જૂના જમાનામાં જે કામ શરાફો કરતા હતા એ સોના સામે જોઈએ ત્યારે લોન આપવાનું કામ આજના જમાનામાં નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ કરી રહી છે
સુરતમાં રહેતા અશોક વિશ્વકર્માની પત્નીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે તાત્કાલિક તેમને ૨૫,૦૦૦ રૃપિયાની જરૃર ઊભી થઈ. તેઓ જો બેન્કમાં પર્સનલ લોન લેવા જાય તો તેમાં દિવસો નીકળી જાય તેમ હતું એટલે તેઓ પોતાની પત્નીના દાગીના લઇને સુરતમાં શાખા ધરાવતી દક્ષિણ ભારતની એક નોન બેન્કીંગ ફાઇનાન્સ કંપનીમાં લોન લેવા ગયા. તેમને માત્ર ૧૫ મિનિટમાં સોનાના દાગીના સામે ૨૫,૦૦૦ રૃપિયાની લોન મળી ગઇ અને તેમનું કામ થઇ ગયું. જો કે અશોક વિશ્વકર્માને જયારે જાણ થઇ કે બેંકમાં ૧૨ થી ૧૬ ટકાના વ્યાજ દરની સામે ફાઇનાન્સ કંપનીએ તેમની પાસે ૩૨ ટકાના દરે વ્યાજ વસૂલ કર્યું હતું ત્યારે તેમને આંચકો લાગ્યો હતો. ભારતમાં સુવર્ણ સામે લોન આપતી નોન બેન્કીંગ ફાઇનાન્સ કંપનીઓનો વધી રહેલો નફો જોઇને હવે કેટલીક બેંકોએ પણ આ ધંધામાં ઝંપલાવી દીધું છે. ભારતના લાખો લોકો અચાનક રૃપિયાની જરૃર પડે ત્યારે સોના સામે લોન લે છે પણ ભારે વ્યાજનો દર આપીને તેઓ છેતરાય પણ છે.
અર્થતંત્રનાં સાધનો કહે છે કે ઇ.સ. ૨૦૦૨ અને ૨૦૧૦ વચ્ચે સોના સામે લોન આપવાનો ધંધો વાર્ષિક ૩૫ થી ૪૦ ટકાના દરથી વિકાસ પામી રહ્યો છે. તેમાં પણ ઇ.સ. ૨૦૧૧ની સાલમાં તો આ ધંધો બમણો થઇને આશરે ૭૫,૦૦૦ કરોડ રૃપિયા ઉપર પહોંચી ગયો છે. તેનું મુખ્ય કારણ એ છે કે સોના સામે લોન આસાનીથી મળી જાય છે અને સોનાના ભાવો સતત વધતા રહેતા હોવાથી ફાઇનાન્સ કંપનીઓને પણ તેમાં સુરક્ષા જણાય છે. ઇ.સ. ૨૦૧૧ દરમિયાન સોનાના ભાવોમાં ૩૬ ટકાનો વધારો થયો છે. અર્થકારણના પંડિતો કહે છે કે જયાં સુધી સોનાના ભાવો વધતા હશે ત્યાં સુધી આ ધંધામાં વાંધો નહીં આવે, પણ જો સંયોગોવશ સોનાના ભાવો તૂટવા લાગ્યા તો આ પ્રકારનો ધંધો કરતી અનેક કંપનીઓ દેવાળું પણ કાઢી શકે છે. આવું બને તો આ કંપનીઓને નાણાં ધીરનાર મ્યુચ્યુઅલ ફંડો પણ મુશ્કેલીમાં મુકાઈ જાય તેમ છે.
જો કોઇ બેન્ક પાસે લોન લેવા જઈએ તો તેનાં કડક ધારાધોરણોનું પાલન કરવું પડે છે. કેવાયસી (નો યોર કસ્ટમર) ના નિયમ મુજબ એડ્રેસ પ્રૂફ અને આઇ-ડી કાર્ડ વગર ખાતું ખોલાવી શકાતું નથી અને લોન મળતી નથી. ફાઇનાન્સ કંપનીઓ કેવાયસીની ઉપેક્ષા કરીને ૧૫ મિનિટમાં ખાતું ખોલાવ્યા વિના લોન આપી દે છે. બેંકોએ વ્યાજની બાબતમાં રિઝર્વ બેંકનાં ધારાધોરણો પાળવા પડે છે અને તેઓ નક્કી કરેલા દર કરતાં વધુ વ્યાજ લઇ શકતા નથી. ફાઇનાન્સ કંપનીઓ ૨૬ થી ૩૨ ટકા વ્યાજ ચાર્જ કરે છે, જેને કારણે તેમનો નફાનો ગાળો પણ મોટો હોય છે. તેઓ કોઇ ગેરન્ટર પણ માંગતા નથી. જો ગ્રાહકો તેમની પાસેથી લોન લીધા પછી પાછા ન આવે તો તેમની સમક્ષ દાગીના વેચવા સિવાય કોઇ વિકલ્પ રહેતો નથી. એચડીએફસી જેવી બેંકો દાગીનાની કિંમતના ૭૦ ટકા જેટલી લોન આપે છે, પણ મન્નાપુરમ અને મુથૂટ ફાઇનાન્સ જેવી કંપનીઓ ૮૫ થી ૯૦ ટકા જેટલી લોન આપે છે. જો સોનાના ભાવોમાં કડાકો બોલી જાય તો આ કંપનીઓ ફડચામાં પણ જઇ શકે છે.
નોન બેન્કીંગ ફાઇનાન્સ કંપનીઓ હકીકતમાં બેન્કીંગ સિસ્ટમ પાસેથી જ લોન લઇને પોતાનો કારોબાર ચલાવતી હોય છે. મુથૂટ ફાઇનાન્સ કંપનીએ ઇ.સ. ૨૦૧૧-૧૨ના વર્ષમાં કુલ ૧૮,૧૦૯ કરોડ રૃપિયા બેન્કો અને નાણાં સંસ્થાઓ પાસેથી ઉધાર લીધા છે. તે પૈકી ૭,૫૯૨ કરોડ રૃપિયા તેણે બેન્કો પાસેથી વ્યાજે લીધા છે અને ૫,૮૪૯ કરોડ રૃપિયા તેણે ડિબેન્ચરોના માધ્યમથી મૂડીબજારમાંથી ઊભા કર્યા છે. આ રીતે ઇ.સ. ૨૦૧૧ ની ૩૧મી માર્ચે મન્નાપુરમનું કુલ દેવુ, ૫,૬૫૩ કરોડ રૃપિયા હતું. જયાં સુધી સોનાના ભાવો વધી રહ્યા હોય ત્યાં સુધી આ કંપનીઓને વાંધો આવવાનો નથી, કારણ કે ગ્રાહકો સોનું પાછું મેળવવા રૃપિયા પાછા ચૂકવવાના છે. પરંતુ સોનાના ભાવોમાં જો ૩૫ થી ૪૦ ટકાનો કડાકો બોલી જાય તો દાગીના સામે લોન લેનારા અનેક ગ્રાહકો લોન પાછી આપવા ન આવે તેવું પણ બની શકે છે. આ સંયોગોમાં નોન બેન્કીંગ ફાઇનાન્સ કંપનીઓ પોતાનું દેવું કેવી રીતે ભરપાઇ કરે એ સવાલ રહે છે. જો અમુક મોટી નોન બેન્કીંગ ફાઇનાન્સ કંપનીઓ ઉઠી જાય તો તેમના ડિબેન્ચરોમાં નાણાં રોકનારા ઇન્વેસ્ટરોની હાલત પણ રાતા પાણીએ રોવા જેવી થઇ શકે છે.
