Stories
 
 

Live Updates...

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

આઈ.ડી ઈન્ટીટ્યુટ મેડિકલ ગારમેન્ટનો ફેશન શા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved