વોશિંગ્ટન, તા. ૨૭
અમેરિકા એફ-૩૫ વિમાનો તો ખરીદશે પરંતુ, છુપાઈને પ્રહાર કરી શકે તેવા સ્વીધ વિમાનો ઓછા પ્રમાણમાં ખરીદશે તેટલું જ નહીં પરંતુ તેની ભૂમિ સેના અને મરીન્સમાં પણ ઘટાડો કરશે તેમ જ કેટલાંક સૈન્ય મથકો પણ બંધ કરશે. આ રીતે, આગામી ૧૦ વર્ષમાં તે ૪૮૭ અબજ ડોલરનો ખર્ચ ઘટાડશે. મરીન્સ અને ભૂમિ સેનામાં આગામી પાંચ વર્ષમાં જ ૯૨ હજાર સૈનિકો ઘટાડવામાં આવશે.
૯૨ હજાર સૈનિકોને છૂટા કરાશે ઃ કેટલાક સૈન્ય મથકો બંધ કરાશે
આ માહિતી આપતાં અમેરિકાના સંરક્ષણ પ્રધાન લીઓન પેનેટાએ પત્રકારોને જણાવ્યું હતું કે આ ઘણું જ મુશ્કેલ કામ છે, મુશ્કેલ પડકાર પણ છે. કોઇએ આ મુશ્કેલીને ઓછી આંકવી ન જોઈએ. પરંતુ સાથે અંદાજપત્રીય ખાધ ઘટાડવી તે પણ એક ખૂબ મોટી સમસ્યા છે. વાત કરવી સહેલી છે પરંતુ કશું કરવું તે ખૂબ મુશ્કેલ છે.
એવું લાગે છે કે ઇરાક અને અફઘાનિસ્તાનમાં મળી છેલ્લાં દસ વર્ષથી સતત સંગ્રામ ખેડી રહેલાં અમેરિકાને પણ હવે થાક લાગ્યો છે. પરંતુ, બીજી તરફ કેટલાક નિષ્ણાતો તેમ માને છે કે, અમેરિકા કદાચ આ રીતે પોતાને જ છેતરી રહ્યું છે.
બીજી તરફ અમેરિકા સમક્ષ સૌથી મોટો પડકાર તો દુનિયમાં સૌથી વધુ બળવાન દેશ તરીકે ટકી રહેવાનો છે.
ચીન અંગે, કેટલાક સમીક્ષકો પૂરી શંકા સેવી રહ્યા છે. પરંતુ, ચીનના હુજીન તાઓએ તેમ કહ્યું છે કે ચીન તરફથી કોઇ ભય રાખવાનું કોઈને (અમેરિકાને) કશું કારણ નથી.
આમ છતાં અમેરિકાનાં સંરક્ષણ મંત્રાલયનાં મુખ્ય મથકેથી બોલતાં પેલેટાએ અમેરિકાની કોંગ્રેસ (સંસદ)ને અપીલ કરી છે કે, તે હવે વધુ કાપકૂપ ન કરે. કારણ કે તેથી સૈન્ય બળ ખોખલું થઇ જશે.
આ સાથે તેમણે તેમ પણ જણાવ્યું હતું કે, ભલે સૈનિકોની સંખ્યા ઘટે પરંતુ, તેની સ્થિતિ-સ્થાપકતા વધવી જોઈએ. અમેરિકા નવાં એફ-૩૫ વિમાનો ખરીદશે, પરંતુ સ્વીધ વિમાનોની ખરીદીમાં કાપ મુકશે.
એશિયા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનો અનુરોધ કરતાં અમેરિકાના સંરક્ષણ પ્રધાને કોંગ્રેસ (સંસદ)ને તેમ પણ જણાવ્યું હતું કે '૧૧મી સપ્ટેમ્બર ૨૦૦૧ પૂર્વેની વ્યવસ્થામાં દેશને લઇ જવાથી દેશ સમક્ષ ગંભીર ખતરો પણ ઉભો થઇ શકશે.' |
|