સોના સામે લોન આપતી કંપનીઓની બીજી મુશ્કેલી દાગીનાનો સંગ્રહ કરવા માટે સલામત વ્યવસ્થાની છે. આ કંપનીઓની જે બ્રાન્ચો દ્વારા સોના સામે લોન આપવામાં આવતી હોય એ તમામમાં લોકર અથવા સ્ટ્રોંગ રૃમની સુવિધા હોવી જરૃરી છે. આ બાબતમાં ફાઇનાન્સ કંપનીઓ બહુ પછાત છે. જે વ્યકિતને લોન આપવામાં આવે છે તેના દાગીના તેના દસ્તાવેજો સાથે પ્લાસ્ટિકના પાઉચમાં પેક કરવામાં આવે છે અને ઉદ્યોગના ધારાધોરણ મુજબ બનાવવામાં આવેલા સ્ટ્રોંગ રૃમમાં મૂકવામાં આવે છે. ઘણી કંપનીઓ પાસે સ્ટ્રોંગ રૃમની સુવિધા હોતી નથી. તેઓ અન્ય બેંકોના લોકરમાં પોતાના દાગીના મૂકવા જાય છે. આ પ્રક્રિયામાં દાગીના લૂંટાઇ જવાનો અથવા ચોરાઈ જવાનો ભય રહે છે.
ભારતની પ્રજા તેમના સુવર્ણ પ્રેમ માટે જાણીતી છે. ઇ.સ. ૨૦૧૧ની સાલમાં ભારતમાં આશરે ૧,૦૦૦ ટન સોનાની આયાત કરવામાં આવી છે, જેની આજના બજાર ભાવે કિંમત આશરે ૨,૮૦,૦૦૦ કરોડ રૃપિયા થવા જાય છે. છેલ્લાં બે વર્ષમાં સોનાની કિંમતમાં ૬૩ ટકા જેટલો વધારો થયો હોવાથી સોના પાછળનું ગાંડપણ વધ્યું છે. ભારત પાસે આશરે ૧૮,૦૦૦ ટન જેટલું સોનું હોવાનો વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો અંદાજ છે. આજના બજાર ભાવે તેની કિંમત આશરે ૫૦ લાખ કરોડ રૃપિયા અથવા ૧૦૦૦ અબજ ડોલર જેટલી થાય છે. ભારતના સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ તમામ કંપનીઓનું જેટલું માર્કેટ કેપિટલાઇઝેશન છે તેના ૯૦ ટકા જેટલી રકમ સોનામાં રોકાયેલી છે. બીજા શબ્દોમાં ભારતની સોનાની બજાર કદમાં લગભગ સ્ટોક માર્કેટ જેટલી જ છે.
એક સમય એવો હતો કે નેશનલાઇઝડ બેંકમાંથી સોના સામે લોન લેવી હોય તો જાતજાતના દસ્તાવેજો સુપરત કરવા પડતા હતા અને દિવસો સુધી ચેકની રાહ જોવી પડતી હતી. હવે મુથૂટ ફાઇનાન્સ અને મન્નાપુરમ જેવી કંપનીઓએ આ બાબતમાં ચિત્ર બદલી કાઢયું છે. કોઇ પણ વ્યકિત વોટર આઈ-કાર્ડની ઝેરોક્ષ કોપી અને દાગીના લઇને આ કંપનીઓની બ્રાન્ચમાં જાય તો ૧૫ મિનિટમાં રોકડા રૃપિયા લઇને બહાર આવી શકે છે. મુથૂટ ફાઇનાન્સ કંપનીનો ધંધો ઇ.સ ૨૦૦૭ની સાલમાં ૧૪૫૦ કરોડ રૃપિયાનો હતો જે ઇ.સ. ૨૦૧૧માં ૧૧ ગણો વધીને ૧૫,૮૭૦ કરોડ રૃપિયા ઉપર પહોંચી ગયો છે. મુથૂટ ફાઇનાન્સની ભારતમાં ૩૨૭૪ શાખાઓ ખૂલી ગઈ છે. મન્નાપુરમ કંપનીએ તો તેના કરતાં પણ વધુ ઝડપી વિકાસ કર્યો છે. ઇ.સ. ૨૦૦૯માં તેમનો ધંધો ૪૦૦ કરોડ રૃપિયાનો હતો જે ઇ.સ. ૨૦૧૧માં ૧૫ ગણો વધીને ૬૩૭૦ કરોડ રૃપિયા પર પહોંચી ગયો હતો. ઇ.સ. ૨૦૦૯માં તેમની ૬૪૪ શાખાઓ હતી, જે ૨૦૧૧માં વધીને ૨,૧૯૨ પર પહોંચી ગઇ હતી.
ભારતમાં ગોલ્ડ લોનનો જે ધંધો છે તે પૈકી ૫૮ ટકા ધંધો બેંકોના હાથમાં છે અને ૩૨ ટકા ધંધો ખાનગી કંપનીઓના હાથમાં છે. બાકીનો ૧૦ ટકા ધંધો નાની કો-ઓપરેટિવ બેંકોના હાથમાં છે. ખાનગી ક્ષેત્રના હાઝતમાં જે ધંધો છે તે પૈકી ૯૦ ટકા ધંધો મુથૂટ અને મન્નાપુરમના હાથમાં છે. ખાનગી ક્ષેત્રની એચડીએફસી બેંકે પણ છેલ્લાં બે વર્ષથી ગોલ્ડ લોનના ધંધામાં ઝંપલાવી દીધું છે. આ બેંક પણ ખાનગી ફાઇનાન્સ કંપનીઓની જેમ પાંચ મિનિટમાં દાગીના સામે લોન આપવાનો દાવો કરે છે. જો કે એચડીએફસી બેંક સોનાની કિંમતના ૭૦ ટકા કરતાં વધુ લોન આપતી ન હોવાથી તેના જોખમનું પ્રમાણ ઓછું છે. ઇન્ડિયન બેંક અને ઇન્ડિયન ઓવરસીઝ બેંક જેવી સરકારી બેંકો પણ ધંધામાં છે, પણ તેઓ સોનાની કિંમતના ૫૫ થી ૬૦ ટકા કરતાં વધુ લોન આપતી નથી.
મુથૂટ ફાઇનાન્સ અને મન્નાપુરમ ગોલ્ડ કંપનીની ઘણી બ્રાન્ચો નાનાં શહેરોમાં આવેલી છે. અહીંના લોકો લગ્નના ખર્ચા કાઢવા કે બીમારીમાં સારવાર માટે આ કંપનીઓમાં પોતાના દાગીનાઓ ગિરવે મૂકે છે અને લોન લે છે. મોટા ભાગના લોકો ૧૦,૦૦૦ રૃપિયા કે ૨૦,૦૦૦ રૃપિયા જેવી નાની રકમની લોન લેતા હોય છે. લોનની મુદત પણ તેમની સવલત મુજબ ગોઠવી આપવામાં આવે છે. કોઇ વ્યકિત મુદત કરતાં વહેલી લોન ભરપાઇ કરે તો તેની પાસે કોઇ પેનલ્ટી લેવામાં આવતી નથી. આ કંપનીઓ દ્વારા વિવિધ મુદતની લોનના વ્યાજની ગણતરી એટલી અટપટી રીતે કરવામાં આવે છે કે ગ્રાહકને ખ્યાલ પણ નથી આવતો કે તેણે કેટલા ટકા વ્યાજ ચૂકવ્યું છે.
જૂના જમાનામાં ગામના શરાફો અડધી રાતે પણ દાગીના સામે લોન આપીને લોકોની સેવા કરતા હતા. તેેને કારણે ગામડાંના લોકોની ધિરાણની આવશ્યકતા સંતોષાઇ જતી હતી. આ શરાફો લોકોનું શોષણ કરે છે એવા આક્ષેપો કરીને શરાફોને બદનામ કરવામાં આવ્યા અને તેમના ધંધાને મુશ્કેલ બનાવી દેવામાં આવ્યો હતો. સરકારી બેંકો અને ખાનગી બેંકો શરાફો દ્વારા પેદા થયેલો શૂન્યાવકાશ ભરી શકી નથી, કારણ કે પશ્ચિમી પદ્ધતિએ કામ કરવાને ટેવાયેલી આ બેંકો ભારતની પ્રજાની જરૃરિયાત સમજી અને સંતોષી શકી નથી. જૂના જમાનામાં જે કામ શરાફો કરતા હતા એ કામ આજે નોન બેન્કીંગ ફાઇનાન્સ કંપનીઓ કરી રહી છે.
- સુપાર્શ્વ મહેતા